Sunday, July 10, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૩

        રાજકારણમાં રાજકારણીઓનાં જ ડબલ સ્ટાન્ડર્ડ હોય છે એવું નથી. રાજકારણીઓના ભક્તો પણ બેવડાં કાટલાં વાપરતા હોય છે. લોકો તેમને ન ગમતા હોય એવા રાજકારણી પાસે તમામ પ્રકારની નૈતિકતાની અપેક્ષા રાખતા હોય છે, પણ ગમતા રાજકારણીની ગમે તેટલી અનૈતિકતાને ચલાવી લે છે. 

        જે રાજકારણી ગમતો ન હોય તે પ્રમાણિક કાર્યક્ષમ, બુદ્ધિશાળી હોવો જોઈએ, પવિત્ર હોવો જોઈએ, પણ આપણને ગમતો રાજકારણી ચોર હોય તો આપણે તેને વાલિયા લૂંટારા જેવો સેવાભાવી અને વિરોધીઓના ષડયંત્રનો પીડિત ગણાવીએ છીએ. ભારતમાં સરેરાશ લોકો ભકત માનસિકતાવાળા છે. તેમને રોટી, કપડાં અને મકાન સિવાય ફિકર નથી હોતી. એટલે તે કામના રાજકારણીની ત્રુટીઓને માફ કરી દે છે. આ કારણથી મોટાભાગના રાજકારણીઓ સત્તામાં આવીને ભ્રષ્ટ અને અનૌતિક થઈ જાય તો પણ જનતાને ફરક નથી પડતો કારણ કે જનતા વાલિયા લૂંટારાના પરિવાર જેવી છે: તેમને લૂંટના ભાગથી મતલબ છે, પાપથી નહીં.

        રાજકારણીઓના અનુયાયી બનવું એટલે સ્વેચ્છાએ  વૈચારિક જેલમાં જવા જેવું છે. તમે તેમની વાતમાં એકવાર વિશ્વાસ રાખતા થઈ જાવ, પછી તમને એ વાત અને એ વાત કરવાવાળી વ્યક્તિ બંને એવા ગમવા લાગે કે તમને તેની તમામ ત્રુટીઓ દેખાતી બંધ થઈ જાય. 

        તે વ્યક્તિ પછી ધારે તે રીતે તમારા વિશ્વાસમાં ઘાલમેલ કરી શકે. તે તમને કશું પણ મનાવી શકે. એમાં ટ્રેપ એ છે કે, ન તો તમે એવું સ્વીકારી શકો કે તમે બેવકૂફ બન્યા છો, કે ન તો તમે તમે મુકેલા વિશ્વાસની વિરુદ્ધ થઈ શકો છો, કારણ કે વિશ્વાસની વિરુદ્ધ થવાનો અર્થ ખુદની સામે થવાનો છે. એટલે તમારે એ વિશ્વાસ અને એ વ્યક્તિ સાથે રહેવું જ પડે. ભક્તિ સિંહની સવારી છે. સારું જ થશે, એવી આશામાં ઉપર બેસી રહેવું પડે. ઉતરો તો સિંહ ખાઈ જાય! મોટાભાગના રાજકીય અનુયાયીઓ સિંહ પર બેઠેલા ગધેડા જેવા લાગે છે, કારણ કે બેસતાં પહેલાં તેમને સિંહ ગધેડા જેવો લાગતો હતો.


No comments:

Post a Comment