શુક્રવાર, 14 ઑક્ટોબર, 2022

મનુભાઈ પંચોળી "દર્શક" વંદના


 

        લોકભારતીગ્રામ્યવિદ્યાપીઠસણોસરા ના આદ્ય પ્રણેતા અને સહ સંસ્થાપક ઉત્તમ નવલકથાકાર તેમજ કેળવણીકાર મનુદાદા પંચોળી ઊર્ફે દર્શકદાદાને જન્મજયંતિ પર શત શત વંદન. શ્રી મનુભાઈ પંચોળી ઉત્તમ સાહિત્યકાર, ઉત્તમ ઇતિહાસવિદ, ઉત્તમોત્તમ શિક્ષક, વિશ્વસહિત્યના ઉત્તમ મરમી, ઉત્તમ ખેડૂત, ઉત્તમ સર્જક-ચિંતક, ગાંધી-વિચારના ઉત્તમ પરિશીલનકર્તા, નખશીખ પ્રામાણિક રાજનીતિજ્ઞ, સમાજવાદી, નઈ તાલીમ-નવ નિધાનના પૂજક તથા પ્રણેતા, ગ્રામીણ અર્થકારણના તજજ્ઞ. એમના કેટલાક અવતરણો.. 

        શિક્ષણનું કામ માનવીને બેઠો કરવાનું અને બેઠો હોય તો ઉભો કરવાનું અને ઉભો હોય તો દોડતો કરવાનું છે એ સાથે જ જે સમાજ પોતાના બાળકો માટે સારા શિક્ષણની વ્યવસ્થા કરતો નથી એ સમાજમાં લોકોને કોર્ટ અને લશ્કર માટે વધારે પ્રમાણમાં ખર્ચ કરવો પડે છે.

        ઉમાશંકર જોશીના શબ્દોમાં કહીયે તો નાનાભાઈ ભટ્ટ નસીબદાર કે એમને દર્શક મળ્યા. જોન ધ બાપ્ટિસ્ટની જેમ નાનાભાઈ કહેવામાં ગર્વ લેતા કે જે મારી પાછળ આવે છે તેના જોડાની વાધરી છોડવાની પણ મારી લાયકાત નથી. નાનાભાઈના વાત્સલ્ય થકી આવતાનાં એંધાણ પારખતી ઉમંગભરી ઉદારતાએ દર્શકને ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે. 

       ગામડાની અભણ સ્ત્રી પુરીબાઈથી માંડીને મહાત્મા ટોલ્સ્ટોય, ખેતરથી માંડીને સંસદ, ગ્રામદક્ષિણામૂર્તિના અદના વિધાર્થીથી માંડીને ખલીલ જિબ્રાન, નવજીવનથી માંડીને મૃત્યુ, વિશ્વસમસ્તના મહાપુરુષો, સંતો, ચિંતકો, લેખકો પર વિષદપણે મનનપૂર્ણ ચર્ચા વિચારણા અને આલેખન કરનાર આપણા દર્શક તો સમકાલીન જગતને તોડનાર અને ધારણ કરનાર મૂલ્યોની ઝીણી સૂઝ મેળવવાને પરિણામે એક સાચા જગતનાગરિક બન્યા છે. જય હો લોકભારતીની ધન્ય ધન્ય ધરાની...

( પરિચય સંદર્ભ:મનીષીની સ્નેહધારા માંથી સાભાર )

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો