Tuesday, August 31, 2021

સર્જનની સરવાણી-૫૩


રમણ મહર્ષિ

            આપણો ભારત એટલે વિશ્વની વિભૂતીઓનો ભંડાર. એક કરતા એક ચડિયાત અને મહાન ઋષિ-મૂનિઓની સાથે સંતો અને ભકતોનો પણ દાતાર એવો આપણો આ ભારત દેશ સમગ્ર વિશ્વ માટે શાતિની ચાહ રાખનાર અને સતત વિશ્વને જીવન જીવવાની નવી રાહ બતાવવા માટે અગ્રેસર રહે છે. આવા અનેક પવિત્ર સંતોે-મહંતો અને વિરલ વીરલાઓ આ ભારતની પવિત્ર ભોમકા પર આવી ગયા છે. એવું જ એક જાણીતું નામ છે રમણ મહર્ષિનું. દક્ષિણ ભારતમાં જેમણે ભક્તિ અને આસ્થાની જયોત જલાવી.

        રમણ મહર્ષિનું બાળપણનું નામ વેંકટરામન હતું. એમના પિતા પ્રતિષ્ઠાવાન વકીલ હતા. રમણ નાનપણથી જ રમતિયાળ અને ભણવામાં નબળા હોવાથી કોઇ ખાસ મહત્તા દર્શાવતું લક્ષણ એમનામાં જણાતું નહોતું. સતત પોતાની જ મસ્તીમાં ખોવાયેલા રહેતા રમણ મહર્ષિ વર્ગમાં ઊંચો નંબર લાવવા કરતા રમત અને રખડપટ્ટીને વધારે મહત્વ આપતા હતા. એક વખત એમને મોતનો ભયાનક ભય લાગ્યો અને એમણે પોતાના વ્યક્તિત્વનો અને અહંકારનો નાશ થતો હોય તેવો અનુભવ પ્રત્યક્ષ અનુભવ્યો. ત્યારબાદ એમના મનમાંથી મોતની બીક હંમેશા માટે જતી રહી. આ પછી સગામાં, મિત્રોમાં ને અભ્યાસમાં રસ રહ્યો નથી.

     એકવાર રમણ મહર્ષિ પોતે ધ્યાનમાં બેઠા હતા ત્યારે એમના ભાઇએ જણાવ્યું કે યોગી થવું હોય તો નિશાળના ભણતરનો અને નકામો ખર્ચ અમારા ઉપર શા માટે નાખે છે? તે જ ક્ષણે મહિનાઓ પહેલા સાંભળેલું અરુણાચલનું નામ યાદ આવી ગયું. તરત જ બોલી ઉઠયા કે ભાઇ એક ખાસ વર્ગમાં જવાનું છે તો હું જાવ છું, એમ કહીને નીકળી ગયા અને હંમેશા માટે ઘર છોડીને ચાલી નીકળ્યા. એમના વિદાયમાં નીકળ્યા ત્યારે કાગળમાં લખ્યું હતું. હું મારા પિતાની ખોજમાં અહીંથી પ્રયાણ કરું છું. સત્યકાર્યમાં પ્રવેશી રહ્યો છું, એટલે કોઇએ ચિંતા કરવી નહીં. શોધવા માટે નાણાનો વ્યર્થ ખર્ચ કરવો નહીં. યુવાન વયે અરુણાચલ પહોંચેલા રમણને ત્યાંના આજુબાજુના લોકાએ પણ જંપવા દીધા નહીં, ગામના છોકરાવે એમને તોફાનોના શિકાર બનાવ્યા હતા.

     લોકોની પીડામાંથી બચવા માટે પાતાળલિંગમ નામના ભોંયરામાં જઇ રહ્યા. મહર્ષિએ ત્યાં કેટલા દિવસો વિતાવ્યા તે કોઇ જાણતું નથી. લોકોએ એમને પહેલીવાર જોયા ત્યારે એમની સ્થિતી હ્યદયÙાવક હતી. પરંતુ આ સ્થિતી એમના માટે ઘણી શુભ હતી. તીવ્ર તપશ્રર્યાની લોકો પર અસર થઇ. ત્યાર પછી સાધુઓએ ને લોકોએ તેમની સંભાળ લેવા માંડી. વારંવાર સ્થાન બદલાવતા બદલાવતા તેઓ કોઇ એક આશ્રમમાં સ્થિર થઇ ગયા અને દેશભરમાંથી લોકો એમની મુલાકાત લેવા આવવા લાગ્યા.

         એકવારની વાત છે. આશ્રમમાં આવેલા લોકોની સાથે મહર્ષિ જ્ઞાનચર્ચા કરી રહ્યા હતા. પોતે ખાટલા પર બેઠા હતા અને લોકો નીચે બેઠા હતા. બારીનો તડકો એમના શરીર પર પડી રહ્યો હતો. કોઇ એક ભાઇએ ઉઠીને તે બારી બંધ કરી અને પડદો નીચે પાડયો. આ જોઇને તેઓ બોલી ઉઠયા ભાઇ પડદો પાડીને તમે અહીં પક્ષપાત કર્યો છે. શું હું જ એક માણસ છું અને આ બધા લોકો માણસ નથી? એમના પર પણ તડકો આવે છે. બધાથી હું જુદો એમ બતાવીને તમે મારું સ્વામીપણું બતાવવા માંગો છો ખરું ને ?

        વાતમાંથી વાત નીકળતા એક શિષ્યએ પ્રશ્ર કર્યો કે ભગવન્! આપ સ્થળે સ્થળે ફરી ઉપદેશ કેમ નથી આપતા? મહર્ષિએ જવાબ આપ્યો ભાઇ સભામંચ પર ચડીને આડંબરની શૈલીમાં ઉપદેશ આપવાનું મને પસંદ નથી. આવા જ મહાન સંતોના સદાચારી અને ચારિત્ર્યવાન જીવનધોરણ થકી જ આદર્શોના સંસ્કારોની ગંગા આપણા દેશમાં વહે છે. જય જય ધન્ય ભારતની ભૂમિ!...

Sunday, August 29, 2021

સર્જનયાત્રાનું મંથન-૧૮

અણુ (એટમ)ની ભીતર 99.9999999999996% ખાલી અવકાશ હોય છે. અણુ જો પૃથ્વી જેટલો હોય, તો તેના કેન્દ્રમાં આવેલો પ્રોટોન 600 ફૂટની જગ્યા રોકે. બાકીની જગ્યા ખાલીખમ હોય.  એનો અર્થ એ થયો કે બ્રહ્માંડમાં જે પણ ચીજ પદાર્થ સ્વરૂપે છે, તે લગભગ શૂન્ય છે. 

શરીરથી લઈને સૂરજ-ચંદ્ર શૂન્યમાંથી શરૂ થાય છે. એ શૂન્ય શેનું બનેલું છે? શૂન્ય જેવું કશું હોય છે ખરું, કે પછી એક સીમા પછી જોવા-સમજવા માટે આપણી આંખોમાં એક મર્યાદા આવી જાય છે? કશાનું ન હોવું 'હોવું' કેવી રીતે કહેવાય? આઈન્સ્ટાઈને કહ્યું હતું કે અણુ એનર્જી છે, જે કણ કે તરંગ (વેવ-પાર્ટીકલ થિયરી)  વચ્ચે નિરંતર તબ્દીલ થતો રહે છે. આપણે જ્યારે અણુનો અભ્યાસ કરીએ, ત્યારે એક અણુ બીજા અણુને સમજવાની કોશિશ કરતો હોય. આ શક્ય છે? એ અર્થમાં આપણે જ બ્રહ્માંડ છીએ અને આપણે જ આપણને જોઈએ છીએ...

જે. કૃષ્ણમૂર્તિએ કહ્યું હતું :- Observer is the observed.

Friday, August 27, 2021

ચારણ-કન્યા

સાવજ ગરજે સાવજ ગરજે !

વનરાવનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેસરી ગરજે

ઐરાવતકુળનો અરિ ગરજે, કડયપાતળિયો જોધ્ધો ગરજે

મોં ફાડી માતેલો ગરજે, જાણે કો જોગંદર ગરજે

નાનો એવો સમદર ગરજે !

કયાં કયાં ગરજે?

બાવળના જાળામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે

કણબીના ખેતરમાં ગરજે, ગામ તણા પાદરમાં ગરજે

નદીઓની ભેખડમાં ગરજે, ગિરિઓની ગોહરમાં ગરજે

ઉગમણો આથમણો ગરજે, ઓરોને આઘેરો ગરજે

થર થર કાંપે !

વાડામાં વાછડલાં કાંપે, કૂબામાં બાળકડાં કાંપે

મધરાતે પંખીડાં કાંપે ઝાડતણા પાંદડલા કાંપે,

સૂતાને જાગંતાં કાંપે,જડને ચેતન સૌ એ કાંપે

આંખ ઝબુકે !

કેવી એની આંખ ઝબુકે

વાદળમાંથી વીજ ઝબુકે,જોટે ઉગીબીજ ઝબુકે

જોગંદરની ઝાળ ઝબુકે, વીર તણી ઝંઝાળ ઝબુકે

ટમટમતી બે જયોત ઝબુકે, સામે ઊભું મોત ઝબુકે

જાણે બે અંગાર ઝબુકે, હીરાના શણગાર ઝબુકે

જડબા ફાડે !

ડુંગર જાણે ડાચા ફાડે

જોગી જાણે ગુફા ઉઘાડે ! જામરાજાનું Úાર ઉઘાડે !

પૃથ્વીનું પાતાળ ઉધાડે ! બરછી સરખા દાંત બતાવે

લસા લસા કરતી જીભ ઝુલાવે

બહાદુર ઉઠે !

બડકંદાર બિરાદર ઉઠે, ફરસી લેતો ચારણ ઉઠે

ખડગ ખેંચતો આહીર ઉઠે, બરછી ભાલે કાઠી ઉઠે

ઘરઘરમાંથી માટી ઉઠે, ગોબો હાથ રબારી ઉઠે

સોટો લઇ ઘરનારી ઉઠ, ગાય તણા રખવાળો ઉઠે

દૂધમલા ગોવાળો ઉઠે, મૂછે વળ દેનારા ઉઠે

ખોંખારો ખાનારા ઉઠે, માનું દૂધ પીનારા ઉઠે

જાણે આભ મિનારા ઉઠે

ઊભો રેજે !

ત્રાડ પડી કે ઊભો રેજે ! ગીરના કુત્તા ઊભો રેજે !

ખાયર દુત્તા ઊભો રેજે ! પેટભરા તું ઊભો રેજે !

ભૂખમરા તું ઊભો રેજે ! ચોર લુંટારા ઊભો રેજે !

ગા-ગોજારા ઊભો રેજે !

ચારણ-કન્યા !

ચૌદ વરસની ચારણ-કન્યા

ચૂંદડિયાળી ચારણ કન્યા, શ્વેતસુંવાળી ચારણ-કન્યા

બાળી ભોળી ચારણ કન્યા, લાલ હીંગોળી ચારણ-કન્યા

ઝાડ ચડંતી ચારણ કન્યા, પહાડ ઘુમંતી ચારણ-કન્યા

જોબનવંતી ચારણ કન્યા, આગ ઝરંતી ચારણ-કન્યા

નેસ-નિવાસી ચારણ કન્યા, જગદંબા શી ચારણ-કન્યા

ડાંગ ઉઠાવે ચારણ કન્યા, ત્રાડ ગજાવે ચારણ-કન્યા

હાથ હિલોળે ચારણ કન્યા, પાછળ દોડી ચારણ-કન્યા

ભયથી ભાગ્યો !

સિંહણ તારો ભડવીર ભાગ્યો, રણ મેલીને કાયર ભાગ્યો

ડુંગરનો રમનારો ભાગ્યો, હાથીનો હણનારો ભાગ્યો

જોગીનાથ જટાળો ભાગ્યો, મોટો વીર મૂછાળો ભાગ્યો

નર થઇને તું નારીથી ભાગ્યો, નાનકડી છોડીથી ભાગ્યો.

ચારણ-કન્યા !

ઝવેરચંદ મેઘાણીની આ કવિતા ૧૯૨૮ ગીરના જગલમાં તુલસીશ્યામ પાસેના એક નેસડામાં હીરબાઈ નામની ૧૪ વર્ષની ચારણ કન્યાએ એકલે હાથે પોતાની વાછરડીને મારનાર સિંહને એનું માંસ ચાખવા નહોતું દીધું અને ફક્ત લાકડીએથી ગીરના સાવજને હાંકી કાઢ્યો હતો.

“તુલસીશ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા,ત્યાં રીડ થઇ. સાવજ ડણક્યો. હાકોટા થવા માંડ્યા. રોળકોળ વેળા થઇ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઇ કરી એક ચારણ બાઇની વોડકીને સાવજે પાદરમાં જ પાડી. અમે બધાદોડ્યા.વીસેક જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઇ ક્યારની યે ત્યાં પહોંચી ગઇ હતી. મરેલી વોડકી પર એ ચારણ-કન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામો થઇ હોંકારા કરતો હતો. બાઇ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઇએ સાવજને ખાવા ન દીધી….એવખતે ‘ચારણ-કન્યા’ ગીત મેઘાણીભાઇ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ ઘ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઇ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડમાંડ પકડી રાખેલા.”
– દુલા કાગ

Tuesday, August 24, 2021

સર્જનયાત્રાનું મંથન-૫૨

        

        એક હકારાત્મક અભિગમની સાથે જીવનને ઉન્નતિના માર્ગે લઇ જવા માટે આપણે સૌ સાથે મળીને એક શ્રેષ્ઠ જીવન જીવવા માટે કટિબદ્ઘ બનીએ. આપણા પરિવારજનો સાથે મહત્તમ સમય વિતાવીએ અને એમની સાથે તાદાત્મય સદાય અકબંધ રહે તે માટે એમને સહયોગ કરીએ.

     એક શ્રેષ્ઠ જીવન ઘણા બધા સંઘર્ષોથી ઘેરાયેલુ અને અનુભવોથી ઘડાયેલુ હોય છે. આપણા વડીલોની પાસે બેસીને એમના અનુભવોને વર્તમાન સમયની સાથે વણવાનો એક નવીન પ્રયાસ કરીએ તો શકય છે કે જીવનને ઓર બહેતર બનાવી શકાશે. આપણા વડીલોને પણ એમના લાડકાઓની હુંફ મળશે તો એમના આર્શીવાદ પ્રાપ્ત થશે. સતત ટેકનોલોજીના વાતાવરણમાં આપણે સૌ ઘેરાતા જઇએ છીએ ત્યારે શકય એટલો થોડો સમય પોતાના જીવનને પણ આપીએ અને એના માટે પણ ચિંતન-મનન કરીએ. આપણી આવનારી પેઢીને એક ઉત્તમ વારસો આપવા માટે સતત કાર્યશીલ રહીએ.

     આપણી વર્તમાન અને આવનારી પેઢીને શ્રેષ્ઠ બનાવવા માટે એક ઉત્તમ વિચાર રજૂ કરવાનો મને આનંદ થાય છે કે એક સર્વોત્તમ જીવન માટે સારા વિચારો ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. આ વિચારો પ્રગટ કરવા માટે આવતી પેઢીને વાંચનનો વારસો આપવા માટે પ્રેરિત થઇએ. શું તમે કયારેય પણ વિચાર કર્યો છે કે જીવનમાં વાંચન કેવી ભૂમિકા ભજવે છે? વાંચન થકી જ જીવન માટે ચિંતન-મનન કરવાનો અવસર મળે છે. વાંચન વિના આપણી વિચારસરણી માત્ર અમુક હદ સુધી જ પરિસીમિત રહી જાય છે. આપણી પોતાની માન્યતાઓને નવી દિશા અને જીવનને વિશાળતા આપવામાં વાંચન ખુબ જ મદદરૂપ થાય છે.

Monday, August 23, 2021

સર્જનની સરવાણી-૫૨



" પ્રોફેશનલ લાઇફમાં થોડા મદદરૂપ થતાં નિયમો  "

૧. કોઇપણ વ્યક્તિને ફોન કરો તો બે વખતથી વધુ વખત ફોન કોલ નહિ કરવાનો, કેમકે જો તે વ્યક્તિ ફોન નથી રીસીવ કરતા એનો મતલબ છે કે તેઓ કોઈ અગત્ય ના કામમાં વ્યસ્ત છે .

૨. કોઇપણ પાસેથી ઉછીના પૈસા અથવા ચીજ-વસ્તુઓ મુદત પહેલા અથવા એ માંગે એ પહેલા પરત આપી દેવી . આ વસ્તુ  તમારું વ્યક્તિત્વ અને  તમારો વ્યવહાર દર્શાવે છે .

૩. જયારે કોઈ વ્યક્તિ તમને લંચ કે ડિનર પર બોલાવે ત્યારે મોંઘી ડીશ નો ઓર્ડર આપવો નહી શક્ય હોય તો એ વ્યક્તિ ને જ કહેવું કે " આજે મારે તમારી પસંદગી નું ખાવું છે આપ જ ઓર્ડર આપો ".

૪. કોઈ દિવસ ઓકવર્ડ પ્રશ્નો જેમકે " ઓહ !!! તો તમે હજુ સુધી લગ્ન નથી કર્યા ? ' અથવા " તમે હજુ સુધી ઘરનું ઘર કેમ નથી લીધું ?" પૂછવા નહિ. 

૫. હમેંશા તમારી પાછળ ચાલતી આવતી વ્યક્તિ માટે દરવાજો તમે ખોલજો પછી એ પુરુષ હોય કે સ્ત્રી. આ રીતે જાહેર સ્થળો એ  કોઈ વ્યક્તિ સાથે આવું વર્તન કરવાથી તમે નાના માણસ નહી બની જાઓ.

૬.  જો તમે ટેક્સીમાં કોઈ મિત્ર સાથે જતા હોવ તો તે આ વખતે ભાડું આપે છે તો તમે બીજી વખતે તમે જ આપજો.

૭. અલગ અલગ રાજકીય વિચારધારા ને માન આપજો.

૮. કોઈ વ્યક્તિ બોલતું હોય ત્યારે એને વચ્ચેથી અટકાવવા નહી. 

૯.  જો તમે કોઈની મજાક કરતા હોવ અને એને મજા ના આવતી હોય તો એની મજાક કરવાની બંધ કરી દેશો. 

૧૦ . જયારે કોઈ વ્યક્તિ તમને મદદરૂપ થયા હોય એનો હમેશા આભાર માનવો.
 
૧૧. જાહેરમાં હમેંશા વખાણ કરો અને ખાનગીમાં જ ક્રીટીસાઈઝ(ટીકા/ટીપ્પણી) કરો 

૧૨ . કોઈ દિવસ કોઈના વજન પર કોમેન્ટ ના કરો. જસ્ટ એટલું જ કહેવું " તમે મસ્ત લાગો છો " જો તેઓને વજન ઘટાડવું હશે કે વધારવું હશે અને તમારી પાસે નોલેજ હશે તો એ પૂછશે અને તો જ વજન વિશે વાત કરવી. 

૧૩. જયારે કોઈ વ્યક્તિ એના મોબાઈલમાં ફોટો બતાવતા હોય  ત્યારે કોઈ દિવસ એ ફોટો જોઈને "લેફ્ટ કે રાઈટ સ્વાઇપ" ના કરો તમને ખબર નથી હોતી કે આના પછી કેવો ફોટો હશે માટે એ ટાળવું. 

૧૪. જો તમારા સહ કર્મચારી/મિત્ર તમને કહે કે તેઓની ડોક્ટરની એપોઇન્ટમેન્ટ છે  તો કદાપિ પૂછવું નહી કે  શેના માટે છે ?  માત્ર એટલું જ કહો કે "ઓકે આશા રાખું છુ કે સારું થઇ જશે" જો તેઓ પોતાની બિમારી વિશે જણાવવા માંગતા હોય તો જ જાણશો કેમકે ઘણી વખત તેમની બીમારી ખાનગી હોઈ શકે છે.
 
