Sunday, August 14, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૮

કોઈ મેસેજમાં જૂઠ બોલે છે તેના 10 સંકેત.

1. તરત જવાબ ન આપે. અનુકૂળ જવાબ ગોઠવવામાં સમય લે.

2. સરળ અને સીધા સવાલના જવાબમાં લાંબા અને જટિલ વાક્યો લખે.

3. વાત બદલી નાખે. તેને અનુકૂળ હોય તેવી ચર્ચામાં તમને લઈ જાય.

4. તમને જટિલ પ્રતિ પ્રશ્નો પૂછે. 

5. અચાનક ચર્ચા અટકાવી દે. ચાલુ વાતે 'મારે કામ છે' કહીને છૂ થઈ જાય.

6. ભાષામાં લાગણીવેડા વધુ હોય. જૂઠી વ્યક્તિ પોતાની વાત મનાવવા માટે વધુ પડતી લાગણીસભર વાતો કરે.

7. વધુ પડતી પોલિશ્ડ વાતો કરે. જૂઠી વ્યક્તિના શબ્દો, વાક્યો અતિશય 'સારાં' લાગે, તો માનવું કે તે નકલી છે.

 8. તેની વાતોમાં ફરિયાદનો સૂર વધુ હોય. તે કોઈને ને કોઈને દોષિત ઠેરવે.

9. એક મિનિટ પહેલાં કે એક દિવસ પહેલાં કરેલી વાતમાં પણ ફરક આવતો હોય.

10. ગટ ફીલિંગ. નિયમિત રીતે વાતો કરો, તો તમારી અંદર એક ગટ ફીલિંગ કેળવાય , જે તમને સામેની વ્યક્તિ વિશે એક્યુરેટ સંકેત આપે.

Sunday, August 7, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૭

       

         માણસો એમના પૂર્વગ્રહોને મળતી આવતી વાતોને ‘તથ્ય’ તરીકે સ્વીકારે છે, અને પ્રતિકૂળ તથ્યોને ‘અનુમાન’ ગણીને નામંજૂર કરે છે. પોતાના પૂર્વગ્રહોને સમજવા અઘરા હોય છે એટલું જ નહીં, પૂર્વગ્રહોથી બચવું પણ અસંભવ છે. આપણું મગજ રોજેરોજ અંદર આવતી જથ્થાબંધ ઇન્ફોર્મેશનને પ્રોસેસ કરવા સક્ષમ નથી, એટલે તે સિલેક્ટિવલી એવી ઇન્ફોર્મેશનને જાળવી રાખે છે જેનાથી તેને 'સારું' લાગે. આપણે જ્યારે તથ્યોને બદલે લાગણીઓના આધારે કોઈ મત બંધીએ, ત્યારે તેને મોટિવેશનલ રિજનિંગ કહે છે. 

        સોશિયલ મીડિયામાં જે હુંસાતુંસી, આક્રમક દલીલો, તૂ તૂ-મૈં મૈં અને ગાળાગાળી થાય છે તે આ મોટિવેશનલ રિજનિંગમાંથી થાય છે. પૂર્વગ્રહોના પ્રભાવને ઓછો કરવા માટે જ પ્રમાણો આધારિત વિજ્ઞાનનો વિકાસ થયો છે. જૂઠ બીજા માટે નહીં, ક્યારેક જાત સાથે ય બોલાતું હોય છે. એવા 'જાણકાર' માણસોને જાણકારી આપવી અઘરી હોય છે. જ્ઞાનનું વિરોધી અજ્ઞાન નથી, પણ ખોટી જાણકારી છે.


Sunday, July 31, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૬

        

        અસહિષ્ણુતા બહાદુરીમાં લપેટાયેલી અસલામતી છે. આપણા તમામ દુર્વ્યવહારોના મૂળમાં ડર હોય છે, બહાદુરી નહીં. બાળપણમાં આપણે પેરેન્ટ્સ કે અન્ય વયસ્ક લોકોના માધ્યમથી જે વ્યવહારોના સાક્ષી બનીએ  છીએ (એમાં કલ્પનાઓ પણ આવી ગઈ), તેમાંથી આપણામાં ડરની ભાવના વિકસે છે. 

