Friday, February 3, 2023

પુસ્તક પ્રસાદ-૨: નોર્થપોલ

 

જીતેશ દોંગાનો પરિચય એમના જ શબ્દોમાં.. 

        મને અડદની દાળ અને બાજરાના રોટલાં ખુબ ગમે છે. સવારે ભાખરી અને સાથે માખણ પણ ગમે. હું પુસ્તકોનો અઠંગ વાંચક. પુસ્તકોની સુગંધનો નશાખોર. એકલો રખડનાર વ્યક્તિ, છતાં ફેમિલીમેન. માવડીયો. સાયન્સ ફિક્શન અને સ્પેસ સાયન્સનો ખુબ જ મોટો ચાહક. મને એસ્ટ્રોનોમી, ફ્યુચર ફિક્શન, ફેન્ટસી ફિક્શન વગેરે વિષયો પણ અતિશય પ્રિય. માનવજીવનની ફિલોસોફીમાં પણ ખુબ રસ. મારું સપનું છે કે એકવાર શબ્દો થકી એવું ફેન્ટસી વર્લ્ડ બનાવવું છે કે જેમાં હું જ્યારે-જ્યારે જાઉં પાછું ન આવવાનું મન થાય! સવારનો કૂમળો તડકો અને રાત્રીનું ઘાટું આકાશ મને ખુબ ગમે. Instrumental મ્યુઝીક અને વર્લ્ડ-સિનેમા પણ અતિશય વ્હાલાં અને હવે એમની નવલકથા વિશેની વાત. 

        કોઈપણ માણસ કે વ્યક્તિ પોતાના જીવનમાં શું કરવા માંગે છે એ વિશે વારંવાર વિચારતો હોય છે અને ઘણીવાર તો અલગ અલગ લોકોના સલાહ સૂચન કે માર્ગદર્શન લઈને પણ પોતાના જીવનની કેડી કંડારવાનો પ્રયત્ન કરતો હોય છે. પરંતુ આ બધાને અંતે પણ ઘણીવાર ઘણા બધા લોકો એવા હોય છે કે જેને પોતાના જીવનનો સાચો માર્ગ મળતો નથી. જીવનમાં સતત અટવાયા કરતા હોય છે અને વિચારતા હોય છે કે હું કયા રસ્તે જઈ રહ્યો છું. હું જીવનમાં શું વિચારું છું શું કરવા માંગુ છું અથવા તો મને કયા કામ કરવામાં હ્રદયપૂર્વક આનંદ મળે છે એની મને જાણ છે આવા ઘણા બધા પ્રશ્નો વર્તમાન સમયમાં દરેકની પાસે છે, પણ શું દરેકને આ પ્રશ્નનો સાચો ઉત્તર મળે છે કે સાચું માર્ગદર્શન મળે છે ?               

          જીતેશભાઈ દોંગાનું પુસ્તક નોર્થ પોલ આપણા  આવા જ કંઈક  કેટલાએ પ્રશ્નોનું  અને એ પ્રશ્નો માંથી ઉઠતી ગડમથલ તરફ આંગળી ચીંધે છે જીવનમાં દરેકનું કંઈક  સ્વપ્ન હોય છે. દરેક વ્યક્તિ હંમેશા કંઇક ખાસ  બનવા માંગતો હોય છે. દરેકને એમ થાય છે કે હું એવી વિશિષ્ટ કારકિર્દી બનાવીશ કે એક ઉમદા કામ કરીશ કે જેનાથી મને જીવનમાં આનંદ મળશે. મારા સ્વપ્નો પૂરા કરીશ અને હું મારા પરિવાર અને માતા-પિતાને પણ અમદા જિંદગી આપવાનો પ્રયત્ન કરીશ. તેમના સ્વપ્નોની સાથે હું મારા જીવનને સાંકળીને ખુશીઓ મેળવી  લઈશ

         પરંતુ શું બીજાની ખુશીમાં આપણને ખુશી મળે છે એવો વિચાર કરતો નોર્થ પોલનો નાયક ગોપાલ કે જે એવું વિચારે છે કે હું એન્જીનીયર બનીશ અને પછી મારા માતા-પિતાની અપેક્ષા પ્રમાણે 40-50 હજારનો પગાર મેળવીશ અને પછી એ સુખી જીંદગી જીવીશ. પરંતુ એન્જિનિયરિંગ કરતા કરતા હર હંમેશ એ વિચારે છે કે શું સાચી દિશામાં જઈ રહ્યો છું. આ બધા કામ કરતા કરતા શું મને રાજીપો થાય છે કે એ કામમાં હું મારું સર્વસ્વ આપી શકું છું કે મને અંતરથી એવું  સુખ મળે છે?  આ એની શોધખોળ એને સતત નવા નવા કામો કરવા માટે પ્રેરણા આપે છે અને તે સાહસ કરીને અલગ અલગ કામો કરતો રહે છે. દરેક માંથી પોતાની ખુશીઓ મેળવવાનો પણ એ પ્રયાસ કરે છે અને આવા તો એ 22 કે તેથી વધારે કામો કરે છે પરંતુ એ પોતાની સાચી ખુશી મજામાં છે તે નક્કી કરી શકતો નથી

