Tuesday, April 27, 2021

સર્જનની સરવાણી-૩૫

 મનોદિવ્યાંગ બાળકોનાં હૃદયપ્રિય શિક્ષિકા નેહલ ગઢવી પોંખાયાં

        ભાવનગરની મનોદિવ્યાંગ માટેની અંકુુર શાળાના એક વર્ગમાં એક શિક્ષિકાની ચારેબાજુ બાળકો બેઠાં છે. એ શિક્ષિકા પૂરેપૂરાં તન્મય થઈને તેમને ભણાવી રહ્યાં છે. ત્યાં જે થઈ કહ્યું હતું તેને વ્યક્ત કરવા ભણાવી રહ્યાં છે એ શબ્દનો પનો ખૂબ ટૂંકો પડે. શિક્ષિકા બાળકો સાથે ઓગળી ગયાં હતાં, આત્મસાત થઈ ગયાં હતાં અથવા એકરૃપ થઈ ગયાં હતાં. વર્ગના ઉંબરેથી જોયેલું એ દ્રશ્ય આજે પણ એમનું એમ, અસલ એ જ રીતે મારા સ્મરણપટ પર અકબંદ છે. જાણે કે એ દ્રશ્ય આ વિશ્વનું જ નહોતું. કોઈ બીજી જ દુનિયામાં હતાં એ બાળકો અને તેમનાં શિક્ષિકા.

        એ શિક્ષિકાનું નામ નેહલ ગઢવી. ભાવનગરની વિશ્વખ્યાત સંસ્થા પીએનઆર સોસાયટીની અંકુર શાળાનાં તેઓ શિક્ષિકા. 14 વર્ષથી તેઓ અહીં ફરજનિષ્ઠ છે. 14 વર્ષનો મનવાસ માણ્યાની તેમની વાતો સાંભળીએ તો કાન ધન્ય થાય અને હૃદય પ્રસન્ન. તેમને નવમી ડિસેમ્બર, 2018ના રોજ National Society For Equal Opportunities For The Handicapped, India સંસ્થા દ્વારા શ્રેષ્ઠ શિક્ષિકાનો એવોર્ડ એનાયત કરાયો. તેમનો પ્રતિભાવ તો જુઓઃ સન્માન વ્યક્તિનું નથી હોતું પણ તેના દ્વારા જીવાતા માનવીય મૂલ્યો, આદર્શો અને સ્વપ્નનું હોય છે, વ્યક્તિ તો નિમિત્ત હોય છે. 

        મંદ બુદ્ધિનાં બાળકો માટે કામ કરવું સાૈથી કપરું. જો હૃદય કરુણાથી ના છલકાતું હોય તો તમે કામ કરી જ ના શકો. નેહલબહેને મંદ બુદ્ધિનાં નાનાં નાનાં બાળકોના વિશ્વમાં અજવાળું પાથર્યું. એમનાં માતાપિતાનું પણ કાઉન્સેલિંગ કરવું પડે. આવા બાળકોના જીવનને, પ્રત્યેક ક્ષણને, અરે, તેમના દરેકે દરેક શ્વાસનું જતન કરવું પડે. નેહલ ગઢવીએ તે કર્યું. તેથી તો તેમને વ્યક્તિના મનોજગતની સમજ ફ્રોઈડ કરતાં આ બાળકોએ વધારે આપી. 

        બીજાં દિવ્યાંગો કરતાં મંદ બુદ્ધિનાં બાળકો સાથે કામ કરવું, તેમને તાલીમ આપવી, તેમની પાસેથી કામ લેવું ખૂબ વિકટ હોય છે. નેહલ ગઢવી પાસે નાનાં બાળકો આવે. મંદ બુદ્ધિનાં બાળકોને તૈયાર કરવામાં મગજ કરતાં હૃદયનો વધુ ઉપયોગ કરવો પડે. માત્ર ઉપયોગ નહીં, યોગ, પ્રયોગ, વિનિયોગ અનેક પ્રકારના યોગ ભેગા કરવા પડે ત્યારે જરૃરી સુયોગ રચાય. આવાં બાળકો પાસે બુદ્ધિ કરતાં પ્રેમ અને તર્કને બદલે શ્રદ્ધા જ વધારે ખપમાં આવે. નેહલબહેને અત્યંત ધીરજ અને પાકી નિસબતથી આ કાર્ય કર્યું. 

        પ્રવાસ કેળવણીનું મોટું અંગ પણ આવાં બાળકોના પ્રવાસ કરાવવા અઘરા અને જોખમી. ઘણા તો દલીલ પણ કરે કે તેમને પ્રવાસ કરાવો કે ના કરાવો કશો ફરક ના પડે. જોકે નેહલ ગઢવી જુદી માટીનાં. તેમની પાટી પણ નોખી. તેઓ પોતાનાં બાળકોને ઈમેજિકાના પ્રવાસે લઈ ગયાં. બાળકોને જગત બતાવીને જુદી દષ્ટિ આપવાનો તેમને પરિતોષ થાય. તેઓ નોંધે છેઃ મારો આ મંદબુદ્ધિ બાળકો સાથેનો દોઢ દાયકનો નાતો અને નિસબત ફિલ્મની પટ્ટી જેમ મને દેખાય છે, સ્મરણો ઉભરાય છે, સંવેદનો છલકાય છે, સંવાદો પડઘાય છે. મારું ખરું ઇનામ મારા બાળકોનો આનંદ છે. મારી શ્રેષ્ઠ ભેટ, આ બાળકો સાથે વિતાવેલી પળો છે. એવી સાર્થક પળો જેમાંથી મને જીવનનાં સાર અને સૌંદર્ય મળ્યાં હોય.

