Tuesday, September 28, 2021

સર્જનની સરવાણી-૫૭

 વિચારોનું કરીએ વાવેતર....................

૧. કોઇપણ રાષ્ટ્રનું ઘડતર તેના બાળકોની નાની નાની પગલીઓ પર નિર્ભર છે.

૨. બાળકોને શાબાશી અને પ્રોત્સાહન મળવાથી એમનું જીવન પાંગરે છે.

૩. કેળવણી દ્વારા બાળકોનો પોતાના ઈશ્વર પ્રત્યેનો પ્રેમભાવ વધવો જોઇએ.

૪. દરેક બાળક સહનશીલ, પ્રસન્નચિત્ત, ખેલદિલ, સત્યવકતા, સ્વસ્થ, વિનમ્ર  બને એ જોવાની જવાબદારી આપણા સૌ કોઇની છે.

૫. બાળકની સાથે બાળક જેવા થઇએ તો તેની સાથે આત્મીયતા સાધી શકાય છે.

૬. બાળકને પ્રેરણા, પ્રેમ અને પ્રોત્સાહન આપવાથી તેની સર્જનશકિતઓ ખીલે છે.

૭. બાળકનું પ્રાથમિક શિક્ષણ એની માતૃભાષામાં થવાથી બાળક પોતાની સંસ્કૃતિને યોગ્ય રીતે સમજી શકશે, અને એનામાં સાચા સંસ્કારોનું સિંચન કરી શકાય છે.

૮. બાળકો રાષ્ટ્રની સાચી સંપત્તિ છે, જેમના પર દેશના ભવિષ્યનો આધાર છે.

૯. કેળવણી એટલે મુક્તિ, આર્ષદર્શન, સ્વયંપ્રેરણા, નિત્ય નવું સર્જન અને સાહસ.

૧૦. પ્રાર્થના મનુષ્યની શક્તિને પરમાત્માના સામર્થ્ય સાથે જોડનારી કડી છે.

૧૧. માનવ-પ્રતિભાના સર્વદેશીય વિકાસની પ્રક્રિયાને શિક્ષણ કહેવાય.

૧૨. મનુષ્યના ભવિષ્યનો આધાર આજની પેઢીના હકારાત્મક અભિગમ ઉપર રહેલો છે.

૧૩. ઉર્જા અને ઉંમર હોય ત્યારે જ વધારેમાં વધારે કામ કરી લેવું જોઇએ.

૧૪. જેને સમયની કોઇ કિંમત નથી, એના માટે જિંદગીની પણ કોઇ કિંમત નથી.

૧૫. સમજણનો સેતુ એ જ ખરો સેતુ, બાકીના બધા તો રાહુ અને કેતું.

૧૬. બાળકના મન, આત્મા અને શરીરમાં જે કાંઇ સર્વશ્રેષ્ઠ છે, તેને બહાર લાવવું એ જ ખરી કેળવણી છે

Sunday, September 26, 2021

સર્જનયાત્રાનું મંથન-૨૨

 સોળ સંસ્કાર...

૧.ગર્ભાધાન =ગર્ભ ધારણ 

૨. પુંસવન = ગર્ભ માં બાળક ની ક્રિયા 

૩. સીમન્ત= સિમંત ખોડો ભરવો

૪. જાતકર્મ=જ્ઞાતિ સંસ્કાર

૫. નામકરણ=નામ પાડવું

૬. નિષ્ક્રમણ=રોજિંદી ક્રિયા

૭. અન્નપ્રાશન=પ્રથમ ખોરાક

૮. ચૂડાકર્મ=બાબરી

૯. કર્ણવેધ=કાંન વીંધવા

૧૦. ઉપનયન=જનોઈ

૧૧. વેદારંભ=અભ્યાસ

૧૨. સમાવર્તન=ડિગ્રી

૧૩. વિવાહ=લગ્ન 

૧૪. વાનપ્રસ્થ=નિવૃત્તિ,

૧૫. સંન્યાસ=સન્યાસ

૧૬. અંત્યેષ્ટિ=અંતિમ સંસ્કાર

Tuesday, September 21, 2021

સર્જનની સરવાણી-૫૬

        વસ્તુપાળ નામનો એક બાળક હતો. એક સમયે આ વસ્તુપાળ ગુરુકુળમાં ભણવા માટે જાય છે. પણ ત્યાં તેને કાંઇ સમજણ પડતી નથી અને એને કાંઇ આવડતું નથી એટલે બધા જ એને ખુબ ચીડવે છે. એ પોતે પણ એવી મનોગ્રંથિ મનમાં બાંધી લે છે કે એને કાંઇ આવડશે નહીં. આવું વિચારતા વિચારતા એ રાત્રે જ વસ્તુપાળ ગુરુકુળ છોડીને જતો રહે છે.

         એ વિચારે છે કે જો મારા જીવનનો કોઇ જ અર્થ નથી તો મારે આત્મહત્યા કરી લેવી જોઇએ, એમ વિચારીને એ કુવામાં પડવા જાય ત્યારે એને નવીનતા લાગે છે કે નરમ દોરીથી પણ કઠણ એવા પથ્થર પર પણ ઘણા કાપા પડયા છે, જે જોઇને એને ઝબકારો થઇ જાય છે.

         વસ્તુપાળ વિચારે છે કે જો કાળમીંઢ કઠણ પાણા પર પણ વારંવાર દોરી ઘસાવાથી કાપા પડી શકે તો વારંવાર અભ્યાસ કરવાથી અને ભણવાથી મને પણ આવડી જ જશે. એમ વિચારીને એ અત્યંત ધીરજ સાથે કઠણ પરિશ્રમની સાથે મહેનત પણ શરુ કરે છે અને લાંબા સમયગાળે તે એક મોટો વિÚાન માણસ બને છે. પાણિનીના વ્યાકરણના ગ્રંથનો પણ એ અભ્યાસ કરે છે.

         આમ અમુક સમય પસાર થઇ જતા તે વસ્તુપાળ મોટો મંત્રી પણ બને છે અને કુશળ વહીવટકર્તા તરીકે નામના મેળવે છે. તો બાળમિત્રો આપ પણ આપના ભણવાના સમયગાળા દરમિયાન મન લગાવીને અથાગ પરિશ્રમ કરશો તો અને તો જ સંસ્કાર અને વિધાના સમન્વય સમાન અમૂલ્ય મૂડી મેળવી શકશો. આપણા માતા-પિતાના આપણા તરફના સ્નેહ અને આપણા ઉજ્જવળ ભવિષ્ય માટેની મહેનત-મજદૂરી જોઇને પણ આપણે એક નિષ્ઠાપૂર્વક મહેનત કરીને સફળ અને સક્ષમ નાગરિક બનીએ. જય જય ગરવી ગુજરાત. ભારતમાતા કી જય.

 બોધ : મહેનતના ફળ હંમેશા મીઠા હોય છે. 

Sunday, September 19, 2021

સર્જનયાત્રાનું મંથન-૨૧

         

        ખિન્ન રહેતા લોકોએ તેમની વાસ્તવિકતામાંથી ધ્યાન હટાવવા માટે બીજા લોકોની મજાક કરવી જરૂરી થઈ જાય છે. સતત લોકોની મજાક કરવાની આદત મનોરંજન માટે નથી, એ બીજાને દુઃખી કરવા માટે છે. એક બહુ જાણીતી વાત છે કે હું જો ખુશ હોઉં, તો મારી આજુબાજુના લોકો પણ ખુશ હોય. એટલે હું જો દુઃખી હોઉં, તો બીજા લોકોને હું દુઃખી કરું. બીજાને દુઃખી કરીને જ હું સારું મહેસુસ કરી શકું: "બીજા પણ મારી જેમ દુઃખી છે." 

