Tuesday, March 23, 2021

સર્જનની સરવાણી-૩૦

 || ગેરેજમાં શરૂઆત પામેલી ટોપ કંપનીઓ ||

આજે ગેરેજ શબ્દ આવતાં જ આપણા મનમાં વાહનો રીપેર કરતી દુકાન આવે, પરંતુ વિદેશીઓ પોતાની ગાડીને પાર્ક કરવા માટે બનાવેલ એક ઓરડીને પણ ગેરેજ જ કહેતા હોય છે. જેમાં મોટે ભાગે ગાડીઓ રહેતી હોય છે અથવા બાળકને રમવાની જગ્યા કે પછી બીજા કામો માટે પણ ગેરેજ વપરાતું હોય છે. આવા જ ગેરેજમાં કંઇક ખૂરાફાતી વિચારોને આકાર આપીને આજે ઘણાં બધા બિઝનેસ આજે દુનિયામાં ડંકો વગાડી રહ્યા છે. આજે તેવી જ કંપનીઓની વાત કરીએ, જે આવા જ એક ગેરેજમાં શરુ થઇ હતી અને આજે એ એટલી મોટી કંપની બની ગઈ છે કે જે વિશ્વના કોઈ પણ શહેરમાં તેની ઓફીસ ખૂલે, શહેરનો તે વિસ્તાર આપોઆપ પૉશ બની જાય છે. ચાલો તો, આવી જ કેટલીક કંપનીઓની ગેરેજ-સ્ટોરી જાણીએ. 

1.અમેઝોન

૧૯૯૪માં જેફ બેઝોસે તેના ગેરેજમાં જ ઓનલાઈન બુકસ્ટોર શરુ કર્યો હતો. તેને તેનો પહેલો ઓર્ડર ૧૯૯૫માં મળ્યો. થોડો સમય જતાં તેને સમજાયું કે તે યોગ્ય બિઝનેસમાં છે. ધીરે ધીરે અમેઝોનનો વેપાર વધ્યો અને ૧૯૯૭માં તેણે IPO બહાર પાડ્યાં. જેના પરિણામે ૫૪ મિલિયન અમેરિકન ડોલર જેટલું ઇન્વેસ્ટમેન્ટ મળતાં ૧૯૯૮માં amazon.com શરુ કરવામાં આવ્યું જ્યાં બુક્સ સાથે બીજી વસ્તુઓનો પણ ઓનલાઈન વેપાર મંડાયો. વિશ્વમાં ૪૦થી વધુ ઓફીસ સાથે અમેઝોન ૭,૫૦,૦૦૦ લોકોને રોજગાર પૂરો પાડી રહ્યું છે અને આજે કોઈ ક્ષેત્ર એવું નથી જેમાં અમેઝોન ઓપરેટ ન કરતી હોય.  

૨. ડિઝની

૧૯૨૩માં વોલ્ટ ડીઝનીએ તેના ભાઈ રોય સાથે મળીને કાકા રોબર્ટના ગેરેજમાં ડિઝનીનો સૌથી પહેલો સ્ટુડિયો શરુ કર્યો હતો. જ્યાં તેમણે Alice Comedies શૂટ કરવાની શરૂઆત કરી હતી. જે વિશ્વવિખ્યાત Alice’s Wonderland નો જ એક ભાગ હતી. આજે ડિઝની ૮ દેશોમાં તેમની ઓફીસ લઈને બેઠી છે જેમાં ૨,૨૩,૦૦૦ થી પણ વધુ લોકો કામ કરી રહ્યા છે. 

3. એપ્પલ

એપ્પલ એવી કંપની છે કે જયારે બ્રાન્ડીંગ કે માર્કેટિંગની કે કોઈ પણ વાત આવે ત્યારે તેનું નામ અને કામ બંને બોલતા જ હોય છે. સ્ટીવ જોબ્સ અને સ્ટીવ વોઝ્નિયાકે બનાવેલું પહેલું કોમ્પ્યુટર Apple 1 , જે ૫૦૦ ડોલરમાં વેચાયું હતું, તે જોબ્સના પેરેન્ટ્સના ગેરેજમાં જ બનાવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમને બીજા ૫૦ કોમ્પ્યુટરનો ઓર્ડર મળ્યો  અને તે જ ગેરેજમાં 30 કોમ્પ્યુટર બનાવીને પહોંચતાં કર્યા હતા. એપ્પલ 21થી વધારે બ્રાન્ચ અને1,37,000 કર્મચારીઓના કાફલા સાથે વિશ્વમાં ટેક જાયન્ટ બનીને બેઠી છે. 

