Tuesday, January 11, 2022

વિવેકાનંદની વાણી મણકો : ૧૩

વિરલ વિભૂતિ-સ્વામી વિવેકાનંદ

    ભારતની મહાનતમ વિરલ વિભૂતિ સમાન સ્વામી વિવેકાનંદ સૌ પ્રથમ આ જ ભારત ભૂમિમાંથી જ ઊઠ્યા; ધર્મના અને ફિલસૂફીના ઉચ્ચમાં ઉચ્ચ આદર્શો તેમના સર્વોચ્ચ શિખરે આ ભૂમિમાં જ પહોંચ્યા. જ્યાંથી આધ્યાત્મિકતા અને ફિલસૂફીએ વારંવાર ભરતીનાં મોજાંની પેઠે બહાર ધસી જઈને દુનિયાને તરબોળ કરી મૂકી તે ભૂમિ આ છે; અને માનવજાતિની અધઃપતિત પ્રજાઓમાં ચેતના અને જોમ પૂરવા અર્થે આવી ભરતી ફરી એક વાર જ્યાંથી ઊઠવી જોઈએ તે ભૂમિ પણ આ જ છે. આ એ જ ભારતવર્ષ છે, જે સદીઓના આઘાતો, સેંકડો પરદેશી આક્રમણો તેમ જ રીતભાતો અને રિવાજોની સેંકડો ઊથલપાથલો સામે ટક્કર ઝીલીને ઊભો છે. આ એ જ ભૂમિ છે, જે અદમ્ય જોમ અને અવિનાશી જીવન લઈને દુનિયા પરના કોઈ પણ પહાડ કરતાં વધુ મજબૂત થઈને ઊભેલી છે. એનું જીવન આત્મા સરખા જ સ્વભાવનું, અનાદિ, અનંત અને અવિનાશી છે; આવા દેશનાં આપણે સંતાનો છીએ.”

     4 જુલાઈ 1902 અષાઢ કૃષ્ણ અમાસનો દિવસ હતો સ્વામી વિવેકાનંદ પશ્ચિમ બંગાળના બેલુર મઠમાં દરરોજની જેમ સવારે વહેલા જાગ્યા. નિત્ય કર્મોથી નિવૃત થઈને ધ્યાન, સાધના અને ભ્રમણ કાર્યને પૂર્ણ કર્યું. ત્યાર બાદ ભોજનાલયમાં ગયા. ભોજન વ્યવસ્થા જોઈ પછી પોતાના શિષ્યોને બોલાવ્યા.

        પોતાના હાથોથી બધા શિષ્યોના પગ ધોયા. શિષ્યોએ સંકોચ કરતા વિવેકાનંદને પુછ્યુ! ‘આ શું વાત છે?’ વિવેકાનંદે કહ્યું : ‘જીસસ ક્રાઈસ્ટે પણ પોતાના હાથોથી શિષ્યોના પગ ધોયા હતા’ શિષ્યોના મનમાં વિચાર આવ્યો ‘તે દિવસો તેમના જીવનના અંતીમ દિવસો હતાં’

        ત્યાર બાદ બધાએ ભોજન કર્યું. વિવેકાનંદે થોડો આરામ કર્યો અને બપોરે દોઢ વાગ્યે બધાને હોલમાં બોલાવ્યા. ત્રણ વાગ્યા સુધી સંસ્કૃત ગ્રંથ લઘુસિદ્ધાંત કૌમુદી પર મનોરંજક શૈલીમાં વિવેકાનંદે પાઠ ભણાવ્યો. વ્યાકરણ જેવો નિરસ વિષય રસમય થઈ ગયો હતો. શિષ્યોને દોઢ કલાકનો સમય ક્યા જતો રહ્યો તે ખબર ન પડી.

        સાંજે વિવેકાનંદ એકલા આશ્રમ પરીસરમાં ફરી રહ્યા હતાં. તે પોતાની જાત સાથે વાર્તાલાપ કરતા હતાં. ‘વિવેકાનંદને સમજવા માટે કોઈ બીજો વિવેકાનંદ જોઈએ. વિવેકાનંદે કેટલું કાર્ય કર્યુ છે તે જાણવા કોઈ વિવેકાનંદ હોવો જોઈએ. ચિંતાની વાત નથી. હવેના સમયમાં આ દેશમાં કેટલાય વિવેકાનંદ આવશે અને ભારતને ઉંચાઈ પર પહોંચાડશે.’ (શિષ્ય પ્રેમાનંદ વિવેકાનંદના આ વાર્તાલાપને છુપાઈને સાંભળે છે.)

        સાંજ પછી વિવેકાનંદ પોતાના ઓરડામાં જાય છે. બારીઓ બંધ કરીને ધ્યાન મુદ્રામાં બેસી જાય છે. થોડો સમય જપ કરે છે. બાદમાં બારીઓ ખોલી નાંખે છે. પથારી પર આરામ કરતાં ૐ નું ઉચ્ચારણ કરતાં બાળક જેવી ચીસ પાડીને આ દુનિયામાંથી વિદાય લે છે.

        શિષ્યોના મનમાં એમ હોય છે કે વિવેકાનંદ આરામ કરતાં હશે. સવારે શિષ્યો વિવેકાનંદ પાસે જાય છે. એટલે તેમના નાકમાંથી લોહી નિકળ્યુ દેખાય છે. ડૉક્ટરને બોલાવવામાં આવે છે. ડૉક્ટર તપાસ કરીને વિવેકાનંદ મૃત્યુ પામ્યા છે તેમ જણાવે છે.

        ઘણાનું  માનવું છે કે વિવેકાનંદનું મૃત્યુ હાર્ટએટેકથી થયુ. ઘણા એમ કહે છે કે કિડની ફેલ થઈ જવાને કારણે મૃત્યુ થયુ. ઘણા એમ કહે છે કે મગજની નસ ફાટી જવાથી મૃત્યુ થયું છે. હકીકતમાં વિવેકાનંદના અંતીમ દિવસોમાં તેમનું શરીર 36 જેટલા રોગની ઝપટમાં આવી ગયું હતું. તેનું કારણ શ્રમ, ભ્રમણને લીધે અપુરતી ઉંઘ, અપુરતો અયોગ્ય ખોરાક, અને પ્રદેશ પ્રમાણે વાતાવરણની શરીર ઉપર અસર!

        બક્ષીબાબુ વિવેકાનંદ વિશે કહે છે કે : માત્ર 39 વર્ષનું જીવન. માત્ર નવ જ વર્ષોનું જાહેરજીવન. 30મે વર્ષે પ્રથમ પ્રવચન. પૂરા વિશ્વને હલાવી નાંખનારો હિંદુત્વનો લલકાર. 1951માં 19મે વર્ષે સ્વામી વિવેકાનંદને પ્રથમ વાંચ્યા ત્યારથી એ મારા હીરો હતા, છે, રહેશે.

અત્રે વિવેકાનંદનો એક વિચાર પ્રસ્તુત કરું છું જે મને પસંદ છેઃ

    “ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું; આ એ જ આર્યાવર્ત છે કે જેની આધ્યાત્મિકતાનું પ્રતિનિધિત્વ જાણે કે સાગર સરખી ધસમસતી સરિતાઓ ભૌતિક ભૂમિકાઓ પર કરી રહી છે; આ એ જ ભારત છે, જ્યાં પુરાતન નગાધિરાજ હિમાલય હિમના થર ઉપર થર ચડાવીને ઊંચો જતો જતો પોતાનાં તુષારમંડિત શિખરો વડે ખુદ આકાશનું રહસ્ય ભેદવાનો જાણે કે પ્રયત્ન કરી રહ્યો છે; આ એ જ ભારતભૂમિ છે, જેની ધરતીને જગતમાં થઈ ગયેલા મહાનમાં મહાન ઋષિઓના પાવનકારી ચરણોનો સ્પર્શ થયેલો છે. માનવીની પ્રકૃતિ વિશેની તેમ જ આંતર જગત વિશેની ખોજ પહેલવહેલી આ ભૂમિમાં થઈ. 

સ્વામી વિવેકનાદ જન્મજયંતિ-રાષ્ટ્રીય યુવા દિવસની શુભકામના 

ટેલિગ્રામ પરથી.. વિવેકાનંદ ગાથા.. સાભાર 

No comments:

Post a Comment