Wednesday, October 20, 2021

વિરલ વિભૂતિ : સરદાર વલ્લભભાઇ પટેલ

      

પ્રજા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં સમગ્ર ભારત દેશના જનાદેશ અને લાડપ્રેમ છતાં પણ એકમાત્ર ગાંધીજીના કહેવાથી જ આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન બનવાનું પસંદ કરનાર સરદાર વલ્લભભાઇ પટેલ એટલે અખંડ ભારતના અડીખમ શિલ્પી. ભારતને આઝાદી અપાવવામાં અને ત્યારબાદ પણ પોતાની સૂઝ-બુઝ અને કુનેહથી જેમણે સમગ્ર ભારતને એક તાંતણે બાંધવામાં પોતાની આગવી ભૂમિકા ભજવી એવા આપણા ગુજરાતના લાડીલા સરદારને આઝાદીના આ ૭૪ માં સ્વાતંત્ર્ય પર્વ પર યાદ કરવાનું કેમ ભૂલાય? આપણા વલ્લભભાઇ તો નાનપણથી જ ખુબ જ હોંશિયાર અને બાહોશ વ્યકિતત્વ ધરાવતા હતા.

        પિતા ઝવેરભાઇ અને માતા લાડબાઇને ત્યાં ત્રીજા સંતાન તરીકે તારીખ ૨૧ ઓકટોબર ૧૮૭૫ના રોજ વલ્લભભાઇનો જન્મ થયો હતો. એમનો જન્મ મોસાળ નડિયાદમાં થયો હતો. પિતા ઝવેરભાઇ સામાન્ય ખેડુત હતા, પણ ન્યાય અને નીતિના સારા એવા જાણકાર હોવાથી આસપાસના ગામના લોકો પણ તેમની સમસ્યાઓના સમાધાન માટે તેમની પાસે આવતા હતા. વલ્લભભાઇને એમના પિતા પાસેથી જ દ્‌ઢ-લોખંડી મનોબળ અને નીડરતાના ગુણો મળ્યા હતા. એમના પિતા ઝવેરભાઇ ૧૮૫૭ના સંગ્રામમાં રાણી લક્ષ્મીબાઇના લશ્કરમાં લડયા હતા.

        નાનપણથી જ વલ્લભભાઇ ભણવામાં હોશિયાર હતા. એમના મોટાભાઇ વિઠ્ઠલભાઇની જેમ જ વલ્લભભાઇ પણ અસાધારણ બુદ્ઘિચાતુર્ય ધરાવતા હતા. ગામની શાળામાં જ પ્રાથમિક શિક્ષણ લઇને તેઓ વધારે અભ્યાસ માટે નડિયાદ અને વડોદરા ગયા હતા. ભણતર દરમિયાન જ એકવાર એમની બગલમાં ગાંઠ નીકળી ત્યારે વૈદ્યરાજે ગરમ સળિયા વડે ડામ દેવાનું કહ્યું પણ આવા કુમળા બાળકને ડામ દેવા માટે વૈદ્ય પણ તૈયાર થયા નહીં ત્યારે વલ્લભે જાતે જ એમના હાથમાંથી સળિયો લઇને એ ગાંઠ પર ડામ દઇ દીધો. આ જોનારા સૌ પણ એમની નીડરતા અને એમના મક્કમ મનોબળ પર આફરીન પોકારી ગયા હતા. નેતાગીરીના સર્વમાન્યતાના લક્ષણો તો સરદારમાં નાનપણથી જ પડયા હતા. તેમનામાં માણસને પારખવાની અને માથાથી પગ સુધી માપી લેવાની ગજબની સૂઝ હતી.

         નાનપણથી જ વકીલ બનવા માટે તેઓ બચત કરતા હતા. જયારે બેરિસ્ટર બનવા માટે ઇંગ્લેન્ડ જવાની વાત આવી ત્યારે એમના મોટાભાઇ વિઠ્ઠલભાઇએ પોતે પહેલા જશે અને વલ્લભ પછી જાય એમ કહ્યું તો હસતા હસતા એમની વાત સ્વીકારી લીધી. આવો હતો એમના મોટાભાઇ પ્રત્યેનો એમનો પ્રેમભાવ. વિઠ્ઠલભાઇ બાદ જ બેરિસ્ટર બનેલા વલ્લભભાઇ પટેલે એક સફળ વકીલ તરીકે ખુબ જ નામના મેળવી હતી.

        એમના ધૈર્ય અને અડગતા પણ કમાલના હતા. એકવાર કોર્ટમાં કેસ ચાલુ હતો ત્યારે એમના નામ પર કોઇએક તાર લઇને માણસ આવ્યો. એમણે એ તાર વાંચીને પોતાના ખિસ્સામાં મૂકી દીધો અને પોતાની ધારદાર દલીલો ચાલુ જ રાખી. કોર્ટમાંથી બહાર નીકળતી વખતે એમના મિત્રોએ પૂછયું ત્યારે સમાચાર આપ્યા કે મુંબઇમાં એમના પત્નીનું અવસાનનો એ કાગળ હતો. આવી એમની સ્થિતપ્રજ્ઞા જોઇને સૌ કોઇને એમના પર માન જાગ્યું. ગાંધીજીના આદર્શો અને પ્રભાવથી જ અંજાઇને એમણે ૧૮૧૯માં રાજકારણમાં ઝંપલાવ્યું હતું અને આપણા ભારતદેશની આઝાદી માટે તેમણે ગાંધીજીના માર્ગ પર એક કુશળ સેવકની માફક ચાલ્યા હતા. બારડોલીના સત્યાગ્રહ બાદ એમને લોકોએ “સરદાર” નું બિરૂદ આપ્યું અને તેઓ સમગ્ર ભારતના સરદાર બન્યા.

         આવા આપણા સરદારે આઝાદી બાદ દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો. લોખંડી મનોબળ ધરાવતા આપણા સરદારે રાજનીતિને એક શાશ્વત વિચારધારા સાથે જોડીને પોતાના મુત્સદીપણાના દર્શન કરાવ્યા. મહાત્માં ગાંધીએ એમના માટે કહ્યું કે “ સરદારની શૂરવીરતા, જવલંત દેશદાઝ, અને અનંત ધૈર્યના ગુણોથી હું અજાણ ન હતો પણ તેમણે મને જે પ્રેમની પરમ અનૂભુતિ કરાવી છે તેમના માટે હું સદાય એમનો આભારી રહીશ. મને તેમની લાગણીઓમાં મારી માતાનું સ્મરણ થઇ આવતું. આવા આપણા ગરવા ગુજરાતીને આપણી ગુજરાતની જનતા પણ કઇ રીતે ભૂલી શકે? એમને અંજલી આપવા માટે જ આપણા વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદીએ નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે આવેલા સાધુબેટ પર એમની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમાં બનાવડાવી છે. આજે આપણા સરદાર સમગ્ર વિશ્વના સરદાર હોય એવા પ્રતિત થાય છે. શત્- શત્ વંદન છે આ ભારતમાતાના લાડકા સપૂતને.

No comments:

Post a Comment