Sunday, January 16, 2022

સર્જનયાત્રાનું મંથન-૩૮

અનાસક્તિ એટલે લાગણીશૂન્ય નહીં. અનાસક્તિ એટલે લાગણીઓના પ્રભાવમાં આવ્યા વગર નિર્ણય કરવાની ક્ષમતા. આપણે જે પણ કરીએ છીએ, વિચારીએ છીએ તે કોઈને કોઈ રીતે લાગણીઓથી પ્રેરિત હોય છે. આપણને એવો વિશ્વાસ હોય છે કે લાગણીશીલતા સચ્ચાઈ અને પ્રામાણિકતાનું પ્રતિક છે. 

આપણને લાગણીમાં જેટલી શ્રદ્ધા હોય છે, તેટલી જ શંકા તાર્કિક વિચારોમાં હોય છે. છતાં, હકીકત એ પણ છે કે સચ્ચાઈ બહુ આસાનીથી લાગણીનો શિકાર બની જાય છે. લાગણીના પ્રભાવમાં આપણે ગમે તેવા સત્યને અસત્ય અને અસત્યને સત્ય સાબિત કરી શકીએ છીએ. જઘન્ય અપરાધિઓ લાગણીઓથી પ્રેરાયેલા હોય છે. તેનો અર્થ એ નહીં કે તેમનું કૃત્ય ઉચિત છે. લાગણીઓમાં વિવેકબુદ્ધિને બુઠ્ઠી કરી નાખવાની તાકાત હોય છે. એટલા માટે લાગણીઓથી અલગાવ કરીને જોવા-સમજવા પ્રયાસ કરવો જોઈએ. ઇમોશનલ ઈન્ટેલિજન્સનું બીજું નામ અનાસક્તિ છે.....

Thursday, January 13, 2022

ઉત્તરાયણ અને મહાભારત

        

        ભારતીય સંસ્કૃતિની આપણી ઉજળી રંગબેરંગી પરંપરાને ઉજાળતા આપણા તહેવારો અને ઉત્સવો થકી જ આપણી અલગ ઓળખાણ સમગ્ર જગત સાથે સંકળાયેલી છે. આવા અવનવા અને સપ્તરંગી તહેવારોમાં એક થનગનતો અને સર્વના હૈયાને તરબોળ કરતો તહેવાર એટલે ઉત્તરાયણ. મકરસંક્રાતિના નામથી પ્રસ્દ્ઘિ આપણો આ તહેવાર એની સાથે સંકળાયેલી દંતકથાઓના કારણે પણ એટલો જ ગરિમામય છે. આપણા સમગ્રત: બધા જ તહેવારો અને ઉત્સવોની હારમાળા કોઇને કોઇ તિથિ કે કોઇ ખાસ વાર સાથે સંકળાયેલા હોય છે, એવામાં એકમાત્ર આ ઉત્તરાયણનો પર્વ જ ચોક્કસ તારીખના દિવસે ઉજવાય છે. દરવર્ષે ૧૪ જાન્યુઆરીના રોજ ઉજવાતો એકમાત્ર ભારતીય પરંપરાનો તહેવાર એટલે ઉત્તરાયણ.

        નાતાલના દિવસે આપણને ચાર ખીલા પર જડાયેલા જીસસ યાદ આવે છે. પણ ઉત્તરાયણના દિવસે ૪૯ દિવસ સુધી બાણની શય્યા ઉપર સૂતેલા ભીષ્મ નથી યાદ આવતા..! મકરસંક્રાતિના દિવસે જ ભીષ્મપિતામહે પ્રાણનો ત્યાગ કર્યો હતો. મહાભારતના યુદ્ઘ વખતે અર્જુનના બાણથી ઘવાયેલા ભીષ્મએ તત્કાળ પ્રાણ ત્યાગ કરવાને બદલે ઉત્તરાયણ સુધી બાણશૈયા પર શરીરને ટકાવી રાખ્યું હતું. આપણને આ વાર્તા જેવું લાગે પણ વેદવ્યાસજીએ આ પ્રસંગ Úારા જીવનનો મહત્વનો સંદેશ પાઠવ્યો છે. રામાયણ અને મહાભારતએ માત્ર મંદિરમાં મૂકવા માટે નથી પણ જીવન જીવવા માટેના પાવન પવિત્ર ગ્રંથો છે. આ ગ્રંથોને સદાય જીવવા જોઇએ.