    આ સ્ટોરીમાં ભાવનગરના નિશીથ મહેતાને યાદ ના કરીએ તો સ્ટોરી અધૂરી લાગે. તેઓ પોતાની માઈક્રોસાઈન કંપનીમાં દિવ્યાંગોને વર્ષોથી નોકરી આપે છે. નોકરી શબ્દ અહીં શોભે નહીં. આશરો, છાંયો, તક કે નવું જીવન આપે છે એમ કહેવું જોઈએ. અહીં પણ નેહલબહેનનો રોલ અને બોલ કામ આવે. મંદ બુદ્ધિના કર્મચારીઓને તાલીમ આપવામાં, તેમનું કાઉન્સેલિંગ કરવામાં તેઓ ભરેલા હૃદયે અને ખડે પગે હાજર હોય. સદાય, સતત, સસ્મિત. 

        નેહલબહેન કહે છે, નિશીથભાઈએ અમારાં બાળકોને એક સક્ષમ વ્યક્તિ બનવાની યાત્રામાં સાથ આપ્યો. હમેશા નોકરી આપીને તેમને આત્મગૌરવનો અનુભવ કરાવ્યો. એવોર્ડ મેળવ્યાની પળે તેઓ શ્રી અનંતભાઈ શાહ (બાબાભાઈ), અંકુરના ટ્રસ્ટી અલ્પેશભાઈ, આચાર્ય મેઘજીભાઈ, જીવનસાથી સુભાષભાઈ ભટ્ટ, મિત્ર જય વસાવડા, રિદ્ધિ મહેતા અને ભાવના અંધારિયાને યાદ કરે અને પોતાનાં મમ્મી પપ્પાને પણ વંદે. નેહલ ગઢવીએ મંદ બુદ્ધિનાં અનેક બાળકોને પોતાના હૃદયથી સેવ્યાં.

આવાં થોડાંક વધુ નેહલ મળે તો શિક્ષણની વિષમતા અને સમાજની કરુણતાની સમસ્યા હલ થાય. તેમને 11 દરિયા ભરીને અભિનંદન અને નિરામય દીર્ઘાયુષ્ય સાથે હૃદયગમતી જિંદગી માટે શુભેચ્છાઓ.

(પોઝિટિવ મિડિયા માટે આલેખનઃ રમેશ તન્ના, 9824034475) ( સાભાર સાથે આ લેખ અહિયાં વોટ્સએપ પરથી લઈને મૂક્યો છે, જેના થકી વાચકમિત્રો અને સમાજમાં આ પ્રવુતિની સુગંધ પ્રસરે )

Thursday, April 22, 2021

વિશ્વ પુસ્તક દિવસ

            ૨૩મી એપ્રિલ સમગ્ર વિશ્વ ‘ વર્લ્ડ બુક એન્ડ કોપીરાઈટ ડે’ તરીકે ઉજવાય છે. આ દિવસ વિશ્વ પર્સિદ્ધ સાહિત્યકારો મિગ્યુંએલ લર્વાન્ટીસ, વિલિયમ શેક્સપિયર અને ઇન્ફા ગાર્સિલસો-દ-વેગાની જન્મતિથી આવે છે આ ઉપરાંત જગપ્રસિદ્ધ સાહીત્યકારોની પૂણ્યતિથી આવતી હોવાથી યુનેસ્કોએ ૧૫મી નવેમ્બર ૧૯૯૫ના રોજ પેરિસમાં યોજાયેલ કોન્ફરન્સમાં ૨૩ એપ્રિલ `વિશ્વ પુસ્તક દિન` તરીકે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું. આ દિવસનો મુખ્ય હેતુ વધુ ને વધુ લોકો શિષ્ટ વાંચન માટે જાગૃતિ તથા પ્રેરણા મળે. ભારતમાં પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

            આજના ઇન્ફર્મેશન યુગમાં પણ પુસ્તકોનું મહત્વ ઓછું થયું નથી. પુસ્તકો જ આ વિશ્વને પ્રેરણા આપી શકે છે. સમજણ, સહનશીલતા અને સંવાદ માટે સામાજિક જાગૃતિનું કામ પુસ્તકો જ કરે છે. પુસ્તકોની મૈત્રી માનવીના જીવનઘડતર પર નિર્ણાયક પ્રભાવ પાડે છે. પુસ્તકોની મૈત્રીમાં પણ સારાનરસાનો ભેદ છે. પુસ્તકો પ્રતિકૂળ સંજોગોમાં આપણા આત્માને સદા જાગૃત રાખી યોગ્ય દોરવણી આપે છે. પુસ્તકો માનવીને ઉત્કૃષ્ટ જીવનજીવવાનું શીખવે છે. સારા પુસ્તકો માનવજીવનનું ઘડતર કરે છે. જ્યારે નરસાં પુસ્તકો જીવનને બરબાદ કરી નાખે છે. 

મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે “ પુસ્તકનું મૂલ્ય રત્નથીય વિશેષ છે. રત્ન બહારથી ચમક આપે છે જ્યારે પુસ્તક તો અંત:કરણને અજવાળે છે.”  જે વ્યક્તિના ઘરમાં પુસ્તકોનો સંગ્રહ નથી, એ ઘર નથી પણ સ્મશાન છે.

સ્વામી વિવેકાનંદ પુસ્તક વિષે કહ્યું છે કે “ પુસ્તકો પ્રત્યેનો સ્નેહ એ ઈશ્વરી રાજ્યમાં પહોચવાનો પરવાનો છે. જે સુખ તમને અનંત સમૃદ્ધિ કે મહેલોમાંથી નહિ મળે શકે તે સુખ ઉત્તમ પુસ્તકોમાંથી મળશે”

યુનેસ્કો દ્વારા ૧૯૯૫થી દર વર્ષે ૨૩ એપ્રિલે વિશ્વ પુસ્તક દિવસ ઉજવવાનું જાહેર થયું છે. ભારત સરકારે ૨૦૦૧મા આ દિવસને વિશ્વ પુસ્તક દિવસની માન્યતા આપી હતી.


પુસ્તક વિશે લેખક, ચિંતકો , વિચારકો તથા મહાનુભાવોની વિચારકણિકાઓ :

૧. પુસ્તકો એટલે વિચારોના વૃંદાવનમાં ઉભેલાં વૃક્ષો - ગુણવંત શાહ

૨. પુસ્તક એટલે વ્યક્તિનાં વિચારોનું વસિયતનામું અને લેખકના દિલનો દસ્તાવેજ - કાકાસાહેબ કાલેલકર

૩. વિચારની લડાઈમાં પુસ્તકો જ હથિયાર છે - જ્યોર્જ બર્નાડ શો

૪. નર્કમાં શ્રેષ્ઠ પુસ્તકો હોય તો હું નર્કમાં જવા તૈયાર છું - લોકમાન્ય તિલક                         

૫. કિતાબે કુછ કહના ચાહતી હૈ,  તુમ્હારે પાસ રહના ચાહતી હૈ - સફદર હાશમી                     

૬. જિંદગી માણવી હોય તો પુસ્તકો સાથે મિત્રતા કરો - ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન               

૭. પુસ્તકો વગરનો ઓરડો આત્મા વગરના દેહ સમાન છે  - સિસેરો                     

૮. પુસ્તકો સમાજનો "આયનો" જ નથી, "બ્યુટી પાર્લર" પણ છે.

૯. ઉત્તમ પુસ્તકો લોકશિક્ષણની "ટેકસબુક"ની ગરજ સારે છે.

૧૦. ગ્રંથ બતાવે પંથ.

૧૧. ગ્રંથથી ગ્રંથી ટળે છે.

૧૨. ગ્રંથાલય એ જ દેવાલય.

૧૩. પુસ્તકો સોટી કે ચાબુક વિના શીખવતા શિક્ષકો છે.

૧૪. પુસ્તકો આપણી જીવનયાત્રાનો ભોમિયો છે.

૧૫. પુસ્તક એ સંસ્કાર ઘડતરનું પારણું છે, વાંચન એ વ્યક્તિ વિકાસનું બારણું છે.

૧૬. પુસ્તક જેવો કોઈ સાચો મિત્ર નથી, વાંચન ન કરે , તેનું કોઈ ચરિત્ર નથી

૧૭. આપણે આપણી જાતને જ્યાં ખોઈ પણ શકીએ અને શોધી પણ શકીએ તે જગ્યા એટલે પુસ્તક.

૧૮. "લીડર" બનવું હોય તો પહેલાં "રીડર"  બનો.

૧૯.  "બુકે" નહીં , "બુક" આપો.

૨૦. ગુજરાતીઓ "ચોપડા" ની સાથે "ચોપડી"  પણ વાંચો. 

                                                                                (સંપાદન સહયોગ : પારેખ લાલજીભાઇ-બોટાદ )

Tuesday, April 20, 2021

સર્જનની સરવાણી-૩૪

         

        થોડો વિચાર કરવાની જરૂર છે કે રાષ્ટ્ર માટે નિષ્ઠા અને વફાદારીથી કામ કરતા લોકો અને એના પરિવાર પ્રત્યે રાષ્ટ્રના નાગરિક તરીકે આપણી કોઈ ફરજ ખરી ?

        અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્મૃતિમાં સરદાર મેમોરીયલ બનાવેલું છે.એક વૃદ્ધ સ્ત્રી આ મેમોરીયલ ની મુલાકાતે રોજ આવતી હતી. મેમોરિયલમાં આવવાનો રોજનો એનો નિત્યક્રમ હતો. સવારે એક ઓટોરિક્ષામાં બેસીને આવે, થોડો સમય મેમોરિલમાં રોકાય અને બીજી રીક્ષામાં બેસીને જતા રહે.