        તેઓ તેમના સ્ટેટસને લઈને એટલી ન્યૂનતા અનુભવતા હોય કે તેમની સાથે જે થયું હોય, તેનું નિયમિત માહિમામંડન કરે (તેઓ 'હું'નો બહુ ઉપયોગ કરે), અને બીજું, તેમની ન્યૂનતાની લાગણીથી બચવા માટે તેઓ બીજાઓમાં ત્રુટીઓ શોધીને સાબિત કરે કે બીજા લોકો પણ તેમનાથી બહેતર નથી. સોશ્યલ મીડિયા પર ટ્રોલિંગ, કટાક્ષ, તું તું મૈં મૈં, અને સેલ્ફ-ગ્લોરીફિકેશનની જે ભરમાર છે, તેની પાછળ મૂળમાં આ માનસિકતા કામ કરે છે.

Tuesday, September 14, 2021

સર્જનની સરવાણી-૫૫

 

        આજની તારીખે આપણે જ્યારે વીસમી સદીના બીજા દશકમાં પ્રવેશ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે ગુણવત્તાસભર શિક્ષણએ સમાજની અને રાષ્ટ્રની અભિન્ન જરૂરિયાત બનતું જાય છે. આવો માહોલ બનાવવાની સર્વની જવાબદારી બનતી જાય છે અને વધતી પણ જાય છે. આજના માતા-પિતા એક વાલી તરીકે પોતાની જવાબદારીઓ માંથી છટકી શકે નહીં. માત્ર શાળાઓ થકી જ શિક્ષણની આ જ્યોત પ્રજવલિત રાખી શકાય એવું કહેવામાં થોડો વિવેકભંગ થતો જણાય છે.

        અત્યારના આ સમયગાળામાં બાળકનું શિક્ષણ એ શાળા-કોલેજોની સાથે સાથે ઘરની અને સમાજની પણ સંયુકત ભાગીદારી બનતું જાય છે. જીવનના દરેક તબ્બકે વિધાર્થી કે યુવાનને ઘરના સાથ અને સહકારની આવશ્યકતા રહેવાની જ છે. જો શિક્ષણ માત્ર અક્ષરજ્ઞાન પૂરતુ જ કે વાંચવા લખવા સુધી જ સીમિત હોય તો અને તો જ તેને શાળાની જવાબદારી ગણી શકાય. પણ બદલાતા સમયની સાથે બાળક અને યુવાન વિચારો અને વર્તનમાં પરિવર્તન કેળવવાનું ઘરેથી પણ શીખતો જાય છે.

         સ્વિટ્ઝરલેન્ડના પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી એવા પેસ્તોલોજીનું શિક્ષણકાર્ય એમના જ ઘરે એમની માતાની દેખરેખ હેઠળ થયું હોવાથી એમના મત પ્રમાણે ઘર જ બાળકના કે કોઇપણ યુવાનના શિક્ષણનો પાયાનો સ્ત્રોત ગણી શકાય છે. જીવનલક્ષી અને ઔપચારિક શિક્ષણની જરૂરિયાત પણ અહીંથી જ પૂરી કરી શકાય છે. સાદગી, સંયમ અને વાણીની સાથે વિવેક જેવી પાયાની બાબતોનો અભ્યાસ અને કેળવણી ઘર થકી જ શકય છે, એટલે ઘરને તમે જીવનની પાઠશાલા પણ કહી શકો છો. માતા-પિતાના સંસ્કારોના ઉત્તમ વારસા થકી જ બાળકના સુંદર અને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકાય છે.

         સંસ્કારોના સિંચનથી જ એક સર્વતોમુખી સમાજનું નિર્માણ શકય છે. સમાજની પ્રગતિનો આધાર એ પેઢીને મળેલા સંસ્કારોના વારસા પર નભે છે. યુવાન પોતાના જીવનને ઉન્નત બનાવવા અને શકયતાઓના શિખર સર કરવા માટે તત્પર બને એ જ આજના સમયની તાતી જરૂરિયાત છે, જે ઉત્તમ સંસ્કારોના સિંચન થકી જ બની શકે છે.

