Sunday, January 29, 2023

સર્જનયાત્રાનું મંથન-૯૧

            હેરી પોટરમાં, વિઝાર્ડ સ્કૂલનો હેડમાસ્ટર ડમ્બલડોર એક અંધારી ગલીમાંથી પસાર થાય છે, અને રસ્તામાં એક પછી લેમ્પોસ્ટ સળગાવતો જાય છે. એ ગલીના છેવાડે પહોંચ્યા પછી પાછું વળીને જુવે છે ત્યારે, તેને આખો રસ્તો ઝળહળતો નજર આવે છે. એ તેની પ્રગતિનો પ્રકાશ છે. જીવનનું પણ એવું છે. આપણે અનિશ્ચિતતાઓ અને અસુરક્ષતાઓની ગલીઓમાંથી પસાર થતા રહીએ છીએ. તેમાં સંતુલન જાળવી રાખવાનો ફાયદો ન તો તાત્કાલિક હોય છે, ન તો કાયમી. જીવનની ગલીઓનો અંધકાર તાબડતોબ અદ્રશ્ય નથી થતો. આપણે ધીરજપૂર્વક, ખંતપૂર્વક સકારાત્મક દિશામાં પ્રયાસો કરતા રહેવું પડે છે. આપણા દરેક પ્રયાસ લેમ્પોસ્ટ સળગાવા જેવા હોય છે. આપણે જ્યારે એક લેમ્પોસ્ટ સળગાવીએ ત્યારે જરા અંધારું ઓછું થાય. બીજો સળગાવીએ તો થોડો વધુ અજવાસ થાય છે. જીવનની ગલીઓ કેટલી અજવાળી થઈ, એ કોઈ અજ્ઞાત સમયે અને અજનબી ભવિષ્યમાં ખબર પડશે, ત્યાં સુધી આપણે પ્રયાસોનાં તેલ પૂરતા રહેવું પડે છે.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

Sunday, January 22, 2023

સર્જનયાત્રાનું મંથન-૯૦

અભિપ્રાય દરેકની પાસે હોય, પરંતુ દરેક અભિપ્રાય દ્રષ્ટિકોણ ના કહેવાય. બંનેમાં ફરક છે. અભિપ્રાય માન્યતા છે, જે સૌએ સ્વીકારી લેવાનો. દ્રષ્ટિકોણ વિચાર છે, જેની સૌ ચર્ચા કરી શકે.

પાણી ભરેલા કાચના ગ્લાસમાં ચમચીને બાજુમાંથી જુવો તો વાંકી નજર આવે. સામેથી જુવો તો સીધી દેખાય. 

હું જ્યાં ઉભો છું તે દ્રષ્ટિકોણ છે.

હું જે જોઉં છું તે અભિપ્રાય છે.

"બાજુમાંથી જોવું" અને "સામેથી જોવું" એ દ્રષ્ટિકોણ છે.

"ચમચી વાંકી છે" અને "ચમચી સીધી છે" તે અભિપ્રાય છે.

"ચમચીને આ રીતે પણ જોઈ શકાય" તે ચર્ચા છે.

"ચમચી આમ જ છે" તે માન્યતા છે. બે વ્યક્તિની "દ્રષ્ટિનો કોણ" સરખો હોય, પણ અભિપ્રાય અલગ હોઈ શકે.

દ્રષ્ટિકોણ પર વ્યક્તિની સામાજિક સ્થિતિ કેવી છે, તે શું કરે છે, ક્યા પ્રદેશનો, જાતિનો છે તેનો પ્રભાવ પડે. અભિપ્રાય પર વતેની માનસિક અવસ્થા, તેના પુર્વગ્રહો, પસંદ-નાપસંદ, જ્ઞાનનો પ્રભાવ પડે છે.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

Sunday, January 15, 2023

સર્જનયાત્રાનું મંથન-૮૯


        "સંબંધોમાં ઓછો વધતો સ્વાર્થ માનવ સ્વભાવમાં સામાન્ય છે. પરંતુ તમારામાં લેવાની ભાવના ઓછી હોય ત્યારે સામેની વ્યક્તિમાં ભરપૂર સ્વાર્થ કેમ હોય? તેમને મિત્રતા પ્રત્યે થોડી પણ વફાદારીનો અહેસાસ કેમ નહીં હોય?"