૧૫.સફાઈ કામદારોને પણ એમ.ડી. જેટલી જ રીસ્પેક્ટ આપો તમે કોઈ સાથે ખરાબ રીતે વર્તો છો એના થી કોઈ સારી ઇમ્પ્રેશન નહિ પડે, પરંતુ લોકો તમે કેટલી નમ્રતાથી વાત કરો છો એની સારી ઇમ્પ્રેશનની નોંધ લેશે. 

૧૬. જો કોઈ વ્યક્તિ તમારી સાથે વાત કરતો હોય તે વખતે તમારું એની સામે જોવાને બદલે ફોન માં જોવું એ ખરાબ આદત છે.

૧૭. જ્યાં સુધી પૂછવામાં ન આવે ત્યાં સુધી સલાહ આપવી નહિ. 

૧૮. જ્યાંરે કોઈ વ્યક્તિને ઘણા સમયે મળતા હોઈએ ત્યારે એમની ઉમર અથવા પગાર વિશે પૂછવું નહિ.  

૧૯. તમારા બિઝનેસને જ્યાં સુધી કોઈ વ્યક્તિ ખરાબ ચીતરવાની કોશિશ ના કરે ત્યાં સુધી એ વ્યક્તિને બિઝનેસને લઇને દુશ્મન ના બનાવો. 

૨૦. જયારે કોઈ પણ વ્યક્તિ સાથે વાત કરતા હોઈએ ત્યારે ગોગલ્સ પહેર્યા હોય તો એ કાઢીને વાત કરવી. આ વસ્તુ તમે એને આદર આપો છો એવું દર્શાવે છે. અને આપ જાણો જ છો કે આંખ ના કોન્ટેક્ટથી તમારી વાતચીતની અસર સારી રહે છે.

21. કોઇ વ્યક્તિ વોટ્સએપમાં તમને ગમતા મેસેજ મોકલી હોય કે ન મોકલતી હોય, ક્લાસ વન હોય કે ક્લાસ2/3/4, તમને એની પ્રત્યે ઈર્ષાભાવ હોય કે મૈત્રીભાવ પણ હંમેશા સદ્ભાવ રાખી દિવસમાં એક વખત તો એ પોસ્ટને " લાઇક" કરો અને તેની લાગણીની મહેનતની કદર કરો.

સાભાર-વૉટ્સએપ પરથી વિણેલાં મોતીડાં 

Sunday, August 22, 2021

સર્જનયાત્રાનું મંથન-૧૭

એકલતાની લાગણીમાંથી છૂટવા માટે સંબંધમાં વ્યસ્ત થઈ જવું, એ ભૂખ લાગી હોય તો ફાસ્ટ ફૂડ ખાઈ લેવા જેવું છે. એમાં પેટ તો ભરાઈ જાય, પણ પોષણ ન મળે. કોઈ પ્રેમ કરે એટલે એ ઇન્ટિમસી પણ લાવે તે જરૂરી નથી. પ્રેમ આકર્ષણ છે. ઇન્ટિમસી ઘનિષ્ઠતા અને નિખાલસતા છે. બન્ને અલગ બાબતો છે. બધું અનુકૂળ હોય, ત્યારે પ્રેમ એકલતા ઓછી કરતો નજર આવે, પરંતુ પ્રતિકૂળ સંજોગોમાં એ જ પ્રેમ એકલતા વધારી પણ દે. બીજી વ્યક્તિનો પ્રેમ કન્ડિશનલ હોય છે. એની જરૂરિયાત પણ હોય છે. આજે એનો જે વ્યવહાર છે, તે કાલે ન પણ હોય. એકલતાનો ઉપાય બીજી વ્યક્તિમાં નથી, ખુદમાં છે.

જીવનની પાંચ નક્કર હકીકતો....

1. સારું અને ખરાબ એ વ્યક્તિગત માન્યતા છે. 

2. કોઈપણ ચીજમાંથી સ્થાયી સંતોષ ન જ મળે.

3. મનનું મુખ્ય કામ અનુકૂળ ભ્રમ પેદા કરવાનું છે.

4. પીડા અને ઈચ્છા એક જ સિક્કાની બે બાજુ છે.

5. આપણને સુખનું વ્યસન છે....

Tuesday, August 17, 2021

સર્જનની સરવાણી-૫૧

 


           જગતજનની માં-બહુચરી-અંબા-માતાજીની આરાધના અને સાધનાનો તહેવાર એટલે નવરાત્રિ. દીપાવલી પૂર્વે આવતું આ પવિત્ર પર્વ માનવને શક્તિની પૂજા કરવાની પ્રેરણા આપે છે. સમગ્ર વિશ્વની આરાધ્ય એવી માં દુર્ગાએ મહિાષાસુરની સાથે નવ દિવસ સુધી યુધ્ધ કરીને તેને હરાવ્યો હતો અને દેવલોકને ઉજાગર કર્યો હતો. માતા દુર્ગાના હાથમાં હાથમાં આઠ શસ્ત્રો ચક્ર, શંખ, ત્રિશુલ, ગદા, ધનુષ-બાણ, તલવાર, ઢાલ અને ઘંટની સાથે માતાજી વાઘ કે સિંહ પર બિરાજમાન થાય છે, જે પાર્વતીનું જ સ્વરૂપ છે. ત્યારબાદ માતાજીના નવ સ્વરૂપોની નવરત્રિમાં નવ દિવસ પૂજા થાય છે. શૈલપુત્રી, બ્રહ્યચારિણી, ચંÙગુપ્તા, કુષમાંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી, સિધ્ધીધાત્રી.

