Thursday, March 11, 2021

વિવેકાનંદની વાણી-મણકો -૩

        સ્વામી વિવેકાનંદ એટલે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનો જીવંત પર્યાય। વિવેકાનંદે જાતે સમગ્ર ભારત અને વિશ્વમાં ભ્રમણ કરીને આપણી આ સંસ્કૃતિ અને એમાં રહેલી ઉત્તમ વાતોને લોકો સમક્ષ લાવવાનો વિન્રમ પ્રયત્ન કર્યો છે. આજના યુવાનો પણ એમની વાણી થકી પોતાના જીવનની દિશા નક્કી કરી શકે છે. સતત ભ્રમણ અને વ્યસ્તતા વચ્ચે પણ સ્વામીજી પોતાનું વાચન અને લેખન જાળવી રાખતા હતા. ઉભરતા ભારતના યુવાનો સાક્ષર બને અને સ્વશ્રયીની સાથે સ્વાવલંબી અને સક્ષમ બને એ વાત ને સમજાવતું એક ઉદાહરણ જોઈએ.
        એકવાર અમેરિકામાં પોતાના પ્રવાસ દરમિયાન વિવેકાનંદ વહેલી સવારે ન્યુયોર્ક શહેરની સડક પરથી પસાર થઇ રહ્યા હતા. એવામાં ત્યાં એક યુવાન છોકરો એમની પાસે આવ્યો અને કહ્યું કે સ્વામીજી તમે એક છાપું ખરીદશો? એ છોકરાનો દેખાવ ગોરો હતો અને ચહેરા પર અજબની ચમક અને તાજગી હતી. એમ છતાં વિવેકાનંદે ખુબ જ વિનમ્રતા સાથે એ યુવાનને ના પડી અને કહ્યું કે આ ઉંમરે તને છાપું વેંચતા જોઈને મને ઘણું દુઃખ થાય છે, આ તારી ભણવાની અને રમવાની ઉંમર છે. શું તારી પાસે પૈસાની અગવડતા છે તો હું કઈંક મદદ કરી શકું ? 
        એ યુવાન છોકરાએ સ્વામીજીને કહ્યું કે ના એવી કોઈ વાત જ નથી. અહીં અમેરિકામાં અમે એવું માનીયે છીએ કે અમુક ઉંમર પછી અમારે જાતે જ સ્વાવલંબી બનીને અમારી પોતાની જવાબદારી ઉપાડવી જોઈએ બાકી મારી પાસે ઘણા ડોલર છે અને મારા માતા-પિતા પણ સારી એવી કમાણી કરે છે. આ સાંભળીને સ્વામી વિવેકાનંદ ખુબ જ ખુશ થઇ ગયા અને એ છોકરાને અભિનંદન આપ્યા અને એની પાસેથી છાપું ખરીદયુ અને મલક્તાં તેમજ એક પ્રાર્થના કરતા ચાલી નીકળ્યા કે હે ઈશ્વર મારા ભારત દેશના યુવાનોને સ્વાવલંબી બનવા અને સ્વાશ્રયી થવા માટે પ્રેરણા આપજો. 

સર્જનવાણી: કોઈપણ રાષ્ટ્ની પ્રગતિ એ રાષ્ટ્રના યુવાનોની સંખ્યા પર નહીં પરંતુ યુવાનોની કાર્યક્ષમતા અને સ્વાવલંબન પર આધાર રાખે છે. 

1 comment: