અમરાપુર નામના એક નાનકડા ગામમાં એક ટોપીવાળો
રહેતો હતો. જાતે જ નાની-મોટી ટોપીઓ બનાવીને આજુબાજુના ગામડાઓમાં વેચવા નીકળતો. આવી
જ રીતે એકવાર તે ટોપીઓ વેચવા માટે જતો હતો ત્યારે કોઇ ગાઢ જંગલમાંથી પસાર થયો.
તેણે થાક ખાવા માટે થોડીવાર એક ઝાડ નીચે ઉતારો કર્યો. મસ્ત પવનની લહેરમાં તેને
ઝોંકુ આવી ગયું. પણ થોડીવારમાં એ જ ઝાડ પર રહેતા તમામ વાંદરાઓ નીચે ઉતર્યા અને
તેની બધી જ ટોપીઓ લઇને ઝાડ પર ચઢી ગયા. ઝાડ પર ચઢીને ટોપીઓ પહેરીને એકબીજાની સામે
જોઇને ગમ્મત કરવા લાગ્યા. વાંદરાઓને તો મજા પડી ગઇ!
થોડીવાર
પછી પેલો ટોપીવાળો જાગ્યો અને ઉઠીને ઉંચે જોયું તો બધા જ વાંદરાઓએ ટોપીઓ પહેરી હતી
અને એકબીજાની સામે જોઇને ગમ્મત કરતા નજરે જોયા. તેણે થોડીવાર વિચાર કરીને એક
અજમાઇશ કરી. પોતાના માથા પર પહેરેલી ટોપીનો તેણે નીચે ફેંકી દીધી, તો સામે વાંદરાઓ એ
પણ પોતાના માથે પહેરેલી ટોપીઓ નીચે ફેંકી દીધી. ઝટ પટ પેલા ટોપીવાળાએ બધી ટોપીઓ
ભેગી કરી અને ત્યાંથી ચાલી નીકળ્યો. પોતાના ગામ ઘરે પહોંચીને તેણે રાહતનો દમ લીધો.
રાત્રે
જમીને તેણે પોતાના દીકરાને પાસે બોલાવ્યો અને બધી વાતચીત કરી. દિવસે જંગલમાં બનેલી
ઘટનાની જાણકારી આપી અને દીકરાને સમજાવતા કહ્યું કે બીજે ગામ ટોપીઓ વેચવા જાય
ત્યારે જંગલમાં રોકાવું નહીં. રોકાવ તો સૂવુ નહીં. સૂવું તો ટોપીઓનો થેલો સાચવવો.
છતાં પણ જો વાંદરાઓ ટોપીઓ લઇ જાય તો શું કરવું એની પણ વિગતે યુકિત સમજાવી.
થોડો સમય
વીત્યો અને પેલો ટોપીવાળો મરણ પામ્યો. અમુક સમય બાદ તેના દીકરાએ ટોપીઓ વેચવાનું
શરૂ કર્યુ. પણ થોડા જ દિવસમાં એના પિતાએ આપેલી શિખામણ વિસરાઇ ગઇ અને બીજે ગામ
ટોપીઓ વેચવા ગયો ત્યારે જંગલમાં થઇને ગયો અને રસ્તામાં ત્યાં જ કોઇ ઝાડ નીચે સૂઇ
ગયો. યોગાનુયોગ તેની સાથે પણ એ જ ઘટના બની,
જે તેના પિતા સાથે થઇ હતી. એ જે ઝાડ નીચે સુતો
હતો ત્યાં ઉપરથી વાંદરાઓ નીચે આવીને ટોપીઓ લઇ ગયા. ટોપીઓ પહેરીને નખરા કરવા
લાગ્યા.
જાગીને
જોયું તો વાંદરાઓ ટોપીઓ પહેરીને નખરા કરતા હતા. તેને પોતાના પિતાએ બતાવેલી વાતો
યાદ આવી અને એણે પોતે પહેરેલી ટોપીને નીચે ફેંકી દીધી અને ઉપર વાંદરાઓ સામે જોયું, પણ એકપણ વાંદરાએ
એમની ટોપી નીચે ફેંકી નહીં. થોડીવાર પછી એક યુવાન વાંદરો નીચે આવ્યો અને પેલા
ટોપીવાળાને જોરથી એક થપ્પડ મારી અને કહ્યું કે તું પેલા વૃધ્ધ ટોપીવાળાનો દીકરો છો
ને. પેલાએ હા પાડી એટલે વાંદરાએ ટોપીવાળાના માથા પર જે ટોપી હતી તે પણ લઇ લીધી અને
કહેવા લાગ્યો કે “ ભાઇ જેમ તમને તમારા પૂર્વજ પિતાએ શિખામણ આપેલી છે એમ અમને પણ
અમારા બાપ-દાદાઓ એ શિખામણ આપેલી છે. અમે પશુ અમારા વડવાઓની શિખામણને જીવનમાં
ઉતારીને અનુસરણ કરીએ પણ તમારી જેમ આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. આમ કહીને તે ઝાડ પર
ચઢી ગયો. ટોપીવાળો નિરાશ થઇને ઘર તરફ હાલી નીકળ્યો.
ર્વાતાની શિખામણ :- આપણા પૂર્વજો, બાપ-દાદાઓ અને વડીલો
પોતાના અનુભવોથી પોતાના સંતાનોના જીવનનું ઘડતર કરે છે. એના કરતા ઊલટું આચરણ કરવાથી
જીવનમાં વિપત્તીઓ આવે છે. માટે જ જ્યારે પણ મુશ્કેલીઓ આવે ત્યારે અનુભવીની સલાહ
લેવી જોઇએ.
No comments:
Post a Comment