         એક દિવસ એ વૃદ્ધા સરદાર મેમોરિયલ માંથી બહાર નીકળી રોજ રિક્ષામાં બેસીને ઘરે જતી એ વૃદ્ધા આજે ચાલવા લાગી. એક રિક્ષાવાળાએ આ વાતની નોધ લીધી કે આ માજી રોજ રિક્ષામાં જાય છે. આજે કેમ ચાલતા-ચાલતા જાય છે.એ રીક્ષા લઈને પેલા માજી પાસે  ગયો અને કહ્યું,"માડી બેસી જાવ રિક્ષામાં.ક્યાં જવું છે તમારે ?"

        માજી એ રિક્ષાવાળાની સામે જોઇને કહ્યું " ભાઈ, રિક્ષામાં બેસવું તો છે પણ તને ચૂકવાનું ભાડું નથી મારી પાસે "રિક્ષાવાળા એ કહ્યું "માજી આવી પરિસ્થિતિ છે,તો પછી અહીંયા રોજ શું કરવા આવો છો ? અહીંયા એવું તો શું છે કે રોજ સવારે પોહચી જાવ છો ?"

         માજીએ સહેજ સ્મિત સાથે કહ્યું " હું મારા બાપને મળવા માટે રોજ અહીં આવુ છુ " રિક્ષાવાળાએ કહ્યું,"તમે શું કહો છો તે કંઈ સમજાતું નથી. "પેલી વૃદ્ધ સ્ત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું "અરે મારા ભાઈ, હું સરદાર વલ્લભભાઈ પટેલની દીકરી મણીબહેન છુ."

      પેલો રિક્ષાવાળો તો ભારત ના એક વખતના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન રહી ચૂકેલા હિંદના સરદારની દીકરીની આવી દશા જોઈને ચોકી ઉઠ્યો.

Tuesday, April 13, 2021

સર્જનની સરવાણી-૩૩

“મોમ, હું થોડા મહિનાઓ માટે વિદેશ જવાનો છું. મેં તારા રહેવાની વ્યવસ્થા કરી દીધી છે.” લગભગ 32 વર્ષના, અવિવાહિત ડૉક્ટર સુદીપે મોડી રાત્રે ઘરે પહોચતાવેંત જણાવ્યું હતું.

“દીકરા, તારે વિદેશ જવું જરૂરી છે?” માતાએ બેચેન અને ગભરાતા અવાજે કહ્યું.

“મમ્મી, મારે ઈંગ્લેન્ડમાં અમુક વિષયો ઉપર સંશોધન કરવા જવાનું છે. આમ પણ થોડાક જ મહિનાઓની તો વાત છે.” સુદીપ જણાવ્યું હતું.

“જેવી તારી મરજી”, મરેલા અવાજમાં માતાએ કહ્યું. બે દિવસમાં સુદીપ તેની માતા પ્રભાદેવીને પડોશી શહેરના વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યો.

        શરુ શરુમાં વૃધ્ધાશ્રમમાં દરેક વૃદ્ધનાં ચહેરા પર જીવન માટે હતાશા અને નિરાશા હોય છે. પરંતુ, પ્રભાદેવીના ચહેરા પર આવા કોઈ પણ નિરાશાની કરચલી સુધ્ધાં ન હતી. એક દિવસ કેટલાક વૃધ્ધ આશ્રમમાં તેમની નજીક વાત કરી રહ્યા હતા. એમાં બે-ત્રણ સ્ત્રીઓ હતી. તેમાંથી એક બોલી ઊઠી કે, “ડોક્ટરના કોઈ સગાસબંધી ન હતા જે તેમને અહી મૂકી ગયા?”

        ત્યાં જ એક યુવતી બોલી, “પ્રભાદેવીના પતિનું મૃત્યુ યુવાનીમાં જ થઈ ગયું હતું. અને, તેમના મૃત્યુ વખતે સુદીપ આશરે ચારેક વર્ષનો હતો. પ્રભા દેવી અને તેમના પુત્રને રહેવા અને જમવાના ફાંફા પડી ગયા હતા. ત્યારે કોઈ પણ સગાંએ તેમની મદદ નહતી કરી. પ્રભા દેવીએ બીજાનાં કપડા સીવીને દીકરાનું ભણતર પૂરું કર્યું હતું. દીકરો પણ ભણવામાં ખુબ જ હોશિયાર હતો એટલે જ તો ડોક્ટર બની શક્યો. હવે આવામાં કયા સગાને ત્યાં સુદીપ મૂકવા જાય?”

એક દિવસ, પ્રભાદેવીએ 6 મહિના પછી આશ્રમની ઓફીસના સંચાલક રામ કિશન શર્માના ફોનથી સુદીપના મોબાઇલ પર ફોન કર્યો. “સુદીપ, તું ભારતમાં આવી ગયો છે કે હજુ ઇંગ્લેંડમાં જ છે?”

‘મમ્મી, હજુ ઇંગ્લેંડમાં જ છું.’ સુદીપનો જવાબ હતો.

ત્રણ-ત્રણ ચાર-ચાર મહિને પ્રભાદેવી સુદીપને ફોન કરતી અને દર વખતે તેનો એક જ જવાબ હતો, ‘મમ્મી હજુ ઇંગ્લેન્ડમાં જ છું.’

