Saturday, September 11, 2021

વિવેકાનંદની વાણી : મણકો-૯

        


        અખંડ ભારતભૂમિની એક વિરલ વિભૂતી એવા સ્વામી વિવેકાનંદના જીવનનો એક પ્રસંગ છે. એકવાર સ્વામીજી વિચરણ કરતા કરતા અલવર જઇ પહોચ્યાં. અલવર એ સમયે દેશી રિયાસત ગણાતું હતું. અલવરના મહારાજા અંગ્રેજો અને બિનહિંદુઓના સતત સંપર્કમાં રહેવાને કારણે હિંદુ પરંપરા અને સંસ્કૃતિની વાતોની વારંવાર ટીકા-ટીપ્પણી કર્યા કરતા. સ્વામીજીની ભારે નામના અને પ્રસંશા સાંભળીને રાજાએ સ્વામી વિવેકાનંદનો આનંદ-ઉલ્લાસથી સત્કાર કર્યો અને એમને સન્માન સાથે પોતાના મહેલમાં લઇ ગયા.

         રાજ-દરબારમાં સ્વામીજી સાથે સહજ વાતો કરતા કરતા અલવરના મહારાજા એમના સ્વભાવને કારણે હિંદુધર્મ અને બીજી સંસ્કૃતિનો ઉપહાસ કરવા લાગ્યા, જે સ્વામીજીને પસંદ આવ્યું નહીં, કારણ કે તેમના માટે તો ભારતમાતા અને ભારતની આ અમૂલ્ય ધરોહર સમી સંસ્કૃતિનો વારસો જ સર્વસ્વ હતા. એમણે રાજાને યોગ્ય શિક્ષા આપવાનું વિચાર્યુ.

         એમની તદ્‌ન નજીકમાં ઉભેલા રાજાના દીવાનને કહ્યું કે, દીવાનજી મહારાજા સાહેબનો કોઇ સરસ મજાનો ફોટો હોય તો જરા મંગાવજો. દીવાનનો હુકમ થતાની સાથે જ એક નોકર રાજાનો ફોટો લઇ આવ્યો અને સામે મૂકયો. પછી વિવેકાનંદજીએ કહ્યું કે હવે બધા દરબારીઓ આ ફોટા પર થૂંકો ! પણ મહારાજાની હાજરીમાં એમના ફોટા પર થૂંકવાનું સાહસ કોણ કરે. આ જોઇને સ્વામી વિવેકાનંદે રાજાને કહ્યું કે આપની આ પ્રતિકૃતિ જેવા ફોટા પર પણ જો કોઇ વ્યકિત થૂંકવાની કે એનું અપમાન કરવાની હિંમત ના રાખે કારણકે આપના માટે એ આ બધા દરબારીઓને માન-સન્માન છે. એવી જ રીતે આપણા દેવી-દેવતાઓ અને પરંપરા એ આપણા જીવનના મૂલ્યોની પ્રતિકૃતિ છે, જેની ટીકા કરવાનો પણ તમને કોઇ હક નથી. લોકો માત્ર મૂર્તિ કે પ્રતિકૃતિની પૂજા નથી કરતા પણ તેમાં રહેલી પોતાની આસ્થા અને ભકિતની અને વિશ્વાસની પૂજા કરે છે.

" ઉત્તમ ચારિત્ર્ય અને પવિત્ર આચરણ થકી જ શ્રેષ્ઠ માનવનિર્માણ થાય છે. "

         યજ્ઞયાગ, સાષ્ટાંગ દંડવત પ્રણામ, મંત્રોચાર એ જ માત્ર કોઇ ધર્મ નથી. જો તેનાથી આપણા વિચારો પવિત્ર કે ઉચ્ચ થાય તો જ આપણે એ ઇશ્વરનો સાક્ષાત્કાર કરી શકીએ છીએ. દરેક માનવમાત્રમાં જ ઇશ્વરનું દર્શન થાય અને એમના માટે કૃતજ્ઞતાનો ભાવ જાગે એ જ સાચો ધર્મ છે. બાકી જગતના બધા જ ધર્મો જાણે નિષ્પ્રાણ થઇ ગયા છે. માત્ર ઉત્તમ કક્ષાનું ચારિત્ર્ય જ આ જગતમાં સાચા ધર્મની પ્રતિતી કરાવી શકે છે. જેમનું જીવન ઉત્કટ પ્રેમ અને નિસ્વાર્થતાથી પૂર્ણ હોય એવા માનવો જ આ દુનિયામાં પરિવર્તન લાવવા સક્ષમ છે.

     “ જયાં સુધી આ ધરતી પર કોઇપણ માનવ માત્ર કોઇપણ પ્રકારના જાતિના ભેદભાવ કે બંધન વિના કે કોઇપણ અગમ્ય કારણસર ભૂખ્યો રહેતો હોય તો એ સૌથી મોટો અધર્મ છે. એવા મનુષ્યની સેવા કરવાને જ હું સાચો ધર્મ કહીશ. ”

 સ્વામી વિવેકાનંદ વિશે વાંચેલા પુસ્તકોના વિચારોમાંથી... 

No comments:

Post a Comment