Tuesday, September 21, 2021

સર્જનની સરવાણી-૫૬

        વસ્તુપાળ નામનો એક બાળક હતો. એક સમયે આ વસ્તુપાળ ગુરુકુળમાં ભણવા માટે જાય છે. પણ ત્યાં તેને કાંઇ સમજણ પડતી નથી અને એને કાંઇ આવડતું નથી એટલે બધા જ એને ખુબ ચીડવે છે. એ પોતે પણ એવી મનોગ્રંથિ મનમાં બાંધી લે છે કે એને કાંઇ આવડશે નહીં. આવું વિચારતા વિચારતા એ રાત્રે જ વસ્તુપાળ ગુરુકુળ છોડીને જતો રહે છે.

         એ વિચારે છે કે જો મારા જીવનનો કોઇ જ અર્થ નથી તો મારે આત્મહત્યા કરી લેવી જોઇએ, એમ વિચારીને એ કુવામાં પડવા જાય ત્યારે એને નવીનતા લાગે છે કે નરમ દોરીથી પણ કઠણ એવા પથ્થર પર પણ ઘણા કાપા પડયા છે, જે જોઇને એને ઝબકારો થઇ જાય છે.

         વસ્તુપાળ વિચારે છે કે જો કાળમીંઢ કઠણ પાણા પર પણ વારંવાર દોરી ઘસાવાથી કાપા પડી શકે તો વારંવાર અભ્યાસ કરવાથી અને ભણવાથી મને પણ આવડી જ જશે. એમ વિચારીને એ અત્યંત ધીરજ સાથે કઠણ પરિશ્રમની સાથે મહેનત પણ શરુ કરે છે અને લાંબા સમયગાળે તે એક મોટો વિÚાન માણસ બને છે. પાણિનીના વ્યાકરણના ગ્રંથનો પણ એ અભ્યાસ કરે છે.

         આમ અમુક સમય પસાર થઇ જતા તે વસ્તુપાળ મોટો મંત્રી પણ બને છે અને કુશળ વહીવટકર્તા તરીકે નામના મેળવે છે. તો બાળમિત્રો આપ પણ આપના ભણવાના સમયગાળા દરમિયાન મન લગાવીને અથાગ પરિશ્રમ કરશો તો અને તો જ સંસ્કાર અને વિધાના સમન્વય સમાન અમૂલ્ય મૂડી મેળવી શકશો. આપણા માતા-પિતાના આપણા તરફના સ્નેહ અને આપણા ઉજ્જવળ ભવિષ્ય માટેની મહેનત-મજદૂરી જોઇને પણ આપણે એક નિષ્ઠાપૂર્વક મહેનત કરીને સફળ અને સક્ષમ નાગરિક બનીએ. જય જય ગરવી ગુજરાત. ભારતમાતા કી જય.

 બોધ : મહેનતના ફળ હંમેશા મીઠા હોય છે. 

No comments:

Post a Comment