પ્રશ્નનો જવાબ પ્રશ્નમાં જ છે: સંબંધોમાં ઓછો વધતો સ્વાર્થ સામાન્ય છે. સ્વાર્થની જગ્યાએ સ્વહિત શબ્દ મુકો તો વધુ સ્પષ્ટ રીતે સમજાય. તમામ સંબંધોમાં કોઈને કોઈ હિત હોય છે. લોહીના સંબંધોમાં પણ હિત હોય છે અને સામાજિક કે કોમર્શિયલ સંબંધોમાં પણ હોય છે. હિત સંબંધનો પાયો છે. પ્રેમનું બીજું નામ જ હિત છે. વફાદારી પણ હિત આધારિત હોય છે. તમે કોઈ વ્યક્તિ પ્રત્યે નિઃસ્વાર્થ ભાવે વફાદાર ન રહી શકો. કોઇ વફાદાર હોય ત્યારે તો આપણે નથી પૂછતા કે "તું કેમ વફાદાર છે?" તો પછી એ વફાદાર ના હોય ત્યારે આપણા ક્યાં હિતોનું નુકશાન થાય છે? આપણે આપણી અંદર ઝાંખીને જોવું જોઈએ કે કોઈ ચોક્કસ સંબંધને આપણે કેમ નિભાવીએ છીએ? એમાં આપણું કયું હિત છે? એ શક્ય નથી કે કોઈ હિત ન હોય છતાં એક સંબંધ ચાલતો હોય. સંબંધોની ખૂબસૂરતી પરસ્પરનાં હિતોથી જ આવે છે. જ્યારે આપણે આપણા સ્વાર્થને ઓળખી જઈએ તે પછી બીજાના સ્વાર્થને સમજવા આસાન થઈ જાય.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

Sunday, January 8, 2023

સર્જનયાત્રાનું મંથન-૮૮

આશા અને ઇચ્છામાં ફરક છે. આપણે એવી ચીજની આશા રાખીએ છીએ જે સંભવ હોય અને એવી ચીજની ઈચ્છા રાખીએ છીએ જે અસંભવ હોય.

આશામાં વિશ્વાસ હોય છે; "આવું થશે."

ઈચ્છામાં મુરાદ હોય છે; "આવું થાય તો સારું." આશાનો સંબંધ બાહ્ય સાથે છે. ઈચ્છાનો સંબંધ આંતરિક સાથે છે. આશામાં ધાર્યા પ્રમાણે પ્રાપ્ત કરવાની કાર્યવાહી છે. ઈચ્છામાં ધાર્યું પ્રાપ્ત થાય તે માટે મનોકામના છે, પણ તેના પર ન તો નિયંત્રણ છે કે તો તેને સિદ્ધ કરવાની કોઈ યોજના. 

"હું આશા રાખું છું કે મારું અંગ્રેજી સુધરી જાય." 

"હું ઈચ્છા રાખું છું કે મારું અંગ્રેજી સુધરી જાય."

આશામાં સંભાવના છે, એટલે તે વર્તમાનમાં છે. ઈચ્છામાં અત્યારે સંભાવના નથી, એટલે તે ભવિષ્યમાં છે.

આશામાં ઈચ્છાનો પણ સમાવેશ હોય છે, પરંતુ ઈચ્છામાં આશાની ગેરહાજરી હોય છે. એટલા માટે અંગ્રેજીમાં Wishful Thinking શબ્દ છે; ખયાલી પુલાવ. હકીકતથી વિપરીત આપણે કોઈ ચીજની ઈચ્છા રાખીએ તેને Wishful Thinking કહેવાય. ધારો કે, ડોકટરની સારવાર પર ભરોસો રાખીએ તો તે આશા કહેવાય, પણ દવાખાને જવાને બદલે ઈશ્વરની પ્રાર્થના કરીએ તો તે Wishful Thinking કહેવાય.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

