Tuesday, January 26, 2021

સર્જનની સરવાણી-૨૨

             

        આજનો યુગ એટલે કમ્પયૂટર અને ઈન્ટરનેટનો યુગ. માહિતી વિસ્ફોટના આ યુગમાં ૨૦મી અને ૨૧મી સદીની ક્રાંતિકારી શોધોમાંની  એક શોધ એટલે કમ્પયૂટર. આજે કમ્પયૂટરે   શિક્ષણ, વ્યવસ્થાપન, ઉદ્યોગ, બેંકીંગ, વાહન-વ્યવહાર, ટેલિકોમ્યુનિકેશન, સંરક્ષણ તથા તમામ સરકારી કામકાજમાં પોતાનું વર્ચસ્વ જમાવી દીધું છે. એક સમયે ઘરે ટી.વી.નું ચલણ હતું તેમ આજે ઘરે ઘરે કમ્પયૂટર, લેપટોપ, નોટબૂક, પી. સી.નું ચલણ થઈ ગયું છે. કમ્પયૂટરને વધુ વ્યવહારુ અને વધુ ઉપયોગીતાવાદી બનાવ્યું હોય તો તે ઈન્ટરનેટની શોધે.  ઈન્ટરનેટની શોધ થતાં આજે સમગ્ર વિશ્વ અને સમગ્ર વિશ્વના લોકો અને માહિતી ઓનલાઈન થઈ ગઈ છે. વિશ્વના લોકો એકબીજાની ખૂબ નજીક આવી ગયા છે. ઇન્ટરનેટે વિશ્વનું ક્ષેત્રફળ કે અંતર ઘટાડી દીધું છે. વિશ્વ જાણે એક ગ્લોબલ વિલેજ બની ગયું છે.

‘ઈન્ટરનેટ’ એટલે 

‘International network’. “Internet is a Global Network, Connecting Millions of Computers.”

                                                                  and 

“Internet is a global computer network providing a variety of information and communication facilities, consisting of interconnected networks using standardized communication protocols.”


                સો કરતાં વધુ દેશો ડેટા, ન્યુઝ  માહિતી અને અભિપ્રાયો એકસચેન્જ કરવા માટે જોડાયેલા છે. આજે દુનિયાના ૩૦ થી ૪૦ ટકા લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. ઇન્ટરનેટ નેટવર્કોનું નેટવર્ક છે. એ માત્ર દુનિયાના લાખો કમ્પયૂટરને જોડવાનું કામ કરે છે. World Wide Web (WWW) એ ઈન્ટરનેટનો સમાનાર્થી નથી. WWW એ માહિતીને વહેંચવા માટેનું મોડેલ છે. ઈ.સ. 1960 માં ARPANET નામે ઈન્ટરનેટ સેવાની શરુઆત અમેરિકામાં થઈ હતી. ત્યાર પછી ક્રમશઃ E-mail, WWW, News net, FTP,IP, TCP ની શરુઆત થઇ. આજે ઈન્ટરનેટ તેની યુવાનીમાં છે.

            ઇન્ટરનેટ એક સંચાર માટેનું અગત્યનું સાધન છે. આજે આપણે ઇન્ટરનેટના માધ્યમથી દુનિયાના કોઇપણ ખુણેથી કોઇ પણ ખૂણે ખૂબ જ ઝડપથી વાતચીત કરી શકીએ છીએ. આજે વિડીયો કોન્ફરન્સ સુવિધાને કારણે આપણે સામેવાળા વ્યક્તિને વાસ્તવિક પરિસ્થિતિમાં જોઈ શકીએ છીએ તથા તેની સાથે લાઈવ વાતચીત પણ કરી શકીએ છીએ. દૂર કોઈ દેશમાં રહેતા પોતાના પરિવાર સાથે જોડાઇ શકીએ છીએ. આ સુવિધાનો ઉપયોગ આજે રાજનેતાઓ પોતાના ભાષણો દેશના અલગ-અલગ ખૂણે આપવા માટે કરે છે. ન્યૂઝ ચેનલો આ સુવિધા દ્વારા જ અલગ સ્થળે નિવાસ કરતા વિશેષજ્ઞોને પોતાના સ્ટુડિયોમાં લાવી જનતા સુધી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. શિક્ષણ જગતમાં પણ ઘણી બધી યુનિવર્સિટીઓ જેવી કે IGNOU પ્રોફેસરના લેક્ચર વિદ્યાર્થીઓને દેશના દરેક ખૂણા સુધી પહોંચાડે છે. વળી, વિદ્યાર્થીઓ તેમને મુંઝવતા પ્રશ્નોના જવાબ તાત્કાલિક પ્રોફેસર પાસેથી  મેળવી શકે છે. જેના કારણે દેશના કોઈ પણ ખૂણે રહેતો વિદ્યાર્થી સારું શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે.

Social Networking Sites

        Face book, Whatsapp, Twitter, Linkedin, Instagram, Telegram જેવી સોશિયલ મેસેન્જર સર્વિસ પ્રોવાઇડરે તો આજે લોકોને ખુબ જ નજીક લાવી દીધા છે. આ બધી એપ્સ તો જીવનનો હિસ્સો બની ગયા છે. તેના દ્વારા લોકો ફોટોગ્રાફ સંદેશા કે વિડીયો-ઓડિયો મેસેજ એકબીજાને મોકલી શકે છે, જે ખૂબ જ સારી સુવિધા છે. આજે બિઝનેસના વિકાસ માટે પણ આ સોશિયલ નેટવર્કિંગ સાઈટનો ઉપયોગ થાય છે.

         ઈમેલની સુવિધાને કારણે આજે આપણે પત્ર-ટપાલને ભૂલી ગયા છીએ. આજે મોટા ભાગનો વ્યવહાર SMS કે ઇ-મેઇલ દ્વારા થઇ ગયો છે. સરકારી કચેરીઓ, વીમા કંપની, બેંક, રેલવે કે અન્ય સેવા અંગેની જાણ આપણને ઈમેલ કે SMS દ્વારા કરી દેવામાં આવે છે. કોઈપણ સંસ્થા પોતાની વેબસાઇટ બનાવી વૈશ્વિક બની શકે છે. પોતાના વિઝન અને મિશન પોતાના કાર્યો અને આગામી આયોજનો, સિદ્ધિઓ,  લોક ઉપયોગી માહિતી સમગ્ર વિશ્વને સુલભ કરાવી શકે છે.

        ઇન્ટરનેટ વિપુલ માહિતીનો સ્ત્રોત છે. ઇન્ટરનેટ માહિતીનો ખજાનો છે. જે આપણને વિશ્વની કોઈપણ કોઈ પણ માહિતી એક જ ક્લિક કરતાં હજારોની સંખ્યામાં વેબસાઈટ પર ઉપલબ્ધ થઈ જાય છે. Google જેવા સર્ચ એન્જિનની મદદથી આપણે વિશ્વની બધી જ માહિતી બધું જ જ્ઞાન-ડેટા માઉસની એક ક્લિક કરતા પ્રાપ્ત થઈ જાય છે. Webster, Oxford dictionary કે Wikipedia જેવા એન્સાઇક્લોપીડિયા આપણને બધી જ માહિતી પ્રોવાઇડ કરે છે. જે વિદ્યાર્થીઓ તથા અન્ય વ્યક્તિઓ માટે ખૂબ જ લાભદાયી છે. વળી, આજે તો ઇ-લાયબ્રેરી પણ અસ્તિત્વમાં આવી છે જેના કારણે આપણે ઓનલાઇન પુસ્તકો પણ વાંચી શકીએ છીએ. સંશોધન કરતાં રિસર્ચ સ્કોલર માટે તો આ સુવિધા આશીર્વાદરૂપ છે.

        વેપાર-વાણિજ્ય માટે પણ ઇન્ટરનેટ એટલું  જ ઉપયોગી છે. આજે વેપારી પોતાની કંપની તથા પ્રોડક્ટની જાહેરાત વિવિધ વેબસાઈટ ઉપર કરી શકે છે, જેથી તે પોતાની પ્રોડક્ટ સેવા અંગેની જાણકારી વધુને વધુ લોકો સુધી પહોંચાડી શકે છે.  EBay, Amazon, flipkart, jubong.com જેવી વેબસાઇટ ઉપરથી આપણે ઓનલાઇન આપણા સમયે ખરીદી શકીએ છીએ. જેથી શ્રમ અને સમયનો બચાવ થાય છે.

        આજે બેન્કિંગ ક્ષેત્રે પણ ઇન્ટરનેટના ઉપયોગને કારણે ક્રાંતિ આવી છે. આજે ઓનલાઈન બેન્કિંગનો ખ્યાલ વિકસ્યો છે. આપણે ઇન્ટરનેટને કારણે ઘરે બેઠા બેઠા બેન્કનો બધો જ વ્યવહાર કરી શકીએ છીએ. આપણે મોબાઇલ બિલ, લાઈટ બિલ કે અન્ય બિલ ઓનલાઇન પેમેન્ટ કરી શકીએ છીએ. જે આ ઝડપી યુગમાં ખૂબ સમયનો બચાવ કરે છે. ઇન્ટરનેટના ઘણા બધા ફાયદા પણ છે. સોશિયલ મીડિયાએ તો આજે જમાનાને બરાબર રંગ લગાડ્યો છે. આજે આખી દુનિયાના મોટાભાગના લોકો જેમની પાસે સ્માર્ટફોન છે, ઇન્ટરનેટ છે, તે કોઈને કોઈ સોશિયલ મીડિયા કે સોશિયલ વેબસાઈટનો ઉપયોગ કરતા જ હોય છે. જેવા કે whatsapp, Twitter, Linkedin, youtube, google plus, Instagram, facebook વગેરે. આ બધી સોશિયલ નેટવર્કિંગ સાઈટના ઘણા બધા ગેરફાયદા પણ છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટનો વિવેકપૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો તમારા કલાકો ક્યાં પસાર થઈ જાય, બરબાદ થઈ જાય તે ખબર પણ નહીં પડે. લોકોને ગુડ મોર્નિંગ, બર્થ ડે, એનિવર્સરીની શુભેચ્છા આપવામાં, કોન્ગ્રેચ્યુલેશન કહેવામાં જ આપણા કલાક પૂરા થઈ જાય છે.  

            કેટલાક સ્માર્ટ લોકો આ સોશિયલ નેટવર્કિંગ સાઇટનો પોતાના વેપાર-ધંધા અને કમાણી માટે પણ ઉપયોગ ખૂબ જ સારી રીતે કરે છે. જેમ કે, પ્રોફેશનલ લોકો પોતાના પ્રોફેશનલ નેટવર્ક અને બિઝનેસને વધારવા માટે Linkedin, Facebook, Whatsapp ઉપયોગ કરી પોતાનો વ્યાપાર વધારી રહ્યા છે. ઘણા બધા લોકો facebook અને Instagram માં પોતાની પોસ્ટ મૂકીને કમાઈ રહ્યા છે. દા.ત. ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલીએ 2019માં  instagram ઉપર ફુલ 56 પોસ્ટ મૂકી હતી તેમાંથી તેમણે 124 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આવી રીતે તો ઘણા બધા ઈનફ્લુએન્સર આ બધી સોશિયલ નેટવર્કિંગ સાઇટ પરથી જ અઢળક કમાણી કરી રહ્યા છે. ઘણા બધા લોકો પોતાના વેપાર-ધંધાની જાહેરાત માટે પણ આ સોશિયલ નેટવર્કિંગ સાઇટનો ઉપયોગ કર્યા છે અને પોતાના પોતાના વેપાર-ધંધામાં પ્રગતિ કરી રહ્યા છે. Facebook, Instagram, youtube જાહેરાત આપવામાં આવે છે. આ બધી સોશિયલ નેટવર્કિંગ સાઇટનો આપણે કેવી રીતે કેવી રીતે ઉપયોગ કરવો તે આપણા હાથની વાત છે.

          આજે ભારત તથા વિશ્વના કેટલા બધા  લોકો બ્લોગ લખીને ઘરે બેઠા મહિને હજારો અને લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે. youtube ઉપર અલગ-અલગ પ્રકારના વીડિયો બનાવી અપલોડ કરી અને તેમાંથી પણ ઘણા બધા લોકો લાખોમાં કમાણી કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો બ્લોગ અને youtube ને પોતાનો વ્યવસાય બનાવી દીધો છે. 

        યુવાનો Pubg, Blue whale,પોકેમેન-ગો વગેરે જેવી ઓનલાઇન ગેમ્સ રમે છે.  આ ગેમની લત એવી છે કે જે દારૂ અને સિગરેટની લત કરતા પણ ભયાનક છે. વિદ્યાર્થીઓ અને યુવાનો પોતાના કલાકો આ ગેમ રમવામાં બગાડે છે. ગેમ રમવી એક આદત બની જાય છે અને જેમાંથી બહાર આવી શકાતું નથી. કેટલાક વિદ્યાર્થીઓ અને યુવાનો તો ગેમના કારણે પોતે મૃત્યુ પણ પામ્યા છે, તો કેટલાક આર્થિક રીતે દેવાદાર બની ગયા છે, કેટલાક ઘર છોડીને ચાલ્યા ગયા છે. આ ઘણા બધા ઇન્ટરનેટના ગેરફાયદા છે, જેનાથી ચેતવા જેવું છે. 

