Tuesday, May 11, 2021

સર્જનની સરવાણી-૩૭

આપણા પોતાના જ નાના નાના બાળકોને આવી ધોમધખતા તાપમાં વેકેશન બેચમાં અને એકસ્ટ્રા સ્કિલ ડેવલોપમેન્ટના કલાસમાં જતા જોવ છું ત્યારે કાર્બનથી કેરી પકવતા વેપારીની યાદ આવી જાય છે. તો શું કરવું કે જેનાથી તમારું બાળક કાંઈક નવું એવું શીખી શકે જે એને એક સારો માણસ બનાવે અને તમારા સંબંધો પ્રેમભર્યા બનાવે, એ પોતાના જીવનને પણ એક ઊર્ધ્વદિશામાં લઇ જઇ શકે?

        આપણા આ બાળકોને શાળાના વેકેશન દરમિયાન મૂવી કે શોપિંગ પર લઇ જવા કરતા કાંઇક એવું નવું કરી શકાય કે જેનાથી બાળકનું ઘડતર થાય અને જો આવા નવીન ઉપાયો કરીએ તો આપણે પણ આપણા બાળપણને માણવાનો મોકો ન ચૂકીયે. જેમકે તેમને નજીકની બેંકમાં લઈ જાવ અને સમજાવો કે બેંકવાળા કઇ રીતે કામ કરે છે અને તેમની કામગીરી વિશે માહિતગાર કરો. તેમને અનાથાશ્નમમાં લઈ જાવ અને સમજાવો કે આ અનાથ બાળકોની સરખામણીમાં તેમને કેટલી સગવડો પ્રાપ્ત થઇ છે. તે સગવડોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતા પણ શીખવજો. વૃધ્ધાશ્નમમાં લઇ જાવ અને સમજાવો કે વૃધ્ધોને પણ કેટલી તકલીફ પડતી હોય છે જેનાથી તેમની માનસિકતા બદલાશે અને બીજાને મદદ કરવાની ભાવના પણ જાગૃત થશે. વડીલોનું માન-સન્માન કરવાનું શીખશે.

        તેમને બહાર રમવા જતી વખતે નાસ્તાના ડબ્બાની સાથે ચોકલેટ પણ આપો અને એના મિત્ર સાથે શેરિંગ કરવાનું કહેજો. એને આપવાનો આનંદ શું છે તે પણ સમજાવું જોઇએ ? જાણે-અજાણ્યે આપણે આ કોઇને આપતો નહીં એમ કહીને એને સ્વાર્થ શીખવાડીએ છીએ. નાના નાના છોડ-રોપા લાવી આપો અને કહો કે આને વાવવાની તેમજ મોટું કરવાની જવાબદારી તારી છે. તેના લાભ તેમને સમજાવો. દરરોજ કાળજી લેવાની થતી હોવાથી નિયમિતતા કેળવાશે, પર્યાવરણ પ્રત્યેનો પ્રેમ પણ વધશે

        તેમની હાજરીમાં જ રકતદાન કરજો અને તેના ઉપયોગ-ફાયદાઓ સમજાવો. તેનાથી બીજા માટે કાંઈ કરવાની ભાવના જાગૃત થશે. તેમને સરકારી હોસ્પિટલમાં લઈ જાઓ અને બતાવો કે લોકો કેવી પીડાનો ભોગ બને છે. શકય હોય તો શકિત પ્રમાણે દર્દીઓને ફાળો આપજો. તેમને સમજાશે કે લાપરવાહીથી વાહન ચલાવવાથી કે ઝઘડો કરવાથી કે અન્ય કોઇ રીતે ઈજા પહોંચે તો કેટલું દર્દ સહન કરવું પડે છે. તેમને નજીકના પોલીસ ચોકી પર લઇ જાવ અને સમજાવો કે પોલીસ કઇ રીતે કામ કરે છે અને આપણને કઇ રીતે મદદ કરે છે. ગુનો કરવાથી મળતી સમજાથી મળતી સજા કે શિક્ષાથી પણ માહિતગાર કરજો જેનાથી તેના વાણી-વર્તનમાં સજાગતા આવશે.

        વતનમાં રહેતા વડીલો પાસે લઈ જાઓ જેનાથી તેમનો દાદ-દાદી અને બા-બાપુજી તેમજ નાના-નાની કે આઇ-આતા સાથેનો લગાવ જળવાઈ રહેશે. ખુલ્લી હવામાં, બગીચામાં, અગાશી પર એકાંતમાં તેમની સાથે સમય પસાર કરો અને વાર્તા કરજો. તેને તમારા નાનપણની વાતો કરો જે તેને ખુબ ગમશે. તેમની ભાવના સમજવાનો પ્રય્તન કરો. તેમના દિલની વાત જરૂરથી સાંભળજો. જે તમે વ્યસ્ત જીવનમાં નથી માણી શકયા તે માણજો.

        તેમની આ ભાવના કે ઈચ્છાઓને યોગ્ય વળાંક આપો. મોબાઈલ સાઇડ પર મૂકીને અને હા જયારે પણ એક બાળક સાથે સમય પસાર કરો છો ત્યારે બને ત્યાં સુધી બીજા બાળકને યાદ કરવાની કે એની સાથે સરખામણી કરવાની કોશિશ કરવી નહીં. આ મારા વિચાર છે, તમારા અલગ હોઈ શકે છે.

 

(સંદેશના કોલમીસ્ટ ડો.અશોક પટેલની પ્રેરણા થકી સંપાદન અને વિચારોનું વાવેતર કરવાનો નમ્ર પ્રયાસ આપને ગમશે એવી આશા સાથે સાભાર )

No comments:

Post a Comment