Tuesday, October 12, 2021

સર્જનની સરવાણી-૫૯

                                                 "પ્રત્યેક ખાલી જામ છે, સ્મારક મરીઝનું"


        મરીઝ હવે અમારી સાથે નથી. એનું ફાની શરીર ધરતીની ગોદમાં લપાઈ ગયું. . માટીની અમાનત માટીને પહોંચી ગઈ. હજી ગઈકાલની વાત છે કે મંચો પર સાથે બેસીને અમે ગઝલો લલકારતા હતા.. આજે મંચો બધા સૂના સૂના લાગે છે.. મન માનતું નથી. એની ગેરહાજરી હૃદયમાં શૂળ ભોંકી રહી છે. આ દશામાં એના વિશે શું લખવું એ જ સમજાતું નથી. 

        હા એટલું જરૂર કહી શકાય કે ગુજરાતી ગઝલને એણે માતબર બનાવી. ગુર્જર ગિરાને શેરોનો એવો વારસો સોંપ્યો કે ખુદ સમય પણ એનું પૂરેપૂરું મૂલ્યાંકન નહીં કરી શકે.. પરંપરાની ગઝલનો એક ઝળહળતો સિતારો અચાનક અલોપ થઈ ગયો છે. એનાથી જે શૂન્યાવકાશ સર્જાયો છે એ કદી નહીં પૂરાય. શાયરો તો અનેક આવશે પણ બીજો 'મરીઝ' નહીં પેદા થાય

     બહુ જ સાદી ભાષામાં એણે પોતાના જીવનનો સઘળો નીચોડ દુનિયાને આપી દીધો. એના શેરોમાં ક્યાંય દંભ નહીં મળે., બનાવટ નહીં મળે. એના શેરો જ એની આત્મકથા જેવા છે. પ્રત્યેક શેરમાં એનું જીવન વીતક રજૂઆત પામ્યું છે. 

    સ્પષ્ટ શબ્દોમાં એણે કહી દીધું કે :

               ➡️શાયરીની આ પ્રતિભા

               આંસુઓની આ ચમક

               મારા જીવનમાં જે અંધારું છે

               એનું નૂર છે⬅️

     એણે માત્ર બે ચોપડી સુધીનો અભ્યાસ કર્યો એ પછી જે કૈં હાંસલ થયું એમાં સ્વાધ્યાય હતો. એમનું ભાષાભંડોળ બહુ જ સીમિત હતું. આ એમનું નબળું પાસું એમના માટે આશિર્વાદ બની ગયું. ગઝલના ગહનમાં ગહન વિચારો રજૂ કરવા માટે એમને આડંબરરહિત ભાષા વાપરવી પડી. પરિણામે સહેલા શેરો સર્જાયા જે ચોટદાર હતા, અને એમાં ભારોભાર દર્દ હતું. અરૂઝમાં જે શેરો તદ્દન સરળ હોય અને એમાં ઘેરી ચોટ તેમ જ ઊંડાણ હોય એવા શેરોને ઉત્તમ કોટિમાં મૂકવામાં આવે છે. એવા શેરોને 'સહેલુલ મુમ્તના' કહેવામાં આવે છે. ઉર્દૂ સાહિત્યમાં આવા શેરો મીર અને મોમિન પાસે વિપુલ પ્રમાણમાં જોવા મળે છે

    મોમિનનો શેર હતો

              તુમ મેરે પાસ હોતે હો ગોયા

               જબ કોઈ દુસરા નહીં હોતા

    🟣 આ શેર માટે ગાલિબે પોતાનું સઘળું સર્જન આપી દેવાની તૈયારી બતાવી હતી🟣. એના પરથી સમજી શકાશે કે શેરોની ગુણવત્તા માપવાનો ગજ ગઝલમાં તદ્દન જુદો છે. . શેરોની સરળતા એની શ્રેષ્ઠતાનું પ્રમાણ છે. 

        મરીઝને આ ખૂબી એના અલ્પ શિક્ષણને કારણે અનાયાસ મળી ગઈ હતી. એના કાવ્ય ગ્રંથમાં ભાષાના બોજથી લદાયેલો શેર જવલ્લે જ જોવા મળશે

                                                                                                                                      શૂન્ય પાલનપુરી

No comments:

Post a Comment