        બાળક તરીકે આપણે જો ત્રણ બુનિયાદી ગુણો- બીજાઓ માટેનો પ્રેમ, સદાચાર અને વિવેકબુદ્ધિમાં શ્રદ્ધા અને તેનું સન્માનના કરવાના ભાવ સાથે મોટા થઈએ, તો આપણા માટે દુર્વ્યવહાર અસંભવ બની જાય, પરંતુ જીવન એટલું આદર્શ નથી હોતું, પરિણામે આપણા ઉછેરમાં રહી ગયેલી એ રિક્તતાના કારણે આપણામાં અસલામતી પેદા થાય છે અને આપણે અસહિષ્ણુતા, નફરત, ચીડ, ડર, વગેરેથી એ રિક્તતને ભરી દઈએ છીએ. આપણી અંદરના એ ખાલીપાને કારણે આપણને 'અન્યો'માં એવો દુશ્મન નજર આવે છે, જે જાણે આપણી તકલીફો માટે જવાબદાર હોય. એક વ્યક્તિ કે એક સમાજની અસહિષ્ણુતાની અસલી સચ્ચાઈ તેનો ડર છે.


Sunday, July 24, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૫

        આપણે, બુદ્ધિની સરખામણીમાં, લાગણીઓને વધુ મહત્વ આપીએ છીએ. આપણે જન્મથી લાગણીશીલ છીએ, બુદ્ધિશીલ નહીં. બુદ્ધિ કેમ આવી? કારણ કે લાગણીઓ જીવનની જટિલતાને બોધગમ્ય બનાવવામાં નિષ્ફળ જવા લાગી હતી, અને બીજું, માણસમાં લાગણીઓને નિયંત્રિત રાખવાની જરૂરિયાત ઉભી થઇ હતી. 

        લાગણીઓ માનસિક વ્યાધિ બની જાય છે એવી સમજ માત્ર માણસમાં જ છે (પ્રાણીઓમાં નથી), અને તે બુદ્ધિનો પ્રતાપ છે. આત્મહત્યા કરનારા 90 પ્રતિશત લોકો ભાવનાત્મક વિકારથી પીડાતા હોય છે. તમે કોઈ તંદુરસ્ત વ્યક્તિને બગીચામાંથી બહાર નીકળીને બાજુમાં રેલવે ટ્રેક પર સુઈ જતી ક્યારેય નહીં જુવો. એની લાગણીઓમાં ગેરવ્યવસ્થા હોય તો જ એ શક્ય છે.  આપણે કરેલો પ્રત્યેક (સારો કે ખોટો) વિચાર તેને સમકક્ષ એક ઇમોશન સર્જે છે: હર્ષ અથવા હતાશા. હતાશામાં વધારો થવા લાગે તો તે ડિપ્રેશન લાવે છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ લાગણીઓની વિધ્વંસક પ્રકૃતિનું નિયંત્રણ કરવાને કહે છે.

Sunday, July 17, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૪

        

        તામિલનાડુના થૂથુકુડીમાં રહેતા ડો.અબ્દુલ કલામના ચાહક એવા પોન મરીઅપ્પાને ભણી ગણીને દેશ માટે કંઈક કરવાની ભાવના હતી પરંતુ નસીબે સાથ ન આપ્યો અને 8 ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પરિવારની આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસ છૂટી ગયો.

        મરીઅપ્પા ભણવાનું છોડીને મજૂરીએ લાગી ગયા. 18 વર્ષ મજૂરી કરીને જે બચત ભેગી થઈ એમાંથી એક હેર કટિંગ સલૂન બનાવ્યું. સલૂનમાં વાળ કપાવવા માટે આવતા યુવાનો એનો વારો આવવાની રાહ જોતા હોય ત્યારે કાંતો પોતાના મોબાઈલમાં લાગેલા હોય અને કાંતો સલૂનમાં રાખેલ ટીવી જોતા હોય. મરીઅપ્પાને આ દ્રશ્યો જોઈને બહુ દુઃખ થતું. ભગવાને આ યુવાનોને આગળ વધવા માટેની તમામ અનુકૂળતાઓ કરી આપી છે છતાં મોબાઈલ કે ટીવીમાં સમય વેડફે છે.