Friday, January 6, 2023

પુસ્તક પ્રસાદ-૧ : ઝેર તો પીધાં છે જાણી જાણી

મનુભાઈ પંચોળી "દર્શક" આપણા ગુજરાતી ભાષા અને સાહિત્યના સમર્થ કેળવણીકાર અને લેખક હતા. એમણે લખેલા ઘણા બધા પુસ્તકોમાંથી ઉત્તમ સર્જન એટલે ઝેર તો પીધાં છે જાણી જાણી. દર્શક દાદાને આપણા ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિની સાથે સાથે વિશ્વની સર્વોત્તમ અને પુરાતન સંસ્કૃતિઓ વિશેના વાચનનો શોખ હતો. એમણે ઘણા બધા દેશોનો પ્રવાસ પણ ખેડેલો અને એ બધા જ દેશોની સંસ્કૃતિઓ જાણવાનો પ્રયાસ કરેલો. એમાંથી મળેલા શ્રેષ્ઠત્વને ભારતીય સંસ્કૃતિ સાથે સાંકળીને સર્જાયેલી કૃતિ એટલે ઝેર તો પીધાં છે જાણી જાણી.આ કૃતિને ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી રાષ્ટ્રીય પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલો છે.

            ગુજરાતી પ્રજા બહુ ઓછું વાંચે છે  એવી વાતો વારંવાર આપણી આસપાસ સંભળાતી હોય અને એ સાંભળીને પણ આપણી સંવેદનાઓ  અને લાગણીઓમાં ઝંઝાવાત જગાવે એવું લખવાનું પણ જાણે બહુ ઓછું જોવા મળે છે. માત્ર ટૂંકી વાર્તાઓ કે રહસ્યમય વિષયોને વાંચનારા લોકો પણ હવે ઉત્તમ નવલકથાઓ વાંચતા થયા છે એ જાણીને ખૂબ જ આનંદની લાગણી અનુભવાય છે. આવા સમયમાં પણ ચેતન ભગત જેવા સર્જકો આંતરરાષ્ટ્રીય કક્ષાની નવલકથાઓ લખવા માટે જાણીતા છે અને એમની ઘણી બધી નવલકથાઓ ગુજરાતી ભાષામાં પણ અનુવાદ થઈ છે અને એને ગુજરાતી પ્રજા  ઉત્સાહ સાથે વાંચે પણ છે.

આપણા જાણીતા ગુજરાતી કેળવણીકાર અને વિદ્વાન સર્જક તેવા મનુભાઈ પંચોળીની નવલકથા ઝેર તો પીધા છે જાણી જાણી વિશે. લોકભારતી સણોસરાનું નામ  જ મનુભાઈ પંચોળી  અને નાનાભાઈ ભટ્ટ જાણે  સાથે ખૂબ ગાઢ રીતે સંકળાયેલું છે. આવા મનુભાઈ પંચોળી એ લખેલી ગુજરાતી સાહિત્યની સર્વોત્તમ એવી ક્લાસિકલ નવલકથા ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથામાં  આવતા પાત્રો ગોપાલકાકા, સત્યકામ, રોહિણી, હેમંત બેરિસ્ટર અને અન્ય બીજા બધા પણ જાણે એકબીજાને  માટે  જીવનના સર્વ સુખો અને સંપત્તિની સાથે સર્વ કામનાઓનું બલિદાન આપવામાંચડિયાતા સાબિત થાય છે

       નવલકથાની શરૂઆતમાં આવતું ગોપાલદાસ કાકાનું પાત્ર જાણે કર્મયોગીનું સાક્ષાત્ જીવંત સ્વરૂપ કે જેમણે વડોદરાના મહારાજા પાસેથી મેળવેલી બંજર જમીનમાં વનલતાઓ અને લીલીછમ વાડી ઊભી કરીને આસપાસના લોકોને જીવવા માટે જાણે  નવી રાહ  ચિંધતા હોય છે.  પોતાના  પરમ મિત્રના પુત્ર સત્યકામને પણ પોતાની પુત્રી રોહિણી જેટલો જ પ્રેમ અને લાગણીસભર ભાવનાઓ સાથે ઉછેર કરે છે. તેને જીવનના બધા જ પાઠ પણ ખૂબ ઉત્તમ રીતે શીખવવાનો સંઘર્ષ પણ તેઓ હસતા હસતા કરે છે અને બંને બાળકો ધીમે ધીમે મોટા થતા જાય છે. સત્યકામ રોહિણીને મનોમન ચાહવા લાગે છે પરંતુ વિધિને જાણે કંઈક ઓર જ મંજૂર હોય એ પ્રમાણે રોહિણીના જીવનમાં હેમંતનું આગમન થાય છે.

