Thursday, March 11, 2021

ગુણવંત શાહ વંદના

  ગુણવંત શાહ સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ 


            પદ્મશ્રી ડો. ગુણવંત શાહ જાણીતા વિચારક, લેખક અને પત્રકાર છે. એમનો જન્મ સુરતનાં રાંદેર ગામમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ રાંદેરમાં પુર્ણ કર્યું હતું; સાથે જ તેમણે માધ્યમિક શિક્ષણ સુરત ખાતે આવેલી જૈન હાઇસ્કૂલમાં લીધું હતું.

        તેમણે ઇસવીસન ૧૯૫૭માં રસાયણ વિષય સાથે બી.એસ.સી ની ઉપાધિ મેળવી હતી. ઉપરાંત તેમણે ૧૯૫૯માં વડોદરાની મહારાજા માંથી બી.યુનિવર્સિટી માંથી બી.ઍડ.ની ઉપાધિ મેળવી હતી. ત્યારબાદ તેમણે ત્યાંથી જ પછી એમ.ઍડ. અને પીએચ.ડી.ની ડિગ્રી અનુક્રમે ઇસવીસન ૧૯૬૧ અને ૧૯૬૪માં મેળવી હતી. 

    ગુણવંત શાહ મુખ્યત્વે નિબંધકાર છે. તેમના નિબંધસંગ્રહોમાં કાર્ડિયોગ્રામ (૧૯૭૭), રણ તો લીલાંછમ (૧૯૭૮), વગડાને તરસ ટહુકાની (૧૯૭૯), વિચારોના વૃંદાવનમાં (૧૯૮૧), મનનાં મેઘધનુષ (૧૯૮૫), ગાંધીની ચંપલ, બત્રીસે કોઠે દીવા, સંભવામિ યુગે યુગે (૧૯૯૪), કબીર ખડા બાજારમેં (૨૦૦૪), પરોઢિયે કલરવ, નિરખીને ગગનમાં, એકાંતના આકાશમાં, પ્રભુના લાડકવાયા, નિખાલસ વાતો, ગાંધીની લાકડી, પતંગિયાની આનંદયાત્રા, પતંગિયાની અવકાશયાત્રા અને અન્ય બીજાં પુસ્તકોનો સમાવેશ થાય છે.

    તત્વજ્ઞાન પર તેમણે મહંત, મુલ્લા, પાદરી (૧૯૯૯), કૃષ્ણનું જીવનસંગીત, વિચારોનાં વૃંદાવનમાં, અસ્તિત્વનો ઉત્સવ, ઇશાવાસ્યમ, ટહુકો, વગેરે જેવા ગ્રંથો લખ્યા છે. જાત ભણીની જાત્રા અને બિલ્લો ટિલ્લો ટચ એ તેમનાં આત્મકથાત્મક પુસ્તકો છે જ્યારે વિસ્મયનું પરોઢ (૧૯૮૦) તેમનું ગદ્યકાવ્ય છે. તેમના ચરિત્રગ્રંથોમાં મા, ગાંધી: નવી પેઢીની નજરે (૧૯૮૨), મહામાનવ મહાવીર (૧૯૮૬), કરુણામૂર્તિ બુદ્ધ (૧૯૮૩), સરદાર એટલે સરદાર (૧૯૯૪), શક્યતાના શિલ્પી શ્રી અરવિંદ અને ગાંધીનાં ચશ્માંનો સમાવેશ થાય છે.

    તેમની નવલકથાઓમાં રજકણ સૂરજ થવાને શમણે (૧૯૬૮) અને મૉટેલ (૧૯૬૮)નો સમાવેશ થાય છે.કોલંબસના હિંદુસ્તાનમાં (૧૯૬૬) તેમનું પ્રવાસપુસ્તક છે. શિક્ષણની વર્તમાન ફિલસૂફીઓ (૧૯૬૪), સાવધાન, એકવીસમી સદી આવી રહી છે(૧૯૮૭), કૃષ્ણનું જીવનસંગીત(૧૯૮૭) વગેરે તેમનાં પ્રકીર્ણ ગ્રંથો છે.

        ભારત સરકાર દ્વારા તેમને ૨૦૧૫માં ભારતના ચતુર્થ ઉચ્ચ પુરસ્કાર એવા પદ્મશ્રી વડે સમ્માનિત કરવામાં આવ્યા હતા. ગુજરાતી સાહિત્ય સભા દ્વારા સ્થાપિત અને ગુજરાતી સાહિત્યમાં સૌથી ઉચ્ચ ગણાતો રણજિતરામ સુવર્ણચંદ્રક એમને ઇસવીસન ૧૯૯૭માં મળ્યો હતો. ૧૯૭૯માં લેઇપઝિગ, પૂર્વ જર્મની ખાતે UNESCOનાં સેમિનારમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ. તેઓ એશિયન ડેવલોપમેન્ટ બેન્ક, મનિલામાં બાંગ્લાદેશ શિક્ષણ માટે ૧૯૮૪-૮૫ દરમ્યાન કન્સલ્ટન્ટ હતા.

        એમના પુસ્તકો સદાય વાંચવા ગમે અને દર રવિવારે એમની કોલમની વાટ પણ ગરવા ગુજરાતીઓ ખૂબ જ આતુરતાથી કરતાં હોય છે એવા ઉત્તમ કક્ષાનાં ગુજરાતી સાહિત્યકારને સર્જનાત્મકતાનું કુરુક્ષેત્ર પરિવાર તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. 

No comments:

Post a Comment