        એકદિવસ મરીઅપ્પાએ એના સલૂનમાંથી ટીવી કાઢી નાખ્યું અને ટી.વી.ના સ્થાને થોડા મેગેઝીન અને વાંચવા ગમે એવા પુસ્તક રાખી દીધા. પોતાના વારાની રાહ જોતા ગ્રાહકો પૈકી અમુક ગ્રાહકો બેઠા બેઠા પુસ્તકોના પાના ફેરવતા અને વાંચતા આ જોઈને મરીઅપ્પાએ નક્કી કર્યુ કે સલૂનમાં જ એક નાની લાઈબ્રેરી બનાવું.

        શરૂઆતમાં થોડા પુસ્તકો લાવીને ગોઠવ્યા પછી દર મહિને કમાણીમાંથી થોડી રકમ બચાવીને નવા પુસ્તકો ખરીદે. અત્યારે 1000 જેટલા પુસ્તકો ભેગા કર્યા છે. મરીઅપ્પાએ એમના ગ્રાહકો માટે એક સ્કીમ બનાવી છે. જે ગ્રાહક પોતે રાહ જોતા હોય એ સમય દરમ્યાન એને પસંદ પડે એવા પુસ્તકના 10 પાના વાંચે અને જે વાંચ્યું હોય એનો થોડા વાક્યોમાં ટૂંકો સારાંશ ત્યાં રાખેલા ચોપડામાં લખે એ ગ્રાહકને ફીમાં 30% જેટલું ડિસ્કાઉન્ટ આપવાનું. મરીઅપ્પાના ચોપડામાં 300 કરતા વધુ ગ્રાહકોએ પુસ્તક વાંચીને સારાંશ પણ લખ્યો છે.

        હેર કટિંગ સલૂનમાં તમે ટી.વી.કે ટેપ, ફિલ્મી અભિનેતા કે ક્રિકેટરના પોસ્ટર, જાત-જાતની બ્યુટી પ્રોડક્ટના ડિસ્પ્લે વગેરે જોયું હશે પણ મરીઅપ્પાના સલૂનમાં જ્ઞાનના સમંદર જેવા અનેક પુસ્તકોના દર્શન કરીને આંખોને ટાઢક મળે.ડો.કલામના ચાહક મરીઅપ્પાની ડો.કલામને આનાથી મોટી શ્રદ્ધાંજલિ બીજી કઈ હોઈ શકે.!

Sunday, July 10, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૩

        રાજકારણમાં રાજકારણીઓનાં જ ડબલ સ્ટાન્ડર્ડ હોય છે એવું નથી. રાજકારણીઓના ભક્તો પણ બેવડાં કાટલાં વાપરતા હોય છે. લોકો તેમને ન ગમતા હોય એવા રાજકારણી પાસે તમામ પ્રકારની નૈતિકતાની અપેક્ષા રાખતા હોય છે, પણ ગમતા રાજકારણીની ગમે તેટલી અનૈતિકતાને ચલાવી લે છે. 

        જે રાજકારણી ગમતો ન હોય તે પ્રમાણિક કાર્યક્ષમ, બુદ્ધિશાળી હોવો જોઈએ, પવિત્ર હોવો જોઈએ, પણ આપણને ગમતો રાજકારણી ચોર હોય તો આપણે તેને વાલિયા લૂંટારા જેવો સેવાભાવી અને વિરોધીઓના ષડયંત્રનો પીડિત ગણાવીએ છીએ. ભારતમાં સરેરાશ લોકો ભકત માનસિકતાવાળા છે. તેમને રોટી, કપડાં અને મકાન સિવાય ફિકર નથી હોતી. એટલે તે કામના રાજકારણીની ત્રુટીઓને માફ કરી દે છે. આ કારણથી મોટાભાગના રાજકારણીઓ સત્તામાં આવીને ભ્રષ્ટ અને અનૌતિક થઈ જાય તો પણ જનતાને ફરક નથી પડતો કારણ કે જનતા વાલિયા લૂંટારાના પરિવાર જેવી છે: તેમને લૂંટના ભાગથી મતલબ છે, પાપથી નહીં.

        રાજકારણીઓના અનુયાયી બનવું એટલે સ્વેચ્છાએ  વૈચારિક જેલમાં જવા જેવું છે. તમે તેમની વાતમાં એકવાર વિશ્વાસ રાખતા થઈ જાવ, પછી તમને એ વાત અને એ વાત કરવાવાળી વ્યક્તિ બંને એવા ગમવા લાગે કે તમને તેની તમામ ત્રુટીઓ દેખાતી બંધ થઈ જાય. 

        તે વ્યક્તિ પછી ધારે તે રીતે તમારા વિશ્વાસમાં ઘાલમેલ કરી શકે. તે તમને કશું પણ મનાવી શકે. એમાં ટ્રેપ એ છે કે, ન તો તમે એવું સ્વીકારી શકો કે તમે બેવકૂફ બન્યા છો, કે ન તો તમે તમે મુકેલા વિશ્વાસની વિરુદ્ધ થઈ શકો છો, કારણ કે વિશ્વાસની વિરુદ્ધ થવાનો અર્થ ખુદની સામે થવાનો છે. એટલે તમારે એ વિશ્વાસ અને એ વ્યક્તિ સાથે રહેવું જ પડે. ભક્તિ સિંહની સવારી છે. સારું જ થશે, એવી આશામાં ઉપર બેસી રહેવું પડે. ઉતરો તો સિંહ ખાઈ જાય! મોટાભાગના રાજકીય અનુયાયીઓ સિંહ પર બેઠેલા ગધેડા જેવા લાગે છે, કારણ કે બેસતાં પહેલાં તેમને સિંહ ગધેડા જેવો લાગતો હતો.


Sunday, July 3, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૨

વયસ્ક ઉંમરે નવા દોસ્તો બનાવવા કેમ અઘરા હોય છે? કારણ કે દોસ્ત બનાવવા જેવા ઉત્તમ લોકો દોસ્તીઓ કરવા સિવાયનાં બીજાં સાર્થક કામોમાં વ્યસ્ત હોય છે. એ ઉંમરે આપણા જીવનની દિશા ગોઠવાઇ ગઈ હોય છે. દોસ્તો બનાવવા માટે નાની ઉંમરે આપણી પાસે જેટલો સમય અને અવસર હોય છે, તેની મોટા થયા પછી અછત સર્જાય છે. બીજું, શરૂમાં કહ્યું તેમ, વયસ્ક વયે દોસ્તીની વ્યાખ્યા બદલાઈ જાય છે. એ ઉંમરે આપણને ચોકલેટ આપે કે સિનેમા જોવા સાથે આવે તેવા દોસ્તોની જરૂર નથી હોતી. ત્યારે આપણને એવા સંબંધોની આવશ્યકતા હોય છે, જેમાં સમજદારી, સન્માન અને બહેતર પ્રગતિની ભાવના હોય. 

આપણે નાના હોઈએ ત્યારે આપણી અંદર બીજા લોકોને અધીન રહેવાની જરૂરિયાત હોય છે. આપણે પરિપક્વ થઈએ પછી ખુદના જીવનને અધીન થઈ જઈએ છીએ. આપણી એ દિશાની બહાર જઈને દોસ્તી કરવી અઘરી હોય છે. એટલા, જે લોકો વયસ્ક વયે દોસ્તીઓની તલાશમાં હોય છે, તે ન તો સાર્થક સંબંધને નસીબ થાય છે કે ન સાર્થક જીવનને.

Sunday, June 26, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૧


જીવનમાં જેમણે ઉત્તમ પ્રકારની સિદ્ધિઓ હાંસલ કરી હોય તેમ છતાં એમના પગ જમીન પર જ હોય એવું જોવા મળે ત્યારે અજુગતું જરૂર લાગે જ. પોતાની વાતો અને પુસ્તકો થકી જેમણે વિશ્વમાં અભૂતપૂર્વ નામના મેળવી છે એવા ઈજરાયેલ દેશના ઉત્તમ ઇતિહાસકાર યુવલ નોઆ હરારી સાથેનો સહજ સંવાદ આપણને જીવનનો ઉત્તમ પાઠ શીખવી જાય છે. 

