Saturday, April 22, 2023

વિશ્વ પુસ્તક દિવસ-૨૦૨૩

આજે *રાજેશ વ્યાસ* “મિસ્કિન”ના શબ્દો સાથે *વિશ્વ પુસ્તક દિવસ* ને વધાવીએ....📖📖

પુસ્તક મિત્ર છે

આપણા એકાંતનું,

તે વડીલ છે, સંસ્કારનું.

તે ભવિષ્ય છે આપણાં બાળકનું.

પુસ્તકને ખોલો છો તેની સાથે જ

ખુલવા લાગે છે તમારું હૃદય.

બે શબ્દો વચ્ચેની ખાલી જગ્યામાં

તમે તેમને અરીસાની જેમ

જોઈ શકો છો.

પુસ્તક અંધકારમાં દીવો લઈને

ઊભું હોય છે અજવાળું પાથરવા.

અને જીવનમાં જ્યારે ભૂલા પડો છો

ત્યારે તેનાં વાક્યો અને પંક્તિઓ

તમને રસ્તો બતાવે છે.

જ્યારે શ્રદ્ધા ડગી જાય,

મન થાકી જાય, હૈયું હારી જાય ત્યારે

નિર્જીવ લાગતાં પુસ્તકનાં પાનાંઓ તમારામાં પ્રાણ પૂરે છે.

પુસ્તક દીવાદાંડી છે

પુસ્તક બહાર અને

ભીતર જોડતો સેતુ છે.

પુસ્તક વિનાનો માણસ

ફરી પાછો કોઈ આરંભકાળનો

આદિવાસી બની જાય

તે પહેલાં ચાલો,

પુસ્તકના જગતમાં પ્રવેશ કરીએ.


Thursday, March 30, 2023

સર્જનયાત્રાનું મંથન-૧૦૦


        ધારો કે આપણે માટલાની અંદર બહુ પ્રેસર આપીએ તો તે ફાટી પડે, તેવી રીતે પૃથ્વીની અંદર આટલું બધું પ્રેસર હોવા છતાં પૃથ્વી તેના ભારથી ફાટી કેમ પડતી નથી? (એમાં પાછા માણસો કરોડો વર્ષોથી તેમની એક્ટિવિટી દ્વારા નવાં પ્રેસર પેદા કરતા રહે છે). એનું કારણ એ છે કે પૃથ્વીના કેન્દ્ર (inner core)માં, લોહ અને નિકલનું બનેલું લગભગ ભારતના આકારનું ઘન ક્ષેત્ર છે, જે સૂરજની સપાટી જેટલું ગરમ છે. તેની આજુબાજુમાં મોલ્ટન આયર્ન (અત્યંત ગરમીથી પીગળેલા લોહ)નો જથ્થો છે. તેની સાથે ઘન ક્ષેત્રના નિયમિત ઘર્ષણથી મેગ્નેટિક ફિલ્ડ (ચુંબકીય ક્ષેત્ર) સર્જતું રહે છે, જે પૃથ્વીને ફાટી પડતી રોકે છે. 

        પૃથ્વી શરૂઆતમાં એક ધગધગતો તારો જ હતી. અબજો વર્ષો પછી તેની સપાટી ઠંડી પડી, પરંતુ પૃથ્વીના વાતાવરણમાં સૂરજની હાજરી હોવાથી તેની ગરમીથી liquid condensation (પ્રવાહી ઘનીકરણ)ની પ્રક્રિયા શરૂ થઈ, જેમાં વરાળમાંથી સમુદ્રો બન્યા અને એ પાણીમાંથી જીવનની ઉત્પત્તિ થઈ. પૃથ્વીની ઠંડા પડવાની પ્રક્રિયા અટકી નથી. કેન્દ્રમાં મોલ્ટન આયર્નનું પ્રવાહી ક્ષેત્ર નિયમિત રીતે ઘન થઈ રહ્યું છે, જે છેવટે પૃથ્વીને મંગળ કે બુધ ગ્રહની જેમ ઉજ્જડ બનાવી દેશે. એ જીવનનો પણ અંત હશે.

(ફક્ત ગુજરાતી શાયરીઓ વોટ્સએપ ગ્રૂપમાંથી સાભાર )

            વ્હાલા વાચક મિત્રો આ મણકા સાથે સર્જનયાત્રાનું મંથન શ્રેણી અહિયાં પૂર્ણ કરવામાં આવે છે. મળીશું નવી વાતો અને વિચારો સાથે આપણા પોતાના બ્લોગ સર્જનાત્મકતાનું કુરુક્ષેત્ર પર જ્યાં વાંચો અલગ અલગ વિષયો અને સાથે સાહિત્ય તેમજ વિવિધતાસભર વાંચવાલાયક પુસ્તકોની યાદીઓ.. જય જગત..  

Monday, March 27, 2023

સર્જનયાત્રાનું મંથન-૯૯

 

        1971માં, ફિલિપ ઝિમ્બારડો નામના સોશ્યલ સાઇકોલોજીસ્ટે સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીમાં એક પ્રયોગ કર્યો હતો. તેણે 24 લોકોને પસંદ કરીને અમુકને જેલના કેદી અને અમુકને સંત્રી બનાવ્યા હતા. બંને જૂથોને એકબીજા વિશે ખબર નહોતી. સંત્રીઓ માનતા હતા કે કેદીઓ અસલી અપરાધી છે, અને કેદીઓને એમ હતું કે તેઓ અસલી જેલમાં અસલી સંત્રીઓના હાથમાં છે.

        પ્રયોગનો હેતુ એ સમજવાનો હતો કે સત્તા અને લાચારી કેવી રીતે માણસને અમુક રીતે વર્તવા પ્રેરે છે. પ્રયોગ શરૂ થયાના અમુક કલાકોમાં જ સંત્રીઓએ તેમનો પરચો બતાવવાનું શરૂ કર્યું, અને કેદીઓએ વિદ્રોહ શરૂ કર્યો. એમાં સંત્રીઓએ એવો અત્યાચાર વર્તાવાનું શરૂ કર્યું કે અઠવાડિયામાં જ પ્રયોગ રોકી દેવો પડ્યો. સંત્રી તંદુરસ્ત મનના હતા, પરંતુ સત્તા મળી તો ક્રૂર બની જતાં વાર ન લાગી. આ પ્રયોગથી સિદ્ધ થયું કે, સાધારણ વ્યક્તિ હોય કે વડાપ્રધાન, સત્તાનો દુરુપયોગ કરવાની વૃતિ માણસમાં જન્મજાત હોય છે. હિટલર એટલે જ 60 લાખ યહૂદીઓને મારી નાખવા સક્ષમ બન્યો હતો. માણસ મૂળભૂત રીતે પશુ છે, અને પશુઓમાં સાચા-ખોટાનો વિવેક તેમની તાકાતની ભાવનામાંથી આવે છે. જેટલી તેની તાકાત વધે, યોગ્ય-અયોગ્યનો તેનો ભાવ વ્યક્તિગત થતો જાય.

                            *Power corrupts and absolute power corrupts absolutely.*

(ફક્ત ગુજરાતી શાયરીઓ વોટ્સએપ ગ્રૂપમાંથી સાભાર )

Sunday, March 19, 2023

સર્જનયાત્રાનું મંથન-૯૮

        પ્રશંસા અને અપમાન એક સિક્કાની બે બાજુ છે. હું જો પ્રશંસાથી અભિભૂત થતો હોઉં તો, અપમાનથી વિચલિત થવાની પણ ગેરંટી છે. મારી પ્રશંસાથી હું એટલા માટે ખુશ થાઉં છું કારણ કે એ સાબિતી છે કે મારી કોઈક પાત્રતા છે. મારુ જ્યારે અપમાન થાય છે ત્યારે, મને મારી પાત્રતા નહીં હોવાનો અહેસાસ થાય છે. આપણે એવું માનીએ છીએ કે આપણે બહુ મહત્વની વ્યક્તિ છીએ અને લોકોએ મારી સકારાત્મક નોંધ લેવી જોઈએ. આપણને આપણી ઉપેક્ષા થાય તે ગમતી નથી. 

        અપમાન આપણને આપણી તુચ્છતાનો અહેસાસ કરાવે છે. હકીકત એ છે કે આ અફાટ વિશ્વમાં આપણે બહુમતિ લોકો માટે એક મચ્છરથી વિશેષ નથી, અને એટલે  આપણી બીજા લોકોની સ્વીકૃતિમાં સાર્થકતાને શોધીએ છીએ, પરંતુ કોઇ મને મહત્વ ન આપે, મારી સામે ન જુવે, મારી ઉપેક્ષા કરે તેનો મને વાંધો ન હોય, તો પછી અપમાન કરે તોય શું ફરક પડે છે? જે દિવસે આપણે પ્રશંસાથી મુક્ત થઈ જઈએ, તે દિવસે અપમાનથી પણ વિરક્ત થઈ જઈએ.

(ફક્ત ગુજરાતી શાયરીઓ વોટ્સએપ ગ્રૂપમાંથી સાભાર )

Sunday, March 12, 2023

સર્જનયાત્રાનું મંથન-૯૭

       

        દુષ્ટ વ્યક્તિ ક્યારેય ન સ્વીકારે કે તે દુષ્ટ છે. તેને બીજા દુષ્ટ નજર આવે, અને ખુદને ભલો માણસ માને. એવા લોકો અમુક વિચારો અને માન્યતાઓ ઘડે અને પછી તેમનાં કૃત્યોને એ વિચારો અને માન્યતાઓની દુહાઈ આપીને ઉચિત ઠેરવે. તેનાથી એવું સાબિત થાય કે તેમના ઈરાદા નેક છે, પણ જેમને વાંધો છે તે લોકો દુષ્ટ છે. એટલા માટે પૂર્વગ્રહો દુષ્ટતાનું જન્મસ્થાન છે. તમે એકવાર અમુક માન્યતાઓ કેળવી લો પછી, તેને સાચી માનીને મરવા-મારવા પર ઉતરી જવાનું આસાન થઈ જાય.

        ઇતિહાસમાં જેટલા અત્યાચાર થયા છે તે "નેક ઈરાદા"થી થયા છે. "હું તો તારા સારા માટે કરું છું" કહીને ઘણાં માબાપ સંતાનોને ત્રાસ આપતાં હોય છે. લીડરો પણ ગેરવ્યવહારને તેમના ઈરાદાથી ઉચિત ઠેરવે. શાંતિનો સંદેશ છતાં, ધર્મના નામે લોકો કેમ હિંસા કરે છે? જવાબ: હું તો તારા સારા માટે કરું છું. ગાંધીએ એટલે સાધન શુદ્ધિની વાત કરી હતી. વિચાર ગમે તેટલો શુભ હોય, આચાર દુષ્ટ હોય તો વિચાર નકામો.


Sunday, March 5, 2023

સર્જનયાત્રાનું મંથન-૯૬

 

        રાજકારણ માનસિક-સામાજિક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. 2020માં, અમેરિકામાં એક સર્વેક્ષણમાં ખબર પડી હતી કે 40 ટકા લોકો રાજકારણના કારણે સ્ટ્રેસ અનુભવતા હતા, અને 5થી 8 કરોડ લોકોએ કહ્યું હતું કે તેમની થકાવટ, ચીડ, કમ્પલસિવ વર્તન અને ગુસ્સો રાજકારણને આભારી છે. ભારતમાં તો દોસ્ત દુશ્મન થઈ જાય છે અને આંત્યંતિક કિસ્સાઓમાં ખૂન પણ થઈ જાય છે.

        માણસ બુનિયાદ રૂપે લાગણીશીલ છે, અને રાજકારણ તેની બુદ્ધિશક્તિને બદલે લાગણીને પ્રભાવિત કરે છે. માણસ જ્યારે કોઈ રાજકીય  વિચારમાં યકીન રાખતો થઈ જાય, પછી તે તેમાં બાંધછોડ ન થવા દે કારણ કે, ધર્મની માફક, એ વિચાર તેની આઇડેન્ટિટી બની જાય છે. એ વિચાર પર જ્યારે હુમલો થાય ત્યારે, તેને તેની આઇડેન્ટિટી પર હુમલો થયો હોય તેવી લાગણી થાય, અને તે બમણા ઝનૂનથી તેનું રક્ષણ કરવા લાગી જાય. એટલે એમાં ભાગ્યે જ વિવેકબુદ્ધિથી તટસ્થ ચર્ચા કરવાની ગુંજાયેશ બચે છે. ભારત માટે અંબાણી સારા કે અદાણી એ પ્રશ્નમાં લાગણીસભર દલીલો ના થાય, પણ ભાજપ સારી કે કોંગ્રેસ એમાં ગાળાગાળી સુધ્ધાં થાય. રાજકારણ મતભેદ નહીં, મનભેદ જ ઉભો કરે છે.

