Friday, May 28, 2021

આજની શૌર્યકથા-આલેક કરપડો

        મોરબીના દરબારગઢમાં જીવોજી ઠાકોર અને ચારણ ચોપાટ રમે છે. આવજે આલેક સીસાણા!’ એમ બોલીને ચારણ ગોઠણીયાભેર થઇને પાસા ફેંકે છે. આવજે આલેક સીસાણા એમ કહીને ચારણ પાસાના ઘા કરે તેમ તેમ એવા દાવ આવે કે ઉપરાઉપરી ઠાકોઇની ચોગઠીયું ઢિબાતી જાય છે. સીંચાણો બાજ જેમ પંખી ઉપર ઝપટ કરે એમ આજે ચારણના દાવ ઠાકોરની સોગઠી ઉપર આવવા લાગ્યા ત્યારે ખિજાઇને ઠાકોર બોલ્યા: “ ગઢવા, એ તારો આલેક સીસાણો વળી કોણ છે? ”

 ચારણ કહે: “ દરબાર ઇ સીસાણો તો સરલા ગામનો આલેક કરપડો- રાણા કરપડાનો દીકરો.”

 " આલગ વાઘા ઉપડયે, ઝાકયો કણરો ન જાય,

 મેંગળ મૂઠીમાંય. રે કી ધખિયો રાણાઓત "

        અરે રંગ રે ગઢવા એક નાની એવી ગામડીનો ધણી બાપડો કાઠી તારો સીસાણો ! ખડખડ હસીને ઠાકોર બોલ્યા.

     તો કરો પારખું, પણ ચેતીને જજો હો, બાપુ ! આલેકડો આખી ફોજમાંથી કેવળ મોવડીને જ વીણી લે છે; બીજા ઉપર એનો ઘા નો હોય !

     ગઢવીએ આવીને સરલામાં આલેક કરપડાને ખબર દીધા કે જીવોજી ઠાકોર ત્રાટકશે. સ્ાલેકે જવાબ દીધો: ભણે ગઢવા ! ઠાકોરને કે જો કે તમે જયારે પણ આવશો ત્યારે હું આલેક એકલો મારા આ સરલાને પાદર પાણીનો કળશિયો ભરીને ઊભો રહીશ અને એના સામૈયા કરીશ. બીજું તો અમારું શું ગજું ?

     થોડા દિવસ પછી મોરબીના ઠાકોરે સરલા ગામ પર સવારી કરી. સાંજ ટાણે ગામની સીમમાં સેના દાખલ થઇ. ભરાબર એ જ ટાણેે એક વેલડું એ ફોજની આગળ સરલાને મારગ ચાલ્યું જતું હતું. ઢાકોરે પડકાર કર્યો કે કોણ છે આ વેલડામાં ?

 વોળાવિયાએ એટલું જ કહ્યું કે સરલાવાળા આલેક કરપડાની માં છે.

 જીવાજી ઠાકોરને એટલી જ જરુર હતી. મોરબીનો મેલીકાર બે ભાગમાં વહેંચાઇ ગયો. વચ્ચે બરાબર વેલડું રાખ્યું. એમ આખી સવારી ચાલી આવે છે.

         રાણા કરપડાએ સરલાના કોઠા ઉપરથી નજર કરી, વેલડું ઓળખ્યુ. એણે કહ્યું : ઝટ આલેકને બોલાવો બા ! આલેક એ સમયે સૂતો હતો અને એની આંખોમાં ભરણ ભરેલા હતા. મોં ધોઇને દુખતી આંખે એ આવ્યો ત્યારે રાણાએ આંગળી ચીંધાડીને કહ્યું કે બાપ આલક ! જો તો ખરો, તારી માની જાન હાલી આવતી છે. આવે ટાણે આલેક જેવો દીકરો ભારે રૂડો લાગતો હશે હો ! આલેકને જ•યોય પરમાણ !

         આલેકને તો આટલાય મહેંણાની જરુર નહોતી. એ હથિયાર લઇને ચડયો. ધાર ઉપર ચડીને જોયું તો ઠાકોરની સેના ઊભેલી. મોરબીનાં પાંચસો ભાલાં સૂરજનાં છેલ્લા કિરણોની સાંથે દાંડિયારાસ રમતા હતા. એક ઘોડી સૌથી એક મૂઠ આગળ મોખરે ઊભી હતી. ઉપર બેઠેલ અસવારના હાથમાં સોનાની કુંભળે ભાલું હતું. માથા ઉપર કનેરીબંધ નવઘરું હતું.

