Sunday, March 21, 2021

કોઠાસૂઝ

આપણા બાળકોની કોઠાસૂઝ ખતમ થઈ શકે છે. 

વેલ, કોઠાસૂઝનો મતલબ કોઈ વિકટ પરિસ્થિતિનો પોતાની  આગવી આવડત દ્વારા આસાનીથી ઉકેલ લાવવો એવું થઈ શકે. 

ઉદાહરણ દ્વારા આજની અને જૂની પેઢીને સમજવાની કોશિશ કરીએ. 

મુંબઈમાં રસ્તા પર એક અત્યંત ધનવાન યુવતી ઉભી હતી, તેની બાજુમાં એક ગરીબ માણસે આવીને મૂંઝવણમાં પૂછ્યું કે બહેન અમદાવાદ જવા માટે શું કરવું? એ યુવતી એ નિર્દોષતાથી જવાબ આપ્યો, ''અંકલ, અહીંથી એક કેબ બુક કરી એરપોર્ટ પહોંચી જાવ, ત્યાંથી અમદાવાદની ફ્લાઈટ મળી જશે. સિમ્પલ."

બીજું મને આછેરું યાદ છે, વર્ષો પહેલા યુદ્ધ વખતે એક લશ્કરી ટ્રક એક ગામમાંથી પસાર થતો હતો. નાનકડા ગામમાં અંડર બ્રિજ થઈને એ ટ્રકને પસાર થવાનું હતું. , બીજો કોઈ રસ્તો નહતો. એમાં મુશ્કેલી એ હતી કે એ બ્રિજ ચાર ઈંચ ઊંચાઈમાં ટૂંકો હતો. ટ્રક પસાર થઈ શકે તેમ નહોતો. ટ્રક ડ્રાઇવર અને અંદર બેઠેલા બધા જવાનો મૂંઝાયા. એને ટ્રક પસાર થવાનો કોઈ ઉકેલ ન મળ્યો. એવામાં એક અભણ ગામડિયો ત્યાંથી પસાર થયો. તેણે સલાહ આપી કે, આ ટ્રકના બધા પૈડાની હવા કાઢી નાંખો. જેથી ટ્રકની ઊંચાઈ ઓછી થઈ જશે અને ટ્રક આ અંડરબ્રિજ નીચેથી સરળતાથી પસાર થઈ શકશે. 

બસ આ જ તફાવત છે. આજની જનરેશન અને આપણી જનરેશનમાં. 

આજના બાળકોમાં કોઠાસૂઝ ખતમ થઈ જશે એવો ભય નહીં મને ખાત્રી છે. એનું સૌથી મહત્વનું કારણ મોબાઈલ, ટીવી અને અન્ય ગેઝેટ છે. આ એક પશ્ચિમી દેશોનું રીતસરનું ષડયંત્ર છે. આજના બાળકોનું જીવન બંધિયાર છે. આજના બાળકો ઘરની ચાર દીવાલમાં કેદ છે. એને બહાર નીકળવું નથી. નવું નવું જાણવું, શીખવું નથી. કોઠાસૂઝ કેળવવા માટેનો સૌથી આસન ઉપાય તમારી જાતને એક્સપલોર કરો એ જ છે. 

દા. ત. કારમાં જતા હોવ, કાર કોઈ રેલવે ફાટક બંધ હોવાના કારણે ઉભી રહે ત્યારે આજના બાળકો મોબાઈલમાં રચ્યા પચ્યા હોય. જયારે આપણી વખતે મોબાઈલ નહોતા. આપણે કાર કે બસની બારીએથી બહાર શું થઈ રહ્યું છે એ જોતાં. લુહાર ધમણ હાંકતો હોય, મોચી જોડા સિવતો હોય, કુંભાર માટલા બનાવતો હોય કે સુથાર બારણું બનાવતો હોય એવા દ્રશ્ય આપણી નજરે પડતા. નવરા બેઠા એ આપણે જોતા. આવું આપણે રોજ ક્યાંક ને ક્યાંક કરતા રહેતા. આપણે જુન્ડમાં દોસ્તો સાથે ફરતા. જ્યારે આજનું બાળક મોબાઈલમાંથી પોતાની મૂંડી ઊંચી કરતું નથી. ઘરે આવેલ મહેમાનો ને જયશ્રીકૃષ્ણ કરવું નથી. મહેમાનો શું વાત કરે છે એમાં એને રસ નથી. આવી વાતચિતો ન સાંભળવાથી જે બહારી જ્ઞાન મળવું જોઈએ એ મળતું નથી. કોઠાસૂઝ એ આવા બહારી જ્ઞાન પર જ આધારિત છે. વાંક માત્ર બાળકોનો નહીં માતાપિતાનો પણ એટલો જ છે કારણ કે એ બાળકોમાં આવો રસ જાગૃત કરવામાં નિષ્ફળ રહ્યા છે.