 ભીષ્મના શરીર પરનું એક એક બાણ કૌરવોના એક એક દુષ્કૃત્યનું પ્રતિક છે. કૌરવોએ કરેલી ભૂલોને ભીષ્મએ બાણરૂપે પોતાના પર લઇ લીધી, જેથી કૌરવોને કોઇ તકલીફના પડે. જ્યાં સુધી દાદાએ બાણ ઝીલ્યા ત્યાં સુધી જ કૌરવો ટકી શકયા, પછી ખતમ થઇ ગયા.

         આ પરંપરા પ્રમાણે આપણા દરેકના પરિવારમાં પણ એક ભીષ્મ હોય છે, જે આપણી ભૂલોના બાણ પોતાના પર લઇ લે છે એટલે આપણે સૌ ટકી શકીએ છીએ. જે પરિવાર ટકયો હોય છે, તે પરિવારમાં કોઇને કોઇ સ્વરૂપે ભીષ્મ હાજર જ હોય છે. ભલે એ પછી આપણા દાદા, દાદી, બાપુજી અને બા, ભાઇ-બહેન, પતિ કે પત્ની, દીકરો કે દીકરી કોઇપણ સ્વરૂપે હોઇ શકે. પરિવારના બાકીના સભ્યોને એમ જ હોય છે કે આપણા કુંટુબમાં કોઇ મુશ્કેલી જ નથી. આપણે તો સુખી છીએ ત્યારે વાસ્તવિકતા એ હોય છે કે આવા ભીષ્મ જ મુશ્કેલીઓનું પોટલું પોતાના માથે ઉપાડી લેતા હોય છે એટલે આપણનમુશ્કેલીઓનો અનુભવ થતો હોતો નથી.

         ભીષ્મ તો ઉત્તરાયણે જતા રહ્યા પણ આપણે આપણા ભીષ્મને ઓળખીને સાચવી લેવા નહીંતર કૌરવોની જેમ આપણું અસ્તિત્વ પણ ખતમ થઇ જશે. આ ઉત્તરાયણે આપણે આપણા ભીષ્મને શોધવાનો પ્રયાસ કરીએ. થોડીવાર આંખો બંધ કરીને વિચારો તમારી સમસ્યાઓને તમારા સુધી કોણ પહોંચવા દેતું નથી? એવું કોણ છે કે જેની ગેરહાજરી આખા પરિવારને મુશ્કેલીમાં મૂકી દે છે? એવું કોણ છે કે જેનો સાથ તમને સદાય હળવાફૂલ જેવા રાખે છે? બસ, આ જ તમારા ભીષ્મપિતામહ. આવા પવિત્ર પાવન પર્વ નિમિત્તે આપણા આ ભીષ્મને ઓળખીને એનુ જતન કરીએ.

Tuesday, January 11, 2022

વિવેકાનંદની વાણી મણકો : ૧૩

વિરલ વિભૂતિ-સ્વામી વિવેકાનંદ

    ભારતની મહાનતમ વિરલ વિભૂતિ સમાન સ્વામી વિવેકાનંદ સૌ પ્રથમ આ જ ભારત ભૂમિમાંથી જ ઊઠ્યા; ધર્મના અને ફિલસૂફીના ઉચ્ચમાં ઉચ્ચ આદર્શો તેમના સર્વોચ્ચ શિખરે આ ભૂમિમાં જ પહોંચ્યા. જ્યાંથી આધ્યાત્મિકતા અને ફિલસૂફીએ વારંવાર ભરતીનાં મોજાંની પેઠે બહાર ધસી જઈને દુનિયાને તરબોળ કરી મૂકી તે ભૂમિ આ છે; અને માનવજાતિની અધઃપતિત પ્રજાઓમાં ચેતના અને જોમ પૂરવા અર્થે આવી ભરતી ફરી એક વાર જ્યાંથી ઊઠવી જોઈએ તે ભૂમિ પણ આ જ છે. આ એ જ ભારતવર્ષ છે, જે સદીઓના આઘાતો, સેંકડો પરદેશી આક્રમણો તેમ જ રીતભાતો અને રિવાજોની સેંકડો ઊથલપાથલો સામે ટક્કર ઝીલીને ઊભો છે. આ એ જ ભૂમિ છે, જે અદમ્ય જોમ અને અવિનાશી જીવન લઈને દુનિયા પરના કોઈ પણ પહાડ કરતાં વધુ મજબૂત થઈને ઊભેલી છે. એનું જીવન આત્મા સરખા જ સ્વભાવનું, અનાદિ, અનંત અને અવિનાશી છે; આવા દેશનાં આપણે સંતાનો છીએ.”

     4 જુલાઈ 1902 અષાઢ કૃષ્ણ અમાસનો દિવસ હતો સ્વામી વિવેકાનંદ પશ્ચિમ બંગાળના બેલુર મઠમાં દરરોજની જેમ સવારે વહેલા જાગ્યા. નિત્ય કર્મોથી નિવૃત થઈને ધ્યાન, સાધના અને ભ્રમણ કાર્યને પૂર્ણ કર્યું. ત્યાર બાદ ભોજનાલયમાં ગયા. ભોજન વ્યવસ્થા જોઈ પછી પોતાના શિષ્યોને બોલાવ્યા.

        પોતાના હાથોથી બધા શિષ્યોના પગ ધોયા. શિષ્યોએ સંકોચ કરતા વિવેકાનંદને પુછ્યુ! ‘આ શું વાત છે?’ વિવેકાનંદે કહ્યું : ‘જીસસ ક્રાઈસ્ટે પણ પોતાના હાથોથી શિષ્યોના પગ ધોયા હતા’ શિષ્યોના મનમાં વિચાર આવ્યો ‘તે દિવસો તેમના જીવનના અંતીમ દિવસો હતાં’

        ત્યાર બાદ બધાએ ભોજન કર્યું. વિવેકાનંદે થોડો આરામ કર્યો અને બપોરે દોઢ વાગ્યે બધાને હોલમાં બોલાવ્યા. ત્રણ વાગ્યા સુધી સંસ્કૃત ગ્રંથ લઘુસિદ્ધાંત કૌમુદી પર મનોરંજક શૈલીમાં વિવેકાનંદે પાઠ ભણાવ્યો. વ્યાકરણ જેવો નિરસ વિષય રસમય થઈ ગયો હતો. શિષ્યોને દોઢ કલાકનો સમય ક્યા જતો રહ્યો તે ખબર ન પડી.

        સાંજે વિવેકાનંદ એકલા આશ્રમ પરીસરમાં ફરી રહ્યા હતાં. તે પોતાની જાત સાથે વાર્તાલાપ કરતા હતાં. ‘વિવેકાનંદને સમજવા માટે કોઈ બીજો વિવેકાનંદ જોઈએ. વિવેકાનંદે કેટલું કાર્ય કર્યુ છે તે જાણવા કોઈ વિવેકાનંદ હોવો જોઈએ. ચિંતાની વાત નથી. હવેના સમયમાં આ દેશમાં કેટલાય વિવેકાનંદ આવશે અને ભારતને ઉંચાઈ પર પહોંચાડશે.’ (શિષ્ય પ્રેમાનંદ વિવેકાનંદના આ વાર્તાલાપને છુપાઈને સાંભળે છે.)

        સાંજ પછી વિવેકાનંદ પોતાના ઓરડામાં જાય છે. બારીઓ બંધ કરીને ધ્યાન મુદ્રામાં બેસી જાય છે. થોડો સમય જપ કરે છે. બાદમાં બારીઓ ખોલી નાંખે છે. પથારી પર આરામ કરતાં ૐ નું ઉચ્ચારણ કરતાં બાળક જેવી ચીસ પાડીને આ દુનિયામાંથી વિદાય લે છે.

        શિષ્યોના મનમાં એમ હોય છે કે વિવેકાનંદ આરામ કરતાં હશે. સવારે શિષ્યો વિવેકાનંદ પાસે જાય છે. એટલે તેમના નાકમાંથી લોહી નિકળ્યુ દેખાય છે. ડૉક્ટરને બોલાવવામાં આવે છે. ડૉક્ટર તપાસ કરીને વિવેકાનંદ મૃત્યુ પામ્યા છે તેમ જણાવે છે.