         એ જ ઠાકોર ! એમ બોલીને આલેકે ઘોડીને છુટ્ટી મૂકી દીધી. બંદૂકની ગોળી જેમ નિશાન પર જાય એમ એ ગયો. સામેથી સામટી બંદૂકોનો તાશેરો થયો. વીંધાતે શરીરે આલેકે મોવડી ઘોડેસવારને ઘોડી ભેટાડી દીધી. નવઘરાંનો પહેરનારો આલેકને પહેલે જ ભાલે પડયો. એક જ ભાલાના ઘા થી મોવડીને વીંધી નાખ્યો.

         પણ અહીં હકીકત એ છે કે એ નવઘરાવાળો અસવાર મોરબીનો ઠાકોર નહીં પણ કોઇ ખવાસ હતો, મતલબ કે મોરબીના ઠાકોરનો કોઇ હમશકલ હતો. ઠાકોર તો પોતે જ ચારણનું વહેણ પડયું ત્યારથી જ ચેતી ગયેલા. આલેકના આવતા પહેલા જ એણે પોતાનો પોશાક પેલા ખવાસને પહેરાવી દીધો હતો એટલે મરાયો હતો ખવાસ. ખવાસ પડયો. ઠાકોરે આલેકનું પારખું કરી લીધું. એને તો બસ આટલું જ કામ હતું. ફોજ લઇને એણે મોરબીના માર્ગે ઘોડા વહેતાં કર્યા.

         બીજી તરફ આલેકને અહીં પાંત્રીસ ઘા થયેલા. સરલાના કાઠીઓએ આલેકને ઝોળીમાં નાખવાની કોશિશ કરી ત્યારે આલેકે કહ્યું કે “ અરે ફટ, આલેક કયારેય પણ ઝોળીએ હોય નહીં, હું રાણા કરપડાનો દીકરો આલેક છું, આલેકને ઝોળી ના હોય !

       એમ કહીને આલેકે પોતાની જે ભેટ હતી એને પેટ પર કસકસાવીને બાંધી દીધી અને આલેકને ઘેર લાવવામાં આવ્યો. ઘરે આવીને બાપુને પગે લાગીને આલેકે કહ્યું કે : બાપુ હવે રામરામ કરું, મને હવે જવાની રજા આપો ! હવે બહું વસમું લાગે છે. ઝટ જમીન લીંપો.

     બાપુએ કહ્યું કે અરે દીકરા ઘરનો ડાયરો ઘરે નથી; આપણા સગાંવહાલાં હજું આવ્યા નથી, અને આલેક જેવો મારો દીકરો એમ મળ્યા વિનાનો થોડો કાંઇ જાય?

     આલેકે કહે : ભલે બાપુ.

     એની પડા વધતી જતી હતી, પણ એ ચૂંકારો પણ કરતો નથી. બાપુને કહે : બાપુ હવે ઝટ કરો, હવે તો કાળી આગ લાગી છે, હો!

     “ તો આપણે કસુંબો કાઢીએ, એમ કહીને એક બાપ આજે પોતાના શૂરવીર દીકરાને પોતાના હાથથી જ કસૂંબો લેવરાવે છે. કણબાવ્ય, ધોળિયું, આપળિયું, વેળાવદર વગેરે જેવા આજુબાજુનાં ગામડેથી સૌ સગાંવહાલાઓ આવી પહોચ્યાં. આલેકે સૌને રામરામ કર્યા અને કહ્યું કે : લ્યો બાપુ ત્યારે હવે આ ભેટ છોડી નાખું? આપશો રજા?

     અરે મારા બાપ ! આલેક મહેમાનોને વાળું કરાવ્યાં વિનાનો રાખશે મારો આલેક. માણસો વાતું કરશે કે આલેકડાએ સહુને ભૂખ્યા-તરસ્યા મસાણમાં ઢસડયા. મારો આલગો એમ ગામતરું કરે ને, પરોણા વાળું કર્યા વિનાના રહે?