4. હાર્લી ડેવીડસન

ડ્રિમ કાર્સ તો બધાની અલગ અલગ હોઇ શકે, પણ કોઈ પણ વ્યક્તિની ડ્રિમ બાઇક તો હાર્લી જ હોય તેમાં બેમત નથી. સંજોગવશાત, લોકો જે બાઇક તેમના ગેરેજમાં હોવાના સપના સેવતા હોય છે, તે પહેલી હાર્લી બાઈકનું નિર્માણ પણ 'વિલિયમ હાર્લી'એ ગેરેજમાં જ કર્યું હતું. સાયકલમાં ફીટ કરવા તૈયાર કરેલ ડિઝાઈન પર  કામ કરતાં તેને બે વર્ષ લાગ્યા હતાં. 1903માં હાર્લી ઓફિશિયલી લૉન્ચ થઈ હતી.

5. ગૂગલ

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ભણતાં લેરી પેજ અને સર્જી બ્રિન બંનેએ સુસાનના ગેરેજમાં જ ગૂગલના પાયા નાખ્યાં હતાં. આ જ સુસાન, હાલમાં યુટયૂબ હેડ તરીકે કામ કરી રહ્યાં છે. હવે આ આખું બિલ્ડીંગ ગૂગલે ખરીદી લીધું છે અને તેની 20મી વર્ષગાંઠ પર તેને ગૂગલના યુઝર્સને ગૂગલ મેપ પર નિહાળી શકે તે માટે ખુલ્લું મૂક્યું હતું. ૧૭૦૦ ડોલર પ્રતિ માસમાં ભાડે લીધેલા ગેરેજથી ગૂગલ આજે કેટલું મોટું બન્યું તેની ખુદ લેરી પેજ અને સર્જી બ્રિનને પણ કલ્પના નહીં હોય.

6. HP 

સ્ટાર્ટ-અપ્સની નગરી સિલિકોન વેલીના હાર્દ, પાલો અલ્ટો ખાતે વબિલ હૅવ્લેટ અને ડેવિડ પેકાર્ડ 1939માં એક કાર પાર્ક થાય તેટલા ગેરેજમાં ઇલેક્ટ્રોનિક ટેસ્ટ ઇકવિપમેન્ટ્સ બનાવતા હતાં. આજે ૬૬,૦૦૦  એમ્પ્લોયીઝ સાથે કામ કરી રહેલી HPના જન્મ સ્થળ એટલે કે તે ગેરેજને 'સિલિકોન વેલીનું જન્મસ્થળ' ગણવામાં આવે છે. (કંપનીનું નામ HP હશે કે PH, તે બન્ને સ્થાપકો દ્વારા સિક્કો ઉછાળીને નક્કી કરવામાં આવ્યું હતું)

7. માઈક્રોસોફ્ટ

બાળપણનાં મિત્રો, બિલ ગેટ્સ અને પોલ એલન એક સાથે મળીને તેમની પ્રોગ્રામિંગ સ્કીલ્સથી બનાવેલું કોમ્પ્યુટર 1972માં બનાવીને વેચી પણ ચૂક્યા હતા. જેની શરૂઆત પણ ગેરેજમાં જ થઈ હતી. ત્યાં MITS, BASIC જેવા પ્રોગ્રામ્સ બનાવ્યા હતાં. આ જ ગેરેજમાંથી બહાર નીકળીને MICRO-computer SOFT-ware એટલે કે MICROSOFT સ્થાપી અને આપણે સૌ જાણીએ છીએ કે બિલ ગેટ્સ, જેને આપણે વર્ષોથી દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં જોઈએ છે, તેની સફર એક ગેરેજથી શરૂ થઈ હતી.

જો આવી કંપનીઓ પણ તેમની શરૂઆત ગેરેજથી કરી શકતી હોય તો તમારા કોઈ પણ નાનામાં નાના વિચારને આકાર આપી જ શકો ને?

સાભાર સાથે-વૉટ્સઅપ પરથી વિણેલાં મોતી

No comments:

Post a Comment