Sunday, October 23, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૮

 

        કલ્પનાશીલતા અને સર્જનશીલતામાં ફરક છે. કલ્પના એટલે વિચાર, અને સર્જન એટલે તે વિચારનો અમલ. સર્જન અનુશાસન છે, પ્રેરણા નહીં. બહુ લોકોને બહુ ખયાલો આવે, પણ એને સાકાર બહુ ઓછા કરતા હોય છે. કલ્પનાશીલતા એટલે માટીનો લોંદો. સર્જનશીલતા એટલે તેને આકાર આપવો તે. ઘણાં પ્રાણીમાં કલ્પનાશક્તિ હોય છે. અભ્યાસમાં પુરવાર થયું છે કે કૂતરાંને પણ સપનાં આવે છે, પરંતુ માત્ર માણસો જ તેમનાં સપનાં પર આચરણ કરી શકે છે, કારણ કે માત્ર માણસમાં સર્જનની ક્ષમતા છે. એટલા માટે માણસોની સર્જનશીલતાને ક્રિએટિવ ઈમેજીનેશ અથવા ક્રિએટિવ આર્ટ કહેવાય છે. જે કલ્પના બીજી વ્યક્તિના જીવન સુધી પહોંચીને ઉપયોગી ના નીવડે, તેને ખુદના મનનો તુક્કો કહેવાય, સર્જન નહીં. સાધારણ લાગતી કલ્પના પણ તેના ઉત્તમ અમલથી અદભૂત સાબિત થાય, અને શાનદાર કલ્પના તેના અમલ વગર તરંગ જ કહેવાય.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

Sunday, October 16, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૭

 

        બૌદ્ધિક એટલે જે બુદ્ધિ, વિવેક અથવા તર્કશક્તિનો ઉપયોગ કરે છે તે, પરંતુ એવી કઇ વ્યક્તિ હોય જે બુદ્ધિનો ઉપયોગ ના કરતી હોય? તમામ વ્યક્તિ વધતા ઓછા અંશે બૌદ્ધિક ના કહેવાય? અસલમાં બૌદ્ધિક એટલે જેનામાં જિજ્ઞાસા હોય, જેને જીવન વિશે અને જીવન સાથે સંકળાયેલી બાબતો વિશે પ્રશ્નો થાય, જેનામાં દરેક બાબત (રિપીટ- દરેક બાબત)ને સમજવાની ધગશ હોય, સાધારણ લોકો જેની ઉપેક્ષા કરે તેવી જટિલ બાબતોને જે બોધગમ્ય બનાવે, જે સમસ્યાઓનાં સમાધાન શોધે,જે પોતાની અને બીજાઓની અજ્ઞાનતાથી સભાન હોય અને તેને દૂર કરવા નિયમિત પ્રયાસ કરે તેને બૌદ્ધિક કહેવાય. 

        બૌદ્ધિક એટલે એક એવો સ્પાર્ક, જે અચાનક દેખા દે અને આપણને ચકાચાંધ કરીને ઠરી ન જાય, પણ જે સૂરજની માફક સતત સળગતો રહીને આપણને ઉજાશ અને ઉષ્મા આપ્યા કરે. બૌદ્ધિક એક મેરેથોન રનરની માફક લાંબા અંતર સુધી ટકી રહે.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

Friday, October 14, 2022

મનુભાઈ પંચોળી "દર્શક" વંદના


 

        લોકભારતીગ્રામ્યવિદ્યાપીઠસણોસરા ના આદ્ય પ્રણેતા અને સહ સંસ્થાપક ઉત્તમ નવલકથાકાર તેમજ કેળવણીકાર મનુદાદા પંચોળી ઊર્ફે દર્શકદાદાને જન્મજયંતિ પર શત શત વંદન. શ્રી મનુભાઈ પંચોળી ઉત્તમ સાહિત્યકાર, ઉત્તમ ઇતિહાસવિદ, ઉત્તમોત્તમ શિક્ષક, વિશ્વસહિત્યના ઉત્તમ મરમી, ઉત્તમ ખેડૂત, ઉત્તમ સર્જક-ચિંતક, ગાંધી-વિચારના ઉત્તમ પરિશીલનકર્તા, નખશીખ પ્રામાણિક રાજનીતિજ્ઞ, સમાજવાદી, નઈ તાલીમ-નવ નિધાનના પૂજક તથા પ્રણેતા, ગ્રામીણ અર્થકારણના તજજ્ઞ. એમના કેટલાક અવતરણો.. 

        શિક્ષણનું કામ માનવીને બેઠો કરવાનું અને બેઠો હોય તો ઉભો કરવાનું અને ઉભો હોય તો દોડતો કરવાનું છે એ સાથે જ જે સમાજ પોતાના બાળકો માટે સારા શિક્ષણની વ્યવસ્થા કરતો નથી એ સમાજમાં લોકોને કોર્ટ અને લશ્કર માટે વધારે પ્રમાણમાં ખર્ચ કરવો પડે છે.