        એમ કરતા કરતા લગભગ બે વર્ષ પસાર થવા આવ્યા. હવે વૃધ્ધાશ્રમમાં લોકો કહેવા લાગ્યા કે, “કેવો હોંશિયાર પુત્ર નીકળ્યો, કેવી છેતરપિંડીથી તેની માતાને છોડીને જતો રહ્યો!” આશ્રમના જ એક વૃદ્ધે કહ્યું કે, “મને નથી લાગતું નથી કે ડોક્ટર વિદેશ-પિદેશ ગયો હોય, તે તો માત્ર આ વૃદ્ધ સ્ત્રીથી છૂટકારો મેળવવા માગતો હતો.” પછી અન્ય એક વૃદ્ધે જણાવ્યું હતું કે, “પરંતુ તે તો પરણેલો પણ ન હતો!” “અરે! હશે કોઈ ગર્લફ્રેન્ડ કે જેણે કીધું હશે કે પહેલા આ ડોશીની રહેવાની સગવડ કર પછી જ પરણીશું.”

        બે વર્ષ વૃદ્ધાશ્રમમાં રહ્યા પછી પ્રભાદેવીને પણ પોતાના નસીબની ખબર પડી ગઈ. દીકરાનું દુઃખ તેમને અંદર ને અંદર જ કોરી ખાતુ હતું. બીજા બે વર્ષ પસાર થયા પછી પ્રભાદેવીનું મૃત્યુ થઈ ગયું. વૃદ્ધાશ્રમનાં લોકોએ સંચાલક શર્માજીને કહ્યું, “તેમની મૃત્યુના સમાચાર તેમના દીકરાને તો આપી દો. અમને તો નથી લાગતું કે એ વિદેશમાં હોય, હશે આપણા જ દેશમાં.”

“આમના દીકરાને હું કેવી રીતે ખબર આપું? એના મૃત્યુને તો ત્રણ વર્ષ થઈ ગયા!” શર્માજીની આ વાત સાંભળીને ત્યાં ઉભા લોકોને ચક્કર આવી ગયા. તેમનામાંથી એક બોલ્યો, “જો તમને ખબર હતી અને તમે કહો છો એ સાચું છે તો પ્રભાદેવી મોબાઈલમાં કોની સાથે વાત કરતા હતાં?”

“તેના દીકરાનો મોબાઇલ તો મારી પાસે છે જેમાં તેના દીકરાની રેકોર્ડ કરેલી અવાજ છે.” શર્માજી બોલ્યા.

“પણ આવું કેમ?” કોઈકે પૂછ્યું.

        ત્યારે શર્માજી બોલ્યા, આશરે ચાર વર્ષ પહેલા જયારે સુદીપ તેની માતાને અહી મૂકવા આવ્યો ત્યારે મને કહ્યું હતું કે, “શર્માજી મને બ્લડ કેન્સર છે. એક ડોક્ટર હોવાના લીધે મને ખબર છે કે તેના છેલ્લા સ્ટેજમાં મને ખૂબ જ તકલીફ થવાની છે. મારા મોં તેમજ દાઢીમાંથી લોહી પણ નીકળશે. મારી આ હાલત મારી મમ્મીથી નહીં દેખાય. તે જીવતા જીવતા જ મરી જશે. મારે તો મરવાનું જ છે પણ, હું નથી ઇચ્છતો કે મારા પહેલા મારી મમ્મી મરી જાય. મારા મરણ પછી અમારો ૨ રૂમનો નાનકડો ફ્લેટ અને બીજી વસ્તુઓ આશ્રમના નામે કરી દઈશ પણ તમે મારી માતાનું ધ્યાન રાખજો.” આ સાંભળીને ત્યાં ઉભેલ દરેકની આંખો ભીની થઈ ગયી.

        પ્રભાદેવીના અંતિમસંસ્કાર આશ્રમના જ એક ભાગમાં કરવામાં આવ્યા. તેમના અંતિમસંસ્કારમાં આશ્રમમાં રહેતા વૃદ્ધોના પરિવારને પણ બોલાવવામાં આવ્યા. 

સર્જનવાણી: મા-દીકરાની અતૂટ અને અનમોલ પ્રેમની વાર્તાની જ અસર હતી કે અમુક દીકરાઓ તેમના માતા-પિતાને પાછા ઘરે લઇ ગયા. 

Sunday, April 11, 2021

વિવેકાનંદની વાણી-મણકો-૪

 


               સનાતન સંસ્કૃતિના જનક એવાં ભારતની વિરલ વિભૂતિ સ્વામી વિવેકાનંદનું જીવન સદાય દરેક બાળકો, યુવાનો અને હર કોઈને પ્રેરણા આપે છે. એમના જીવનનાં દરેક પ્રસંગો આપણને ઉત્તમ શિખામણ આપી જાય છે. આવો જ એક નાનકડો પ્રસંગ જોઈએ. જે એમના શિક્ષણકાળ દરમિયાનનો છે.

                એકવાર એવું બન્યું કે શાળામાં પરીક્ષાઓ શરુ થવાનો સમય ખૂબ જ નજીક આવી ગયો હતો અને એમની તૈયારીઓ હજુ બાકી હતી. નરેન્દ્રને ઇંગ્લેન્ડનો ઇતિહાસ આવડતો ન હતો. તેમણે ઇંગ્લેન્ડના ઇતિહાસ વિષેનું પુસ્તક જ હજુ સુધી વાંચ્યું પણ ન હતું. 