        પુરાણોમાં ઉલ્લેખ પ્રમાણે ભગવાન શ્રીરામે પણ સીતાને રાવણની કેદમાંથી છોડાવવા માટે નવ દિવસ શક્તિની આરાધના કરીને શક્તિપાત પ્રાપ્ત કર્યો હતો. આ નવ દિવસના તપ પછી દસમાં દિવસે રાવણનો વધ કરેલો, જે દશેરા તરીકે ઉજવાય છે. અને ત્યારબાદ બીજા વીસ દિવસ વનમાં વિતાવીને અયોધ્યા પહોંચ્યા અને દિવાળીની ઉજવણી કરવામાં આવેલી.

          બ્રહ્યા-વિષ્ણુ-મહેશનું જ અવતરણ એટલે જ દત્તત્રેય ભગવાન. ત્રણનો વર્ગ એટલે નવ. આ સમગ્ર સૃષ્ટિ પણ ત્રણ-પરિમાણીય છે. ગ્રહો પણ નવ છે. સૂર્ય, ચંÙ, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. બ્રહ્યાંડ પણ નવ ત_વોનું બનેલુ છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, ઇથર, અવકાશ, આત્મા, મન અને સમય. ૧૦૮ માળાની જપના આંકનો સરવાળો પણ ૯ જ છે. જ્યારે ૧૦૮ એટલે ૧૨ ગુ•યા ૯ થાય છે. નવ પ્રકારના રત્નો છે. રૂબી, મોતી પર્લ, લાલ રત્ન, મરાકાટમ, પુષ્પરાજમ, હીરો, નિલમ, ગોમેડા અને વેઇદુરિયમ જે અલગ-અલગ ગ્રહો માટે ધારણ કરવામાં આવે છે. રાજાના દરબારમાં પણ અલગ-અલગ ક્ષેત્રના નવ રત્નો તરીકે ઓળખાતી હસ્તિઓ કાર્યભાર સંભાળતી, જેમકે રાજા અકબરના દરબારમા બિરબલ અને તાનસેન.

        ગળામાં પહેરવાના કિંમતી હારને પણ નવલખો હાર કહેવાય છે. આંકડાશાસ્ત્રની રીતે પણ બે આંખો, બે કાન, મોં, બે નસકોરા તેમજ ગુદા અને મુત્રમાર્ગ એમ કુલ નવ અંગોને શરીરના નવ પ્રવેશÚાર કહેવાય છે. માનવમાત્ર કલા અને ભાવ જગતની નવ પ્રકારની કલા અને મુÙાથી બનેલો છે. સંસ્કૃત ભાષામાં ભરતમૂનિએ નાટયશાસ્ત્રમાં નવ રસ જેવા કે શ્રૃગાંર, હાસ્ય, રૌÙ, કરૂણા, બિભત્સ, ભયાનક, વીર, Úુત અને શાંત દર્શાવ્યા છે. નવ રસની સાથે નવ પ્રકારના ભાવ પણ છે જેમકે રતિ, હાસ્ય, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય અને સ્થાયી.

        આ નવના અંકનો મહિમા નવનાથ તરીકે ઓળખાતા ઈશ્વના પ્રતિનિધિઓ સાથે પણ જોડાયો છે. ગાહિનીનાથ, મછંદરનાથ, જલંધરનાથ, કનિફનાથ, ભતૃહરિનાથ, નાગનાથ, રેવાનાથ, ચરપતિનાથ,ગોરખનાથ.

        ભારતની સાથે ચીનમાં પણ નવનો અંક શુભ માનવામાં આવે છે. ત્યાં નવ પ્રકારના ડ્રેગન છે. એક જમાનામાં નવ રેન્કની બઢતી મળે ત્યારે તેનો રાજા તરીકે અભિષેક કરવામાં આવતો. માણસના હ્યદયમાં પણ નવ પોઇન્ટ પર પ્રેશર આપીને સારવાર કરવામાં આવે છે. ઇજીપ્તમાં પણ નવ દેવીઓની પૂજા કરવામાં આવતી. ઇસ્લામ ધર્મમાં નવમાં મહિનામા પવિત્ર રમજાનનો તહેવાર ઉજવવામાં આવે છે. ભગવાન બુÚ પણ નવ ગુણો ધરાવતા હતા. તેમની વિધી પણ નવ સાધુઓ Úારા કરવામાં આવે છે. જૈન ધર્મમાં પણ નવકાર મંત્રમાં નવ શ્લોક છે.

         અંકગણિત પ્રમાણે પણ સૌથી મોટો અંક નવ જ છે અને નવના અંકને કોઇપણ અંકની સાથે ગુણતા જે જવાબ આવે તે સંખ્યાના અંકોનો સરવાળો પણ નવ જ થાય છે. તો છે ને નવનો અંક એક અજાયબી.

