Thursday, November 11, 2021

વિવેકાનંદની વાણી: મણકો-૧૧

 

    ભારતીય સંસ્કૃતિની ગરિમાને ઉજળી કરનાર આપણા સ્વામી વિવેકાનંદે સમગ્ર વિશ્વમાંશ્રીમદ્‌ ભગવદ્‌ગીતાના જ્ઞાન અને જીવનના સાચા મૂલ્યની શીખામણ આપી છે. એમના શબ્દો જ એમની હાજરીની પ્રતિતી કરાવી જાય છે. આજે પણ એમની વાણી આપણને પ્રેરણા આપે છે. એમના કેટલાક અંશો..

        હે ! ભારતના યુવાનો આ દુનિયા મહાન કાર્યો અને સર્મપણ કરનારની જ પૂજા કરે છે. સામર્થ્યવાન માણસ જ કાંઇક હાંસલ કરી શકે છે. દુનિયા કાંઇ બાળકોની રમત જેવડી નથી. બીજા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરનારને જ તે ખરા મહાન પુરૂષ બનાવે છે. મહાન બનો અને સતત સર્મપણની ભાવના સાથે જીવન જીવો.

      ખુબ જ ઉચ્ચત્તમ કક્ષાનાં બલિદાન અને આત્મવિશ્વાસની આ દુનિયાને જરુર છે અને એ આપ સમાન યુવાન સિવાય કોઇ પણ કરી શકે નહી. સતત પ્રમાણિક પુરુષાર્થ અને ખંતથી કાર્ય કરતા રહો. નિસ્વાર્થ સેવા અને જીવનના બલિદાન સિવાય મુકિતનો મારગ શકય નથી. ઈશ્વરને સતત જાણતા રહેવંુ, એને સતત માણતા રહેવું, સતત એની હાજરીનો અનુભવ કરવો અને ઈશ્વરમાં જ વિહાર કરવો એ આપણો ધર્મ છે.

     અમેરિકાથી પ્રવાસ પૂર્ણ કરીને આવ્યા બાદ તેઓ વેદાંત ધર્મનો પ્રચાર કરવા માટે સ્વામી વિરજાનંદને ઢાકા મોકલે છે. પણ જતા પહેલા સ્વામી વિરજાનંદ એમ કહે છે કે સ્વામીજી મેં અત્યાર સુધી માત્ર સંન્યાસી તરીકે જ જીવન વિતાવ્યું છે. લોકોને સારી રીતે ઉપદેશ આપવાનું પણ હું જાણતો નથી, એની મારામાં કોઇ આવડત પણ નથી. આ વાત સાંભળીને વિવેકાનંદ એમને વેદનાં દષ્ટાંતથી સમજાવે છે કે તમે સ્વીકાર્યુ કે તમને નથી આવડતું એ જ સાચુ જ્ઞાન છે અને એટલા માટે જ તમે સારામાં સારો ઉપદેશ આપી શકશો. એક સંન્યાસીનું જીવન જ એનો સૌથી મોટો ઉપદેશ છે. બાકી તો અહીંયા બેસીને તમે કોઇ ઉદે્શ્ય હાંસલ કરી શકશો નહીં. મુકિત પામવા માટે લોકસેવા એ જ પ્રભુસેવાનો એક રાજમાર્ગ છે. આપણે માત્ર આપણા કર્મો કરવાના છે, પરંતુ એના ફળની અપેક્ષા કરવાની નથી. આ વાતો સાંભળીને સ્વામી વિરજાનંદ રાજી થાય છે અને સાચા જ્ઞાનની પ્રાપ્તિ કરીને બીજા જ દિવસે લોકસેવા કરવા લાગી જાય છે.

No comments:

Post a Comment