        ઘણાનું  માનવું છે કે વિવેકાનંદનું મૃત્યુ હાર્ટએટેકથી થયુ. ઘણા એમ કહે છે કે કિડની ફેલ થઈ જવાને કારણે મૃત્યુ થયુ. ઘણા એમ કહે છે કે મગજની નસ ફાટી જવાથી મૃત્યુ થયું છે. હકીકતમાં વિવેકાનંદના અંતીમ દિવસોમાં તેમનું શરીર 36 જેટલા રોગની ઝપટમાં આવી ગયું હતું. તેનું કારણ શ્રમ, ભ્રમણને લીધે અપુરતી ઉંઘ, અપુરતો અયોગ્ય ખોરાક, અને પ્રદેશ પ્રમાણે વાતાવરણની શરીર ઉપર અસર!

        બક્ષીબાબુ વિવેકાનંદ વિશે કહે છે કે : માત્ર 39 વર્ષનું જીવન. માત્ર નવ જ વર્ષોનું જાહેરજીવન. 30મે વર્ષે પ્રથમ પ્રવચન. પૂરા વિશ્વને હલાવી નાંખનારો હિંદુત્વનો લલકાર. 1951માં 19મે વર્ષે સ્વામી વિવેકાનંદને પ્રથમ વાંચ્યા ત્યારથી એ મારા હીરો હતા, છે, રહેશે.

અત્રે વિવેકાનંદનો એક વિચાર પ્રસ્તુત કરું છું જે મને પસંદ છેઃ

    “ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું; આ એ જ આર્યાવર્ત છે કે જેની આધ્યાત્મિકતાનું પ્રતિનિધિત્વ જાણે કે સાગર સરખી ધસમસતી સરિતાઓ ભૌતિક ભૂમિકાઓ પર કરી રહી છે; આ એ જ ભારત છે, જ્યાં પુરાતન નગાધિરાજ હિમાલય હિમના થર ઉપર થર ચડાવીને ઊંચો જતો જતો પોતાનાં તુષારમંડિત શિખરો વડે ખુદ આકાશનું રહસ્ય ભેદવાનો જાણે કે પ્રયત્ન કરી રહ્યો છે; આ એ જ ભારતભૂમિ છે, જેની ધરતીને જગતમાં થઈ ગયેલા મહાનમાં મહાન ઋષિઓના પાવનકારી ચરણોનો સ્પર્શ થયેલો છે. માનવીની પ્રકૃતિ વિશેની તેમ જ આંતર જગત વિશેની ખોજ પહેલવહેલી આ ભૂમિમાં થઈ. 

સ્વામી વિવેકનાદ જન્મજયંતિ-રાષ્ટ્રીય યુવા દિવસની શુભકામના 

ટેલિગ્રામ પરથી.. વિવેકાનંદ ગાથા.. સાભાર 

Sunday, January 9, 2022

સર્જનયાત્રાનું મંથન-૩૭

કોઇ વ્યક્તિ કે વસ્તુ લોકપ્રિય હોય એટલે એ ઉચિત કહેવાય? ખૂનીઓ અને આતંકવાદીઓ તેમની રીતે લોકપ્રિય જ હોય છે. કોઇ બાબત અનુચિત હોય, પણ બહુમતી લોકો એના સમર્થનમાં છે એટલા માટે થઇને એનો અમલ કરવો જોઇએ? કોઈ વ્યક્તિ કે વસ્તુની લોકપ્રિયતા તેની ગુણવત્તાની સાબિતી નથી. 

લોકપ્રિયતા એ ટોળાશાહી (crowd thinking) છે. સમુદાય સાથે જોડાયેલા રહેવાની બુનિયાદી માનવીય વૃત્તિના કારણે આપણે જે લોકપ્રિય છે તેનું અનુસરણ કરીયે છીએ. કોકાકોલા સૌથી વધુ વેચાય છે એટલે તે શ્રેષ્ઠ છે? હિટલર લાખો જર્મન લોકોને 'ગમતો' હતો, એટલે તે ઉત્તમ નેતા હતો? પૃથ્વી સપાટ છે, એવો વિચાર એક સમયે લોકપ્રિય હતો. પશ્ચિમમાં ડ્રગ્સ લોકપ્રિય છે. દરેક યુદ્ધો જે તે સમયે અને સમાજમાં લોકપ્રિય જ હોય છે. ઘણીવાર લોકપ્રિયતા ગુણવત્તા સિવાયનાં કારણોથી પણ હોય છે, અને તે આપણી ઉચિત અને નૈતિક જરૂરિયાતો પર હાવી થઈ જાય છે.

Sunday, January 2, 2022

સર્જનયાત્રાનું મંથન-૩૬

સોક્રેટિસે કહ્યું હતું કે ડહાપણ એ જ્ઞાનમાં છે કે હું અજ્ઞાની છું. એનો અર્થ એ નહીં કે આપણે અજ્ઞાની બનીને બેસી રહેવાનું. એનો અર્થ એ કે અજ્ઞાનની શરમ રાખ્યા સવાલ પૂછવા જોઈએ. આપણે સવાલો નથી પૂછતા. આપણને સવાલોની શરમ આવે છે, અથવા આપણે ખોટા સવાલો પૂછીએ છીએ. 

બેવકૂફ લોકો હોંશિયાર દેખાવા માટે સવાલ નથી પૂછતા, અને દરેક બાબતના જવાબ આપવા તત્પર હોય. હોંશિયાર લોકો વધુ હોંશિયાર થવા માટે બેવકૂફ જેવા સવાલો પૂછે. સફળતમ લોકો ઉત્તમ સવાલો પૂછે છે, કારણ કે તેમનામાં જિજ્ઞાસા હોય છે. સવાલ પૂછવો કળા છે. જવાબ નહીં, સવાલ મહાન હોય છે. જવાબ કેવો છે તેનો આધાર સવાલની ગુણવત્તા પર નિર્ભર હોય છે. ઉત્તમ સવાલોથી- વ્યવસાયિક કે અંગત, સામાજિક કે માનસિક- જીવનના તમામ હિસ્સાઓમાં ગુણવત્તા આવે છે. જેટલું વધુ જાણીએ, તેટલી સમજણ વધુ વિસ્તરે. જેટલી સમજણ વધુ વિસ્તરે, જીવન જીવવાનો હુનર વધુ વિકસે.


Sunday, December 26, 2021

સર્જનયાત્રાનું મંથન-૩૫

 

શરમ સામાજિક ભાવ છે, કુદરતી નહીં. આપણને એટલે શરમ નથી આવતી કે આપણે જે કર્યું છે તે અનુચિત છે. શરમ ન એટલે આવે છે કારણ કે બીજા કહે છે કે તે અનુચિત છે. આપણામાં શરમનો ભાવ ત્યાં સુધી જ રહે, જ્યાં સુધી આપણામાં બીજા લોકોના અભિપ્રાયનું મહત્ત્વ હોય. 

જો કોઈ ટોકવાવાળું ન હોય, તો આપણે શરમ ન અનુભવીએ. શરમ અનુભવવા માટે એ જરૂરી છે કે મને એ ખબર હોય મેં કોઈ ધારાધોરણનું ઉલ્લંઘન કર્યું છે. એટલા માટે ખાનગીમાં કરેલી અનીતિમાંથી માણસ કોઈ જ બોધપાઠ ના લે. તેની અનીતિ જેટલી સાર્વજનિક હોય, એની પાઠ શીખવાની સંભાવના એટલી વધુ હોય. ખાનગીમાં મનુષ્યને શરમ ન આવે. ખાનગીમાં વ્યક્તિ સામાજિક રીતે અનુચિત કામોને પણ ઉચિત જ માનતી હોય છે. દંભ એટલા માટે સૌથી ઉપયોગી અને હાથવગો ગુણ છે. એ સમાજને પણ સુખી રાખે છે અને આપણે જે કરવું હોય તે કરવાની ઇજાજત આપે છે.