 ઈન્ટરનેટ પરથી સાભાર..

Sunday, August 15, 2021

સર્જનયાત્રાનું મંથન-૧૬

        આપણું જીવનસાથી કોણ.? પેરેન્ટ્સ...?  પતિ કે પત્ની?  પ્રેમીજન?  બાળકો?  મિત્રો?  આપણે આ દરેક સંબંધોનો આનંદ લઈએ છીએ. આપણે તેમને જ જીવનસાથી ગણીએ છીએ, પણ એમાંથી ઘણા કોઈને કોઈ કારણે વચ્ચે છોડીને જતા પણ રહે છે. આપણે જેને જીવનસાથી ગણીએ છીએ, એ નિશ્ચિત સમય પૂરતા જ હોય છે, તો પછી જીવનસાથી જેવું હોય છે? હોય છે. અસલમાં આપણું જીવનસાથી આપણું શરીર છે. એ જન્મથી મૃત્યુ સુધી સાથે હોય છે. એ આપણને પ્રેમશક્તિ, ઈલાજશક્તિ તથા વિચારશક્તિ આપે છે. તેની સાથેનો રચનાત્મક સંબંધ બીજા સંબંધોમાં હકારાત્મક ઉર્જા પુરે છે. સ્વયંના શરીરનો પ્રેમ સૌથી બેસ્ટ પ્રેમ છે. 

Wednesday, August 11, 2021

વિવેકાનંદની વાણી : મણકો-૮

 

 “ માં ! માં ! હું આવી ગયો માં ! ”

         જગદંબા મહાકાલીની મૂર્તિ સામે પડછંદ કાયા ધરાવતો એક જુવાન ઊભો છે. ભગવા વસ્ત્રો ધારણ કરેલા છે અને તેના તે વસ્ત્રો પરથી આ યુવાન ઘણી મુસાફરી કરીને આવ્યો હોય એવું લાગે છે. આમ છતાં પણ તેના મુખ પર અજબની ચમક અને ગજબની કાંતિ હતી. તેની આંખોમાં સૂર્ય સમાન ચમકારો હતો, જે સૂરજભાણને પણ ઓગાળી શકવા સક્ષમ છે. તેના વાળ અસ્તવ્યસ્ત અને ચહેરા પર દાઢી વધેલી જણાતી હતી.

         બંને હાથને નમસ્કારની શૈલીમાં રાખીને આ નવજુવાન મહાકાલીની મૂર્તિ સમક્ષ એક નજરે જોઇને તાકી રહે છે. થોડીવાર પછી તેની ચમકતી આ આંખોમાં ચંÙ સમી શીતલતા વ્યાપે છે. તેની આંખોમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગે છે. માં ! માં બોલતો બોલતો આ યુવાન દોડીને મૂર્તિના ચરણોમાં પડી જાય છે. તેના હ્યદયનો ભાવ આંખોથી છલકાઇ રહ્યો છે. થોડીવાર બાદ તે સ્વસ્થ થઇને ઘુંટણભર બેસે છે. એકપણ પલના પલકારા વિના એકીટશે તે આ મૂર્તિમાં ભાવવિભોર બની જાય છે.

         ટન...ટન.. જેવો મંદિરના ઘંટનો પવિત્ર નાદ થવાની સાથે જ તેની આ સમાધિ અવસ્થાનો ભંગ થાય છે. ફરી દંડવત કરીને આ યુવાન પોતાના ચહેરાના ભાવને છુપાવતો તે ત્યાંથી અનેકગણી ઉર્જા અને સ્નેહસભર ઉત્સાહ અને ઉમંગ લઇને નીકળે છે. પોતાના મનમાં ભારતની આ પવિત્ર ભોમકાને ઉજાળવાના એક અટલ વિશ્વાસની સાથે જ પોતાના મનમાં એક ગાંઠ બાંધતો જાય છે. ડગલે ને પગલે તેના મનમાં ભારતની એક પવિત્ર આધ્યાત્મિક છબી બનાવતો જાય છે. તેના મનમાં એક અભિનવ ભારતના સપનાઓ ઉજાગર કરતો જાય છે. આ યુવાન એટલે આપણા સ્વામી વિવેકાનંદ.

         આપણે પણ ભારતીય ભોમના આ શૂરવીર સંતાનના પવિત્ર અને ઉચ્ચત્તમ કક્ષાના વિચારોને અપનાવીનેે જીવનને ઉન્નત બનાવવાની સાથે વિશ્વફલક પર ભારતને ઉજાગર કરીએ. ભારતમાતા કી જય..ભારતમાતા કી જય.