        ઉમાશંકર જોશીના શબ્દોમાં કહીયે તો નાનાભાઈ ભટ્ટ નસીબદાર કે એમને દર્શક મળ્યા. જોન ધ બાપ્ટિસ્ટની જેમ નાનાભાઈ કહેવામાં ગર્વ લેતા કે જે મારી પાછળ આવે છે તેના જોડાની વાધરી છોડવાની પણ મારી લાયકાત નથી. નાનાભાઈના વાત્સલ્ય થકી આવતાનાં એંધાણ પારખતી ઉમંગભરી ઉદારતાએ દર્શકને ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે. 

       ગામડાની અભણ સ્ત્રી પુરીબાઈથી માંડીને મહાત્મા ટોલ્સ્ટોય, ખેતરથી માંડીને સંસદ, ગ્રામદક્ષિણામૂર્તિના અદના વિધાર્થીથી માંડીને ખલીલ જિબ્રાન, નવજીવનથી માંડીને મૃત્યુ, વિશ્વસમસ્તના મહાપુરુષો, સંતો, ચિંતકો, લેખકો પર વિષદપણે મનનપૂર્ણ ચર્ચા વિચારણા અને આલેખન કરનાર આપણા દર્શક તો સમકાલીન જગતને તોડનાર અને ધારણ કરનાર મૂલ્યોની ઝીણી સૂઝ મેળવવાને પરિણામે એક સાચા જગતનાગરિક બન્યા છે. જય હો લોકભારતીની ધન્ય ધન્ય ધરાની...

( પરિચય સંદર્ભ:મનીષીની સ્નેહધારા માંથી સાભાર )

Sunday, October 9, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૬

     

માણસો વિચારો કરીને પરેશાન રહે છે તેનું  કારણ એ છે કે તેમનું મન પરસ્પર વિરોધી વિચારોને પ્રોસેસ નથી કરી શકતું. સામાન્ય રીતે, મનની અસલી પ્રકૃતિ દ્વૈત (સારું અને ખરાબ)ની છે. આપણે કોન્સિયસ સ્તરે અને અનકોન્સિયસ સ્તરે જુદી અને ક્યારેક વિરોધી રીતે વિચારીએ છીએ. આપણે જ્યારે એ વિરોધીતામાંથી કોઈ એકને પસંદ કરવા માટે બીજાનો ઇન્કાર કરીએ છીએ ત્યારે વૈચારિક સંઘર્ષ સર્જાય છે. દાખલા તરીકે, તમે મૂર્તિપૂજામાં નથી માનતા પરંતુ પરિવારના બીજા લોકો માટે થઈને તમારે કોઈ વિધિ કરવી પડે, તો તમને આકરું લાગવા માંડે છે. આપણે રોજ અનેક વિસંગત વિચારોનો સામનો કરતા હોઈએ છે. આપણા બુનિયાદી મૂલ્યોને સાચવી રાખીને આપણે જો વિરોધાભાસોને પ્રોસેસ કરી શકીએ તો પરેશાની ઓછી થાય છે. આપણી ઉર્જા વિચારોમાં નહીં, આ સંઘર્ષમાં ખર્ચાય છે એટલે તે સ્ટ્રેસ પેદા કરે છે. ડાહ્યો માણસ બે પરસ્પર વિરોધી સત્ય વચ્ચે સંતુલન જાળવી રાખીને પોતાને ગબડી જવા ન દે.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

Sunday, October 2, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૫

 

    વ્યગ્રતા (ઍંગ્ઝાયટિ) ત્યારે આવે જ્યારે મનની અભિવ્યક્તિ અને એક્શનના રસ્તા બંધ હોય. આપણને જ્યારે કોઈક બાબત કોરી ખાતી હોય અને આપણે એમાં કશું જ કરી ન શકીએ, ત્યારે તે ઍંગ્ઝાયટિમાં તબદીલ થઈ જાય. સાધારણ માણસોની સરખામણીમાં લેખકો અને કલાકારો તેમની ઍંગ્ઝાયટિને વધુ સારી રીતે પ્રોસેસ એટલા માટે કરી શકે છે કેમ કે તેમની પાસે સાર્થક અભિવ્યક્તિના ઉપાયો છે. આપણે કોઇપણ રીતે, લખી-બોલીને કે કશું કામ કરીને, જો મનને પ્રોડકટિવ બનાવીએ તો ઍંગ્ઝાયટિની તીવ્રતા ઘટી જાય છે. ઍંગ્ઝાયટિ એ મનનું ઓવરથિન્કિંગ છે. એ ઉર્જાને જો કોઈ કામમાં વાળવામાં આવે તો મન પાસે વિચારો કર્યા કરવાની નવરાશ નથી હોતી. એટલા માટે એક ખેડૂત કે મોચીને ઍંગ્ઝાયટિ જેટલી નથી સતાવતી તેટલી સુખી લોકોને સતાવે છે.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)