( ફક્ત ગુજરાતી શાયરીઓ વોટ્સએપ ગ્રૂપમાંથી સાભાર )

Sunday, February 26, 2023

સર્જનયાત્રાનું મંથન-૯૫

 

    શારીરિક કસરતમાં રેસિસ્ટન્સ ટ્રેનિંગનું બહુ મહત્વ છે. રેસિસ્ટન્સ ટ્રેનિંગ એટલે બાહ્ય ફોર્સના ઉપયોગથી શરીરના મસલ્સ મજબુત કરવા તે. જેમ કે તમે જો ખુરશી, ટેબલ કે ફર્શના ટેકે પુશ અપ્સ કરો, તો આખા શરીરના મસલ્સની તાકાત વધે.

    એવું જ મેન્ટલ મસલ્સનું છે. મેન્ટલ મસલ્સ એટલે વિચાર કરવાની, અનુભવ કરવાની અને પરફોર્મ કરવાની ક્ષમતા. જેમ શારીરિક તંદુરસ્તી અને શારીરિક તાકાત અલગ છે, તેવું રીતે મેન્ટલ હેલ્થ અને મેન્ટલ સ્ટ્રેન્થ અલગ છે. મન પાસે જેટલી અઘરી કસરત કરાવીએ તેટલી તેની તાકાત વધે. મેન્ટલ મસલ્સ ત્રણ પ્રકારની ક્ષમતા વિકસાવે છે.

1.નકારાત્મક લાગણીઓનો તંદુરસ્ત રીતે સામનો કરવાની ક્ષમતા.

2.લાગણીઓને તટસ્થ રીતે ઓળખવાની ક્ષમતા.

3. ક્યારે લાગણીઓને હાવી થવા દેવી અને ક્યારે તેનાથી દૂર થવું તેની ક્ષમતા.

મેન્ટલ કસરત કેવી રીતે થાય?

- કોઈ એક ચીજમાં 100% ફોકસ (ઝીરો ડિસ્ટ્રેકશન)ની ટેવ પાડીને.

- જટિલ બાબતોનું વિશ્લેષણ કરીને તેને સરળ બનાવવાની પ્રેક્ટિસ કરીને.

- મગજને ચેલેન્જીંગ લાગે એવું કામ કરીને

- યાદદાસ્ત ઈંપ્રુવ થાય તેવી પ્રવૃત્તિઓ કરીને.

( ફક્ત ગુજરાતી શાયરીઓ વોટ્સએપ ગ્રૂપમાંથી સાભાર )

Sunday, February 19, 2023

સર્જનયાત્રાનું મંથન-૯૩

 

"નૈતિક મુલ્યો ઘસાતાં જાય છે. તે કેવી રીતે પાછાં સ્થાપિત થશે?"

ભારતમાં નૈતિકનાં મુખ્ય 5 કારણો છે..

1. હરીફાઈની વૃતિમાં વધારો.

2. ભણતરમાંથી ગણતરનું ગાયબ થઈ જવું.

3. સંયુક્ત કુટુંબની વ્યવસ્થાનું તૂટવું.

4. ભ્રષ્ટાચારનું નોર્મલ થઈ જવું.

5. રાજકારણનું અપરાધીકરણ.

        આ પાંચે સમસ્યાઓનું મૂળ શિક્ષણ, ગરીબી, બેરોજગારી, વસ્તીવધારો અને વિકાસનું આયાતી મૂડીવાદી મોડેલ છે. એ દિશામાં નક્કર અને સૂઝબૂઝથી કામ થાય તો, સમાજનું અધ: પતન અટકાવી શકાય. એવું થતું લાગતું નથી.

