Wednesday, October 14, 2020

મનુભાઈ પંચોળી "દર્શક" વંદના

 


        મનુભાઈ રાજારામભાઈ પંચોળી "દર્શક" આપણાં ગરવી ગુજરાતનાં જાણીતા કેળવણીકાર, નવલકથાકાર,નાટ્યકાર, નિબંધકાર, કેળવણીકાર તથા સમાજસેવક હતા. તેમનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૧૪ના દિને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી જિલ્લામાં આવેલા પંચાશીયા ગામે થયો હતો. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ તીથવા-લુણસર ગામમાં તથા માધ્યમિક શિક્ષણ વાંકાનેર નગરમાં લીધું હતું. તેમણે આ દરમ્યાન નવમા ધોરણમાં અભ્યાસ કરતી વખતે ઈ.સ. ૧૯૩૦ ના મીઠાના કાયદાની લડતમાં ભાગ લેવા ગાંધીજીથી પ્રેરાઇને પોતાનો અભ્યાસ પડતો મૂક્યો હતો. તત્કાલીન રાષ્ટ્રીય આંદોલનથી પ્રેરાઈને અભ્યાસત્યાગ કર્યા પછી તેઓ આઝાદી મળી ત્યાં સુધી સ્વાતંત્ર્યલડતમાં સક્રિય રહ્યા હતા અને તેથી એમને જેલવાસ પણ થયો હતો. આજે એમના જમદિવસ નિમિત્તે દર્શકદાદાના ચરણોમાં સાહિત્યવંદના. 

     ઇ. સ ૧૯૩૩માં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં ગૃહપતિ તરીકે કારકિર્દીનો આરંભ કર્યો અને ૧૯૩૮ થી આંબલામાં ગ્રામદક્ષિણામૂર્તિ લોકશાળામાં અધ્યાપક અને ત્યારબાદ ૧૯૫૩ થી સણોસરમાં લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે સેવાઓ આપી.તેમજ ત્યાંનાં નિયામક અને મૅનેજિંગ ટ્રસ્ટી પણ બન્યા હતા. ૧૯૪૮માં ભાવનગર રાજ્યના જવાબદાર પ્રજાતંત્રમાં શિક્ષણપ્રધાન બન્યા અને ૧૯૬૭ થી ૧૯૭૧ સુધી ગુજરાત વિદાનસભાના સભ્ય અને એ દરમિયાન ૧૯૭૦માં ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી રહ્યા તેમજ  ૧૯૮૦ સુધી રાજ્ય શિક્ષણ સમિતિના સભ્ય તરીકે સેવાઓ આપી અને ગુજરાત રાજ્યમાં કેળવણીની જ્યોત જલાવી. 

       આ દરમ્યાન પણ તેમણે પોતાનું સાહિત્ય લખવાનું કાર્ય ચાલુ રાખ્યું અને સાહિત્યજગતને ઉત્તમ પુસ્તકોની ભેટ આપી. એમની કૃતિઓમાં ઝેર તો પીધા છે જાણી જાણી, સોક્રેટિસ, વિશ્વશાંતિની ગુરુકિલ્લી, ભેદની ભીંતયુંને આજ મારે ભાંગવી, મારી વાચનકથા, બંધન અને મુક્તિ જેવી અનેક કૃતિઓ થકી ગુજરાતી સાહિત્યને ઉજાસ અર્પણ કર્યો. એમણે વિવિધ ક્ષેત્રોમાં કરેલા અમૂલ્ય યોગદાન બદલ એમને પદ્મભૂષણ, રણજિતરામ સુવર્ણચંદ્રક, ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર, સાહિત્ય અકાદમી સન્માન સહિત અનેક સન્માનોથી નવાજવામાં આવ્યા હતા.

                                              મનુભાઈના શબ્દો.. 

      ભણાવવું એટલે શું? ભણાવવું એટલે જ્ઞાન આપવું અને સાથે મર્દાનગી પણ આપવી. આજે શિક્ષણનું મુખ્ય કામ અન્યાય સામે લડવાનું શિખવવાનું છે. આપણાં શિક્ષણમાંથી, સાહિત્યમાંથી એવી તાકાત જન્મવી જોઈએ કે જેથી સામાન્ય માણસ ઊઠીને ઊભો થાય અને અન્યાય-નિવારણ માટે લડત આપે. શિક્ષણનું ખરું કામા છે. ભણેલો માણસ શૂરવીર હોય, સેવા પણ કરતો હોય. સેવામાં મર્દાનગી પ્રગટ થવી જોઈએ, સામાન્ય માણસમાં નૂર પ્રગટવું જોઈએ. શિક્ષણ, સાહિત્ય અને સેવાએ જે કરવાનું છે તે આ કાર્ય છે. શિક્ષણ ખાતર શિક્ષણ નહી, સાહિત્ય ખાતર સાહિત્ય નહી અને તેવી જ રીતે માત્ર સેવા ખાતર જ સેવા નહી પરંતુ ત્રણેયમાંથી શક્તિ પ્રગટ થવી જોઈએ, માણસ બેઠો થવો જોઈએ. આવી તાકાત જો ન નિપજતી હોય તો શિક્ષણ-સાહિત્ય અને સેવા બધુ જ નકામું છે. (મનુભાઈ સાથે વિચારયાત્રા માંથી આભારસહ )


સર્જનવાણી વર્તમાનકાળ યજ્ઞભૂમિ છે, કારણકે ત્યાં ભૂત અને ભવિષ્યનું-બંનેનું મિલન થાય છે. ભૂત તેના વારસા સાથે, ભાવિ તેની આશાઓ સાથે તથા સંભવો સાથે વર્તમાનભૂમિ પર ઊભા છે -દર્શક  

No comments:

Post a Comment