Sunday, December 19, 2021

સર્જનયાત્રાનું મંથન-૩૪

 

વિચારની ગહેરાઈનો ત્યારે જ પરિચય થાય, જ્યારે આપણે એ વિચારને શબ્દોમાં અભિવ્યક્ત કરીએ. ઇતિહાસના તમામ મહાન વિચારો- ચાહે ધાર્મિક હોય, ફિલોસોફીકલ હોય, વૈજ્ઞાનિક હોય, આર્થિક હોય, સાહિત્યિક હોય- શબ્દોમાં ઉતરીને નક્કર બન્યા હતા. મોટાભાગના લોકોને ખ્યાલ નથી કે લખવું એ માત્ર સંવાદ કે કોમ્યુનિકેશનનું માધ્યમ નથી, એ વિચાર કરવાની જ એક રીત છે. વિચાર અનિત્ય અને અસ્થાયી હોય છે. શબ્દો તેને નક્કરતામાં અંકિત કરે છે. શબ્દો વિચારના એટમને તોડીને તેની અધકચરી ઉર્જાને રિલીઝ કરે છે. ઉત્તમ રીતે વિચારતા લોકો હમેશાં તેમના વિચારોને ફરી-ફરી લખે છે, જેથી તેમનું વિચારવાનું વધુ સ્પષ્ટ અને રચનાત્મક બને. સારો લેખક એ નથી જેને સારું લખતાં આવડે છે. સારો લેખક એ છે જેને સારું વિચારતાં આવડે છે.


Sunday, December 12, 2021

સર્જનયાત્રાનું મંથન-૩૩

ઈમોશનલ મેનેજમેન્ટ અથવા ઈમોશનલ ઇન્ટેલિજન્સ એટલે અંગત કે વ્યવસાયિક સંબંધોમાં પોતાની અને અન્ય લોકોની લાગણીઓને સકારાત્મક દિશામાં નિયંત્રિત કરીને પારસ્પરિક ઘર્ષણો ટાળવાં તે. એવી વ્યક્તિમાં આ ૫ વિશેષતાઓ હોય...

૧. પોતાની લાગણીઓને પારખી શકે (સેલ્ફ અવેરનેસ) 

૨. વ્યવહારિક રીતે તેનો શું અર્થ થાય તે સમજી શકે (સેલ્ફ એનાલિસિસ)

૩. એ લાગણીઓની બીજા પર શું અસર થાય, તેનાથી વાકેફ હોય (એમ્પથી)

૪.  લાગણીઓને નિયંત્રિત કરી શકે (સેલ્ફ રેગ્યુલેશન)

૫. બીજાની લાગણીઓને પારખી શકે અને નિયંત્રણમાં રાખી શકે (સોશ્યલ સ્કિલ)

ઈમોશનલ ઇન્ટેલિજન્સની પહેલી શરત એ છે કે લાગણીઓની બાબતમાં આપણે કેટલા ઉણા ઉતરીએ છીએ, તેને સમજવું પડે. તે પછી બીજાની લાગણીઓને સમજવાનું આસન થઇ જાય. "હું તો બરાબર જ છું. મારી આજુબાજુમાં લોકો મારુ લોહી પી જાય છે" એવું જે માનતા હોય, તે ઈમોશનલી ઇન્ટેલિજન્ટ ના કહેવાય, Foolish કહેવાય....

Saturday, December 11, 2021

વિવેકાનંદની વાણી : મણકો-૧૨

તમારી જગ્યાએ નુતન ભારતને ઊભું થવા દો. હળ પકડતા ખેડૂતની ઝુંપડીમાંથી, માછીમારોની  અને ઝાડુવાળાઓની ઝુંપડીઓમાંથી તેને જાગવા દયો. મોદીની દુકાનમાંથી, ધાણી-દાળિયા વેચનારાની ભઠ્હીમાંથી તેને કૂદવા દો. કારખાનાઓમાંથી અને બજારોમાંથી તેને બહાર નીકળવા દો. આ સામાન્ય જનતાએ હજારો વર્ષ સુધી એક પણ શબ્દ બોલ્યા વિના જુલમો સહ્યા છે. પરિણામે તેમનામાં અદ્ભુત સહિષ્ણુતા આવી છે. તેઓએ પાર વિનાનું દુઃખ વેઠયું છે કે જેમાંથી તેમને અખૂટ ખમીર મળ્યું છે. એક મૂઠીભર અનાજ ઉપર નભી રહીને તેઓ દુનિયાને ઉથલપાથલ કરી શકે છે. જો ફક્ત અર્ધો રોટલો જ તેમને આપો તો તેમનું તેજ ત્રણેય લોકમાં સમાશે નહિં.

