Tuesday, March 2, 2021

સર્જનની સરવાણી-૨૭

 

        "પરફેક્ટ પાર્ટનર" થોડો છેતરામણો અથવા વધુ પડતો ગળચટ્ટો શબ્દ છે. જોડે રહેતી બે વ્યક્તિઓ ક્યારેય પણ એક સરખું ન વિચારે. એમના અભિપ્રાય,આદત,પસંદગી અને પ્રાથમિકતા અલગ હોવાના જ. જ્યાં આ ભિન્નતાનો સ્વીકાર છે , એની સમજ છે ત્યાં ઘણું ખરું સુમેળ ભર્યું ટકી રહે છે. 

        કેટલાકના મોઢે સાંભળ્યું છે. એમને ડર હોય છે કે મારું પાર્ટનર લગ્નના બે - ચાર વર્ષમાં મારાથી કંટાળી જશે તો? કેમ તમે વ્યક્તિ તરીકે ઇન્ટરેસ્ટિંગ નથી? નિરસ છો? તો થવા યોગ્ય છે. તમારી પાસે હળવાશ ,સેન્સ ઓફ હ્યુમર નથી તો ચોક્કસ તમે 'મહાબોરિંગ' હોવાના. તમે સ્ત્રી છો કે પુરુષ એનાથી ફરક નથી પડતો. તમે એકલા હોવ કે મેરિડ એનાથી પણ ફરક નથી પડતો. તમને 'રહેતા' અને 'રાખતા' આવડવું જોઈએ.તમે એટલા ઇન્ટરેસ્ટિંગ, એક્સપ્રેસિવ,રોમેંટિક,જોયફૂલહોવા જોઈએ કે તમારી સાથે અથવા આસપાસ રહેતા લોકોને તમારી કંપની ગમે. ખાસ કરીને લગ્ન બાદ. તમારો અંતર્મુખી સ્વભાવ દુનિયા માટે હોય શકે. તમારા અંગત વ્યક્તિ કે સાથી માટે નહીં. ત્યાં તમારે ખુલવું પડે. સહજ રહેવું , વર્તવું પડે. તમારી પાસે અવનવી વાતો, ટોપિક નહિ હોય તો જરૂર એ તકલીફ રહેવાની. દોઢ બે કલાક ચાલતા ફોન કોલ્સમાં કરવા જેવી ઘણી વાતો હોય છે. એ જ વાતો, શેરિંગ તમે લગ્ન પછી ય રૂબરૂ કરી જ શકો. લગ્ન જીવન બાદ શાંત સ્વભાવ જેવું કશું હોતું નથી. રમખાણો ચાલતા હોય ત્યારે  રમૂજ આવડવી જોઈએ. અલબત્ત પરિસ્થિતિ જોઈને. 

        કુદરતે માણસના મગજને ટ્યુન જ એ રીતે કર્યું છે કે એને સતત કશુંક નવીન / રિફ્રેશીંગ જોઈએ. લગ્ન બાદ લાઈફ બદલાય છે અને કમનસીબે એ મોટા ભાગે એકની એક બીબાઢાળ જ થઇ જતી હોય છે. પૈસાથી લઈને પારિવારિક આવા અનેક કારણોના લીધે. શરૂઆત હંમેશા રંગીન જ હોય પણ પછી ધીમે ધીમે શુષ્કતા આવતી હોય છે. બસ અહીંથી એક સ્ત્રી અને પુરુષનો ખરો રંગ અને રોલ શરૂ થતો હોય છે. તમને આવડવું 'જ' જોઈએ કે લાઈફને કેમ એકસાઈટીંગ રાખવી. એ મજા કરતા અને લેતા આવડે તો ક્યારેય એ કંટાળો આવતો નથી. બાકી  વ્યર્થ બહાનાબાજી, શુષ્ક દલીલો અને જીવતા ન આવડવાની અણઆવડત છે. 

        ઘણાંના મોઢે સાંભળવા મળે કે મેરેજ પછી પહેલાં જેવો પ્રેમ , ચાર્મ નથી રહેતો. પ્રેમ હંમેશા 'ઍવર-ગ્રીન' જ હોય છે. અકસ્માતે પતિ-પત્ની થઈ જાવ તો અલગ વાત છે. કારણ છે એકધારી જીવાતી રૂટિન લાઈફ. પ્રેમમાં હોવ ત્યારે જે 'થ્રિલ' મળતી હોય એ લગ્ન પછી રૂટિન લાઈફની લઢણ સામે નબળી પડી જાય છે. રિલેશનશિપમાં હોવ ત્યારે ચાલતી લાંબી કન્વરસેસન, મળવાની તડપ, જોવાનો તલસાટ, આવતો વિરહ અને મળતી સરપ્રાઈઝ , ખાનગી મુલાકતો આ બધું જ પ્રેમના ચાર્મને 'જીવતું' રાખે છે, પણ મેરેજ પછી પ્રેમનો ચાર્મ ક્યાં ગાયબ થઈ જાય એ ખબર જ નથી રહેતી.એકધારા રૂટિન શિડયુલ વાળી લાઈફ, ચાર્મને ઘટાડી દે છે, જે એક સમયે કલરફૂલ લાગતું એ જ હવે ફિક્કું લાગવા લાગે ત્યારે કરવું શું??

        જવાબ છે 'આર્ટ ઓફ Loving! લગ્ન બાદ 'વ્યક્તિ' એ કલાકાર હોવું જરૂરી છે!! સંખ્યાબંધ સમાધાનો અને સંઘર્ષ વચ્ચે પણ લાગણી ક્યારેય ફિક્કી નથી પડતી, બસ પ્રયત્નો ઓછા થઈ જાય છે. રિલેશનશિપમાં થ્રિલ અનુભવવા જે બધું પહેલા કરતા, બસ એજ બધું લગ્ન ના પાંચ કે પચીસ વર્ષે પણ ચાલું રહેવું જોય. 'રહેતા અને રાખતા' આવડવું જોય....

સર્જનવાણી:  પ્રેમ હમેશાં ઍવરગ્રિન જ હોય છે, માણસ 'આઉટ ઓફ ડેટ' થાય પણ 'પ્રેમ' નહીં.

No comments:

Post a Comment