         પ્રાચીન સમયથી જ ઘર પણ આર્થિક, સામાજીક, રાજકીય, ધાર્મિક શિક્ષણ મેળવવા માટેનું અગત્યનું કેન્દ્ર બની રહ્યું છે. રામાયણ, મહાભારત જેવા મહાન ગ્રંથો પણ આ જ ગાથા ગાય છે. અભિમન્યુનો માતાના ગર્ભમાં સંસ્કાર સિંચનનો પ્રસંગ હોય કે જીજાબાઇ પાસેથી શિવાજીએ મેળવેલા સંસ્કારોના પાનની વાત હોય હર હંમેશા પરિવારની ભૂમિકા અગત્યની અને અનિવાર્ય બનતી જાય છે. સ્વામી દયાનંદ સરસ્વતી જણાવે છે કે માતા-પિતાએ પોતાના વાણી-વર્તન અને આચરણ વડે બાળકોને શિક્ષણ આપવું જોઇએ.

         કેળવણીકાર તરીકે આચાર્ય વિનોબાજી તો ત્યાં સુધી જણાવે છે કે ઘર છે એ શાળા બનવી જોઇએ અને શાળા ઘરમાં પ્રવેશવી જોઇએ. દરેક મા-બાપ પોતાના સંતાનોના સંસ્કારસિંચન અને શિક્ષણ પરત્વે જાગૃત અને કટિબદ્ઘ હોવા જોઇએ. એમના બાળકોની સતત સાથે રહીને યોગ્ય સંવાદ સાધતા-સાધતા એમની જરૂરિયાતોની પૂર્તિ કરવી જોઇએ. આમ આપણી આવનારી અને વર્તમાન પેઢીને શિક્ષિત અને દીક્ષિત કરવાની જવાબદારી માત્ર શિક્ષક કે શાળાની જ નહીં પણ સમગ્ર સમાજની છે.

દરેક વ્યકિત દુનિયાને બદલવા માંગે છે, પણ પોતાની જાતને નહીં-લિયો..તોલ્સતોય

Sunday, September 12, 2021

સર્જનયાત્રાનું મંથન-૨૦

પુસ્તકો વાંચવાથી હોંશિયાર થવાય છે એમ નહીં, પુસ્તકો વાંચવાથી બેવકૂફી થોડી ઓછી થાય છે. બુનિયાદી રૂપે, આપણે આપણા જીવનની એક યા બીજી બાબતમાં બેવકૂફ રહી જ જઈએ છે. જેનામાં સહેજ પણ બેવકૂફી ના હોય, તેવી વ્યક્તિ શક્ય નથી. સૌથી હોંશિયાર લોકોને હકીકતમાં એ  ખબર પડી ગઈ હોય છે કે બેવકૂફી કેવી રીતે ઓછી કરાય.શીખવાની આપણી બધી કોશિશો બેવકૂફીઓને ઓછી કરવા માટે હોય છે. આપણે જેટલા હોંશિયાર થઈએ છીએ, તેટલા જ પ્રમાણમાં આપણી બેવકૂફી ઘટે છે.

Saturday, September 11, 2021

વિવેકાનંદની વાણી : મણકો-૯

        


        અખંડ ભારતભૂમિની એક વિરલ વિભૂતી એવા સ્વામી વિવેકાનંદના જીવનનો એક પ્રસંગ છે. એકવાર સ્વામીજી વિચરણ કરતા કરતા અલવર જઇ પહોચ્યાં. અલવર એ સમયે દેશી રિયાસત ગણાતું હતું. અલવરના મહારાજા અંગ્રેજો અને બિનહિંદુઓના સતત સંપર્કમાં રહેવાને કારણે હિંદુ પરંપરા અને સંસ્કૃતિની વાતોની વારંવાર ટીકા-ટીપ્પણી કર્યા કરતા. સ્વામીજીની ભારે નામના અને પ્રસંશા સાંભળીને રાજાએ સ્વામી વિવેકાનંદનો આનંદ-ઉલ્લાસથી સત્કાર કર્યો અને એમને સન્માન સાથે પોતાના મહેલમાં લઇ ગયા.