         આવું કરતા કરતા તે પોતાનું ભણતર તો પૂરું કરે છે પરંતુ ત્યાં સુધીમાં પણ તે પોતાના જીવનનો માર્ગ કે પોતાને ગમતું કામ એ મેળવી શકતો નથી પછી તે જીવનના સંઘર્ષમાં કંપનીઓ નોકરીઓ માટે ટ્રાયકરે છે. એક બે જગ્યાએ નોકરીઓ પણ મળે છે પણ એ કામ કરવામાં એને એવો આનંદ નથી આવતો. સતત એ એ નવા નવા વિચારો માં જ હોય છે અને અંતે આપણી નોકરીઓ છોડી ને ઘરે આવે છે. પોતાના પિતા સાથે વાત કરે છે અને માતા પિતા ને મનાવી ને તે પોતાના જીવનનો માર્ગ નક્કી કરવા માટે ઘરેથી નીકળી જાય છે. ત્યાંથી તે ગીરના જંગલોમાં જાય છે અને બાવો બનવાનું વિચારે છે પરંતુ ત્યાં પણ તેને સાચો આનંદ તો આવતો જ નથી અને પછી ત્યાં બાવાઓ એને એમ કહે છે કે તું અહીંયા રહેવા કરતાં તે સંસાર અને દુનિયા સામે તને જે પ્રશ્નો છે એ દુનિયા સામે તું નાગો થઈ જા અને દુનિયાને પોતાના પ્રશ્નો પૂછશે એમાંથી તને તારો કોઈ જવાબ મળશે.

            આમ કરતા કરતા તે મુંબઈ પહોંચે છે અને ત્યાં તેને મીરા નામની એક છોકરીનો ભેટો થાય છે, જે પણ આવી જ રીતે પોતાના જીવનના પ્રશ્નોનું સમાધાન મેળવવા માટે એકલી રહેતી હોય છે અને ટેટુ ચિત્ર દોરવાનું કામ કરતી હોય છે. તેની સાથે ગોપાલ પણ પોતાના જીવનનો આનંદ સાચો મેળવવા લાગે છે, પરંતુ આ બધામાં પણ તેને પોતાનું સાચું કામ અને પોતાનો આનંદ હજુ મળ્યો નથી હોતો. તે જીવનના અવનવા સંઘર્ષની સામે લડવાનું શીખી જાય છે. ગોપાલ મીરાની સાથે પોતાના જીવનને વણાયેલું જોતો હોય છે અને ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમ પાંગરે છે. ત્યારબાદ બંને પોતાના સપનાઓ પુરા કરવામાં લાગી જાય છે અને આગળ વધતા લગ્ન કરીને તેઓ મુંબઈની બહાર જંગલ જેવા વિસ્તારમાં પોતાનું એક ઘર બનાવે છે જેને નામ આપે છે નોર્થપોલ. આ નામનો અર્થ બંનેના સપનાઓનું સરનામું બની રહે છે એવો વાંચતી વખતે આપણને લાગે છે અને એમ પણ થાય કે હવે ગોપાલ ને પોતાની મંઝીલ મળી ગયો હશે, પરંતુ વિધિની વક્રતા કંઈક અલગ જ હોય છે. બંને સંસાર પણ માંડે છે અને આગળ વધતા એમને ત્યાં ઈદ નામની છોકરી નો જન્મ થાય છે અને હવે ગોપાલ ને એમ લાગે છે કે આ સંસાર સંપૂર્ણ થયો છે. પરંતુ આવી બધી ગડમથલ ની વચ્ચે પણ એને પોતાના પ્રશ્નોનું સમાધાન તો બનતું જ નથી સતત એ એમાં અટવાયેલો રહે છે.

             આ બધાની વચ્ચે ઇદને કેન્સરનું નિદાન થાય છે અને અમુક સમય ની સારવાર પછી તે મૃત્યુ પામે છે. પછી એ આઘાતમાં ગોપાલ અને મીરા ભાંગી પડે છે પરંતુ ગોપાલ સ્વસ્થતા પૂર્વક મીરાને સંભાળવાનો પ્રયત્ન કરે છે. મીરા પોતાના જીવનને સંભાળી શકતી નથી, એવું એને લાગે છે ત્યારે બંને જણ છુટા પડવાનું નક્કી મીરા એને છોડીને પોતાના જીવનનો માર્ગ નક્કી કરવા માટે જતી રહેવાનું વિચારે છે. મીરા અન્યની સેવામાં પોતાનું જીવન પસાર કરી દેવાનો નક્કી કરે છે અને જ્યારે જતી હોય ત્યારે પણ રસ્તામાં તેનું મરણ  થાય છે. ગોપાલ તેને એજ નોર્થ પોલની ખુલ્લી જગ્યામાં દફનાવે છે.

             આ બધી ગડમથલ  પછી તેને પોતાના જીવનનો માર્ગ મળે છે. આટલા સંઘર્ષ પછી તેને એ વિચાર સ્ફૂરે  છે  અને એને પોતાના જીવનનો સાચો માર્ગ મળે છે. હવે કયો માર્ગ હશે તે જાણવા માટે તો વાચકે આતુરતાપૂર્વક અને નવલકથા સાથે લાગણીનો તંતુ જોડીને આ નવલકથા વાંચવી રહી. જીતેશભાઈની આ નવલકથા સાચે જ દરેક વાચકને પોતાના જીવનનો માર્ગ નક્કી  કરવામાં મદદ કરશે અને સંસારની સામે લડવામાં હિંમત આપશે.

(અહિયાં જીતેશભાઈનો પરિચય એમની સાઇટ પરથી લીધો છે.)

No comments:

Post a Comment