Thursday, April 22, 2021

વિશ્વ પુસ્તક દિવસ

            ૨૩મી એપ્રિલ સમગ્ર વિશ્વ ‘ વર્લ્ડ બુક એન્ડ કોપીરાઈટ ડે’ તરીકે ઉજવાય છે. આ દિવસ વિશ્વ પર્સિદ્ધ સાહિત્યકારો મિગ્યુંએલ લર્વાન્ટીસ, વિલિયમ શેક્સપિયર અને ઇન્ફા ગાર્સિલસો-દ-વેગાની જન્મતિથી આવે છે આ ઉપરાંત જગપ્રસિદ્ધ સાહીત્યકારોની પૂણ્યતિથી આવતી હોવાથી યુનેસ્કોએ ૧૫મી નવેમ્બર ૧૯૯૫ના રોજ પેરિસમાં યોજાયેલ કોન્ફરન્સમાં ૨૩ એપ્રિલ `વિશ્વ પુસ્તક દિન` તરીકે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું. આ દિવસનો મુખ્ય હેતુ વધુ ને વધુ લોકો શિષ્ટ વાંચન માટે જાગૃતિ તથા પ્રેરણા મળે. ભારતમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

            આજના ઇન્ફર્મેશન યુગમાં પણ પુસ્તકોનું મહત્વ ઓછું થયું નથી. પુસ્તકો જ આ વિશ્વને પ્રેરણા આપી શકે છે. સમજણ, સહનશીલતા અને સંવાદ માટે સામાજિક જાગૃતિનું કામ પુસ્તકો જ કરે છે. પુસ્તકોની મૈત્રી માનવીના જીવનઘડતર પર નિર્ણાયક પ્રભાવ પાડે છે. પુસ્તકોની મૈત્રીમાં પણ સારાનરસાનો ભેદ છે. પુસ્તકો પ્રતિકૂળ સંજોગોમાં આપણા આત્માને સદા જાગૃત રાખી યોગ્ય દોરવણી આપે છે. પુસ્તકો માનવીને ઉત્કૃષ્ટ જીવનજીવવાનું શીખવે છે. સારા પુસ્તકો માનવજીવનનું ઘડતર કરે છે. જ્યારે નરસાં પુસ્તકો જીવનને બરબાદ કરી નાખે છે. 

મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે “ પુસ્તકનું મૂલ્ય રત્નથીય વિશેષ છે. રત્ન બહારથી ચમક આપે છે જ્યારે પુસ્તક તો અંત:કરણને અજવાળે છે.”  જે વ્યક્તિના ઘરમાં પુસ્તકોનો સંગ્રહ નથી, એ ઘર નથી પણ સ્મશાન છે.

સ્વામી વિવેકાનંદ પુસ્તક વિષે કહ્યું છે કે “ પુસ્તકો પ્રત્યેનો સ્નેહ એ ઈશ્વરી રાજ્યમાં પહોચવાનો પરવાનો છે. જે સુખ તમને અનંત સમૃદ્ધિ કે મહેલોમાંથી નહિ મળે શકે તે સુખ ઉત્તમ પુસ્તકોમાંથી મળશે”

યુનેસ્કો દ્વારા ૧૯૯૫થી દર વર્ષે ૨૩ એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ ઉજવવાનું જાહેર થયું છે. ભારત સરકારે ૨૦૦૧મા આ દિવસને વિશ્વ પુસ્તક દિવસની માન્યતા આપી હતી.


પુસ્તક વિશે લેખક, ચિંતકો , વિચારકો તથા મહાનુભાવોની વિચારકણિકાઓ :

૧. પુસ્તકો એટલે વિચારોના વૃંદાવનમાં ઉભેલાં વૃક્ષો - ગુણવંત શાહ

૨. પુસ્તક એટલે વ્યક્તિનાં વિચારોનું વસિયતનામું અને લેખકના દિલનો દસ્તાવેજ - કાકાસાહેબ કાલેલકર

૩. વિચારની લડાઈમાં પુસ્તકો જ હથિયાર છે - જ્યોર્જ બર્નાડ શો

૪. નર્કમાં શ્રેષ્ઠ પુસ્તકો હોય તો હું નર્કમાં જવા તૈયાર છું - લોકમાન્ય તિલક                         

૫. કિતાબે કુછ કહના ચાહતી હૈ,  તુમ્હારે પાસ રહના ચાહતી હૈ - સફદર હાશમી                     

૬. જિંદગી માણવી હોય તો પુસ્તકો સાથે મિત્રતા કરો - ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન               

૭. પુસ્તકો વગરનો ઓરડો આત્મા વગરના દેહ સમાન છે  - સિસેરો                     

૮. પુસ્તકો સમાજનો "આયનો" જ નથી, "બ્યુટી પાર્લર" પણ છે.

૯. ઉત્તમ પુસ્તકો લોકશિક્ષણની "ટેકસબુક"ની ગરજ સારે છે.

૧૦. ગ્રંથ બતાવે પંથ.

૧૧. ગ્રંથથી ગ્રંથી ટળે છે.

૧૨. ગ્રંથાલય એ જ દેવાલય.

૧૩. પુસ્તકો સોટી કે ચાબુક વિના શીખવતા શિક્ષકો છે.

૧૪. પુસ્તકો આપણી જીવનયાત્રાનો ભોમિયો છે.

૧૫. પુસ્તક એ સંસ્કાર ઘડતરનું પારણું છે, વાંચન એ વ્યક્તિ વિકાસનું બારણું છે.

૧૬. પુસ્તક જેવો કોઈ સાચો મિત્ર નથી, વાંચન ન કરે , તેનું કોઈ ચરિત્ર નથી

૧૭. આપણે આપણી જાતને જ્યાં ખોઈ પણ શકીએ અને શોધી પણ શકીએ તે જગ્યા એટલે પુસ્તક.

૧૮. "લીડર" બનવું હોય તો પહેલાં "રીડર"  બનો.

૧૯.  "બુકે" નહીં , "બુક" આપો.

૨૦. ગુજરાતીઓ "ચોપડા" ની સાથે "ચોપડી"  પણ વાંચો. 

                                                                                (સંપાદન સહયોગ : પારેખ લાલજીભાઇ-બોટાદ )

No comments:

Post a Comment