બીજી તરફ ગોપાલ કાકા રોહિણી અને સત્યકામના લગ્ન નું મુહૂર્ત જોવડાવે છે અને સત્યકામને ખરીદી કરવા મોકલે છે, પરંતુ બદલતા સંજોગો પ્રમાણે સત્યકામ આ બધું છોડી અને સંન્યાસી બનીને ખૂબ દૂર ચાલી જવાનો નિર્ણય કરે છે. આ બાજુ જીવનનાં વિકટ સંજોગોમાં ગોપાલ કાકાનું અવસાન થાય છે અને રોહિણી નિરાધાર બની જાય છે. પછી તે ગોપાલ કાકાની વાડી અને આશ્રમનું ધ્યાન રાખે છે. અમુક સમય બાદ ગામ લોકો તેને સમજાવીને બેરિસ્ટરના ઘરે હેમંત પાસે મોકલે છે અને શરૂ થાય છે રોહિણીના જીવનનો સંઘર્ષમય સમય જે વાંચતા જ વાચકને જાણે   પોતાના જીવનમાં ઉદભવતા ઝંઝાવાતો અને  સંઘર્ષો સામે લડવાની પ્રેરણા મળે છે.

            મહાત્મા ગાંધીના સમયની આ નવલકથામાં મનુભાઈ એ ખૂબ જ ઉત્તમ રીતે ઓગણીસમી અને વીસમી સદીની ઘટનાઓની સાથે ત્રણથી ચાર અલગ-અલગ લોકોના જીવનમાં  આવતા એ પડકારોની સાથે આપણા દરેકના જીવનને  જોડવાનો પ્રયત્ન કર્યો છે. સાથે સાથે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વિશ્વના અલગ અલગ દેશો જેવા કે જર્મની, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને ભારતમાં ઉદ્ભવતી વિવિધ પરિસ્થિતિઓમાં અલગ અલગ પાત્રો કઈ રીતે સંકળાય છે તે જાણવા માટે આ ઉત્તમ નવલકથા વાંચવી જ રહી. આ નવલકથા ઉપરથી ઝેર તો પીધા જાણી જાણી નામનું એક ગુજરાતી ગુજરાતી ફિલ્મ પણ બની છે જેમાં ઉપેન્દ્ર ત્રિવેદી સત્યકામ તરીકે ખૂબ ઉત્તમ ભૂમિકામાં છે. નવલકથા ખૂબ જ લાંબી છે પરંતુ ક્લાસિકલ વાંચવાનો શોખ ધરાવનારાઓ માટે ઉત્તમ રસમય સાબિત થાય એવી છે જય જય ગરવી ગુજરાત

Thursday, January 5, 2023

સર્જકો સાથે મિલનનો અવસર

 


         આનંદની કોઈ સીમા નક્કી કરી શકાય તો એ સીમાની પેલે પાર પહોંચ્યા પછી જેટલો રાજીપો કોઈને થાય તેના કરતા પણ વધારે આનંદ આજે મારા પોતાના ઓલટાઈમ પ્રિય લેખક જયભાઈ વસાવડા અને વ્હાલા સુભાષભાઈ ભટ્ટને મળીને થયો. નિખાલસતા અને સાલસતાની સરહદો વટાવીને કેળવેલી સરળતાસભર વ્યક્તિત્વ ધરાવતા બન્ને લેખક-મિત્રો. જયભાઈ તો એમ પણ રોજે રોજ મોજમાં અને સુભાષભાઈ રોજેરોજ જીવનની ખોજમાં જ હોય છે. 

            જે લેખકોને લાંબા સમયથી વાંચતાં હોવ અને એના શબ્દો જીવનમાં જ્યોતિસમાન પ્રકાશ રેલાવતા હોય તેને પહેલી જ વાર રુબરુ મળવાનો મોકો મળ્યો ત્યારે જાણે પોતાના શબ્દો જ ખોવાઈ ગયા. માત્ર નામ લઈને સેલ્ફી જ લઈ શકાય એટલી સુધ હતી. સરળતા અને નિખાલસ તો એવા જાણે તમે એના પરિવારજનો જ હોય એમ સમજીને તમારી સાથે વાત કરે. વાતો તો એવી કરે કે બસ ડાયરો બંધ જ ન થાય એવું સૌને લાગ્યું. પુસ્તકો વાંચવાનો અને જીવન જીવવાનો આનંદ સાથે માણવો હોય તો બે વાંચનની વચ્ચે પ્રવાસ કરી લેવો એવા ચોટદાર વિધાનો તરત જ હ્રદયમાં ઉતરી જાય. 

