Tuesday, April 27, 2021

સર્જનની સરવાણી-૩૫

 મનોદિવ્યાંગ બાળકોનાં હૃદયપ્રિય શિક્ષિકા નેહલ ગઢવી પોંખાયાં

        ભાવનગરની મનોદિવ્યાંગ માટેની અંકુુર શાળાના એક વર્ગમાં એક શિક્ષિકાની ચારેબાજુ બાળકો બેઠાં છે. એ શિક્ષિકા પૂરેપૂરાં તન્મય થઈને તેમને ભણાવી રહ્યાં છે. ત્યાં જે થઈ કહ્યું હતું તેને વ્યક્ત કરવા ભણાવી રહ્યાં છે એ શબ્દનો પનો ખૂબ ટૂંકો પડે. શિક્ષિકા બાળકો સાથે ઓગળી ગયાં હતાં, આત્મસાત થઈ ગયાં હતાં અથવા એકરૃપ થઈ ગયાં હતાં. વર્ગના ઉંબરેથી જોયેલું એ દ્રશ્ય આજે પણ એમનું એમ, અસલ એ જ રીતે મારા સ્મરણપટ પર અકબંદ છે. જાણે કે એ દ્રશ્ય આ વિશ્વનું જ નહોતું. કોઈ બીજી જ દુનિયામાં હતાં એ બાળકો અને તેમનાં શિક્ષિકા.

        એ શિક્ષિકાનું નામ નેહલ ગઢવી. ભાવનગરની વિશ્વખ્યાત સંસ્થા પીએનઆર સોસાયટીની અંકુર શાળાનાં તેઓ શિક્ષિકા. 14 વર્ષથી તેઓ અહીં ફરજનિષ્ઠ છે. 14 વર્ષનો મનવાસ માણ્યાની તેમની વાતો સાંભળીએ તો કાન ધન્ય થાય અને હૃદય પ્રસન્ન. તેમને નવમી ડિસેમ્બર, 2018ના રોજ National Society For Equal Opportunities For The Handicapped, India સંસ્થા દ્વારા શ્રેષ્ઠ શિક્ષિકાનો એવોર્ડ એનાયત કરાયો. તેમનો પ્રતિભાવ તો જુઓઃ સન્માન વ્યક્તિનું નથી હોતું પણ તેના દ્વારા જીવાતા માનવીય મૂલ્યો, આદર્શો અને સ્વપ્નનું હોય છે, વ્યક્તિ તો નિમિત્ત હોય છે. 

        મંદ બુદ્ધિનાં બાળકો માટે કામ કરવું સાૈથી કપરું. જો હૃદય કરુણાથી ના છલકાતું હોય તો તમે કામ કરી જ ના શકો. નેહલબહેને મંદ બુદ્ધિનાં નાનાં નાનાં બાળકોના વિશ્વમાં અજવાળું પાથર્યું. એમનાં માતાપિતાનું પણ કાઉન્સેલિંગ કરવું પડે. આવા બાળકોના જીવનને, પ્રત્યેક ક્ષણને, અરે, તેમના દરેકે દરેક શ્વાસનું જતન કરવું પડે. નેહલ ગઢવીએ તે કર્યું. તેથી તો તેમને વ્યક્તિના મનોજગતની સમજ ફ્રોઈડ કરતાં આ બાળકોએ વધારે આપી. 

        બીજાં દિવ્યાંગો કરતાં મંદ બુદ્ધિનાં બાળકો સાથે કામ કરવું, તેમને તાલીમ આપવી, તેમની પાસેથી કામ લેવું ખૂબ વિકટ હોય છે. નેહલ ગઢવી પાસે નાનાં બાળકો આવે. મંદ બુદ્ધિનાં બાળકોને તૈયાર કરવામાં મગજ કરતાં હૃદયનો વધુ ઉપયોગ કરવો પડે. માત્ર ઉપયોગ નહીં, યોગ, પ્રયોગ, વિનિયોગ અનેક પ્રકારના યોગ ભેગા કરવા પડે ત્યારે જરૃરી સુયોગ રચાય. આવાં બાળકો પાસે બુદ્ધિ કરતાં પ્રેમ અને તર્કને બદલે શ્રદ્ધા જ વધારે ખપમાં આવે. નેહલબહેને અત્યંત ધીરજ અને પાકી નિસબતથી આ કાર્ય કર્યું. 

