Tuesday, May 4, 2021

સર્જનની સરવાણી-૩૬

         "ના ના, એને ક્રીમવાળા બિસ્કિટ ભાવતાં જ નથી" આવું કીધાં પછી જ્યારે એનો પોતાનો બાબો બીજાનાં ઘરે આખું બિસ્કિટનું પૅકેટ હોંશેહોંશે ઑહિયા કરી જાય ત્યારે એ મમ્મીની મનોસ્થિતિ શું હશે જેના ઘરે આખો ડબ્બો ભરીને આવા બિસ્કિટ પડયા હોવા છતાં બાબાએ  ઘરે ઘસીને ખાવાની ના પાડી દીધી હોય!

          "એ ખાલી સવારે જ ચા પીવે છે પછી સાંજે તો ચા ફાવે જ નહીં એમને" એવું રસોડામાં કહી આવેલી પત્નીના પતિને પૂછવા જતાં એ જ્યારે આખો ચાનો કપ ગટગટાવી જાય ત્યારે?

         "આજે મમ્મી કહેતી હતી કે એ બહુ થાકેલી છે એટલે આજે એ મન્દિર નહીં આવે" એવું સાસુને કીધાં બાદ થોડી જ ક્ષણોમાં સામેથી મમ્મી મંદિરે આવતી દેખાય ત્યારે? મમ્મીને જોઈને ખુશ થવાને બદલે ટેંશન ન થવા લાગે કે હવે સાસુને એમ લાગશે તો કે હું ખોટું બોલી એમની સામે?

           "તું તો કહેતી હતી ને કે બે જ જણ આવવાનાં છે આ તો આખું કુટુંબ આવ્યું છે" એમને કેમ સમજાવવા કે મે તો બે જ જણને બોલાવેલા હતાં અથવા મને પણ બે જ જણ આવવાના છે એમ કીધેલું!

            આ અને આવી તો કેટલીય ઘટનાઓ આપણી સાથે એવી બનતી હોય છે જે આપણાં સત્યને ઇન્સ્ટન્ટ ખોટું પાડી દે; એટલી હદે કે તદ્દન સાચાં હોવા છતાં એ પરિસ્થિતિમાં આપણે કઈ રીતે રીએક્ટ કરવું એ જ ખબર ન પડે! અને મોટેભાગે આપણે ત્યારે શરમજનક સ્થિતિમાં મુકાઈ જતાં હોઈએ છીએ.ત્યારે એમ થાય કે આમાં વાંક કોનો? આપણે તો નરવું સત્ય જ બોલ્યાં હતા એટલે  આપણો વાંક તો ન જ ગણાવો જોઈએ તો પછી એ બાબો, પતિ કે મમ્મીનો વાંક ખરો કે જે આ બધી બાબતોથી અજાણ પોતાનાં મૂડ પ્રમાણે કે આદતથી થોડું વિરુદ્ધ વર્તયાં એ માટે? કે પછી માત્ર જે પરિસ્થિતિ કે સંયોગ રચાયો એનો વાંક? 

       કદાચ સત્યને આપણે સ્ટેટિક કે કોન્સ્ટન્ટ માની એમાં બદલાવનો અવકાશ જ નથી છોડતાં! પણ અમુક સત્યો ડાયનેમિક હોય છે, મતલબ પરિસ્થિતિ પ્રમાણે બદલાવને આધીન હોય છે. અમુક સત્યો અતિથિની જેમ અચાનક જ ટપકી પડતાં હોય છે.તો 'અતિથિ દેવો ભવ:' એવું કહી મને કમને એ સ્વીકાર્યે જ છૂટકો!

       એ બિસ્કિટ નહીં જ ખાય કે ચા નથી જ પીતાં કે મંદિર નહીં જ આવે એવું સત્ય જડબેસલાક ઠોકી દેવાને બદલે આપણે એવું કહીએ તો કે, "ઘરે તો ડબ્બો ભરીને પડ્યા છે તોપણ નથી ખાતો; અહીં બધાંને જોઈને કદાચ ખાય તો પૂછી જુઓ" કે પછી "આમ તો એ સવારે જ ચા પીવે છે પણ પૂછી જુઓ તોપણ કદાચ આજે તમારાં હાથની ચા પીવાનું મન હોય તો!" કે પછી "હમણાં ફોન આવ્યો ત્યારે તો ના પાડતી હતી કે થાકેલી છે એટલે કદાચ નહીં આવે, બાકી નક્કી નહીં એનું કંઈ;નજીક જ છે એટલે મન થશે તો થોડીવાર આવે કદાચ; એ બહાને આપણને પણ મળી લે ને!" 

      આ "કદાચ" એ બહુ કામનો શબ્દ છે;એક બદલાવનો અવકાશ છોડે છે કદાચ!! જેમ અચાનક ટપકી પડતાં અતિથિઓ માટે એકાદ એક્સ્ટ્રા ખુરશીની વ્યવસ્થા આપણે રાખતાં હોઈએ છીએ એમ જ આ "કદાચ"ની એક્સ્ટ્રા ખુરશીની વ્યવસ્થા જો એ સત્ય રજૂ કરતી વખતે કરી નાખીએ તો ટપકી પડેલ સત્ય થાળે પડી જાય!

સાભાર સાથે વૉટ્સઅપ પરથી વિણેલાં મોતી,

No comments:

Post a Comment