     “ ઠીક છે બાપુ ! કહીને મરણને ખાળતો આલેક બેઠો રહ્યો. મહેમાનોએ વાળું કર્યા અને હોકા પીધા. પછી આલેકે સહુની સાથે હસીને વાતો કરી. ફરી બોલ્યો : “ હવે બાપુ મારે ને જમને તો વાદ થાય છે, હો !

     “ અરે આલગા, મારો આલેક આમ કાંઇ અધરાતે થોડો જાય? ગા ના ગાળા તો છુટવા દે, બાપ. હ્યવે વાર નથી.

   બાપ દીકરો વાતો કરે છે અને દાંત કાઢે છે, એમ કરતા કરતા પ્રાગડ વાસી. ગાયો વછુટી. આલેકે કહ્યું : બાપુ, હવે તો લાજ જશે હો, મારા પ્રાણ છુટે છે !

 મારો આલેક, તું તો કાઠીયાણીનો દીકરો. કાઠીયાણીના ધાવણ નો લાજે મારા બાપ! કાઠીયાણીનો દીકરો મારો આલેક ડાયરાને કદી કસુંબાની અંતરાય પાડે? હમણા ડાયરાને કસુંબો લેવરાવીને પછી છાશું પાણી કરએ. પછી સહુ હાલીએ, નહીંતર આ ડાયરો સ્મશાનમાં બગાહા ખાશે અને વગોવશે કે આલગાના મરણમાં દુ:ખી બહું થયા.

 કસુંબોને શિરામણ ઉકલી ગયા અને આલેકે કહ્યું: હવે બાપુ ?

“ બસ હવે ખુશીથી જા મારા બાપ ! પણ બેટા મારા આલેકડાને કાંઇ પાલખી ના હોય. મારો આલેક તો અસ્મેર ના ડગલા જ ભરે અને હાલીને જ સુરાપરીમાં જાય ને !

 આલેકે કહ્યું કે : બાપુ હવે તમે બહુ ગજબ કરો છો !

 બાપુ બોલ્યા : હોય બાપ હોય ! શૂરવીરના દીકરાને તો જીવતાય ગજબ ને મરે ત્યારેય ગજબ જ હોય.

         આલેક ઊઠયો, એને હાથમાં તલવાર લેવરાવવામાં આવી. ભેટ બાંધવામાં આવી. નવા કપડા અને પગમાં નવી મોજડીઓ પહેરાવવામાં આવી. કપાળે કેસર-ચંદનનું તિલક કરવામાં આવ્યું. ગળામાં હાર નાખ્યો. વાજતે ગાજતે આજ આલેક હાલી નીકળ્યો. સૌ ડાયરાની મોઢા આગળ આલેક હાલ્યો જાય છે. બહાર નીકળતા જ પોતાની જનેતા કાઠિયાણીને પણ આલેકે વંદન કર્યા છે. અટારી માથે ઊભા ઊભા જ માં એ આર્શીવાદ આપ્યા : ઘણું જીવો મારા પેટ, ધન્ય! મારા કુંવરને. તારા જેવો દીકરો દર વખતે મારા પેટ અવતરે એવા આર્શીવાદ સાથે માં રડે છે અને દીકરાને વિદાય કરે છે. આલેક માં ને અંતિમ વાર નિહાળીને હાલી નીલળ્યો. સ્મશાને આવી પહોચ્યો. ચેહ ખડકાઇ અને આલેક ચિત્તામાં બેઠો. શહુએ રામરામ કર્યા.

 બાપુએ પૂછયું કે : દીકરા આલેક કાંઇ કહેવુ છે?

         હા, બાપુ ! મારો કોલ છે કે મારા વંશનો કોઇ પણ હશે તેને ધીંગાણામાં કોઇ દીવસ ઉન્ાત્ય(ઉલટી) નહીં આવે. એટલું બોલીને એણે ઉત્તર દિશાનું ઓશીકું કર્યુ, ભેટ છોડી અને પ્રાણ પંખેરું ઊડી ગયું. એનું વરદાન આજે પણ સાચું પડે છે.

 “ આલેકડો આકાશ, વાળો વઢવાડયું કરે,

 કાઠી કાયા પાસ, રાડય ન મેલે રાણાઓત્ ”

No comments:

Post a Comment