પ્રશ્ન: સવારે આંખ ખોલીને પહેલું કામ શું કરો છો?

યુવલ નોઆ હરારી: હું મારા શ્વાસ પર અને પુરા શરીરમાં અનુભવાતી સંવેદનાઓ (સેન્સેશન્સ)ને ઓબ્ઝર્વ કરું છું.

પ્રશ્ન: તમને એનર્જી કયાંથી મળે છે?

યુવલ: હું રોજ બે કલાક વિપશ્યના ધ્યાન કરું છું. 

પ્રશ્ન: સરળ જીવનનું રહસ્ય શું છે?

યુવલ: હું વાસ્તવિકતા અને કલ્પનાને છુટા પાડું છું અને વાસ્તવિકતા પ્રમાણે જીવું છું.

પ્રશ્ન: એક પુસ્તક જેણે જીવન બદલી નાખ્યું હોય?

યુવલ: રેને દેકાર્તનું પુસ્તક "ડિસ્કોર્સ ઓન ધ મેથડ" 

પ્રશ્ન: સુઈ જાવ ત્યારે ફોન સાથે રાખો છો?

યુવલ: હું સ્માર્ટફોન નથી વાપરતો. મારા જીવનસાથી પાસે છે એ પૂરતું છે.

પ્રશ્ન: તમને શક્તિ અને શાંતિ આપે તેવું એક વિધાન?

યુવલ: "વાસ્તવિકતાને તે જેવી છે તેવી રીતે જ જુવો, તમને મન થાય તે રીતે અથવા તે કેવી હોવી જોઈએ તે રીતે નહીં."


Sunday, June 19, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૦

 

        સાધારણતા (મીડીઓક્રીટી) બહુમતીમાં હોય છે, જ્યારે અસાધારણતા (એક્સલન્સ) લઘુમતીમાં હોય છે. 90 ટકા લોકો મીડીઓકર હોય છે. તેઓ વ્યક્તિમાં પોતાનું જ રિફલેક્શન જોવાનું પસંદ કરે છે. મીડીઓક્રીટી એટલે સારું પણ નહીં અને ખરાબ પણ નહીં-મીડીયમ, વચ્ચેનું, મધ્યમ અથવા ચાલે તેવું. 

        એક્સલન્સ એટલે અમુક બાબતો અથવા લોકો  કરતાં ઉપર હોવું, શ્રેષ્ઠ હોવું તે. કોઈ કંપની હોય, સંગઠન હોય કે સમાજ હોય, ત્યાં મીડીઓકર લોકોની સંખ્યા વધારે જ હોવાની કારણે તેનો મુખ્ય હેતુ બધું સમુસુતરું ચાલતું રહે તેટલા પૂરતો જ હોય છે. મીડીઓક્રીટી વર્તમાનમાં સફળ હોય છે કારણ કે વર્તમાનની જરૂરિયાત કામ થઈ જવા પૂરતી હોય છે, પરંતુ ભવિષ્યની જરૂરિયાતમાં એક્સલન્સની અનિવાર્યતા રહે છે, કારણે બહુમતી લોકોને એ વિશ્વાસ નથી હોતો કે મીડીઓક્રીટીથી ભવિષ્ય બની શકે. સાધારણતા વર્તમાનની વિશેષતા છે, અસાધારણતા ભાવીનો ગુણ છે.