         રાજ-દરબારમાં સ્વામીજી સાથે સહજ વાતો કરતા કરતા અલવરના મહારાજા એમના સ્વભાવને કારણે હિંદુધર્મ અને બીજી સંસ્કૃતિનો ઉપહાસ કરવા લાગ્યા, જે સ્વામીજીને પસંદ આવ્યું નહીં, કારણ કે તેમના માટે તો ભારતમાતા અને ભારતની આ અમૂલ્ય ધરોહર સમી સંસ્કૃતિનો વારસો જ સર્વસ્વ હતા. એમણે રાજાને યોગ્ય શિક્ષા આપવાનું વિચાર્યુ.

         એમની તદ્‌ન નજીકમાં ઉભેલા રાજાના દીવાનને કહ્યું કે, દીવાનજી મહારાજા સાહેબનો કોઇ સરસ મજાનો ફોટો હોય તો જરા મંગાવજો. દીવાનનો હુકમ થતાની સાથે જ એક નોકર રાજાનો ફોટો લઇ આવ્યો અને સામે મૂકયો. પછી વિવેકાનંદજીએ કહ્યું કે હવે બધા દરબારીઓ આ ફોટા પર થૂંકો ! પણ મહારાજાની હાજરીમાં એમના ફોટા પર થૂંકવાનું સાહસ કોણ કરે. આ જોઇને સ્વામી વિવેકાનંદે રાજાને કહ્યું કે આપની આ પ્રતિકૃતિ જેવા ફોટા પર પણ જો કોઇ વ્યકિત થૂંકવાની કે એનું અપમાન કરવાની હિંમત ના રાખે કારણકે આપના માટે એ આ બધા દરબારીઓને માન-સન્માન છે. એવી જ રીતે આપણા દેવી-દેવતાઓ અને પરંપરા એ આપણા જીવનના મૂલ્યોની પ્રતિકૃતિ છે, જેની ટીકા કરવાનો પણ તમને કોઇ હક નથી. લોકો માત્ર મૂર્તિ કે પ્રતિકૃતિની પૂજા નથી કરતા પણ તેમાં રહેલી પોતાની આસ્થા અને ભકિતની અને વિશ્વાસની પૂજા કરે છે.

" ઉત્તમ ચારિત્ર્ય અને પવિત્ર આચરણ થકી જ શ્રેષ્ઠ માનવનિર્માણ થાય છે. "

         યજ્ઞયાગ, સાષ્ટાંગ દંડવત પ્રણામ, મંત્રોચાર એ જ માત્ર કોઇ ધર્મ નથી. જો તેનાથી આપણા વિચારો પવિત્ર કે ઉચ્ચ થાય તો જ આપણે એ ઇશ્વરનો સાક્ષાત્કાર કરી શકીએ છીએ. દરેક માનવમાત્રમાં જ ઇશ્વરનું દર્શન થાય અને એમના માટે કૃતજ્ઞતાનો ભાવ જાગે એ જ સાચો ધર્મ છે. બાકી જગતના બધા જ ધર્મો જાણે નિષ્પ્રાણ થઇ ગયા છે. માત્ર ઉત્તમ કક્ષાનું ચારિત્ર્ય જ આ જગતમાં સાચા ધર્મની પ્રતિતી કરાવી શકે છે. જેમનું જીવન ઉત્કટ પ્રેમ અને નિસ્વાર્થતાથી પૂર્ણ હોય એવા માનવો જ આ દુનિયામાં પરિવર્તન લાવવા સક્ષમ છે.

     “ જયાં સુધી આ ધરતી પર કોઇપણ માનવ માત્ર કોઇપણ પ્રકારના જાતિના ભેદભાવ કે બંધન વિના કે કોઇપણ અગમ્ય કારણસર ભૂખ્યો રહેતો હોય તો એ સૌથી મોટો અધર્મ છે. એવા મનુષ્યની સેવા કરવાને જ હું સાચો ધર્મ કહીશ. ”

 સ્વામી વિવેકાનંદ વિશે વાંચેલા પુસ્તકોના વિચારોમાંથી... 