આજનું બાળક મોટું થઈ ના ઇલેક્ટ્રિક ફ્યુઝ બાંધી શકશે, ના ઇસ્ત્રી, ટ્યુબલાઈટ જેવા ઇલેક્ટ્રિક ગેઝેટ રીપેર કરી શકશે. ના વાહનની નાની ખામીઓ ઉકેલી શકશે. ઘરના પ્લમ્બિંગ કે નાના મોટા કામ જાતે નહીં કરી શકે તેના માટે તેના જ સ્પેશિયલ કારીગરને બોલાવવા પડશે. બીજા પર આધારિત રહેવું પડશે. કારણ કે આજે નાની ઉંમરે એમણે આ બધું જોયું નથી કે કેમ રીપેર કરવું. નાની મુશ્કેલીઓમાં તે બીજા પર આધારિત રહેશે. 

હું તો ત્યાં સુધી કહીશ કે મોબાઈલ અને તેમાં આવતી PUBG કે એવી જ ગેમ, ટિકટોક એ રીતસરની આપણા બાળકોની કોઠાસૂઝ ખતમ કરવાનો કારસો છે. એ બધું કશા મૂલ્ય વગરનું ટાઈમ કિલર છે. આવનારી પેઢી બિઝનેશ કરી શકશે કે કેમ એ સવાલ છે. આવનારી પેઢીનું મુખ્ય ધ્યેય નોકરી જ હશે. જે આપણા દેશ માટે પણ ઘાતક છે. 

તો બાળકોમાં કોઠાસૂઝ વિકસાવવા શું કરવું? 

તેમની સાથે અલક મલકની ચર્ચા કરો. તેમને ઉપર જણાવેલ ઘરમાં, બહાર રોજિંદા જીવનમાં આવી પડતી સામાન્ય અડચણ બાબતે જ્ઞાન આપો. આપણી જૂની સંસ્કૃતિ અને રીતિ નીતિનું જ્ઞાન આપો. દરેક કાર્ય ક્ષેત્ર બાબતે જાણકારી આપો. સુથાર, કુંભાર, મોચી, લુહાર દરેક કર્મનિષ્ઠ કઈ રીતે કામ કરે એ સમજાવો. તેવા નાના નાના કામ કરાવો. સ્ક્રુ ડ્રાઇવર, હથોડી હાથમાં પકડાવી કામ કરાવો અથવા જે તે વ્યક્તિ આવા કામ કરતા હોય ત્યારે બાળકને તેમની પાસે ઉભા રાખી સમજાવો. તમે કે બીજા એ લાઈફમાં કરેલી નાની મોટી યુકિત પ્રયુક્તિ વિશે વાતો કરો. મોબાઈલ, ટીવી બંધ કરાવી પાસે બેસાડી વાતો કરો. ઘરે મહેમાનો આવે તો બાળકને તેમની સાથે બેસાડો. દરેક ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક પ્રસંગમાં એ રસ કેળવે એવું કરો, પરંપરા સમજાવો. દીકરીઓને કિચનમાં સાથ આપવાનું શીખવો. સિલાઈ કરતા શીખવાડો.  આ બધાથી મગજ ફ્રેશ રહેશે.

ટૂંકમાં દરેક પ્રવૃત્તિમાં બાળક ઈનવોલ થશે, બહારના જગત સાથે તાદાત્મ્ય સાધશે તો એની કોઠાસૂઝ વધશે. બુદ્ધિનો વિકાસ થશે. કોઠાસૂઝના કલાસીસ ન હોય. જો કોઠાસૂઝ નહીં હોય તો બિઝનેશ મેનના પુત્રો તેનો વારસો સંભાળી શકશે નહીં. જો કોઠાસૂઝ નહીં રહે તો પશ્ચિમી દેશોના આપણી પાસે નોકરી કરાવવાના ષડયંત્રનો ભોગ આપણું બાળક બનશે જ એમાં બેમત નથી.

                                                                                                                વોટ્સએપ પરથી મળેલા મોતીડા 

No comments:

Post a Comment