        સુભાષભાઈની સાલસતા જ જીવન જીવવાનો મર્મ સમજાવી જાય છે. કોઈપણ પ્રકારના આડંબર કે લેખક હોવાના કોઈ ઓરા વીના જાણે તમે એમને રોજ જ મળતા હોય એમ વ્હાલ કરે અને મારા દીકરા કે મારા સાહેબ કે એવા કોઈ શીર્ષક થકી સંબોધન કરે તો પ્રેમની ધારા સતત વહેતી જણાય. એમનું વ્યક્તિત્વ જાણે સાદાઈ અને સરળતાની નિર્મળ ગંગા સમાન શીતળ ભાસે છે. વારંવાર મળવા જેવા માણસ અને માત્ર એમની સામે કે પાસે બેસીને જોયા કરો તો પણ ઓશો કે બુદ્ધની સંબોધિમાં બેઠા હોય એવો અહેસાસ થાય. શબ્દો કરતા એમનું મૌન વધારે કહી જાય છે. 

Sunday, January 1, 2023

સર્જનયાત્રાનું મંથન-૮૭

        ખુદના કે બીજાના, પૂર્વગ્રહો તોડવા કેમ અઘરા હોય છે? કારણ કે માણસનું મન નવી જાણકારી અનુસાર માન્યતાઓને બદલવાને બદલે જૂની માન્યતાઓને અનુરૂપ નવી જાણકારી મેળવે છે. તેને એસિમિલેશન (આત્મસાત)ની પ્રોસેસ કહે છે. આપણે એ જ નવી જાણકારી આત્મસાત કરીએ છીએ, જે આપણામાં પહેલેથી મોજુદ સમજણ અથવા અનુભવમાં ફિટ થતી હોય. તેનાથી વિરોધી જાણકારીને આપણે રિજેક્ટ કરીએ છીએ. એટલા માટે, કોઈ વ્યક્તિને દુનિયા ક્રૂર લાગતી હોય, તો તે ક્રુરતાનાં ઉદાહરણો જ એકઠાં કરશે, અને જેને દુનિયા ભલી નજર આવતી હશે, તે ભલાઈના પૂરાવા આપશે. ધાર્મિક અને રાજકીય વિચારધારાઓમાં એટલા માટે જ પૂર્વગ્રહો એકદમ સજ્જડ હોય છે. આ સબ્જેકટિવ થિન્કિંગમાંથી છુટવા માટે ગુણદોષ જોતા થાવ. સવાલો અને સંદેહ કરો: હું જે વિચારું છું તે સાચું છે? કે પછી હું મારી માન્યતાઓમાં લાગણીઓથી બંધાયેલો છું? "હું ખોટો હોઈ શકું," એવો સ્વીકાર કરો.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

Sunday, December 25, 2022

સર્જનયાત્રાનું મંથન-૮૬

 

*"પિતા જ્યારે બીજા પિતાઓનું ઉદાહરણ આપીને 'અમે તમને કેવી સુખ-સુવિધા અને વાતાવરણ આપ્યું છે તે જુઓ."* એવું કહેતાં રહે ત્યારે બાળકો લઘુતાગ્રંથિ અનુભવતાં હોય છે. ત્યારે શું કરવું જોઈયે.?

        પેરેન્ટ્સે ક્યારેય સરખામણી ન કરવી જોઈએ. તેનાથી બાળકોના આત્મવિશ્વાસને હાનિ પહોંચે છે, અને તેનામાં શરમની ભાવના વિકસે છે. જો કે, એ વાત પણ એટલી જ સાચી છે કે ઘણાં બધાં પેરેન્ટ્સ, એમની એન્ગઝાઇટીથી પ્રેરાઈને સરખામણી કરતાં રહે છે. બાળકો એમાં શું કરી શકે? વિચારવા જેવા 5 મુદ્દા...

1. પેરેન્ટ્સ સંતાનને સક્ષમ ગણે છે અને ઈચ્છે છે કે એ વધુ સારું પરફોર્મ કરે. એટલે તે સરખામણી કરીને તેને મોટિવેટ કરવા પ્રયાસ કરે છે. કોશિશ કરો કે તમે દરેક કામોમાં પ્રગતિ કરતા રહો. એથી પેરન્ટ્સનો વિશ્વાસ વધે અને સરખામણીની જરૂરિયાત ઘટે.