વિજય મેળવવા માટે તમારામાં અદ્ભુત ખંત તથા પ્રબળ ઇચ્છાશક્તિ જોઈએ. ખંતીલી વ્યક્તિ તો કહેશે, હું સમુદ્રને પી જઈશ, મારી ઈચ્છાઓ આગળ પર્વત પણ ભાંગીને ભુક્કો થઈ જશે. આ જાતનો ઉત્સાહ, આ જાતની ઇચ્છાશક્તિ ધારણ કરો, ખૂબ મહેનત કરો અને તમે લક્ષ્યસ્થાન પર જરૂર પહોંચશો.  

Tuesday, December 7, 2021

સર્જનની સરવાણી-૬૫

     

હું જેટલા વર્ષ જીવ્યો તેના કરતા હવે ઓછા વરસ મારે જીવવાનું છે તે નક્કી થઈ ગયા પછી મારા આત્માએ સુજાવેલ ઉત્તમ વિચારો

૦૧ ) કોઈ અંગતની વિદાયથી હવે મેં રડવાનું છોડી દીધું છે કારણ કે આજે તે અને કાલે મારો વારો છે..

૦૨ ) તે જ પ્રમાણે જો મારી વિદાય અચાનક થઈ જશે તો મારા પછી આ લોકોનું શું તે વિચારવાનું પણ છોડી દીધું છે કારણ કે મારા ગયા પછી કોઈ ભૂખ્યું રહેવાનું નથી અને મારી સંપત્તિ કોઈ છોડવાનું કે દાન ધર્મ કરવાનું પણ નથી.

૦૩ )  સામેવાળીવ્યક્તિનો પૈસો, પાવર અને પોઝિશન થી હવે અંજાતો નથી.

૦૪ ) ખુદના માટે સમય કાઢું છું. સ્વીકારી લીધું છે કે દુનિયા મારા ખભા પર ટકી નથી. મારા વગર કંઈ અટકી પડવાનું નથી. 

૦૫ ) નાના વેપારીઓ અને ફેરિયાઓ સાથે ભાવતાલ કરવાનું બંધ કર્યું છે. ક્યારેક ખબર હોય કે છેતરાવ છું તો પણ હસ્તે મોઢે જતું કરું છું.

૦૬ ) ભંગાર વીણવા નીકળતા લોકોને પસ્તી કે ખાલી તેલનો ડબ્બો એમજ આપી દઉં છું, પચીસ પચાસ રૂપિયા જતા કરું ત્યારે એના ચેહરા પર લાખો મળી ગયાનો આનંદ જોઈ ખુશ થાઉં છું.

૦૭ ) રોડ પર પાથરણું પાથરી વેપાર કરતા વ્યક્તિ પાસેથી ક્યારેક નકામી વસ્તુ પણ ખરીદી લઉં છું.

૦૮ ) વડીલો અને બાળકોની એકની એક વાત કેટલીયે વાર સાંભળી લઉં છું. કહેવાનું બંધ કરી દીધું છે કે તેઓ એ વાત ઘણી વાર કહી ચુક્યા છે.

૦૯ ) ખોટા વ્યક્તિ સાથે દલીલો કરવા કરતા માનસિક સ્વસ્થ રહેવું પસંદ છે.

૧૦ ) સારા કામ કે વિચારોની મુક્તપણે પ્રશંસા કરું છું. આ ટેવ સકારાત્મક છે. વખાણ્યા બાદ મને પણ આનંદ મળે છે.

૧૧ ) બ્રાન્ડેડ કપડાં, મોબાઈલ કે બીજી કોઈ બ્રાન્ડેડ વસ્તુ થકી વ્યક્તિત્વ આંકવાનું મૂકી દીધું છે. વ્યક્તિત્વ વિચારોથી નિખરે છે બ્રાન્ડેડ વસ્તુઓ થી નહી એ સમજાઈ ગયું છે.

