Tuesday, April 6, 2021

સર્જનની સરવાણી-૩૨

        એક શિક્ષક વર્ગમાં દાખલ થયા. આ શિક્ષક કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા, તેઓ ખૂબ જ પ્રસિદ્ધ શિક્ષક હતા. ખાસ કરીને એંગર મેનેજમેન્ટ એટલે કે ગુસ્સાને કઈ રીતના કાબૂમાં કરવો તે વિશે તેઓ ખૂબ જ જાણતા હતા, અને તેઓના વિદ્યાર્થીઓને પણ તેઓ અવારનવાર એંગર મેનેજમેન્ટ વિશે સમજાવતા. આજે તેઓ વર્ગમાં એંગર મેનેજમેન્ટ વિશે જ વાત કરવાના હતા. બધા વિદ્યાર્થીઓ ઉત્સાહિત હતા. શિક્ષક વર્ગમાં દાખલ થયા કે તરત જ બધા વિદ્યાર્થીઓએ ઊભા થઈને તેમનું અભિવાદન કર્યું.

        શિક્ષકે ઈશારો કરીને બધાને બેસવા માટે સૂચના આપી. પછી હાથમાં ચોક લઈને પાછળ ફરી બ્લેક બોર્ડ ઉપર તેઓએ 86400 લખ્યું. આવો વિચિત્ર આંકડો લખ્યો એટલે બધા લોકો અચરજ પામ્યા. બધા વિદ્યાર્થીઓના ચહેરા ઉપર મૂંઝવણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. એવામાં શિક્ષકે બધા લોકોને એક સવાલ પૂછ્યો. બ્લેક બોર્ડ તરફ ઇશારો કરી અને શિક્ષકે કહ્યું, 

         " જો તમારા બધા પાસે 86400 રૂપિયા હોય અને એમાંથી જો કોઈ લુટેરાઓ આવી અને તમારી પાસેથી દસ રૂપિયા છીનવીને ભાગી જાય તો તમે શું કરો? શું તમે તે લૂંટારાની પાછળ લૂંટાયેલા દસ રૂપિયા પાછા મેળવવાની કોશિશ કરશો? કે પછી તમે તમારી પાસે બાકી બચેલા 86390 લઈને સાવચેતી રાખીને તમારા રસ્તા પર આગળ વધશો? "

        શિક્ષકે સવાલ પૂછ્યો એટલે વર્ગમાં લગભગ બધા લોકો પાસે જવાબ તૈયાર હતો. એક પછી એક ઘણા લોકોને જવાબ પૂછ્યો. વર્ગમાં રહેલા બધા લોકો માંથી મોટાભાગના વિદ્યાર્થીઓ એવું કહ્યું કે દસ રૂપિયાની નાની રકમ પાછી મેળવવા કરતા આપણી પાસે બચેલી મોટી રકમ સાથે લઈને રસ્તા પર આગળ વધીશું.

        મોટાભાગના વિદ્યાર્થીઓએ આવો જવાબ આપ્યો એટલે શિક્ષક હસવા લાગ્યા અને શિક્ષકે કહ્યું તમારા લોકોનું સત્ય તેમજ તમારું અવલોકન જરા પણ સાચું નથી.મેં જોયું છે કે મોટાભાગના લોકો દસ રૂપિયા પાછા લેવાની ચિંતામાં લુટેરાનો પીછો કરે છે અને આખરે પરિણામ રૂપે તેની પાસે બચેલા 86390 રૂપિયાથી પણ હાથ ધોઈ બેસે છે.

        શિક્ષક આવું બોલ્યા એટલે એક પછી એક બધા વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઇને બોલવા માંડ્યા અરે સર, આ અસંભવ છે, આવું કોણ કરે છે? શિક્ષકે કહ્યું, હવે વાતને ધ્યાનથી સમજજો. આ 86400 રૂપિયા એ હકીકતમાં આપણા એક દિવસમાં રહેલી સેકન્ડો છે. એક દિવસમાં કુલ 86400 સેકન્ડ હોય છે. પરંતુ 10 સેકન્ડની વાતને લઈને અથવા પછી કોઈપણ 10 સેકન્ડની નારાજગી અને ગુસ્સામાં આપણે આપણા આખા દિવસ ને વિચારોમાં, ગુસ્સો કરીને ગુમાવીએ છીએ અને એટલે જ આપણી પાસે બચેલી 86390 સેકન્ડ પણ આપણે પોતે જ નષ્ટ કરી નાખીએ છીએ. ખરું ને?

સર્જનવાણી: અમુક વસ્તુઓને ધ્યાનમાં ન લો, કારણકે કદાચ એવું ના થાય કે થોડી પળનો ગુસ્સો તેમજ નકારાત્મકતા તમારા આખા દિવસની તાજગી અને ખૂબસૂરતીને છીનવીને લઈ ન જાય.

No comments:

Post a Comment