Thursday, January 13, 2022

ઉત્તરાયણ અને મહાભારત

        

        ભારતીય સંસ્કૃતિની આપણી ઉજળી રંગબેરંગી પરંપરાને ઉજાળતા આપણા તહેવારો અને ઉત્સવો થકી જ આપણી અલગ ઓળખાણ સમગ્ર જગત સાથે સંકળાયેલી છે. આવા અવનવા અને સપ્તરંગી તહેવારોમાં એક થનગનતો અને સર્વના હૈયાને તરબોળ કરતો તહેવાર એટલે ઉત્તરાયણ. મકરસંક્રાતિના નામથી પ્રસ્દ્ઘિ આપણો આ તહેવાર એની સાથે સંકળાયેલી દંતકથાઓના કારણે પણ એટલો જ ગરિમામય છે. આપણા સમગ્રત: બધા જ તહેવારો અને ઉત્સવોની હારમાળા કોઇને કોઇ તિથિ કે કોઇ ખાસ વાર સાથે સંકળાયેલા હોય છે, એવામાં એકમાત્ર આ ઉત્તરાયણનો પર્વ જ ચોક્કસ તારીખના દિવસે ઉજવાય છે. દરવર્ષે ૧૪ જાન્યુઆરીના રોજ ઉજવાતો એકમાત્ર ભારતીય પરંપરાનો તહેવાર એટલે ઉત્તરાયણ.

        નાતાલના દિવસે આપણને ચાર ખીલા પર જડાયેલા જીસસ યાદ આવે છે. પણ ઉત્તરાયણના દિવસે ૪૯ દિવસ સુધી બાણની શય્યા ઉપર સૂતેલા ભીષ્મ નથી યાદ આવતા..! મકરસંક્રાતિના દિવસે જ ભીષ્મપિતામહે પ્રાણનો ત્યાગ કર્યો હતો. મહાભારતના યુદ્ઘ વખતે અર્જુનના બાણથી ઘવાયેલા ભીષ્મએ તત્કાળ પ્રાણ ત્યાગ કરવાને બદલે ઉત્તરાયણ સુધી બાણશૈયા પર શરીરને ટકાવી રાખ્યું હતું. આપણને આ વાર્તા જેવું લાગે પણ વેદવ્યાસજીએ આ પ્રસંગ Úારા જીવનનો મહત્વનો સંદેશ પાઠવ્યો છે. રામાયણ અને મહાભારતએ માત્ર મંદિરમાં મૂકવા માટે નથી પણ જીવન જીવવા માટેના પાવન પવિત્ર ગ્રંથો છે. આ ગ્રંથોને સદાય જીવવા જોઇએ.

 ભીષ્મના શરીર પરનું એક એક બાણ કૌરવોના એક એક દુષ્કૃત્યનું પ્રતિક છે. કૌરવોએ કરેલી ભૂલોને ભીષ્મએ બાણરૂપે પોતાના પર લઇ લીધી, જેથી કૌરવોને કોઇ તકલીફના પડે. જ્યાં સુધી દાદાએ બાણ ઝીલ્યા ત્યાં સુધી જ કૌરવો ટકી શકયા, પછી ખતમ થઇ ગયા.

         આ પરંપરા પ્રમાણે આપણા દરેકના પરિવારમાં પણ એક ભીષ્મ હોય છે, જે આપણી ભૂલોના બાણ પોતાના પર લઇ લે છે એટલે આપણે સૌ ટકી શકીએ છીએ. જે પરિવાર ટકયો હોય છે, તે પરિવારમાં કોઇને કોઇ સ્વરૂપે ભીષ્મ હાજર જ હોય છે. ભલે એ પછી આપણા દાદા, દાદી, બાપુજી અને બા, ભાઇ-બહેન, પતિ કે પત્ની, દીકરો કે દીકરી કોઇપણ સ્વરૂપે હોઇ શકે. પરિવારના બાકીના સભ્યોને એમ જ હોય છે કે આપણા કુંટુબમાં કોઇ મુશ્કેલી જ નથી. આપણે તો સુખી છીએ ત્યારે વાસ્તવિકતા એ હોય છે કે આવા ભીષ્મ જ મુશ્કેલીઓનું પોટલું પોતાના માથે ઉપાડી લેતા હોય છે એટલે આપણનમુશ્કેલીઓનો અનુભવ થતો હોતો નથી.

         ભીષ્મ તો ઉત્તરાયણે જતા રહ્યા પણ આપણે આપણા ભીષ્મને ઓળખીને સાચવી લેવા નહીંતર કૌરવોની જેમ આપણું અસ્તિત્વ પણ ખતમ થઇ જશે. આ ઉત્તરાયણે આપણે આપણા ભીષ્મને શોધવાનો પ્રયાસ કરીએ. થોડીવાર આંખો બંધ કરીને વિચારો તમારી સમસ્યાઓને તમારા સુધી કોણ પહોંચવા દેતું નથી? એવું કોણ છે કે જેની ગેરહાજરી આખા પરિવારને મુશ્કેલીમાં મૂકી દે છે? એવું કોણ છે કે જેનો સાથ તમને સદાય હળવાફૂલ જેવા રાખે છે? બસ, આ જ તમારા ભીષ્મપિતામહ. આવા પવિત્ર પાવન પર્વ નિમિત્તે આપણા આ ભીષ્મને ઓળખીને એનુ જતન કરીએ.

No comments:

Post a Comment