        બીજી તરફ ઈ.સ. 2020 માં સમગ્ર વિશ્વમાં Covid-19 મહામારી ફેલાઈ હતી. આ કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વ સ્થગિત થઈ ગયું હતું. ઘણા બધા દેશોએ મહિનાઓ સુધી લોકડાઉન પાળ્યું હતું  અને જેને કારણે વેપાર, ઉદ્યોગ-ધંધા, શિક્ષણ, ઓફિસો બધું જ બંધ હતું. એવા સમયમાં ઇન્ટરનેટ અને કમ્પ્યુટરે ખૂબ જ મદદ કરી હતી. લોકડાઉનના સમયમાં કે મહામારીના સમયમાં લોકો ઘરેથી ઓનલાઈન ઓફિસનું કામ કરતા થયા હતા.  મહિના સુધી આ કામ કર્યું. ઓનલાઇન મીટીંગો થઇ, ઓનલાઈન કામ થયું, ઓનલાઈન વ્યાપાર થયો, ઓનલાઇન સેમિનાર થયા.  આ લોકડાઉન દરમિયાન લોકો ખૂબ શીખ્યા. Youtube ના વિડીયો જોયા; નવું શીખવા મળ્યું, ઘણી બધી કુશળતા ઇન્ટરનેટ થકી અર્જિત કરી. કોલેજ અને  યુનિવર્સિટીઓએ  તો છેલ્લા પાંચ વર્ષમાં ન કર્યા હોય એટલા ઓનલાઈન  સેમિનાર  કર્યા.  જેને કારણે સમગ્ર શિક્ષણ જગતની જ્યોત આ અંધકારમય વાતાવરણમાં પણ પ્રજ્વલિત રહી હતી.  શિક્ષકો ખૂબ અપડેટ થયા ઇન્ટરનેટ અને ટેક્નોલોજીથી માહિતગાર થયા અને એનો ઉપયોગ કરવા કટિબદ્ધ થયા. લોકડાઉન પૂર્ણ થયા બાદ પણ સ્કૂલ, કોલેજો શરૂ નહીં થતાં શિક્ષણ કેવી રીતે આપવું એ મોટો પ્રશ્ન હતો. આવા કપરા સંજોગોમાં ઘણી બધી સ્કૂલો, ટ્યુશન ક્લાસીસ, કોલેજો, યુનિવર્સિટીઓ વિચાર્યું કે હવે આપણે ઓનલાઇન શિક્ષણ આપવું પડશે. Zoom, Google meet, Google classroom જેવી ઘણી બધી એપ્સની મદદથી તથા Facebook, Youtube વગેરેના માધ્યમથી શિક્ષકો, સ્કૂલ અને કોલેજોએ ઓનલાઈન શિક્ષણનો આરંભ કર્યો અને મહિનાઓ સુધી ઓનલાઇન શિક્ષણ આપ્યું હતું. ઇન્ટરનેટ ન હોત તો બાળકો શિક્ષણથી વંચિત રહી જાત.  ઇન્ટરનેટને કારણે આ શક્ય બન્યું. તમે જોઈ શકો છો કે ઇન્ટરનેટને કારણે જ NEET, UGC NET, JEE જેવી પરીક્ષાઓ હવે ઓનલાઇન લેવાય છે. ઓનલાઇન એક્ઝામનો કોન્સેપ્ટ પણ ઇન્ટરનેટને જ આભારી છે. 

        એવું કહેવાય છે કે, ‘સિક્કાની બે બાજુ હોય છે’ આ સંસારમાં વિષ અને અમૃત બંને રહેલું  છે તેમ તેના લાભ-ગેરલાભ પણ છે. જો વિવેકબુદ્ધિથી તેનો ઉપયોગ ન કરવામાં આવે તો તેનો ઉપયોગ નુકસાન પહોંચાડી શકે છે. ઇન્ટરનેટનો જે લોકો વધુ ઉપયોગ કરે છે તેવા લોકો માટે તે એક આદત બની જાય છે. જેના કારણે વ્યક્તિનો ઘણો બધો સમય બરબાદ થાય છે. ફેસબુક, ટ્વીટર જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર એકાઉન્ટ ધરાવતા લોકો એક વાર ઓનલાઈન થાય છે પછી કલાકો ક્યાં વીતી જાય છે તેનું ધ્યાન રહેતું નથી. જેથી ઇન્ટરનેટ સમયને બરબાદ કરવાનુ સૌથી મોટું સાધન છે. ફેસબુક પર પોતાના ફોટો અપલોડ કરીએ છીએ તે ફોટો કોઈપણ વ્યક્તિ આપણો ફ્રેન્ડ બની ડાઉનલોડ કરી શકે છે અને આ ફોટાનો ખોટો ઉપયોગ કરી શકે છે. ફેસબુક પર કેટલાક લોકો ખોટી વિગતો આપી એકાઉન્ટ બનાવે છે અને છોકરીને ફસાવવાના કિસ્સા પણ બને છે. કેટલીકવાર તો  આવા મિત્રો લગ્ન સુધી પહોંચી જાય છે અને આખરે વાસ્તવિકતા કંઈક અલગ હોય છે. આવા સમયે  ઘર-પરિવારને ઘણું સહન કરવાનું આવે છે.

        ઇન્ટરનેટના ઉપયોગથી આપણે કમ્પયૂટર કે લેપટોપમાં વાઇરસ આવવાનો પણ ભય રહેલો છે. જે આપણા કમ્પયૂટર માં રહેલા ડેટાને નુકસાન પહોંચાડી શકે છે. આપણા ઇમેલ આઇ.ડી. ઉપર ઘણા અનિચ્છિત  મેઈલ આવે છે, જાહેરાતો આવે છે. જે આપણા ઇનબોક્સને ભરી દે છે. તેમાં કેટલાક મેઇલ આપણી ખાનગી માહિતી ચોરી લેતા હોય છે. કેટલીક વાર લકી ડ્રોમાં આપને ઈનામ પ્રાપ્ત થયું છે એવા ફેક મેઈલ આવે છે. તેઓ આપણો  બેન્ક એકાઉન્ટ નંબર માંગે છે. અમુક વાર પોસ્ટ ખર્ચ પેટે રૂપિયા મેળવી લે છે અને ગ્રાહકોને છેતરે છે. તેનાથી સાવધાન રહેવાની ખૂબ જરૂરી છે.

        આજે નેટ બેન્કિંગની સુવિધા તો મળી છે પણ સાથે સાથે નેટ બેંકિંગના કારણે ક્રાઈમ પણ વધ્યા છે. કેટલાક હેકરો આપણો પાસવર્ડ જાણી લઇ આપના એકાઉન્ટમાંથી રકમ ઉપાડી લેવાના  કિસ્સાઓ વધતા જાય છે. આપણે ઓનલાઇન પેમેન્ટ કરીએ છીએ ત્યારે પણ આવા હેકરો આપણો પિન નંબર જાણી લે છે અને આપણા ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી શોપિંગ કરી લે છે અથવા પૈસા ઉપાડી લે છે. આ બધા જોખમો પણ ઇન્ટરનેટની દુનિયામાં રહેલાં છે.

        ઇન્ટરનેટ માહિતીનો ભંડાર તો છે પણ સાથે ઇંટરનેટના ખજાનામાં પોર્ન ફિલ્મ રૂપી સમાજની સંસ્કૃતિને છિન્નભિન્ન  કરનાર વિષ પણ રહેલું છે. આજે યુવાનો અને શાળાના વિદ્યાર્થીઓ આવી પોર્ન સાઈટ  ઉપરથી અશ્લિલ ફોટા-વિડીયો ડાઉનલોડ કરી લે છે અને તેના મિત્રો સાથે એકાંતમાં જુએ છે. જેનાથી વિદ્યાર્થીઓના બાળમાનસમાં વાસનાની આગ ભભૂકવા લાગે છે. જે ખરેખર આપણા સમાજ માટે હાનિકારક છે. આવી ફિલ્મોથી ઉશ્કેરાઇને યુવાનો ન કરવાનું કામ કરી બેસે છે. કેટલીકવાર બળાત્કારનું આત્યંતિક પગલું પણ ભરી બેસે છે. વિદ્યાર્થીઓ માટે ઇન્ટરનેટ જેટલું આશીર્વાદરૂપ છે એટલું જ અભિશાપરૂપ પણ છે. સમય બરબાદ કરનાર એક કદાવર ભયાનક રાક્ષસ પણ છે.        

        આમ, ઇન્ટરનેટને કારણે દુનિયામાં જે ક્રાંતિ આવી છે, એનું  મૂલ્ય ઓછું નથી પણ આ ઇન્ટરનેટ રૂપી માયાવી જીવનો વિવેકપૂર્ણ  ઉપયોગ કરવામાં જ સમજદારી રહેલી છે. મા-બાપે પણ પોતાના ઘરમાં બાળક ઈન્ટરનેટનો કેવો અને કેટલો ઉપયોગ કરે છે તેનું ધ્યાન રાખવું જોઇએ. નહીંતર આ માયાવી જીવના ખરાબ પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. કહેવાય છે કે, ‘ચેત તો નર સદા સુખી’ – એ કહેવત પ્રમાણે ચેતીને ચાલવામાં જ શાણપણ  રહેલું છે.

( આ લેખ સંપાદિત કરીને લખવામાં આવ્યો છે અને એનાં માટે પ્રાપ્ય સાઇટ્સ અને વૉટસપરથી મળતા અનામી લેખકોના લેખનો પણ ઉપયોગ થયો છે, જેમનાં માટે અમે આભાર પ્રગટ કરીએ છીએ. આ માહિતી વાચકોનાં નોલેજમાં વધારો થાય એ માટે સંપાદિત કરવામાં આવી છે. )

Friday, January 22, 2021

વિરલ વિભૂતિ- સુભાષચંદ્ર બોઝ

         

               નેતાજી સુભાષચન્દ્ર બોઝનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૮૯૭ ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોઝ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. પહેલા તે સરકારી વકીલ હતા, પરંતુ પછીથી તેમણે પોતાની વકિલાત શરૂ કરી હતી. એમણે કટકની મહાપાલિકામાં લાંબા સમય સુધી કામ કર્યું હતું અને તે બંગાળ વિધાનસભાના સભ્ય પણ રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો. પ્રભાવતી દેવીના પિતાનું નામ ગંગાનારાયણ દત્ત હતું. દત્ત પરિવારને કલકત્તાનું એક કુલીન પરિવાર માનવામાં આવતું હતું. પ્રભાવતી અને જાનકીનાથ બોઝને કુલ ૧૪ સંતાનો હતાં, જેમા ૬ છોકરીઓ અને ૮ છોકરાઓ હતા. સુભાષચંદ્ર એમનું નવમું સંતાન અને પાંચમા પુત્ર હતાં. પોતાના બધા ભાઈઓમાંથી સુભાષને સૌથી વધારે શરદચંદ્ર સાથે લગાવ હતો. શરદબાબૂ પ્રભાવતી અને જાનકીનાથના બીજા પુત્ર હતા. 

            દેશની આજીવન સેવા કરવામાં પોતાનું સમગ્ર જીવન સમર્પણ કરી દેનારા ભારતમાતાનાં લાડલા સપૂત સુભાષચંદ્ર બોઝનું જીવન નાનપણથી જ સમાજ સેવામાં સમર્પિત હતું. એમનાં બાળપણનો એક પ્રસંગ જોઈએ. 

        એક સમયે બંગાળમાં મરકીનો રોગ ચાલી રહ્યો હતો. આ રોગના દર્દીઓના ખાટલાઓ ઘરે ઘરે પથરાયેલા હતા. પૈસાદાર ઘરના લોકોને તો સારી સારવાર મળી શકે પરંતુ ગરીબોનું શું? એમની સેવા કોણ કરે? આવા ગરીબોની સેવા કરવાનું ભગીરથ કાર્ય સ્વામી વિવેકાનંદ અને એમનાં શિષ્યોએ હાથમાં લીધું હતું. એમની સાથે બંગાળના ઘણા અન્ય યુવાનો પણ આ સેવા કાર્યમાં જોડાયા હતા. 

         એક દિવસ સુભાષચંદ્ર બોઝના પિતા જાનકીનાથ અને માતા પ્રભાવતી દેવી ચિંતામાં ડૂબી ગયા કે હજુ સુભાષ શાળાએથી ઘરે પાછો કેમ ફર્યો નથી? શાળા તો ક્યારનીય છુટ્ટી ગઈ છે છતાં પણ સુભાષ હજુ ઘરે આવ્યો નહોતો. તે પછી તો એક, બે એમ કરતાં કરતાં ત્રણ દિવસ જતાં રહ્યા અને ચોથા દિવસે સવારે સુભાષ ઘરે પાછો ફર્યો. 

             માતા-પિતાએ એનાં આવતાની સાથે જ પૂછ્યું કે દીકરા ત્રણ દિવસથી તું ક્યાં હતો? તારા વિના તો અમે ખૂબ જ ચિંતા કરતાં હતા અને આવી જ ચિંતામાં ને ચિંતામાં અમે અડધા થઈ ગયા છીએ.

        સુભાષ નમ્રતા સાથે જવાબ આપે છે, " નિશાળેથી છૂટટીને હું જ્યારે ઘરે આવતો હતો ત્યારે રસ્તામાં એક ગરીબનું ઘર આવ્યું અને એ ગરીબ માણસના ઘરે બધા જ માણસો મરકીમાં સપડાયા હતા. એમની સેવા કરનારું કોઈ જ ન હતું. આપણા જ દેશવાસી આવી રીતે રોગથી પીડાતા હોય ત્યારે આપણાથી બેસીને કેમ રહી શકાય? મે તરત જ એ લોકોની સેવા કરવાનો નિર્ધાર કર્યો અને શાળાનું દફતર ત્યાં જ ફગાવીને એમની સેવામાં લાગી ગયો. આજે એ લોકોની સ્થિતિ સુધરી ગઈ છે ત્યારે હું ત્યાંથી ઘરે પાછો આવ્યો છું. 

        આ સાંભળીને માતા-પિતાની આંખમાં હર્ષનાં આંસુ ઉભરાઇ ગયા. આવી જ રીતે વર્તમાનમાં પણ આપણી આસપાસ ઘણા એવા પરિવારો છે જેઓ સંઘર્ષભરી જીંદગી જીવી રહ્યાં છે અને ગરીબીમાં સબડી રહ્યા છે ત્યારે આપણાથી બનતી સહાય કરીએ ને ભારતમાતાનું ઋણ અદા કરીએ એ જ આપણા વીર સપૂત સુભાષચંદ્ર બોઝને સાચી અંજલિ ગણાશે. પરાક્રમ દિવસની શુભકામનાઓ સાથે જય હિન્દ.

Tuesday, January 19, 2021

સર્જનની સરવાણી-૨૧

લોક વાર્તા-ગરાસણી લેખન : ઝવેરચંદ મેઘાણી

ગેમાભાઈ! આ દીકરીને આજ એને સાસરે મૂકવાં જાવાં છે. તમે સાથે જશો ને?"

"ના, દરબાર, ત્રણ ટકાનુંય જ્યાં જ્યાં જોખમ ન હોય ત્યાં મારું વોળાવું ન હોય. ગેમાનું વોળાવું તો પાંચ પચીસ હજરાના દાગીના હોય એવા ગામતરામાં જ દીપે. બીજા સપારડા ઘણાં છે."

ઢોલિયે સૂતો સૂતો હોકાની ઘૂંટ લેતાં લેતાં આવો જવાબ દેનાર આ ગેમો પચ્છેગામમો કરડિયો રજપૂત હતો. ગોહિલવાડ પંથકના પચ્છેગામની અંદર આવા ૪૦-૫૦ કારડિયાઓ ગરાસિયાઓનો પગાર ખાતા હતા. જ્યારે વોળાવે (ગામતરા સાથે) જવું હોય, ત્યારે પસાયતા તરીકે એ બધા પાસેથી કામ લેવાતું.પણ બધા કારડિયાની અંદર ગેમો વોળાવિયો બનીને ચાલે, એ ગાડાને પડખે કોઈ લૂંટારો ચડી શકે નહિ. જેવાતેવાને તો ગેમો ઉપર મુજબના તોછડા જવાબો આપી દેતો. ગેમાનું વોળાવું એ કાંઈ રમત નહોતી.

એક દિવસ ગામના બાપુ ખુમાણસંગજી તરફથી ગેમાનું તેડું આવ્યું. ખુમાણસંગજીની દીકરી રૂપાળીબા ભાલમાં હેબતપરગામે સાસરવાસ હતાં. ત્યાં એ દીકરીને સીમંત હતું. ખોળો ભરીને તેડી લાવવાના હતાં. એક વેલડું, બે છોડીઓ ભેળો ગેમો, તેમ જ બીજો એક કારડિયો : એ બધા હેબતઓઅર ગામે બાને તેડવા ચાલ્યાં.

હેબતપરથી પચ્છેગામ આવતાં મોણપુર ગામ સુધી આશરે દસ ગાઉ લાંબુ હતું. દિવસે એમાં મુસાફરી થતી નહોતી, કેમકે પાણી વિના પ્રાણ જાય, એટલે રૂપાળીબાને રાતે જ સોંડાડવામાં આવ્યાં. વેલડીમાં રૂપાળીબા અને છોકરીઓ બેઠાં. બીજા ગાડાંમાં ફ્ગેમો, એનો બીજો સંગાથી અને પાણીનાં બે માટલાં હતાં. ગાડાં જોડીને તારોડિયાને અજવાળે બધાં ચાલી નીકળ્યાં. રૂપાળી બા પસે એક ડાબલો હતો. એમાં પાંચ હજારના હેમના દાગીના હતા; અંગ ઉપર પણ ઘરેણાંનો શણગાર ભલી ભાત્યે ભર્યો હતો.

ગાડાં ચાલ્યાં એટલે ગેમો તો જાણે પારણામાં હીંચોળાવા લાગ્ય્પ્. એણે પછેડી ઓઢીને લાંબા પડી ઊંઘવાનું શરૂ કર્યું. ઘોર અંધારામાં એના નસકોરાં ગાજવા લાગ્યાં. ગાડાવાળાએ એક વાર ટપારી જોયું : " ગેમાભાઈ, રાત અંધારી છે. ઊંઘવાજેવું નથી, હો બાપા ! હોશિયાર રે'જો."

ગેમાએ જવાબ દીધો : "એલા, ઓળખછ તું આ ગેમાને? ગેમો હોય ત્યાં લૂંટારા ન ડોકાય; તું તરે મૂંગો મરીને ગાડું હાંક્યો આવ."

ગેમો નસકોરા ગ્જાવવા લાગ્યો. નરકોરાં ઠેઠ બહેનને ગાડે સંભળાણાં. વેલડીનો પડદો ઉપાડીને રૂપાળીબાએ પણ કહી જોયું : " ગેમાભાઈ, બાપા, અટાણે સુવાય નહિ હો!"

ઊંઘમાં ને ઊંઘમાં ગેમો બબળતો હતો : " હું કોણ ? હું ગેમો !"

આમ કરતાં વેળાવદર ગામ વળોટી ગયા. પણ ત્યાંથી દોઢ-બે ગાઉ ઉપર એક તળાવડી આવે છે. ગાડા ખેડુએ નજર કરીતો આઘેથી તળાવડીમાં આગના તનખા ઊડતા દેખાયા. વહેમ આવ્યો કે કોઈ ચક્મક ઝેગવે છે. ગેમાને એણે હાકલ કરી : " ગેમાભાઈ ! ગફલત કરવા જેવું નથી હો!"

ગેમાનો તો એક જ જવાબ હતો : "મને ઓળખછ?હું કોણ ? હું ગેમો !"

ગાડાં તળાવળી નજીક પહોંચ્યા એટાલે ગાડાખેડુને દસ બાર આદમીનું ટોળું દેખાણું. એની છાતી થડકી ઊઠી ગેમાને એણે ઢંઢોળ્યો, પણ ગેમો કાંઈ ઊઠે ? એ તો ગેમો !"

જોતાજોતમાં તો અંધારે બારજણા વેલડું ઘેરીને ઊભા રહ્યા ને પડકાર કર્યો. ગેમો ઝબકીને આંખો ચોળે છે અને હાકલ કરે છે : " મને ઓળખછ?હું કોણ ? હું ગેમો !" ત્યાં એક ડાંગનો ઘા પડ્યો અને ગેમો જમીનદોસ્ત બન્યો.

એક જણે કહ્યું : " એલા, એને ઝટ રણગોટીળો કરી મેલો !"

લૂંટારાઓએ એને બેસાડીને એના હાથ-પગને એક બંધે બાંધ્યા. પગના ગોઠણ ઊભા કરાવી, પછી ગોઠણ નીચે સોંસરી એક લાડડી નાખી, એક ધક્કો દઈ દદાની માફક ગબડાવી દીધો. આ ક્રિયાને રણગોળીટો કહે છે. રણગોટીળો એટલે રણનો દડો. આદમી આ રીતે દડા જેવો બની જાય છે.

"કોણ છે વેલ્યમાં ? દાગીના ફગાવી દ્યો ઝટ!" લૂંટારાએ ત્રાડ દીધી.

રૂપાળીબાએ વેલડીના પડદા ખોલી નાખ્યા અને બદમાશોઇએ માગ્યા મુજબ પાંચ હજારના દાગીનાનો ડાબલો આપી દીધો. તારોડિયાના પ્રકાશમાં રૂપાળીબાના અંગ ઉપર સોનું ચળકી ઊઠ્યું.

બદમાશો બોલ્યા : "ડિલ ઉપરથી ઘરેણું ઉતાર."

બાઈએ બધા ઘરેણા ઊતાર્યાં; બાકી રહ્યાં માત્ર પગનાં કડલાં

"કડલાં સોત ઉતાર" બદમાશોએ બૂમ પાડી.

બાઈ વીનવવા લાગ્યાં : " ભાઈ , આ નરેડીનાં નક્કર કડલાં છે ને ભીડેલાં છે. વળી હું ભર્યે પેટે છું. મારાથી નહિ ઊઘડે; માટે આટલેથી ખેમૈયા કરો ને, મારા વીરા!"

"સગાઈ કર મા ને ઝટ કાધી દે!"

"ત્યારે લ્યો, તમે જ કાઢી લ્યો," એમ કહી રૂપાલીએ વેલડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા. પોતાના જંતરડાની મજબૂત દોરીઓ ભરાવીને સામસામા બે કોળીઓ કડલાં ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા; કોઈનું ધ્યાન નહોતું.

રૂપાળીબાએ ત્રાંસી નજર નાખી, બીજું કાંઈ તો ન દેખ્યું, પણ ફક્ત ગાડાંના આડાં (લાકડાના ધોકા) દેખ્યા. વિચાર કરવાનો ત્યાં વખત નહોતો. કામી લૂંટારાઓ એ રજપૂતાણીના શરીરની મશ્કરી કરતા હતા.

રૂપાળીબાએ એક આડું ખેંચ્યું અને નીચે બેસી કડલાં ખોલનારા બે જણની ખોપરી માથે અક્કેક ઘા કર્યો. બન્નેની ખોપરી ફાટી ગઈ. બેય જણા ધરતી પર ઢળ્યા. ત્યાં તો એ ગરાસનીને સૂરાતન ચડ્યું; આડુમ્ લઈને એ કૂદી પડી. દસ માણસોની લાકડી પોતાના અંગ પર પડતી જાય છે. માર વાગતાં પોતે ગોઠભેર થઈ જાય છે; પાછી ઊઠીને આડાનો ઘા કરે છે

આગળની આ વાર્તા અને આવી જ ઉમદા લોક કથાઓ મેઘાણી ભાઈએ સૌરાષ્ટ્રની ધરતી પર ઘૂમી ઘૂમીને એમના નેસડાઓ અને ગામડાઓમાં જઈને લોકમુખેથી સાંભળીને લખી છે અને આપણે ગરવા ગુજરાતી લોકોએ ખાસ કરીને આ ઇતિહાસની કથાઓ અને બહારવટિયાઓ અને સંતોની કથાઓ વાંચવી અને આપણી આગળની પેઢીના બાળકો અને યુવાનોને કહેવી જોઈએ. સૌરાષ્ટ્રની સરધાર અને સૌરાષ્ટ્રના બહારવટિયાઓ નામના પુસ્તકોમાં આપ આ વાર્તાઓ વાંચી શકશો. જય જય ગરવી ગુજરાત. 

Tuesday, January 12, 2021

સર્જનની સરવાણી-૨૦

        

         જીવનની ચાલતી અવિરત વણજારમાં સતત ને સતત સંઘર્ષ ચાલતો જ હોય છે અને કામ કરતાં કરતાં જ્યારે જીવનની ઘટમાળ એવા મુકામ પર આવી જાય ત્યારે કોઈપણ પ્રકારના કામ કરતા  કરતા થાકી જવાય ત્યારે થાય કે સાવ નિરાંત હોય તો કેવું સારું! વેકેશન જેવા દિવસો ની ઈચ્છા થઈ આવે. સવારે જાગીએ ત્યારથી રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી કોઈ કામ ન હોય, કોઈ ઓફિસે જવું ના પડે, ઘડિયાળના ટકોરે જિંદગી જીવાતી ના હોય, કેવી મજા પડે!

        જિંદગી એવો સમય પણ આપે છે જેને ઘડપણ કહેવાય છે. ઘડપણ દોહ્યલું છે તેવું સાંભળીએ છીએ. બધી જ નિરાંત હોય, સમય જ સમય હોય, કોઈ કામ ન હોય, જાગવાનો ટાઈમ કે સુવાનો ટાઈમ ફિક્સ ના હોય છતાં શૂળની જેમ ભોંકાતો આ સમય એટલે ઘડપણ. એકલું લાગે, કોઈ વાત કરવા વાળું ના હોય, વાત કરે તો કોઈને સાંભળવી ના હોય, મિત્રો ઓછા થતા જાય, ઘરના બંધનમાં બંધાતા જાય અને ભરપૂર ઊંઘ કરવાના સમયે ઊંઘ જ ન આવે! કેટલાય કોમ્પ્લિકેશન્સ ઉભા થાય, સાથી ને ભગવાન બોલાવી લે અને એકલા પાડી દે, આંખ, કાન ક્ષમતા ગુમાવતા જાય ત્યારે થાય કે ઘડપણ દોહ્યલું છે.

    પરિવારના લોકો જો સમજદાર હોય તો દિવસમાં એકાદ કલાક સાથે બેસે બાકી ચોવીસ કલાકનો એકાંતવાસ! લાકડી આવી જાય અને બુદ્ધિ બાળક જેવી થતી જાય ત્યારે બાળકો પણ ઠઠ્ઠા મશ્કરી કરે. બગીચાના બાંકડા એકાંતની ફરિયાદ સાંભળ્યા કરે! શહેરમાં રહેવું દોહ્યલું છે. ગામડું હજીએ સંઘરી લે. પછી પોતાના માદરે વતન પરત ફરીને પોતાના ખેતીવાડીને લગતા કર્યોને જીવનની અંતિમ ક્ષણ સુધી કર્યા કરે છે અને હસતાં રમતા ઈશ્વરના માર્ગે સમર્પણ કરે છે.

    જીવનની આ સોનેરી અવસ્થામાં જો સાથે પુસ્તકોનો સંગાથ મળી જાય તો જીવનની આ ઉતરાર્ધ અવસ્થા ઊજળી બની જાય છે. ઘણા વડીલોએ એમના યુવાનીના સમયથી જ જો પુસ્તકો વાંચવાની ટેવ વિકસાવી હોય તો જીવનનાં આ સમયને સુમધુર બનાવી શકાય છે. પુસ્તકો જ જીવનને સાચો સંગાથ પૂરો પાડે છે. સિનેમામાં આવતા અમુક દ્રશ્યોની જેમ ઘડપણમાં ઘણા વડીલો એમના મિત્રો સાથે મળીને કોઈ સામાજીક પ્રવુતિમાં જોડાઈ જાય.   બાકી જેમણે જીવનભર સતત ને સતત સંઘર્ષ કર્યો હોય પરંતુ જીવનમાં કોઈપણ પ્રકારના શોખ કે પુસ્તક વાચન જેવી પ્રવુતિ કેળવી ના હોય એમના જ માટે ઘડપણ વધારે કપરો સમય બની જાય છે

સર્જનવાણી : જરૂર છે વડીલો માટે સમય પસાર કરી શકાય તેવી વ્યવસ્થાની. કોણ કરશે આ વ્યવસ્થા? વ્યસ્ત અને વન પ્રવેશ કરી ચૂકેલા સૌ મળીને પોતાના માટે!

Monday, January 11, 2021

વિવેકાનંદની વાણી-મણકો -૧

          

          સ્વામી વિવેકાનંદ આપણી ભારતીય સનાતન પરંપરાના વાહક અને એની જ્યોત સમગ્ર વિશ્વમાં જલાવવા માટે પોતાના જીવનના અમૂલ્ય વર્ષો દરમિયાન એમને ઘણી સાધન કરી અને રામકૃષ્ણ પરમહંસ પાસેથી દીક્ષા મેળવ્યા બાદ તેમણે પોતાના વિચારોના વાવેતર માટે અને સમગ્ર વિશ્વના કલ્યાણ માટે એમને ખૂબ જ વિચરણ કર્યું. આ વિચરણ દરમિયાન એમણે લોકોને પોતાના જીવનમાં આત્મવિશ્વાસ કેળવવા અને જીવનને ઉન્નત બનાવવા માટે સતત પ્રચંડ પુરુષાર્થ કરવા માટે પ્રેરણા આપી. આપણે આ બ્લોગમાં આજથી એમની વિચારોની યાત્રાને આગળ વધારીએ અને હું અહિયાં મારા વિવેકાનંદ વિશેના વાચન બાદ ચિંતન-મનન કરેલ વિચારો મૂકવાનો પ્રયત્ન કરીશ, જે આપને પસંદ આવશે એવો મને વિશ્વાસ છે.