           અત્યાર સુધી એમણે ઇતિહાસ તરફ જરાપણ ધ્યાન આપ્યું ન હતું, એટલે હવે આ વિષય વાંચ્યા વિના ચાલે તેમ ન હતું. આખરે એક દિવસ નરેન્દ્રએ દ્રઢ નિશ્વય કર્યો કે કોઈપણ સંજોગોમાં આ વિષયને વાંચવો જ પડશે અને તેના વિના ચાલે એમન નથી. આખરે એક દિવસ ઊંડા નિર્ધાર સાથે તેઓ માંમાંના ઘરમાં એક એકાંતવાળો ઓરડો હતો, જેનું પ્રવેશદ્વાર ખૂબ હ સાંકડું હતું. એક માણસ ખૂબ જ મુશ્કેલીથી તેમાં પ્રવેશી શકે એટલી જગ્યા હતી. 

            એટલે વિવેકાનંદ પોતાની ઇતિહાસનું પુસ્તક લઈને એ એકાંત ઓરડીમાં બેસી ગયા. એક દિવસ, બે દિવસ એમ ગણતાં ગણતાં પૂરા ત્રણ દિવસ સુધી નાનકડા નરેન્દ્રએ ઇંગ્લેન્ડનો ઇતિહાસ વાંચ્યો અને પૂર્ણ કર્યો. આ કાર્ય પૂર્ણ કરીને જ તેઓ ત્યાંથી બહાર આવ્યા. હવે એમને નાપાસ થવાની કોઈ જ ચિંતા નહોતી. આવો પ્રસંગ આપણા દરેક બાળકો અને યુવાનો માટે દ્રઢ વિશ્વાસ અને અકળ નિર્ધારનું ઉદાહરણ પૂરું પાડે છે. આવા આપણા વિવેકાનંદ સાચા અર્થમાં દરેક વ્યક્તિ માટે પ્રેરણાની મૂર્તિ સમાન હતા.  

 વિવેકાનંદવાણી :  આપણને એવી કેળવણીની જરૂર છે કે જેના દ્વારા ચારિત્ર્યનો વિકાસ થાય, બુદ્ધિક્ષમતા વધે અને માનસિક ઘડતર થાય અને જેનાથી માણસ પોતાના પગ પર ઊભો રહી શકે. 

Friday, April 9, 2021

વિરલ વિભૂત- ખલિલ જીબ્રાન

કેળવણીના આ મહાન યજ્ઞમાં થોડી આહુતિઓ આપવાના આશયથી શરૂ કરેલી આ સફરમાં આપણે આજે વાત કરવી છે ખલિલ જીબ્રાનને વિશે. આજની વાત માટે ખલીલ જિબ્રાનને પસંદ કર્યા છે. કારણકે આપણી ગુજરાતી ભાષામાં એમના વિશે બહું વધારે લખાયું નથી અને એવા અંદાજમાં પણ લખાયું નથી જેવા મિજાજના તેઓ સર્જક હતા. 

        ખલિલ જીબ્રાનની જો વાત કરવામાં આવે તો જીબ્રાન એમનું વાસ્તવિક નામ હતું. તેઓ ૬-જાન્યુઆરી ૧૮૮૩ ના રોજ લેબેનોન દેશના બથરી નામનાં નગરમાં એક સુખી સંપન્ન પરિવારમાં જન્મયાં હતા. માત્ર ૧૨ જ વર્ષના આયુષ્યમાં તેઓ તેમના પરિવારની સાથે બેલ્જીયમ, ફ્રાંસ, અમેરિકાનું ભ્રમણ કરતા કરતા ન્યુયોર્ક શહેરમાં સ્થાયી થયા હતા.

 ત્યાં તેમણે બાળકો માટેની પબ્લીક સ્કુલમાં અભ્યાસ કર્યો. તેઓ રાત્રિશાળામાં વાંચન માટે જતા અને આના લીધે તેમને વાંચનનો શોખ પણ વિકસ્યો હતો. તેમને ચિત્રકલાનો પણ ગજબનો શોખ હતો. તે ખુબ જ સુંદર ચિત્રો બનાવી જાણતા હતા. આ શોખને માટે તેમણે ફ્રાંસની ફાઇન આર્ટસ એકેડમીમાં મૂર્તિકળાની શિક્ષા લીધી હતી.

પેરિસથી પરત ફરીને તેઓ ન્યુયોર્કમાં નિવાસ કરવા લાગ્યા હતા અને તેમના પરિવાર પ્રેમને કારણે તેઓ એમની સાથે સમય વિતાવવા બોસ્ટન જતા રહેતા. ત્યાં પણ શાંતિથી ચિત્રકલામાં સમય વિતાવતા હતા. એમના જીવનમાં નાની ઉંમરમાં જ માતા અને બહેનોનાં મૃત્યું બાદ ખુબ જ કઠણાઇઓ પડી હતી અને એમનું આ દર્દ એમણે કવિતાના રૂપે બહાર કાઢયું અને ઉત્તમ રચનાઓ કરી હતી. એમણે એમની ચિત્રકળામાં પણ આ પ્રાકૃતિક અને સામાજીક વાતાવરણનો સંદેશ આપ્યો હતો.

