Sunday, July 17, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૪

        

        તામિલનાડુના થૂથુકુડીમાં રહેતા ડો.અબ્દુલ કલામના ચાહક એવા પોન મરીઅપ્પાને ભણી ગણીને દેશ માટે કંઈક કરવાની ભાવના હતી પરંતુ નસીબે સાથ ન આપ્યો અને 8 ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પરિવારની આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસ છૂટી ગયો.

        મરીઅપ્પા ભણવાનું છોડીને મજૂરીએ લાગી ગયા. 18 વર્ષ મજૂરી કરીને જે બચત ભેગી થઈ એમાંથી એક હેર કટિંગ સલૂન બનાવ્યું. સલૂનમાં વાળ કપાવવા માટે આવતા યુવાનો એનો વારો આવવાની રાહ જોતા હોય ત્યારે કાંતો પોતાના મોબાઈલમાં લાગેલા હોય અને કાંતો સલૂનમાં રાખેલ ટીવી જોતા હોય. મરીઅપ્પાને આ દ્રશ્યો જોઈને બહુ દુઃખ થતું. ભગવાને આ યુવાનોને આગળ વધવા માટેની તમામ અનુકૂળતાઓ કરી આપી છે છતાં મોબાઈલ કે ટીવીમાં સમય વેડફે છે.

        એકદિવસ મરીઅપ્પાએ એના સલૂનમાંથી ટીવી કાઢી નાખ્યું અને ટી.વી.ના સ્થાને થોડા મેગેઝીન અને વાંચવા ગમે એવા પુસ્તક રાખી દીધા. પોતાના વારાની રાહ જોતા ગ્રાહકો પૈકી અમુક ગ્રાહકો બેઠા બેઠા પુસ્તકોના પાના ફેરવતા અને વાંચતા આ જોઈને મરીઅપ્પાએ નક્કી કર્યુ કે સલૂનમાં જ એક નાની લાઈબ્રેરી બનાવું.

        શરૂઆતમાં થોડા પુસ્તકો લાવીને ગોઠવ્યા પછી દર મહિને કમાણીમાંથી થોડી રકમ બચાવીને નવા પુસ્તકો ખરીદે. અત્યારે 1000 જેટલા પુસ્તકો ભેગા કર્યા છે. મરીઅપ્પાએ એમના ગ્રાહકો માટે એક સ્કીમ બનાવી છે. જે ગ્રાહક પોતે રાહ જોતા હોય એ સમય દરમ્યાન એને પસંદ પડે એવા પુસ્તકના 10 પાના વાંચે અને જે વાંચ્યું હોય એનો થોડા વાક્યોમાં ટૂંકો સારાંશ ત્યાં રાખેલા ચોપડામાં લખે એ ગ્રાહકને ફીમાં 30% જેટલું ડિસ્કાઉન્ટ આપવાનું. મરીઅપ્પાના ચોપડામાં 300 કરતા વધુ ગ્રાહકોએ પુસ્તક વાંચીને સારાંશ પણ લખ્યો છે.

        હેર કટિંગ સલૂનમાં તમે ટી.વી.કે ટેપ, ફિલ્મી અભિનેતા કે ક્રિકેટરના પોસ્ટર, જાત-જાતની બ્યુટી પ્રોડક્ટના ડિસ્પ્લે વગેરે જોયું હશે પણ મરીઅપ્પાના સલૂનમાં જ્ઞાનના સમંદર જેવા અનેક પુસ્તકોના દર્શન કરીને આંખોને ટાઢક મળે.ડો.કલામના ચાહક મરીઅપ્પાની ડો.કલામને આનાથી મોટી શ્રદ્ધાંજલિ બીજી કઈ હોઈ શકે.!

No comments:

Post a Comment