         દેહમાં કશી તાકાત વિનાના અને હ્રદયમાં કોઈપણ ઉત્સાહ વિનાના તેમજ મગજમાં જરાય મૌલિકતા વિનાના આ જડ પદાર્થના લોચા જેવા માણસો શું કરી શકવાના છે? તેમનામાં મારે પ્રાણ પુરવાના છે. તેમનામાં ઉત્સાહ લાવીને મારે તેમને જીવંત કરવા છે. આ કાર્ય કરવા માટે જ મે મારું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે. વૈદિક મંત્રોની તાકાતથી હું તેમને જાગ્રત કરીશ. તેમની પાસે ઉતિષ્ઠત જાગ્રતતા માટેના અભય સંદેશની ઉદઘોષના કરાવવા માટે જ મે જન્મ લીધો છે અને આ બાબત મારી સાથે જોડાયેલા આપ સર્વેને લાગુ પડે છે.

          હું માનવજાતિનો એક નવો જ વર્ગ ઊભો કરવા માંગુ છે, જે અંતઃકરણ પૂર્વક ઈશ્વરમાં માનતો હોય અને તેને દુનિયાની કશી જ પડી ના હોય. ભરતવર્ષની જનતાનો ઉદ્ધાર કરવા માટેના કર્તવ્યમાં મન-પ્રાણને સમર્પિત કરી શકે એવા યુવાનોની વચ્ચે જઈને કામ કરીએ અને એમને જાગ્રત કરીએ, સંગઠિત કરીએ. કેળવ ત્યાગની ભાવનાથી પ્રેરાઇને આ કાર્ય કરવાનો સમગ્ર આધાર ભારતના યુવાનો પર જ છે.                

          આ યુવાનોને સંગઠિત કરવા જોઈએ અને આટલું જ નહિ, પ્રત્યેક શહેરમાં પણ સેકંડો યુવાનો આ કાર્યમાં આપણી સાથે જોડાવા તૈયાર છે. ભારતમાં ગરીબ અને દલિતની સાથે દરેક વર્ગના લોકો સુધી નીતિ, ધર્મ, શિક્ષણ અને સુખ-સગવડતા પહોંચાડવા માટે મારે તેમને મોકલવા છે. તમારું ભાવિ ઘડવાનો આ જ એક ઉત્તમ સમય છે. જ્યારે તમે ઘસડાઈને મુડદાલ જેવા થઈ જશો ત્યારે કોઈ કામ કરી શકશો નહી. યુવાનીની ખરી તાકાત અને તાજગી છે ત્યારે જ તમે આ સરળતાથી કરી શકો છો. માટે આપણે યુવાનો આ કામ-કાજ કરવા માટે લાગી જઈએ. જીવન ઘણું ટૂંકું છે. તમારા લોકો માટે અને માનવજાતના કલ્યાણ માટે તમારી જાતનું બલિદાન આપવાનું કાર્ય જ મહાન છે. 


#સ્વામી વિવેકાનંદના વિચારોમાંથી સંપાદિત અને ચિતન-મનન કરેલ વિચારોનો પુષ્પગુચ્છ 

આજનું યુવાધન કયા માર્ગે ???

           

             “ જો મને સો નચિકેતા જેવા યુવાનો મળી જાય તો હું આ પૃથ્વી પર અસામાન્ય કર્યો થકી પૃથ્વીવાસીઓ માટે નવીનતમ જીવનની દિશા અને દશા બંને બદલી નાખું. આ સમગ્ર વિશ્વમાં ચારેય તરફ આધ્યાત્મિકતાની જ્યોત જલાવી દઉં ” આ શબ્દો છે આપણા જ ભારતીય મહાપુરુષ એવા સ્વામી વિવેકાનંદના. ખૂબ જ નાની ઉમરમાં જેમણે ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મની જ્યોત સમગ્ર વિશ્વ સમક્ષ પ્રકટ કરી અને ભગવદગીતા જેવા મહાન ગ્રંથનો આધાર લઈને તેમણે અમેરિકામાં પણ ભારતનો ડંકો વગાડી દીધો. આવા આ યુગપુરુષના શબ્દો આજના કોઈપણ યુવાન માટે પ્રેરણામય છે અને હંમેશા રહેશે. યુવાન કેવો હોવો જોઈએ એ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદ જણાવે છે કે યુવાન ઉત્સાહી અને કોઈપણ ઈશ્વરકાર્ય માટે થનગનતો હોવો જોઈએ. હું તો સાગરને પણ પી જઈશ એટલી આત્મશક્તિ અને એવા જ આત્મવિશ્વાસથી ભરેલો હોવો જોઈએ. આવો યુવાન જ પોતાના પરિવાર, સમાજ અને રાષ્ટ્રને ગૌરવ અપાવી શકે છે. 

           આજનું યુવાધન કયા માર્ગે અને યુવાનોનો માર્ગ કેવો હોવો જોઈએ એ વિષય સદાયને માટે ચિંતન અને મનનનો રહ્યો છે. જુદા-જુદા મંતવ્યો અને જુદી-જુદી વ્યક્તિઓના જીવનધોરણને અનુસરતો આ વર્ગ સતત પોતાના જીવનને ઉત્તરોતર નવીનતા અને સર્જનાત્મકતા સભર બનવા મથતો રહે છે. આજના યુવાનોને મળતી સુવિધાઓ અને સગવડોને કારણે એમના પોતાના વિકાસ અને એમની કારકિર્દીને લગતી વિશાળ તકો એમની આસપાસ ઊભી થઈ છે. આજે ખૂબ જ ઉત્તમ કક્ષાની શાળાઓ અને એમાં આપવામાં આવતી સુવિધાઓના પરિણામે દરેક યુવાનો પાસે પોતાની મનપસંદ કેરિયર બનાવવાનો એક સોનેરી અવસર આવ્યો છે. જૂની-પુરાણી રૂઢીઓ અને બંધનોને તોડીને આજનો યુવાન પોતાના શોખને સાથે લઈને એને જ કમાણીનું એક ઉત્તમ સાધન બનાવી જાણે છે. 

          નવા નવા સ્ટાર્ટઅને કારણે આ યુવાનો પોતાની પ્રતિભાથકી જ દેશમાં નવા નવા પ્રોજેક્ટ તૈયાર કરે છે. દેશમાં વિદેશી રોકાણ અને વિદેશી હુંડિયામણ કમાઈ આપવામાં આ યુવાનો જ ખૂબ મહત્વનો ફાળો આપે છે. પોતાને મળતી સગવડોને તેઓ બીજા સાથે વહેંચતા જરા પણ અચકાટ અનુભવતા નથી. ખૂબ જ સરળતા સાથે તેઓ દરેક સાથે ભળી જાય અને નિખાલસતાપૂર્ણ રીતે તેમની વાતો રજૂ કરી શકે છે. માત્ર પોતાના માટે જ નહી, પરંતુ સમાજ માટે પણ સતત ને સતત કઈંક પ્રદાન કરવાની તત્પરતા દાખવે છે. આવી બાબતો માટે તે વર્તમાન સમયની જરૂરિયાતને ધ્યાનમાં લઈને ટેકનોલોજીનો પણ ઉત્તમ સમન્વય સાધીને શ્રેષ્ઠ રીતે સમાજનું ઋણ અદા કરે છે. 