 2. સરખામણીથી હતોત્સાહ ન થાવ. પેરેન્ટ્સને તો બદલી શકાતા નથી, પણ આપણા રિએક્શનને તો બદલી શકાય છે. ઉલટાનું, પેરેન્ટ્સની અપેક્ષા કરતાં પણ તમે બહેતર છો એવું પુરવાર કરો.

3. પેરેન્ટ્સ મોટાભાગે સામાજીક પ્રેસરમાં આવીને સરખામણી કરતાં હોય છે. તમે સમાજની ચિંતા કર્યા વગર, અપેક્ષાનું ખુદનું લેવલ બનાવો અને તેને હાંસલ કરવાની કોશિશ કરો.

4. પેરેન્ટ્સ સાથે દલીલો ન કરો. તમે એવું પણ સ્વીકારો કે પેરેન્ટ્સની સરખામણીમાં કોઈક તો વજૂદ હશે. પેરેન્ટ્સ ટીકા કરે ત્યારે પોઝીટિવ અભિગમ અપનાવો. તમે નક્કર પરિણામથી સાબિત કરો કે તમે પણ બીજાં સંતાનો કરતાં બહેતર છો.

5. સારી અને શાંત ભાષામાં પેરેન્ટ્સને કહો કે બીજાં બાળકોનાં પેરેન્ટ્સ સરખામણી નથી કરતાં, તે નેગેટિવ ટીકા નથી કરતાં અને બાળકોને ખીલવા દેવા માટે મોકળું મેદાન આપે છે.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

Sunday, December 18, 2022

સર્જનયાત્રાનું મંથન-૮૫

        

            સેલ્ફ-ડિસિપ્લિન અથવા આત્મસંયમ કેમ અઘરો હોય છે? સૌથી મોટું કારણ એ છે કે મનને એવું લાગે છે કે એમાં તકલીફ પડશે, મહેનત કરવી પડશે અથવા સ્ટ્રેસ આવશે. મનને તેમાં નિષ્ફળ જવાનો ડર હોય છે અને આત્મવિશ્વાસનો પણ અભાવ હોય છે. કશું કરવા માટેનાં કારણોની સરખામણીમાં, તેને નહીં કરવા માટેનાં કારણો વધી જાય ત્યારે સેલ્ફ-ડિસિપ્લિન અઘરું બની જાય.

            બીજું કારણ "પ્રેઝન્ટ બાયસ" છે. પ્રેઝન્ટ બાયસ એટલે મોટાભાગે આપણે એ જ વસ્તુને હોંશે હોંશે કરીએ છીએ જેનો ફાયદો વર્તમાનમાં અથવા તાત્કાલિક મળવાનો હોય. દાખલા તરીકે, સિગારેટ પીવાની મજા તાત્કાલિક છે, અને તેનું નુકસાન ભવિષ્યમાં છે. એટલે આપણે એવું મન મનાવીએ છીએ ભવિષ્યની બીકમાં વર્તમાનની મજા કેમ જતી કરવી? એ જ રીતે, અત્યારે કસરત કરું તો વજન ભવિષ્યમાં ઉતરશે, પણ શરીરમાં પીડા તો વર્તમાનમાં થાય છે, એટલે આપણે કસરત કરી શકતા નથી. એક ઉપાય મજામાં વિલંબ કરવાનો છે. ચાર વાગે સિગારેટની તલપ લાગી હોય, તો તરતને બદલે એક કલાક પછી પીવી. અડધો કલાક કસરત કરવાથી દુઃખતું હોય, તો પંદર મિનિટ કસરત કરવી.

            *કોઈપણ નવી આદત કેળવવા કે છોડવા માટે શરૂઆત નાના પાયે કરવી "અમેરિકન નેવીમાં એક કહેવત છે...  Eat the elephant one bite at a time."*

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

Sunday, December 11, 2022

સર્જનયાત્રાનું મંથન-૮૪

 

                "લોકો ખુદની પ્રશંસા તો કરે જ છે, પોતાનાં સંતાનોનાં પણ ખોબલા ખોબલા ભરીને વખાણ કેમ કરતા હશે?"