 તેઓ એમના વિચારો અને સુભાષિતો જે કહેવતોના સ્વરૂપમાં ચિઠ્ઠીમાં જ લખીને આપતા હતા અને તેમના વિચારોને બે-ત્રણ લાઇનનાં નાના સૂત્ર તરીકે આપતા હતા. ભાષા પર એમનું ગજબનું પ્રભુત્વ હતું. એમની આ કળાને કારણે તેઓ ભારતના કવિવર રવિન્દ્રનાથ ટાગોર સમકક્ષના ગણાય છે.

 જીબ્રાનના ચિત્રોના પ્રદર્શનો પણ ઘણા દેશોમાં યોજાતા હતાં. તેમની લેખનકળા અદ્‌ભુત હતી અને એમની રચનાઓ પણ વિશ્વની ૨૨ ભાષાઓમાં પ્રકાશિત થઈ છે. તેઓ ઇસાઈ ધર્મનું પાલન કરતા હોવાં છતાં પણ પાદરીઓ વડે ફેલાતી અંધશ્રધ્ધાનો વિરોધ કરતા રહેતા. આવા જ કારણથી તેમને દેશનિકાલ આપી દેવાયો હતો. દેશનિકાલ બાદ પણ દેશભકિતના કારણે તે સતત લખતા રહેતા.

        આવા હતા આપણા ઉત્તમ કળાના ઊપાસક ખલિલ જીબ્રાન. માત્ર ૪૮ વર્ષની યુવાન વયમાં એમનું કાર અકસ્માતમાં અવસાન થયું ત્યારે એમની અવસાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઘણા વર્ષો બાદ તેમનો દેહ તેમના પોતાના વતનમાં લાવીન કેથેડ્રલમાં દફનાવામાં આવ્યો હતો. એમની કેટલીક ઉમદા વાતો.. 

·          સત્ય જાણીતું હોવું જોઇએ અને કયારેક તે કહેવાવું પણ જોઇએ.

·          સાચું દાન તો એ છે કે જે તમારા ખપની જરૂરી વસ્તુઓ તમે આપી દો.

·          કેટલાક આનંદની ઇચ્છાએ મારા દુ:ખનો એક ભાગ છે.

·          જો તમારા હાથ પૈસાથી ભરેલા હોય તો એ ભગવાનની પૂજા માટે કેવી રીતે ઉઠી શકે ?

  • મિત્રતા હંમેશા એક મીઠી જવાબદારી છે, સ્વપરિપૂર્ણતાની તક નહીં

Tuesday, April 6, 2021

સર્જનની સરવાણી-૩૨

        એક શિક્ષક વર્ગમાં દાખલ થયા. આ શિક્ષક કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા, તેઓ ખૂબ જ પ્રસિદ્ધ શિક્ષક હતા. ખાસ કરીને એંગર મેનેજમેન્ટ એટલે કે ગુસ્સાને કઈ રીતના કાબૂમાં કરવો તે વિશે તેઓ ખૂબ જ જાણતા હતા, અને તેઓના વિદ્યાર્થીઓને પણ તેઓ અવારનવાર એંગર મેનેજમેન્ટ વિશે સમજાવતા. આજે તેઓ વર્ગમાં એંગર મેનેજમેન્ટ વિશે જ વાત કરવાના હતા. બધા વિદ્યાર્થીઓ ઉત્સાહિત હતા. શિક્ષક વર્ગમાં દાખલ થયા કે તરત જ બધા વિદ્યાર્થીઓએ ઊભા થઈને તેમનું અભિવાદન કર્યું.

        શિક્ષકે ઈશારો કરીને બધાને બેસવા માટે સૂચના આપી. પછી હાથમાં ચોક લઈને પાછળ ફરી બ્લેક બોર્ડ ઉપર તેઓએ 86400 લખ્યું. આવો વિચિત્ર આંકડો લખ્યો એટલે બધા લોકો અચરજ પામ્યા. બધા વિદ્યાર્થીઓના ચહેરા ઉપર મૂંઝવણ સ્પષ્ટ દેખાઈ રહી હતી. એવામાં શિક્ષકે બધા લોકોને એક સવાલ પૂછ્યો. બ્લેક બોર્ડ તરફ ઇશારો કરી અને શિક્ષકે કહ્યું, 

         " જો તમારા બધા પાસે 86400 રૂપિયા હોય અને એમાંથી જો કોઈ લુટેરાઓ આવી અને તમારી પાસેથી દસ રૂપિયા છીનવીને ભાગી જાય તો તમે શું કરો? શું તમે તે લૂંટારાની પાછળ લૂંટાયેલા દસ રૂપિયા પાછા મેળવવાની કોશિશ કરશો? કે પછી તમે તમારી પાસે બાકી બચેલા 86390 લઈને સાવચેતી રાખીને તમારા રસ્તા પર આગળ વધશો? "

        શિક્ષકે સવાલ પૂછ્યો એટલે વર્ગમાં લગભગ બધા લોકો પાસે જવાબ તૈયાર હતો. એક પછી એક ઘણા લોકોને જવાબ પૂછ્યો. વર્ગમાં રહેલા બધા લોકો માંથી મોટાભાગના વિદ્યાર્થીઓ એવું કહ્યું કે દસ રૂપિયાની નાની રકમ પાછી મેળવવા કરતા આપણી પાસે બચેલી મોટી રકમ સાથે લઈને રસ્તા પર આગળ વધીશું.