           જો સોશિયલ મીડિયાના દ્રષ્ટિકોણને લઈને આજના યુવાનોની વાત કરવામાં આવે તો આવા સંસાધનોનો સકારાત્મક ઉપયોગ કરીને ઘણા યુવાનો પગભર થયા છે અને પોતાની સાથે પરિવારને પણ એક ઉત્તમ કક્ષાની જીવનશૈલી આપી છે. પોતાના સપનાઓને નવી ઊંચાઈ પ્રદાન કરે છે. પોતાના વિવિધ વિચારોને સોશિયલ મીડિયા પર શેર કરતાં આ યુવાનો નવી નવી એપ્લિકેશન થકી દુનિયામાં ક્રાંતિ કરવામાં સફળ થયા છે. સત્યા નદેલા. સુંદર પિછાઈ જેવા યુવાનો અમેરિકામાં પણ ભારતની એક આગવી ઓળખ ઊભી કરી રહ્યા છે. બીજી તરફ સતત સોશિયલ મિડીયાના ઉપયોગના કારણે યુવાનો સતત મોબાઇલમાં જ પોતાનો સમય વ્યતીત કરતાં હોય છે અને સમય જતાં પોતાની કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા બંને ગુમાવી દેતા હોય છે. ઘણીવાર ઘણીવાર પોતાના રોજિંદા કાર્યોની પણ તેઓ અવગણના કરતાં હોય છે. આવી જ બાબતોને કારણે તેઓ પરિવાર અને કેરિયરને પોતાનો સમય આપતા નથી. ઓનલાઈન એક હજાર મિત્રો ધરાવતો યુવાન વાસ્તવમાં પાંચ મિત્રોને પણ રૂબરૂમાં મળતો નથી અને આવી જ પરિસ્થિતિ પરિવારમાં સર્જાય એટલે જ વિસમવાદિતા ઊભી થતી જાય છે. 

         પણ પણ પણ હવે મારે વાત કરવી છે એવા યુવાનોની જેઓ માત્ર પોતાની જ નહી પણ પોતાની જેવા અનેક લોકો જેમને જીવન જરૂરિયાતની સગવડો ઉપલબ્ધ નથી, તે પૂરી પાડનાર યુવાનોની વાત કરવી છે. ઘણા યુવાનો પોતાના મિત્રો સાથે ગ્રુપ બનાવીને નજીકના કે દૂરના ગરીબ કે નિરક્ષર બાળકોને ભણાવે છે, તેમનો શિક્ષણનો ભાર પણ ઉપાડે છે. ઘણા યુવાનો પોતાની કમાણીનો અમુક ભાગ કાઢીને તહેવારોમાં અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમમાં અને શ્રમજીવી પરિવારોની પાસે જઈને આવા તહેવારો ઉજવે છે. પર્યાવરણ બચાવો, પાણી બચાવો અને સ્વચ્છતા અભિયાન જેવા સંકલ્પો પણ ઘણા યુવાનો ચલાવે છે.

યુવાવાણી : કર્મશીલ અને સાહસિક યુવાનો થકી જ ભારતની આવતીકાલ ખૂબ જ ઉજ્જવળ છે. 

સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ


જીવનકાળ: ૧૨ જાન્યુઆરી, ૧૮૬૩ થી ૪ જુલાઇ, ૧૯૦૨

સ્વામી વિવેકાનંદનું સાચું નામ નરેન્દ્રનાથ દત્ત. તેઓ ૧૯મી સદીના સંત રામકૃષ્ણના પરમ શિષ્ય અને રામકૃષ્ણ મિશનના સ્થાપક છે. યુરોપ અને અમેરિકામાં વેદાંત અને યોગના જન્મદાતા ગણવામાં આવે છે અને તેમને પરસ્પરની આસ્થા ઉભી કરવાનો તથા ૧૯મી સદીના અંતે હિન્દુ ધર્મને વિશ્વકક્ષાએ માન્યતા અપાવવાનો શ્રેય આપવામાં આવે છે. આધુનિક ભારતમાં હિન્દુ ધર્મના પુનરોદ્ધારમાં વિવેકાનંદને મુખ્ય પરિબળ ગણવામાં આવે છે. તેઓ ``અમેરિકાના ભાઈઓ તથા બહેનો`` સંબોધન સાથેના તેમના પ્રવચનથી વધુ જાણીતા બન્યા છે. તે ભાષણ દ્વારા તેમણે શિકાગો ખાતે વિશ્વ ધર્મ પરિષદમાં સન ૧૮૯૩માં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. 

વિવેકાનંદ વાણી :  માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે જ શિક્ષણ 

Tuesday, January 5, 2021

સર્જનની સરવાણી-૧૯

સર્જનની સરવાણી અંતર્ગત ચાલો જઈએ કેળવણીની કેડીએ

         વારંવાર આપણી આસપાસ બાળકો અને યુવાનો ના શિક્ષણ અને ભવિષ્યની ચિંતા વ્યક્ત કરતા વાલીઓ અને શિક્ષકો પણ જોવા મળે છે. તો અહીં કેટલાક વિચારો રજુ કરવા છે જે આપને ગમશે એવી આશા છે અને જો કોઈ વ્યક્તિ પોતાની જાતે અથવા પોતાની સંસ્થા દ્વારા આ અંગે ચિંતન કરે તો પણ સમાજમાં અર્થસભર પરિણામો લાવી શકાય છે.

# પ્રાર્થનાસભામાં પ્રાર્થનાનું મહત્વ અને સાચી સમજણ પણ આપવી જોઈએ. 

# નાનપણ થી જ પ્રાર્થનાની આદત પાડવી.

# પ્રાર્થનાસભામાં ધર્મના વિશિષ્ટ ગ્રંથોનું વાંચન અને પરિચય કરાવવો.

# જીવનમાં ચારિત્ર્ય નિર્માણ થાય તેવા પ્રસંગ કહેવા.

# શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને ચાહવાનું મન થાય તેવું ઉત્તમ, પવિત્ર, ચારિત્ર્યશીલ વ્યક્તિત્વ કેળવવું.

# સારા ગ્રંથાલયોની અને પુસ્તકમેળાની મુલાકાત લઈ જીવનને એક ઊદેશય સાથે જોડવું. સારું વાંચન કરવું.

# સારા વક્તા, કવિઓ, લેખકોના કાર્યક્રમો માણવા.

# દાર વર્ષે નવી બુકો ખરીદવી અને વાંચવી તેમજ અન્યને વાંચવા આપવી.

# એક સારા શ્રોતા બનવાનો પ્રયત્ન કરવો.

# પોતાનાથી બનતા પ્રમાણમાં યથાશક્તિ આર્થિક અને શિક્ષણદાન નો સંકલ્પ કરીએ.

# જીવનની સંવેદના વહેતી રાખવી જોઈએ. 

# જીવનમાં નાની નાની ખુશીઓ માણતા રહેવું જોઈએ. 

# પારિવારીક સંબંધો મજબૂત બનાવવા માટે સમય પણ આપવો. 

# નવા અને નાન કર્યો ઉત્સાહ સાથે કરવા અને નાના બાળકોને પણ આ માટે તૈયાર કરવા. 

# નાના બાળકો અને યુવાનોની જિજ્ઞાસા જાગે તેવી પ્રવૃત્તિઓ કરાવી શકાય. 

# જીવન પ્રત્યે હંમેશા હકારાત્મક અભિગમ રાખવો. 

# જીવનને આધ્યાત્મિક બનાવે એવા વિચારો કરવા અને એ માટે ધ્યાન અથવા મૌન પણ અપનાવી શકાય છે. 

# પરસ્પર સહકારની ભાવના સાથે પારિવારિક જીવનમાં સંવાદીતા સાધવાનો પ્રયાસ કરવો જોઈએ.