Monday, April 22, 2024

વિશ્વ પુસ્તક દિવસ - ૨૦૨૪

 પુસ્તકો  શા માટે વાચવા જોઈએ ?       

       હું જ્યારે જ્યારે Thick Nhat Hanh (ટીક નાટ હાન)ના પુસ્તકો વાચું છું, એમની વાતો સાંભળું છું કે એમનો ચહેરો જોઉં છું, ત્યારે ત્યારે એક અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે. એવું લાગે કે જાણે જાતની અંદર ધમપછાડા કરતું પાણી, એમના વિચારો સાંભળીને અચાનક શાંત થઈ જાય છે. વિએતનામમાં જન્મેલા અને ૯૫ વર્ષની ઉંમરે પહોંચેલા તેઓ એક ઝેન ગુરુ અને શાંતિ કાર્યકર્તા છે. પચાસથી વધારે પુસ્તકો, અસંખ્ય વિડીયોઝ અને પોડકાસ્ટમાં પ્રકાશિત અને પ્રસારિત થતાં તેમના વિચારો, કોઈપણ સામાન્ય માણસની જિંદગી બદલી શકે તેમ છે. તેઓ ફક્ત વિશ્વશાંતિ માટે જ નહીં, દરેક મનુષ્યની વૈયક્તિક શાંતિ માટે પણ એટલા જ સક્રિય છે. તેમના પુસ્તક ‘At home in the world’માં તેમણે એક સુંદર પ્રસંગ લખ્યો છે.

        બન્યું એવું કે નોર્થ અમેરિકાની એક જેલમાં, મૃત્યુદંડની સજા પામેલા એક કેદીને ટીક નાટ હાનનું એક પુસ્તક આપવામાં આવ્યું. એ પુસ્તકનું નામ, ‘Being peace’. દેહાંતદંડનો દિવસ નજીક આવતા પહેલા, એ ગુનેગારે આ આખું પુસ્તક વાચી નાખ્યું અને એનાથી પ્રેરાઈને તેણે પોતાના જ સેલની અંદર મેડિટેશન કરવાનું શરૂ કર્યું. અંતિમ દિવસોમાં, તેણે તમાકુ ખાવાનું પણ છોડી દીધું. હવે બન્યું એવું કે એની બાજુની ઓરડીમાં જે ગુનેગારને રાખવામાં આવેલો, એ પણ તમાકુનો બંધાણી હતો.

        એક દિવસ એવું બન્યું કે તીવ્ર તલપ લાગતા, એ ગુનેગારે આ મૃત્યુદંડની સજા મળેલા ગુનેગાર પાસે તમાકુ માંગી. એણે પૂછ્યું, ‘થોડી તમાકુ આપશો ?’. પોતે તમાકુ છોડી દીધા હોવા છતાં હાજર રહેલા સ્ટોકમાંથી થોડી તમાકુ તેણે પાડોશી ગુનેગારને આપી. તમાકુ આપતી વખતે તેણે પોતાની પાસે રહેલા પુસ્તક ‘Being peace’નું પહેલું પાનું ફાડી નાંખ્યું, અને તમાકુ એ પાનાંમાં વીંટાળીને બાજુના ગુનેગારને આપ્યું. બીજા દિવસે બીજું પાનું, ત્રીજા દિવસે ત્રીજું પાનું એ રીતે તમાકુ આપવાના બહાને એક ગુનેગારે પોતાની પાસે રહેલું આખું પુસ્તક બીજા સુધી પહોંચાડી દીધું. આ બીજો ગુનેગાર તમાકુ ખાતા ખાતા દરરોજ એક પાનું વાંચતો. એ રીતે ધીમે ધીમે તેણે આખું પુસ્તક પૂરું કર્યું. શરૂઆતમાં આક્રમક, તોફાની અને ગુનાહિત માનસિકતા ધરાવતો આ કેદી ધીમે ધીમે શાંત થવા લાગ્યો. માથા પછાડવાને બદલે કલાકો સુધી તે પોતાની ઓરડીમાં શાંતિથી બેસી રહેતો. એક સુંદર પુસ્તક મોકલવા બદલ થોડા દિવસ પછી તેણે બાજુના કેદીને એક ‘થેન્ક યુ’ લખેલી ચિઠ્ઠી મોકલાવી. એ બંનેના મનમાં રહેલો એક કોમન વિચાર એ હતો કે આ પુસ્તક આપણે પહેલા વાંચ્યું હોત, તો આજે આપણે અહીંયા ન હોત.

        કારાવાસમાં હોવા છતાં પણ એ બંને ગુનેગારો, એક પુસ્તક થકી દીક્ષિત થયા અને આપણે જેલની બહાર હોવા છતાં પણ ક્યારેક મનના કારાવાસમાં પુરાયેલા હોઈએ છીએ. એ મનનો હોય કે તનનો, કારાવાસની અંદર અને બહાર રહેલા લોકો વચ્ચે, તફાવત બસ એક પુસ્તકનો જ હોય છે. 

ડો. નિમિત્ત ઓઝાની ફેસબુક વોલ પરથી મળેલા મોતીડા )

No comments:

Post a Comment