Tuesday, August 10, 2021

સર્જનની સરવાણી-૫૦

 

        અમરાપુર નામના એક નાનકડા ગામમાં એક ટોપીવાળો રહેતો હતો. જાતે જ નાની-મોટી ટોપીઓ બનાવીને આજુબાજુના ગામડાઓમાં વેચવા નીકળતો. આવી જ રીતે એકવાર તે ટોપીઓ વેચવા માટે જતો હતો ત્યારે કોઇ ગાઢ જંગલમાંથી પસાર થયો. તેણે થાક ખાવા માટે થોડીવાર એક ઝાડ નીચે ઉતારો કર્યો. મસ્ત પવનની લહેરમાં તેને ઝોંકુ આવી ગયું. પણ થોડીવારમાં એ જ ઝાડ પર રહેતા તમામ વાંદરાઓ નીચે ઉતર્યા અને તેની બધી જ ટોપીઓ લઇને ઝાડ પર ચઢી ગયા. ઝાડ પર ચઢીને ટોપીઓ પહેરીને એકબીજાની સામે જોઇને ગમ્મત કરવા લાગ્યા. વાંદરાઓને તો મજા પડી ગઇ!

             થોડીવાર પછી પેલો ટોપીવાળો જાગ્યો અને ઉઠીને ઉંચે જોયું તો બધા જ વાંદરાઓએ ટોપીઓ પહેરી હતી અને એકબીજાની સામે જોઇને ગમ્મત કરતા નજરે જોયા. તેણે થોડીવાર વિચાર કરીને એક અજમાઇશ કરી. પોતાના માથા પર પહેરેલી ટોપીનો તેણે નીચે ફેંકી દીધી, તો સામે વાંદરાઓ એ પણ પોતાના માથે પહેરેલી ટોપીઓ નીચે ફેંકી દીધી. ઝટ પટ પેલા ટોપીવાળાએ બધી ટોપીઓ ભેગી કરી અને ત્યાંથી ચાલી નીકળ્યો. પોતાના ગામ ઘરે પહોંચીને તેણે રાહતનો દમ લીધો.

         રાત્રે જમીને તેણે પોતાના દીકરાને પાસે બોલાવ્યો અને બધી વાતચીત કરી. દિવસે જંગલમાં બનેલી ઘટનાની જાણકારી આપી અને દીકરાને સમજાવતા કહ્યું કે બીજે ગામ ટોપીઓ વેચવા જાય ત્યારે જંગલમાં રોકાવું નહીં. રોકાવ તો સૂવુ નહીં. સૂવું તો ટોપીઓનો થેલો સાચવવો. છતાં પણ જો વાંદરાઓ ટોપીઓ લઇ જાય તો શું કરવું એની પણ વિગતે યુકિત સમજાવી.

          થોડો સમય વીત્યો અને પેલો ટોપીવાળો મરણ પામ્યો. અમુક સમય બાદ તેના દીકરાએ ટોપીઓ વેચવાનું શરૂ કર્યુ. પણ થોડા જ દિવસમાં એના પિતાએ આપેલી શિખામણ વિસરાઇ ગઇ અને બીજે ગામ ટોપીઓ વેચવા ગયો ત્યારે જંગલમાં થઇને ગયો અને રસ્તામાં ત્યાં જ કોઇ ઝાડ નીચે સૂઇ ગયો. યોગાનુયોગ તેની સાથે પણ એ જ ઘટના બની, જે તેના પિતા સાથે થઇ હતી. એ જે ઝાડ નીચે સુતો હતો ત્યાં ઉપરથી વાંદરાઓ નીચે આવીને ટોપીઓ લઇ ગયા. ટોપીઓ પહેરીને નખરા કરવા લાગ્યા.

         જાગીને જોયું તો વાંદરાઓ ટોપીઓ પહેરીને નખરા કરતા હતા. તેને પોતાના પિતાએ બતાવેલી વાતો યાદ આવી અને એણે પોતે પહેરેલી ટોપીને નીચે ફેંકી દીધી અને ઉપર વાંદરાઓ સામે જોયું, પણ એકપણ વાંદરાએ એમની ટોપી નીચે ફેંકી નહીં. થોડીવાર પછી એક યુવાન વાંદરો નીચે આવ્યો અને પેલા ટોપીવાળાને જોરથી એક થપ્પડ મારી અને કહ્યું કે તું પેલા વૃધ્ધ ટોપીવાળાનો દીકરો છો ને. પેલાએ હા પાડી એટલે વાંદરાએ ટોપીવાળાના માથા પર જે ટોપી હતી તે પણ લઇ લીધી અને કહેવા લાગ્યો કે “ ભાઇ જેમ તમને તમારા પૂર્વજ પિતાએ શિખામણ આપેલી છે એમ અમને પણ અમારા બાપ-દાદાઓ એ શિખામણ આપેલી છે. અમે પશુ અમારા વડવાઓની શિખામણને જીવનમાં ઉતારીને અનુસરણ કરીએ પણ તમારી જેમ આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. આમ કહીને તે ઝાડ પર ચઢી ગયો. ટોપીવાળો નિરાશ થઇને ઘર તરફ હાલી નીકળ્યો.

ર્વાતાની શિખામણ :- આપણા પૂર્વજો, બાપ-દાદાઓ અને વડીલો પોતાના અનુભવોથી પોતાના સંતાનોના જીવનનું ઘડતર કરે છે. એના કરતા ઊલટું આચરણ કરવાથી જીવનમાં વિપત્તીઓ આવે છે. માટે જ જ્યારે પણ મુશ્કેલીઓ આવે ત્યારે અનુભવીની સલાહ લેવી જોઇએ.