      The History of the Decline and Fall of the Roman Empire નામના ગ્રંથમાં ઇતિહાસકાર એડવર્ડ ગિબ્બોને, રોમન સમાજના પતનનાં 5 કારણો આપ્યાં હતાં:

1. સમૃદ્ધ થવાને બદલે બદલે સંપતિનું પ્રદર્શન કરવાની વૃત્તિમાં વધારો થયો.

2. સેક્સ પ્રત્યેની ઘેલછા અને સેક્સની વિકૃતિમાં વધારો થયો.

3. કળા-સાહિત્ય સર્જનાત્મક બનવાને બદલે સનસનીખેજ બની ગયું.

4. ગરીબો અને અમીરો વચ્ચે ખાઈ વધતી ગઈ.

5. રાજ્યની દયા-માયા પર જીવવાની વૃતિમાં વધારો થયો.

( ફક્ત ગુજરાતી શાયરીઓ વોટ્સએપ ગ્રૂપમાંથી સાભાર )

Sunday, February 12, 2023

સર્જનયાત્રાનું મંથન-૯૪

 

        પ્રસિદ્ધ ભૌતિકશાસ્ત્રી રિચાર્ડ ફાયનમેનનું એક ક્લાસિક વિધાન છે. *"મને નાનપણથી જ એ ખબર પડી ગઈ હતી કે કોઈ ચીજનું નામ જાણી લઈએ એટલે એ ચીજને જાણી ગયા એવું ન કહેવાય."* ફાયનમેન નાના હતા ત્યારે તેમના પિતા મેલવિલેની આંગળી પકડીને ચાલવા જતા. રસ્તામાં તેમને પક્ષીઓ જોવા મળતાં. એકવાર તેમણે એક પક્ષી જોઈને તેનું નામ પૂછ્યું. પિતાએ કહ્યું કે," ઈંગ્લીશમાં તેને સ્વોલો કહે છે, ફ્રેન્ચ લોકો તેને લેસ હિરોન્ડેલે કહે છે, જર્મનીમાં તેનું નામ ડિસ શોલ્વ છે. તને એનાં નામ તો ખબર પડી ગઈ, પણ પક્ષી વિશે કશી ખબર નહી પડે." મોટા થઈને ફાયનમેને કોઈ ચીજની જ જાણકારી મેળવવાની ટેકનિક વિકસાવી હતી: 

1. કશું નવું શીખો ત્યારે તેનું નામ નહીં, તેનો કોન્સેપ્ટ (તે કેવી રીતે કામ કરે છે તે) શીખો.

2. પછી તેને એવી રીતે સરળ શબ્દોમાં મુકો કે 10 વર્ષના બાળકને પણ સમજાઈ જાય. 

3. હવે તમે તમારી સમજાવટમાં ખામી શોધો. પહેલા પ્રયાસમાં કદાચ નહીં દેખાય. પાછા મૂળ ચીજમાં જાવ અને વધુ સારી રીતે તેને સમજો.

4. હવે, તેને વધુ સરળ બનાવો અને ફરી પ્રયાસ કરો.

ફાયનમેનના પિતાએ કહેલું, "જેને ઊંઘ શુ કહેવાય તે ખબર ન હોય, તેવા મંગળવાસીઓને તું ઊંઘ કેવી રીતે સમજાવીશ?"

Sunday, February 5, 2023

સર્જનયાત્રાનું મંથન-૯૨

 

        "કુટુંબમાં ઘણાં સગાંઓનો દુરાગ્રહ હોય કે તેમની પૂર્વધારણા પ્રમાણે જ પરિવારે જીવવાનું, ત્યારે તે પરિસ્થિતિને કઇ રીતે હેન્ડલ કરવી? એવો કોઈ માર્ગ છે કે જ્યાં સમજાવી શકીએ કે એમનું વર્તન બધા માટે ફાયદાકારક નથી?"  એનો એક માત્ર રસ્તો સંવાદનો છે. સફળ સંવાદ માટે અમુક મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જેવા છે: તેમના દુરાગ્રહોથી તમને અને બીજાઓને કેવા અનુભવો થયા છે તેનાં તથ્યો એકઠાં કરો. આવા સંવાદો લાગણીઓની વાતોથી સફળ ન થાય, કારણ કે તેમાં ઉકળાટ ઠાલવવા સિવાય કંઈ ન થાય અને છેવટે બ્લેમ ગેઇમ જ રમાય છે. તેના બદલે નક્કર વાતો કરો, નક્કર ઉદાહરણો આપો. તાર્કિક રીતે સમજાવો. 