        પ્રવાસ કેળવણીનું મોટું અંગ પણ આવાં બાળકોના પ્રવાસ કરાવવા અઘરા અને જોખમી. ઘણા તો દલીલ પણ કરે કે તેમને પ્રવાસ કરાવો કે ના કરાવો કશો ફરક ના પડે. જોકે નેહલ ગઢવી જુદી માટીનાં. તેમની પાટી પણ નોખી. તેઓ પોતાનાં બાળકોને ઈમેજિકાના પ્રવાસે લઈ ગયાં. બાળકોને જગત બતાવીને જુદી દષ્ટિ આપવાનો તેમને પરિતોષ થાય. તેઓ નોંધે છેઃ મારો આ મંદબુદ્ધિ બાળકો સાથેનો દોઢ દાયકનો નાતો અને નિસબત ફિલ્મની પટ્ટી જેમ મને દેખાય છે, સ્મરણો ઉભરાય છે, સંવેદનો છલકાય છે, સંવાદો પડઘાય છે. મારું ખરું ઇનામ મારા બાળકોનો આનંદ છે. મારી શ્રેષ્ઠ ભેટ, આ બાળકો સાથે વિતાવેલી પળો છે. એવી સાર્થક પળો જેમાંથી મને જીવનનાં સાર અને સૌંદર્ય મળ્યાં હોય.

    આ સ્ટોરીમાં ભાવનગરના નિશીથ મહેતાને યાદ ના કરીએ તો સ્ટોરી અધૂરી લાગે. તેઓ પોતાની માઈક્રોસાઈન કંપનીમાં દિવ્યાંગોને વર્ષોથી નોકરી આપે છે. નોકરી શબ્દ અહીં શોભે નહીં. આશરો, છાંયો, તક કે નવું જીવન આપે છે એમ કહેવું જોઈએ. અહીં પણ નેહલબહેનનો રોલ અને બોલ કામ આવે. મંદ બુદ્ધિના કર્મચારીઓને તાલીમ આપવામાં, તેમનું કાઉન્સેલિંગ કરવામાં તેઓ ભરેલા હૃદયે અને ખડે પગે હાજર હોય. સદાય, સતત, સસ્મિત. 

        નેહલબહેન કહે છે, નિશીથભાઈએ અમારાં બાળકોને એક સક્ષમ વ્યક્તિ બનવાની યાત્રામાં સાથ આપ્યો. હમેશા નોકરી આપીને તેમને આત્મગૌરવનો અનુભવ કરાવ્યો. એવોર્ડ મેળવ્યાની પળે તેઓ શ્રી અનંતભાઈ શાહ (બાબાભાઈ), અંકુરના ટ્રસ્ટી અલ્પેશભાઈ, આચાર્ય મેઘજીભાઈ, જીવનસાથી સુભાષભાઈ ભટ્ટ, મિત્ર જય વસાવડા, રિદ્ધિ મહેતા અને ભાવના અંધારિયાને યાદ કરે અને પોતાનાં મમ્મી પપ્પાને પણ વંદે. નેહલ ગઢવીએ મંદ બુદ્ધિનાં અનેક બાળકોને પોતાના હૃદયથી સેવ્યાં.

આવાં થોડાંક વધુ નેહલ મળે તો શિક્ષણની વિષમતા અને સમાજની કરુણતાની સમસ્યા હલ થાય. તેમને 11 દરિયા ભરીને અભિનંદન અને નિરામય દીર્ઘાયુષ્ય સાથે હૃદયગમતી જિંદગી માટે શુભેચ્છાઓ.

(પોઝિટિવ મિડિયા માટે આલેખનઃ રમેશ તન્ના, 9824034475) ( સાભાર સાથે આ લેખ અહિયાં વોટ્સએપ પરથી લઈને મૂક્યો છે, જેના થકી વાચકમિત્રો અને સમાજમાં આ પ્રવુતિની સુગંધ પ્રસરે )

No comments:

Post a Comment