Tuesday, September 7, 2021

સર્જનની સરવાણી-૫૪


          જંગલમાં ઝાડ પર બેઠીબેેઠી બુલબુલ પોતાની મસ્તીમાં ગણગણી રહી હતી. એ જ વખતે એની નજર ઝાડ નીચેથી પસાર થતા એક ખેડુત પર પડી. ખેડુતના હાથમાં લાકડાનું એક નાનું ખોખુ હતું, જેને એ ભારે સંભાળ સાથે લઇ જઇ રહ્યો હતો. બુલબુલે એને પૂછયું કે તું આ ડબ્બાને કયાં લઇ જઇ રહ્યો છે? અને આ ડબ્બામાં એવું તો શું છે? ખેડુતે કહ્યું કે એમાં કીડી-મંકોડા છે અને એને હું વેચીને થોડા રૂપિયા કમાઇશ, એમાંથી કેટલાક પીંછા લઇ આવીશ. આ સાંભળીને બુલબુલે ખેડુતને વાત કરી.

         મારી પાસે ઘણા પીંછા છે, તું મને આ કીડી-મંકોડા આપી દે, તો હું તને ઘણા પીંછા આપીશ. લઇ લે તો તારુ પણ કામ થઇ જશે અને મારે પણ કીડા-મંકોડા શોધવા માટે બહાર જવું નહીં પડે. બુલબુલની વાત ખેડુતને સમજાઇ ગઇ અને એ વાત માનવા માટે તૈયાર થઇ ગયો. એણે કીડા-મંકોડા આપી અને પીંછા લઇને જતો રહ્યો. એવી જ રીતે બીજા દિવસે પણ એ ખેડુત આવ્યો અને આગલા દિવસની જેમ જ કર્યું. ત્રીજો દિવસ..ચોથો દિવસ..પાંચમો દિવસ..સિલસિલો ચાલુ રહ્યો. અને અમુક દિવસો બાદ એક દિવસ એવો આવ્યો કે જ્યારે બુલબુલના શરીર પર એક પણ પીંછુ રહ્યું નહીં. 

        હવે આ બુલબુલ માટે ઉડવા માટેની પણ હિંમત રહી નહીં. એનો દેખાવ પણ કદરૂપો થઇ ગયો. પછી તો એણે ગાવાનું પણ બંધ કરી દીધુ અને એમ થતા થતા થોડા દિવસમાં એનો જીવ જતો રહ્યા. આમ, બુલબુલે પોતાના ભોજન મેળવવાનો શોર્ટકટ કરવા જતા હકીકતમાં એણે પોતાનો જીવ ગુમાવ્યો.

સર્જનવાણી : જીવનમાં સફળતા મેળવવા માટે કોઈ શોર્ટ-કટ હોતા નથી. સાચી દિશામાં  પ્રમાણિક  મહેનત જ સફળતા તરફ દોરી જાય છે. 

Sunday, September 5, 2021

સર્જનયાત્રાનું મંથન-૧૯

આપણે કોઈ વ્યક્તિને એ જેવી છે તેવી નથી ધારતા. આપણે તેને આપણી જરૂરિયાત પ્રમાણે ધારીએ છીએ. આપણું મન પોતાને અનુકૂળ હોય તે રીતે વાસ્તવિકતાનું એડિટિંગ કરે છે. એટલે કોઈ વ્યક્તિ આપણાને ગમતી હોય, તો આપણે તેની ત્રુટીઓ કે નકારાત્મક બાબતોને જોવાનું ટાળીએ છીએ, અને તેની સારી બાબતો પર ફોકસ કરીએ છીએ. તે જો ન ગમતી હોય, તો તેની ત્રુટીઓ મોટી થઈ જાય છે. એટલે અજાણી વ્યક્તિથી આકર્ષાઈ જવાનું સરળ હોય છે. સંબંધોમાં તટસ્થ રહેવું દુર્લભ હોય છે, અને એ જ ગુણ કેળવવા જેવો છે. બાકી, કોઈ વ્યક્તિને સારી કહેવી કે ખરાબ કહેવી, એમાં કોઈ બુદ્ધિનું કામ નથી.