        સામેવાળી વ્યક્તિને એવું લાગવું જોઈએ કે એ જો એના દુરાગ્રહોમાં પરિવર્તન લાવે, તો તેમાં તેનો ખુદનો પણ કેટલો લાભ છે. આવો સંવાદ સર્વેના હિતમાં છે તેવી ભાવના જન્મે તે ઇચ્છનીય છે. તેને તમારું અંગત યુદ્ધ બનાવી દો, તો સામીવાળી વ્યક્તિ ઔર જક્કી થઈ જશે. એની જગ્યાએ આપણે હોઈએ તો આપણે પણ એવું જ કરીએ. આ છેલ્લો મુદ્દો વધુ સમજવા જેવો છે. ધારો કે, તેની જગ્યાએ આપણે હોઈએ, તો કોઈ કુટુંબીજને એ મુદ્દા પર આપણી સાથે કેવી રીતે વાત કરવી જોઈએ? એ સવાલના જવાબમાં ઉપરના પ્રશ્નનો ઉત્તર છે.

( ફક્ત ગુજરાતી શાયરીઓ વોટ્સએપ ગ્રૂપમાંથી સાભાર )

Friday, February 3, 2023

પુસ્તક પ્રસાદ-૨: નોર્થપોલ

 

જીતેશ દોંગાનો પરિચય એમના જ શબ્દોમાં.. 

        મને અડદની દાળ અને બાજરાના રોટલાં ખુબ ગમે છે. સવારે ભાખરી અને સાથે માખણ પણ ગમે. હું પુસ્તકોનો અઠંગ વાંચક. પુસ્તકોની સુગંધનો નશાખોર. એકલો રખડનાર વ્યક્તિ, છતાં ફેમિલીમેન. માવડીયો. સાયન્સ ફિક્શન અને સ્પેસ સાયન્સનો ખુબ જ મોટો ચાહક. મને એસ્ટ્રોનોમી, ફ્યુચર ફિક્શન, ફેન્ટસી ફિક્શન વગેરે વિષયો પણ અતિશય પ્રિય. માનવજીવનની ફિલોસોફીમાં પણ ખુબ રસ. મારું સપનું છે કે એકવાર શબ્દો થકી એવું ફેન્ટસી વર્લ્ડ બનાવવું છે કે જેમાં હું જ્યારે-જ્યારે જાઉં પાછું ન આવવાનું મન થાય! સવારનો કૂમળો તડકો અને રાત્રીનું ઘાટું આકાશ મને ખુબ ગમે. Instrumental મ્યુઝીક અને વર્લ્ડ-સિનેમા પણ અતિશય વ્હાલાં અને હવે એમની નવલકથા વિશેની વાત. 

        કોઈપણ માણસ કે વ્યક્તિ પોતાના જીવનમાં શું કરવા માંગે છે એ વિશે વારંવાર વિચારતો હોય છે અને ઘણીવાર તો અલગ અલગ લોકોના સલાહ સૂચન કે માર્ગદર્શન લઈને પણ પોતાના જીવનની કેડી કંડારવાનો પ્રયત્ન કરતો હોય છે. પરંતુ આ બધાને અંતે પણ ઘણીવાર ઘણા બધા લોકો એવા હોય છે કે જેને પોતાના જીવનનો સાચો માર્ગ મળતો નથી. જીવનમાં સતત અટવાયા કરતા હોય છે અને વિચારતા હોય છે કે હું કયા રસ્તે જઈ રહ્યો છું. હું જીવનમાં શું વિચારું છું શું કરવા માંગુ છું અથવા તો મને કયા કામ કરવામાં હ્રદયપૂર્વક આનંદ મળે છે એની મને જાણ છે આવા ઘણા બધા પ્રશ્નો વર્તમાન સમયમાં દરેકની પાસે છે, પણ શું દરેકને આ પ્રશ્નનો સાચો ઉત્તર મળે છે કે સાચું માર્ગદર્શન મળે છે ?               