Sunday, June 12, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૯

        જેને તમારી સામે વાંધો હોય, તેવી વ્યક્તિની એક આવડત જબરદસ્ત હોય, તમે કશું પણ બોલો, એ તમારા જ શબ્દોને ટ્વિસ્ટ કરીને, તમારા પ્રત્યે તેને કેમ નારાજગી છે, તેનો તત્કાળ પુરાવો આપે. નારાજ વ્યક્તિની એક માત્ર જરૂરિયાત તેની નારાજગીને ઉચિત ઠેરવવાની હોય છે, એટલે તેમને તમારી વાતોમાં નહીં, તમને દુઃખી કરવામાં રસ હોય છે. ઘણીવાર લોકોને તમારી સાથે પ્રોબ્લેમ નથી હોતો. તેમનો પ્રોબ્લેમ તમે તેમને શું ફીલ કરાવો છો તેનો હોય છે. તેમને એવું લાગે કે તેને કેવું લાગે છે તેની જવાબદારી તમારી છે. આને Sadness Paradox કહે છે. 

        જેમ એક દુઃખી માણસ દુઃખની ઘડીમાં મુકેશ કે દર્દભરે નગ્મે 'એન્જોય' કરે, તેવી રીતે તમારાથી નારાજ વ્યક્તિ જ્યાં સુધી તેની નારાજગી તમારામાં ટ્રાન્સફર ન કરે ત્યાં સુધી તેને સુખ ન મળે. એટલા માટે એક દુઃખી વ્યક્તિ સુખી વ્યક્તિને સહન ન કરી શકે. "પેટનો બાળ્યો ગામ બાળે" કહેવત આવી રીતે આવી છે.


Sunday, June 5, 2022

સર્જનયાત્રાનું મંથન-૫૮

        

        વિશ્વના કોઈપણ દેશમાં થતી અલગ અલગ પ્રકારની શોધખોળો થકી જ માનવજ જીવન વધારે સુખ-સુવિધા યુક્ત બન્યું છે . અનેક રોગોની નાબૂદી સાથે લોકોના આયુષ્યમાં વધારો થયો છે, જીવનધોરણમાં પણ સમયાંતરે સુધારાઓ આવતા જાય છે. આવા સુધારાઓ માટે નિમિત્ત બનનાર સમાજસેવકો, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, અર્થશાસ્ત્રીઓ જ્યારે નોબલ પારિતોષિક થકી સન્માનિત થાય ત્યારે એમની ઓળખ વિશિષ્ટ બની જાય છે, વિશ્વ પણ એમને અહોભાવની નજરે નિહાળે છે. 

        આ નોબલ પારિતોષિક મેળવનાર ઘણા બધા અલગ-અલગ ક્ષેત્રનાં નિષ્ણાંતો સાથે ભારતીય વિભૂતિઓએ પણ કોઈને કોઈ પ્રકારે અમૂલ્ય ફાળો આપ્યો છે. પરંતુ એમની જોઈએ તેવી નોંધ લેવામાં આવ નથી. નોબલ પારિતોષિક માટે પસંદ થયેલા ભારતીય વૈજ્ઞાનિકો જેમને કોઈને કોઈ કારણોસર આ પારિતોષિક મળ્યું નથી પરંતુ તેમનાં જ સંશોધનો પર વિદેશી વૈજ્ઞાનિકોએ નોબલ મેળવ્યા હતા.


1. નારીન્દર સિંઘ કપાની (ઓપ્ટિકલ ફાઇબર)


2. ડો.જી.એન.રામચંદ્રન (પ્રોટીન બંધારણ)


3. સુભાષ મુખોપાધ્યાય (ટેસ્ટટ્યૂબ બેબીના જનક)


4. સત્યેન્દ્રનાથ બોઝ (બોઝ ગેસ, બોસોન)


5. ડો.ઉપેન્દ્ર બ્રહ્મચારી (બ્લેક ફીવર)


6. ઇ.સી.જી. સુદર્શન (ગ્લોબલ સુદર્શન થિયરી)


7. જગદીશચંદ્ર બોઝ (વાયરલેસ સંદેશાવ્યવહાર)


8. સી.એન.આર.રાવ


9. ડો.હોમી ભાભા (પરમાણું પિતામહ)


10. બીબા ચૌધરી (સબ એટોમિક પાર્ટીકલ)


11.દેબેંદ્ર મોહન બોઝ (ફોટોગ્રાફીક મેથડ પરમાણુ પ્રક્રિયા)


12. મેઘનાદ સહા (સહા આયોનાઇઝેશન ઇકવેશન-સમીકરણ)