Tuesday, May 11, 2021

વિવેકાનંદની વાણી: મણકો-૫

          


          જીવનના સર્વતોમુખી વિકાસ માટે માત્ર ભણતર જ નહીં પરંતુ ગણતર વાળું ભણતર પણ જરૂરી છે. શિક્ષણ એ ચારિત્ર્ય ઘડતર કરવાની કેળવણી આપે એવી વાત સ્વામી વિવેકાનંદ હંમેશા પોતાના વક્તવ્યોમાં કરતાં રહેતા. એટલા માટે જ એમના એ વક્તવ્યો આજે પણ એટલા જ સરળ અને સાચા અર્થમાં ગળે ઉતરી જાય એવા છે. વર્તમાન શિક્ષણ માત્ર બાળકો અને યુવાનોને મશીન જેવુ કાર્ય કેમ કરી શકાય એ જ શીખવે છે. જ્યારે જીવનમાં તો એ મશીન સાથે નહીં પરંતુ માણસ સાથે કોઈ કામ પાર પાડવાનું બને ત્યારે માનવતાલક્ષી કેળવણી જ જીવનમાં ઉપયોગી બને છે એ વાતનું ધ્યાન રાખીને શિક્ષણની જ્યોતને પ્રજવલિત કરવાની છે.

            એકવાર એક તોફાની છોકરાને પ્રવુતિમય રાખવા માટે એનાં પિતાએ ભારતના નકશાનાં ટુકડાઓ આપીને કહ્યું કે " તું આમાંથી ભારતનો આખો નકશો બનાવી દે. " પિતાએ વિચાર્યું કે છોકરાને તો કઈં ભૂગોળનું જ્ઞાન નથી એટલે એ જુદા-જુદા રાજ્યોના ટુકડાઓને વ્યવસ્થિત જોડવામાં જ આખો દિવસ રોકાયેલો રહેશે ત્યારે હવે એ મને મારા કોઈ કામમાં દખલ નહીં કરે. પણ પિતાના  કુતૂહલની વચ્ચે છોકરો તો થોડી જ વારમાં પેલો નકશો જોડીને આવ્યો અને બોલ્યો, "લ્યો આ ભારતનો નકશો" પિતાએ પૂછ્યું કે તે આખો નકશો આટલો જલ્દી કેવી રીતે બનાવ્યો. જવાબમાં તેણે જણાવ્યું કે, ' હું નકશાનાં જુદા-જુદા ભાગોને જોડવામાં મહેનત કરી રહ્યો હતો , પણ કઈં ગોઠવાતું નહોતું ત્યારે મારી નજર નકશાનાં પાછળના ભાગ પર પડી. પાછળ તો મનુષ્યનું ચિત્ર હતું. પછી મે માણસના શરીરના જુદા-જુદા ભાગોને જોડી દીધા તો પાછળની બાજુએ ભારતનો સાચો નકશો પણ બની ગયો. 

           આમ, આવી જ વાત પરથી સ્વામી વિવેકાનંદ પણ એટલું જ કહેવા માંગે છે કે, પહેલા મનુષ્યને પૂર્ણ બનાવો એટલે માણસ આપો આપ એક સંપૂર્ણ રાષ્ટ્રનું નિર્માણ કાર્ય કરી જ નાખશે. આવું રાષ્ટનું નિર્માણ એ રાષ્ટ્રના નાગરિકોના ચરિત્ર્યના ઘડતર વિના થઈ શકે નહીં. માત્ર લોકસભા કે રાજ્યસભામાં કાયદાઓ બનાવીને આપણે રાષ્ટ્રનું ચિત્ર બદલી શકતા નથી. ભલે આપણી પાસે નવા-નવા કાયદાઓ આવે, પણ માત્ર એનાથી કઈં જ ફરક પડી જવાનો નથી, કારણ કે જે દિવસે નવો કાયદો આવે, એ જ દિવસે એની છટકબારી પણ શોધી કાઢવામાં આવે છે. એટલે જ્યાં સુધી નાગરિકોનું ચારિત્ર્ય ઘડતર નહીં થાય ત્યાં સુધી ભ્રષ્ટાચાર જશે નહીં અને ત્યાં સુધી રાષ્ટ્રનું પુનઃ નિર્માણ શક્ય નથી.

વિવેકાનંદની વાણી : માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે જ શિક્ષણ.

No comments:

Post a Comment