          જીતેશભાઈ દોંગાનું પુસ્તક નોર્થ પોલ આપણા  આવા જ કંઈક  કેટલાએ પ્રશ્નોનું  અને એ પ્રશ્નો માંથી ઉઠતી ગડમથલ તરફ આંગળી ચીંધે છે જીવનમાં દરેકનું કંઈક  સ્વપ્ન હોય છે. દરેક વ્યક્તિ હંમેશા કંઇક ખાસ  બનવા માંગતો હોય છે. દરેકને એમ થાય છે કે હું એવી વિશિષ્ટ કારકિર્દી બનાવીશ કે એક ઉમદા કામ કરીશ કે જેનાથી મને જીવનમાં આનંદ મળશે. મારા સ્વપ્નો પૂરા કરીશ અને હું મારા પરિવાર અને માતા-પિતાને પણ અમદા જિંદગી આપવાનો પ્રયત્ન કરીશ. તેમના સ્વપ્નોની સાથે હું મારા જીવનને સાંકળીને ખુશીઓ મેળવી  લઈશ

         પરંતુ શું બીજાની ખુશીમાં આપણને ખુશી મળે છે એવો વિચાર કરતો નોર્થ પોલનો નાયક ગોપાલ કે જે એવું વિચારે છે કે હું એન્જીનીયર બનીશ અને પછી મારા માતા-પિતાની અપેક્ષા પ્રમાણે 40-50 હજારનો પગાર મેળવીશ અને પછી એ સુખી જીંદગી જીવીશ. પરંતુ એન્જિનિયરિંગ કરતા કરતા હર હંમેશ એ વિચારે છે કે શું સાચી દિશામાં જઈ રહ્યો છું. આ બધા કામ કરતા કરતા શું મને રાજીપો થાય છે કે એ કામમાં હું મારું સર્વસ્વ આપી શકું છું કે મને અંતરથી એવું  સુખ મળે છે?  આ એની શોધખોળ એને સતત નવા નવા કામો કરવા માટે પ્રેરણા આપે છે અને તે સાહસ કરીને અલગ અલગ કામો કરતો રહે છે. દરેક માંથી પોતાની ખુશીઓ મેળવવાનો પણ એ પ્રયાસ કરે છે અને આવા તો એ 22 કે તેથી વધારે કામો કરે છે પરંતુ એ પોતાની સાચી ખુશી મજામાં છે તે નક્કી કરી શકતો નથી

         આવું કરતા કરતા તે પોતાનું ભણતર તો પૂરું કરે છે પરંતુ ત્યાં સુધીમાં પણ તે પોતાના જીવનનો માર્ગ કે પોતાને ગમતું કામ એ મેળવી શકતો નથી પછી તે જીવનના સંઘર્ષમાં કંપનીઓ નોકરીઓ માટે ટ્રાયકરે છે. એક બે જગ્યાએ નોકરીઓ પણ મળે છે પણ એ કામ કરવામાં એને એવો આનંદ નથી આવતો. સતત એ એ નવા નવા વિચારો માં જ હોય છે અને અંતે આપણી નોકરીઓ છોડી ને ઘરે આવે છે. પોતાના પિતા સાથે વાત કરે છે અને માતા પિતા ને મનાવી ને તે પોતાના જીવનનો માર્ગ નક્કી કરવા માટે ઘરેથી નીકળી જાય છે. ત્યાંથી તે ગીરના જંગલોમાં જાય છે અને બાવો બનવાનું વિચારે છે પરંતુ ત્યાં પણ તેને સાચો આનંદ તો આવતો જ નથી અને પછી ત્યાં બાવાઓ એને એમ કહે છે કે તું અહીંયા રહેવા કરતાં તે સંસાર અને દુનિયા સામે તને જે પ્રશ્નો છે એ દુનિયા સામે તું નાગો થઈ જા અને દુનિયાને પોતાના પ્રશ્નો પૂછશે એમાંથી તને તારો કોઈ જવાબ મળશે.