૧૨ ) હું એવા લોકોથી અંતર જાળવું છું જેઓ પોતાની કુટેવો મારા પર થોપવાના પ્રયત્નો કરે છે. એને સુધારવાનો પ્રયત્ન હવે નથી કરતો કારણકે ઘણાં એ કરી ચૂક્યા હોય છે.

૧૩ ) જીંદગીની દોડમાં પાછળ રાખી દેવા જ્યારે કોઈ મેલી રાજરમત રમે છે ત્યારે હું શાંત રહી તેને રસ્તો આપી દઉં છું. આખરે, ના તો હું જિંદગીની હરીફાઈમાં છું, ના તો મારો કોઈ હરીફ છે. 

૧૪ ) હું એજ કરું છું જેનાથી મને આનંદ આવે. લોકો શું વિચારશે કે કહેશે તેની ચિંતા લોકો ઉપર છોડી દીધી છે. ચાર લોકોને ખુશ રાખવા મારું મન મારવાનું છોડી દીધું છે.

૧૫ ) ફાઈવ્ સ્ટાર હોટેલમાં રહેવા કરતાં પ્રકૃતિ નજીક જવું ગમે છે. જંક ફૂડ કરતાં માખણ અને જુવાર કે બાજરાના રોટલા માં સંતોષ થાય છે.

૧૬ ) પોતાના પર હજારો રૂપિયા વાપરવા કરતાં કોઈ જરૂરિયાતમંદ ના હાથમાં પાંચસો હજાર આપવાનો આનંદ માણી લેતાં શીખ્યો છું.

 ૧૭ ) ખોટા પાસે સાચું સાબિત કરવા કરતાં મૌન રહેવાનું પસંદ કરવા લાગ્યો છું. બોલવા કરતાં વાંચવા લાગ્યો છું. ખુદને પ્રેમ કરવા લાગ્યો છું

૧૮ ) નરકની વચ્ચે પણ સ્વર્ગ જેવું જીવન મે હવે બનાવી દીધું છે.. આપ પણ જરા વિચારી યોગ્ય સુધારો કરવાનો પ્રયત્ન કરશોજી.

✍🏻 આયખાના દિવસોનું સરવૈયું  ........ ફેસબુક પરથી અનિલભાઈ જોશીની પોસ્ટમાંથી સાભાર 

Sunday, December 5, 2021

સર્જનયાત્રાનું મંથન-૩૨

સ્મૃતિઓ ક્યારેય 'સાચી' નથી હોતી. લોકો કહેતા હોય છે કે 'મને જાણે કાલે જ બન્યું હોય તેમ યાદ છે.' એના માટે એક શબ્દ પણ છે 'ફ્લેશબલ્બ સ્મૃતિ'; ફોટો જોતા હોઈએ તેવી સ્મૃતિ, પણ આપણી યાદો પર લાગણીઓ, અનુભવો, માન્યતાઓ, માનસિક સ્થિતિના એટલા રંગ ચઢેલા હોય છે કે આપણે જે યાદ રાખીએ છીએ, તે મૂળ જે ઘટના બની હતી તેના કરતાં જુદી રીતે મગજમાં સ્ટોર થાય છે. તેમાંય, જે ઘટનામાં આપણે ભાવનાત્મક તીવ્રતા સાથે ભાગીદાર હોઈએ (દાખલા તરીકે દુર્ઘટના કે ઝઘડો), તેને આપણે બીજી સાધારણ ઘટના (દાખલા તરીકે ભણતાં-ભણતાં ઊંઘી જવું કે ચા પીવી) કરતાં 'જુદી' રીતે યાદ રાખીએ છીએ. એટલા માટે એક જ ઘટનાના સાક્ષી હોવા છતાં, આપણી સ્મૃતિ ક્યારેય બીજી વ્યક્તિની સ્મૃતિ સાથે મળતી નથી આવતી. આપણે બંને તેને ભિન્ન રીતે યાદ રાખીએ છીએ. ઇતિહાસ એટલા માટે જ અલગ-અલગ રીતે લખાય છે. એક દેશ તેના ભૂતકાળને બીજા દેશ કરતાં જુદી રીતે યાદ રાખે છે.