Friday, January 6, 2023

પુસ્તક પ્રસાદ-૧ : ઝેર તો પીધાં છે જાણી જાણી

મનુભાઈ પંચોળી "દર્શક" આપણા ગુજરાતી ભાષા અને સાહિત્યના સમર્થ કેળવણીકાર અને લેખક હતા. એમણે લખેલા ઘણા બધા પુસ્તકોમાંથી ઉત્તમ સર્જન એટલે ઝેર તો પીધાં છે જાણી જાણી. દર્શક દાદાને આપણા ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિની સાથે સાથે વિશ્વની સર્વોત્તમ અને પુરાતન સંસ્કૃતિઓ વિશેના વાચનનો શોખ હતો. એમણે ઘણા બધા દેશોનો પ્રવાસ પણ ખેડેલો અને એ બધા જ દેશોની સંસ્કૃતિઓ જાણવાનો પ્રયાસ કરેલો. એમાંથી મળેલા શ્રેષ્ઠત્વને ભારતીય સંસ્કૃતિ સાથે સાંકળીને સર્જાયેલી કૃતિ એટલે ઝેર તો પીધાં છે જાણી જાણી.આ કૃતિને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી રાષ્ટ્રીય પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલો છે.

            ગુજરાતી પ્રજા બહુ ઓછું વાંચે છે  એવી વાતો વારંવાર આપણી આસપાસ સંભળાતી હોય અને એ સાંભળીને પણ આપણી સંવેદનાઓ  અને લાગણીઓમાં ઝંઝાવાત જગાવે એવું લખવાનું પણ જાણે બહુ ઓછું જોવા મળે છે. માત્ર ટૂંકી વાર્તાઓ કે રહસ્યમય વિષયોને વાંચનારા લોકો પણ હવે ઉત્તમ નવલકથાઓ વાંચતા થયા છે એ જાણીને ખૂબ જ આનંદની લાગણી અનુભવાય છે. આવા સમયમાં પણ ચેતન ભગત જેવા સર્જકો આંતરરાષ્ટ્રીય કક્ષાની નવલકથાઓ લખવા માટે જાણીતા છે અને એમની ઘણી બધી નવલકથાઓ ગુજરાતી ભાષામાં પણ અનુવાદ થઈ છે અને એને ગુજરાતી પ્રજા  ઉત્સાહ સાથે વાંચે પણ છે.

આપણા જાણીતા ગુજરાતી કેળવણીકાર અને વિદ્વાન સર્જક તેવા મનુભાઈ પંચોળીની નવલકથા ઝેર તો પીધા છે જાણી જાણી વિશે. લોકભારતી સણોસરાનું નામ  જ મનુભાઈ પંચોળી  અને નાનાભાઈ ભટ્ટ જાણે  સાથે ખૂબ ગાઢ રીતે સંકળાયેલું છે. આવા મનુભાઈ પંચોળી એ લખેલી ગુજરાતી સાહિત્યની સર્વોત્તમ એવી ક્લાસિકલ નવલકથા ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથામાં  આવતા પાત્રો ગોપાલકાકા, સત્યકામ, રોહિણી, હેમંત બેરિસ્ટર અને અન્ય બીજા બધા પણ જાણે એકબીજાને  માટે  જીવનના સર્વ સુખો અને સંપત્તિની સાથે સર્વ કામનાઓનું બલિદાન આપવામાંચડિયાતા સાબિત થાય છે

       નવલકથાની શરૂઆતમાં આવતું ગોપાલદાસ કાકાનું પાત્ર જાણે કર્મયોગીનું સાક્ષાત્ જીવંત સ્વરૂપ કે જેમણે વડોદરાના મહારાજા પાસેથી મેળવેલી બંજર જમીનમાં વનલતાઓ અને લીલીછમ વાડી ઊભી કરીને આસપાસના લોકોને જીવવા માટે જાણે  નવી રાહ  ચિંધતા હોય છે.  પોતાના  પરમ મિત્રના પુત્ર સત્યકામને પણ પોતાની પુત્રી રોહિણી જેટલો જ પ્રેમ અને લાગણીસભર ભાવનાઓ સાથે ઉછેર કરે છે. તેને જીવનના બધા જ પાઠ પણ ખૂબ ઉત્તમ રીતે શીખવવાનો સંઘર્ષ પણ તેઓ હસતા હસતા કરે છે અને બંને બાળકો ધીમે ધીમે મોટા થતા જાય છે. સત્યકામ રોહિણીને મનોમન ચાહવા લાગે છે પરંતુ વિધિને જાણે કંઈક ઓર જ મંજૂર હોય એ પ્રમાણે રોહિણીના જીવનમાં હેમંતનું આગમન થાય છે.

બીજી તરફ ગોપાલ કાકા રોહિણી અને સત્યકામના લગ્ન નું મુહૂર્ત જોવડાવે છે અને સત્યકામને ખરીદી કરવા મોકલે છે, પરંતુ બદલતા સંજોગો પ્રમાણે સત્યકામ આ બધું છોડી અને સંન્યાસી બનીને ખૂબ દૂર ચાલી જવાનો નિર્ણય કરે છે. આ બાજુ જીવનનાં વિકટ સંજોગોમાં ગોપાલ કાકાનું અવસાન થાય છે અને રોહિણી નિરાધાર બની જાય છે. પછી તે ગોપાલ કાકાની વાડી અને આશ્રમનું ધ્યાન રાખે છે. અમુક સમય બાદ ગામ લોકો તેને સમજાવીને બેરિસ્ટરના ઘરે હેમંત પાસે મોકલે છે અને શરૂ થાય છે રોહિણીના જીવનનો સંઘર્ષમય સમય જે વાંચતા જ વાચકને જાણે   પોતાના જીવનમાં ઉદભવતા ઝંઝાવાતો અને  સંઘર્ષો સામે લડવાની પ્રેરણા મળે છે.

            મહાત્મા ગાંધીના સમયની આ નવલકથામાં મનુભાઈ એ ખૂબ જ ઉત્તમ રીતે ઓગણીસમી અને વીસમી સદીની ઘટનાઓની સાથે ત્રણથી ચાર અલગ-અલગ લોકોના જીવનમાં  આવતા એ પડકારોની સાથે આપણા દરેકના જીવનને  જોડવાનો પ્રયત્ન કર્યો છે. સાથે સાથે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વિશ્વના અલગ અલગ દેશો જેવા કે જર્મની, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને ભારતમાં ઉદ્ભવતી વિવિધ પરિસ્થિતિઓમાં અલગ અલગ પાત્રો કઈ રીતે સંકળાય છે તે જાણવા માટે આ ઉત્તમ નવલકથા વાંચવી જ રહી. આ નવલકથા ઉપરથી ઝેર તો પીધા જાણી જાણી નામનું એક ગુજરાતી ગુજરાતી ફિલ્મ પણ બની છે જેમાં ઉપેન્દ્ર ત્રિવેદી સત્યકામ તરીકે ખૂબ ઉત્તમ ભૂમિકામાં છે. નવલકથા ખૂબ જ લાંબી છે પરંતુ ક્લાસિકલ વાંચવાનો શોખ ધરાવનારાઓ માટે ઉત્તમ રસમય સાબિત થાય એવી છે જય જય ગરવી ગુજરાત

No comments:

Post a Comment