            આમ કરતા કરતા તે મુંબઈ પહોંચે છે અને ત્યાં તેને મીરા નામની એક છોકરીનો ભેટો થાય છે, જે પણ આવી જ રીતે પોતાના જીવનના પ્રશ્નોનું સમાધાન મેળવવા માટે એકલી રહેતી હોય છે અને ટેટુ ચિત્ર દોરવાનું કામ કરતી હોય છે. તેની સાથે ગોપાલ પણ પોતાના જીવનનો આનંદ સાચો મેળવવા લાગે છે, પરંતુ આ બધામાં પણ તેને પોતાનું સાચું કામ અને પોતાનો આનંદ હજુ મળ્યો નથી હોતો. તે જીવનના અવનવા સંઘર્ષની સામે લડવાનું શીખી જાય છે. ગોપાલ મીરાની સાથે પોતાના જીવનને વણાયેલું જોતો હોય છે અને ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમ પાંગરે છે. ત્યારબાદ બંને પોતાના સપનાઓ પુરા કરવામાં લાગી જાય છે અને આગળ વધતા લગ્ન કરીને તેઓ મુંબઈની બહાર જંગલ જેવા વિસ્તારમાં પોતાનું એક ઘર બનાવે છે જેને નામ આપે છે નોર્થપોલ. આ નામનો અર્થ બંનેના સપનાઓનું સરનામું બની રહે છે એવો વાંચતી વખતે આપણને લાગે છે અને એમ પણ થાય કે હવે ગોપાલ ને પોતાની મંઝીલ મળી ગયો હશે, પરંતુ વિધિની વક્રતા કંઈક અલગ જ હોય છે. બંને સંસાર પણ માંડે છે અને આગળ વધતા એમને ત્યાં ઈદ નામની છોકરી નો જન્મ થાય છે અને હવે ગોપાલ ને એમ લાગે છે કે આ સંસાર સંપૂર્ણ થયો છે. પરંતુ આવી બધી ગડમથલ ની વચ્ચે પણ એને પોતાના પ્રશ્નોનું સમાધાન તો બનતું જ નથી સતત એ એમાં અટવાયેલો રહે છે.

             આ બધાની વચ્ચે ઇદને કેન્સરનું નિદાન થાય છે અને અમુક સમય ની સારવાર પછી તે મૃત્યુ પામે છે. પછી એ આઘાતમાં ગોપાલ અને મીરા ભાંગી પડે છે પરંતુ ગોપાલ સ્વસ્થતા પૂર્વક મીરાને સંભાળવાનો પ્રયત્ન કરે છે. મીરા પોતાના જીવનને સંભાળી શકતી નથી, એવું એને લાગે છે ત્યારે બંને જણ છુટા પડવાનું નક્કી મીરા એને છોડીને પોતાના જીવનનો માર્ગ નક્કી કરવા માટે જતી રહેવાનું વિચારે છે. મીરા અન્યની સેવામાં પોતાનું જીવન પસાર કરી દેવાનો નક્કી કરે છે અને જ્યારે જતી હોય ત્યારે પણ રસ્તામાં તેનું મરણ  થાય છે. ગોપાલ તેને એજ નોર્થ પોલની ખુલ્લી જગ્યામાં દફનાવે છે.

             આ બધી ગડમથલ  પછી તેને પોતાના જીવનનો માર્ગ મળે છે. આટલા સંઘર્ષ પછી તેને એ વિચાર સ્ફૂરે  છે  અને એને પોતાના જીવનનો સાચો માર્ગ મળે છે. હવે કયો માર્ગ હશે તે જાણવા માટે તો વાચકે આતુરતાપૂર્વક અને નવલકથા સાથે લાગણીનો તંતુ જોડીને આ નવલકથા વાંચવી રહી. જીતેશભાઈની આ નવલકથા સાચે જ દરેક વાચકને પોતાના જીવનનો માર્ગ નક્કી  કરવામાં મદદ કરશે અને સંસારની સામે લડવામાં હિંમત આપશે.

(અહિયાં જીતેશભાઈનો પરિચય એમની સાઇટ પરથી લીધો છે.)