            પેરેન્ટ્સ બાળકોનાં વખાણ બે રીતે કરે છે; એક, તેમની સામે, તેમનો આત્મવિશ્વાસ અને આત્મસન્માન વધારવા માટે, અને બે, બીજા લોકોની સામે, ખુદનું આત્મસન્માન વધારવા માટે. આધુનિક ચાઈલ્ડ સાઈકોલોજીના અભ્યાસો કહે છે કે બાળકોની તારીફ કરવી એ સૌથી શ્રેષ્ઠ મોટિવેશન છે. બાળકોને તેનાથી સાબિતી મળે છે કે હું બરાબર કરી રહ્યું છું. નુકસાન ત્યારે થાય જ્યારે લાગણીમાં અંધ બનીને અતિપ્રશંસા થાય. પેરેન્ટ્સ બીજા લોકો પાસે તેમનાં બાળકોનાં વખાણ કરે એમાં કોમ્પિટિશનની ભાવના હોય છે. પેરેન્ટ્સ સબકોન્સિયસ સ્તરે સભાન હોય છે કે બીજાં પેરેન્ટ્સ તેમનાં સંતાનોને નીરખે છે અને સરખામણી કરે છે. એટલે બીજાં પેરેન્ટ્સને ઈમ્પ્રેસ કરવા માટે તેઓ તેમનાં બાળકો કેટલાં સરસ અને હોંશિયાર છે. તે કહેવાનું ચૂકતાં નથી. મનુષ્યો જન્મજાત કોમ્પિટિટિવ અને કમ્પેરેટિવ હોય છે. સ્ત્રીઓ જેમ "મેરી સાડી ઉસકી સાડી સે સફેદ" કરે, તેવું જ પેરેન્ટ્સ બાળકો માટે કરે. બીજું, બાળક પેરેન્ટ્સનું જ એક્સટેન્શન હોય છે. બાળકનાં વખાણમાં પણ ખુદનાં જ વખાણ હોય છે.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

Sunday, December 4, 2022

સર્જનયાત્રાનું મંથન-૮૩

The 48 Laws of Powerમાંથી પાવરફૂલ lessons 

1. તમે જ્યારે દુનિયા સમક્ષ તમારી ટેલેન્ટનું પ્રદર્શન કરો, ત્યારે સ્વાભાવિક રીતે જ બીજા લોકોમાં વિરોધ, ઈર્ષ્યા, અસલામતી જેવા ભાવ પેદા થાય...બીજા લોકોની તુચ્છ ભાવનાઓની ચિંતામાં જીવન વ્યતિત ન કરવું. 

2. તમે જ્યારે બોલીને બીજા લોકોને ઈમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરો ત્યારે, તમે જેટલું વધુ બોલો એટલા તમે વધુ બેવકૂફ સાબિત થાવ. તાકાતવર લોકો ઓછું બોલીને ઈમ્પ્રેસ કરે.

3. આત્મવિશ્વાસ ન હોય તો પ્રયાસ જ ન કરવો. તમારો ખચકાટ તમારા વ્યવહારમાં દેખાશે. કરવું હોય તો બોલ્ડ બનીને કરવું. 

4. મિત્રોને મિત્રતા માટે રાખવા, પણ કામ સ્કિલ્ડ અને સક્ષમ લોકો સાથે કરવું.

5. બીજા કરતાં વધુ સારા દેખાવાનું જોખમી છે, પણ વધુ જોખમી તો કોઈ ત્રુટી કે કમજોરી ન હોય તેવો દેખાવ કરવાનું છે. અદેખાઈ દુશ્મનો પેદા કરે છે. પ્રસંગોપાત કચાશ બતાવવી અને નિર્દોષ ખરાબીઓનું પ્રદર્શન કરવું. 

6. સમાજ માથે મારે તેવું જીવન ન જીવો. સ્વતંત્ર આઇડેન્ટિટી ઉભી કરો. બીજા નક્કી કરે તેને બદલે તમારી ઇમેજના માસ્ટર તમે બનો.

7. તમને જે ગમે તેવું જ વિચારો, પણ વર્તન બીજાને ગમે તેવું કરો.

8. લોકો ખુદને અને તેમના જીવનને આકર્ષક રીતે પેશ કરે તેનાથી ભરમાવું નહીં. તેમની અધુરપો, કમજોરીઓ શોધો.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)