Tuesday, February 23, 2021

સર્જનની સરવાણી-૨૬

        

         કોઈ બાળક પાસે પોતાના મા-બાપ બદલવાનો વિકલ્પ નથી હોતો. અને એમની એ કમનસીબીનો આપણે ક્યારેક ગેરલાભ ઉઠાવતા હોઈએ છીએ. આપણા સમાજમાં નાની ઉંમરે મૃત્યુના મુખ્ય બે કારણો છે. અપેક્ષાઓ અને અભિપ્રાયો. બાળક જન્મે ત્યારે એની બંધ મુઠ્ઠીઓમાં મમ્મી-પપ્પાને સંબોધીને ઈશ્વરે લખેલી કોઈ ચિઠ્ઠી નથી હોતી, કે આ બાળકને ડૉક્ટર કે એન્જીનીયર બનાવજો. (કોઈપણ જાતની પૂર્વશરત વિના પોતાના ભાગે આવેલી જિંદગીને ઉજવી લેવાની સમજણ પાઠ્ય-પુસ્તકો વાંચીને નથી આવતી.) 

        બાળકોને પ્રેમ કરનારા આપણે સહુ તેમની પ્રતિભા અને તેજસ્વીતાનું ગૌરવ તો લઈએ છીએ પરંતુ તેમની નબળાઈઓ સ્વીકારવા આપણે તૈયાર નથી હોતા. પરીક્ષાના માર્કસ હોય કે રમતગમતનું મેદાન, આપણું બાળક ક્યાંય પણ પાછળ રહી જાય એ વાત આપણને મંજૂર નથી. શ્રી દક્ષિણામૂર્તિના શિક્ષક અને કેળવણીકાર વિક્રમ ભટ્ટ કહે છે કે ‘બાળકોની અપૂર્ણતાને ચાહો. કારણકે તેઓ તમારી અપૂર્ણતાને ચાહે છે. ’ આ વાત કેટલી સાચી લાગે છે ને ! 

        આજ સુધી કોઈ બાળકે એની મમ્મીને એવું કહ્યું નથી કે ‘મમ્મી, તને અંગ્રેજી બોલતા નથી આવડતું એટલે હું તારા ખોળામાં નહિ બેસું.’ પપ્પાને પ્રમોશન નથી મળ્યું એવું સાંભળીને કયું બાળક એના પપ્પા સાથે બોલવાનું બંધ કરી દે છે ? બાળકો આપણને આપણી નિષ્ફળતાઓ અને નબળાઈઓ સાથે સ્વીકારે છે અને પ્રેમ કરે છે. ચોકલેટ અને રમકડા જેવી નાની બાબતો પર જીદ કરતા બાળકો, એમના મા-બાપની ઉણપો વિશેનું સત્ય કેટલી સરળતાથી સ્વીકારી લે છે !  

        બીજું કાંઈ શીખીએ કે નહિ પરંતુ આપણા બાળકો પાસેથી આપણે ઉદારતા તો શીખવી જ પડશે. એમના ઉછેરમાં, એમની માવજતમાં આપણે પણ ભૂલો કરતા હોઈશું. જેમ બે કાન પકડીને આપણે તેમની પાસે સોરી બોલાવીએ છીએ, એમ એમની આંખોમાં આંખો નાખીને આપણે પણ તેમને ‘સોરી’ કહેતા શીખવું પડશે. આપણે માફી માંગીએ કે ન માંગીએ, બાળકો બહુ જલ્દી માફ કરી દેતા હોય છે. અને માફી આપ્યાનો તેમને અહંકાર પણ નથી હોતો. કદાચ તેઓ પ્રેમને આપણી કરતા વધારે સારી રીતે સમજે અને જીવે છે. 

        દરેક બાળક પોતાની પસંદગી લઈને જન્મે છે. પોતાના ગમા-અણગમા સાથે જીવે છે. આપણી કોઈપણ જાતની દખલગીરી વગર પણ તેઓ પોતાને ગમતું કામ તો વ્યવસ્થિત રીતે કરી જ લેવાના છે. બસ, એમના સપનાઓમાં આપણને વિશ્વાસ હોવો જોઈએ. પેરેન્ટ્સ મીટીંગ વખતે ચિંતિંત વાલીઓ જ્યારે ક્લાસ-ટીચરને પૂછતા હોય છે કે ‘ક્લાસમાં મારા બાળકનું પ્રદર્શન કેવું છે ?’ ત્યારે મને ઘણીવાર વિચાર આવે છે કે આવી એક મીટીંગ બાળકો સાથે પણ થવી જોઈએ જ્યાં બાળકોને પૂછવામાં આવે કે ‘ઘરમાં તમારા મમ્મી પપ્પાનું પ્રદર્શન કેવું છે ?’ 

        અત્યાર સુધી ફક્ત આપણે જ બાળકોને ગ્રેડ્સ અને માર્કસ આપતા આવ્યા છીએ. એક અવસર એમને પણ મળવો જોઈએ, આપણું મૂલ્યાંકન કરવાનો. પણ બાળકો ક્યારેય મૂલ્યાંકન નથી કરતા કારણકે તેઓ જાણતા હોય છે કે ઈશ્વરે બનાવેલી આ સૃષ્ટિને લોકોની અપૂર્ણતા જ સુંદરતા બક્ષે છે. 

સર્જનવાણી: જો કોઈ પણ બાળક ‘પોતે અપૂર્ણ છે’ એવી માન્યતા સાથે મોટું થાય છે, તો વાલી તરીકે એ આપણી સૌથી મોટી અપૂર્ણતા છે - ડૉ. નિમિત્ત ઓઝા

No comments:

Post a Comment