        મોટાભાગના વિદ્યાર્થીઓએ આવો જવાબ આપ્યો એટલે શિક્ષક હસવા લાગ્યા અને શિક્ષકે કહ્યું તમારા લોકોનું સત્ય તેમજ તમારું અવલોકન જરા પણ સાચું નથી.મેં જોયું છે કે મોટાભાગના લોકો દસ રૂપિયા પાછા લેવાની ચિંતામાં લુટેરાનો પીછો કરે છે અને આખરે પરિણામ રૂપે તેની પાસે બચેલા 86390 રૂપિયાથી પણ હાથ ધોઈ બેસે છે.

        શિક્ષક આવું બોલ્યા એટલે એક પછી એક બધા વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઇને બોલવા માંડ્યા અરે સર, આ અસંભવ છે, આવું કોણ કરે છે? શિક્ષકે કહ્યું, હવે વાતને ધ્યાનથી સમજજો. આ 86400 રૂપિયા એ હકીકતમાં આપણા એક દિવસમાં રહેલી સેકન્ડો છે. એક દિવસમાં કુલ 86400 સેકન્ડ હોય છે. પરંતુ 10 સેકન્ડની વાતને લઈને અથવા પછી કોઈપણ 10 સેકન્ડની નારાજગી અને ગુસ્સામાં આપણે આપણા આખા દિવસ ને વિચારોમાં, ગુસ્સો કરીને ગુમાવીએ છીએ અને એટલે જ આપણી પાસે બચેલી 86390 સેકન્ડ પણ આપણે પોતે જ નષ્ટ કરી નાખીએ છીએ. ખરું ને?

સર્જનવાણી: અમુક વસ્તુઓને ધ્યાનમાં ન લો, કારણકે કદાચ એવું ના થાય કે થોડી પળનો ગુસ્સો તેમજ નકારાત્મકતા તમારા આખા દિવસની તાજગી અને ખૂબસૂરતીને છીનવીને લઈ ન જાય.

Thursday, April 1, 2021

માતાપિતાને વાલી ક્યારે કહીશું....


           સમયની સાથે આવતા પરિવર્તનોમાં આજના બાળકો અને માતા-પિતા વચ્ચેના સંબંધોમાં પણ નવીન્યતા છલકાઈ રહી છે ત્યારે આજે વાત કરવી છે કે બાળકોની નજરે એમને કેવા માતા-પિતા ગમે. આપણને એમ થાય કે શું વાલી અને માતા-પિતા બંને અલગ અલગ હોતા હશે, તો હા મિત્રો આપ સાચું વિચારી રહ્યા છો. આપણા ઘરે જ્યારે બાળકોનો જન્મ થાય  એટલે આપણે માતા-પિતા તો બની જ જઈએ છીએ, પણ શું આપણે સાચા અર્થમાં એક ઉમદા હ્રદય ધરાવતા અને હેતાળ, સ્નેહસભર વાલી બની શકીએ છીએ? તો ચાલો સમજીએ કે આપણા બાળકો એક વાલી તરીકે આપણી પાસેથી કેવી અપેક્ષાઓ રાખતા હોય છે. 

♂વાલી એટ્લે જે બાળકને વ્હાલ પણ કરે અને સાથે વાણી તેમજ વર્તનમાં વિવેક રાખવાનું શીખવે.


♂વાલી એટ્લે એવા માતાપિતા કે જેઓ પોતાના આચરણ અને વ્યવહાર થકી બાળકને શીખવવા તત્પર રહે

.

♂વાલી એટ્લે જે કામ બાળક પાસે કરાવવાની ઇચ્છા હોય તે પહેલા પોતે કરે અને પછી બાળકને કહે કે હવે તને ગમે તો તું આ કામ કર.


♂વાલીને પોતાના સંતાનોની ક્ષમતાની જાણકારી હોય છે એટ્લે એ એમના બાળકો પાસે એમની ક્ષમતા કરતા વધારે અપેક્ષા ન રાખે.પણ તેને સતત પ્રોત્સાહન આપે અને પોતાનો પથ જાતે નક્કી કરવામાં મદદ કરે.


♂હું પોતે પણ એક વાલી તરીકે મારા સંતાનોને આપણી ભારતીય સંસ્કૃતિ અને સનાતન પરંપરાના સંસ્કારો આપવાનો આગ્રહ રાખીશ.


♂એક જાગ્રત વાલી તરીકે હું મારા સંતાનોને જીવનના વિવિધ આયામોને કંડારવા માટે યોગ્ય વાતાવરણ ઊભું થાય તેવો પ્રયત્ન કરીશ.


♂વાલી એમને જ ગણી શકાય કે જેઓ પોતાના સંતાનોને ગુણવત્તાસભર સમય આપે,જે દરમિયાન એમનાં માટે પરિવાર અને બાળકો જ સર્વોપરી હોય, જે વર્તમાન સમયની આવશ્યક જરુરીયાત છે.


                                                                                                            🍁સર્જનાત્મક કરીયે એક વિચાર ..