Sunday, July 31, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૬

        

        અસહિષ્ણુતા બહાદુરીમાં લપેટાયેલી અસલામતી છે. આપણા તમામ દુર્વ્યવહારોના મૂળમાં ડર હોય છે, બહાદુરી નહીં. બાળપણમાં આપણે પેરેન્ટ્સ કે અન્ય વયસ્ક લોકોના માધ્યમથી જે વ્યવહારોના સાક્ષી બનીએ  છીએ (એમાં કલ્પનાઓ પણ આવી ગઈ), તેમાંથી આપણામાં ડરની ભાવના વિકસે છે. 

        બાળક તરીકે આપણે જો ત્રણ બુનિયાદી ગુણો- બીજાઓ માટેનો પ્રેમ, સદાચાર અને વિવેકબુદ્ધિમાં શ્રદ્ધા અને તેનું સન્માનના કરવાના ભાવ સાથે મોટા થઈએ, તો આપણા માટે દુર્વ્યવહાર અસંભવ બની જાય, પરંતુ જીવન એટલું આદર્શ નથી હોતું, પરિણામે આપણા ઉછેરમાં રહી ગયેલી એ રિક્તતાના કારણે આપણામાં અસલામતી પેદા થાય છે અને આપણે અસહિષ્ણુતા, નફરત, ચીડ, ડર, વગેરેથી એ રિક્તતને ભરી દઈએ છીએ. આપણી અંદરના એ ખાલીપાને કારણે આપણને 'અન્યો'માં એવો દુશ્મન નજર આવે છે, જે જાણે આપણી તકલીફો માટે જવાબદાર હોય. એક વ્યક્તિ કે એક સમાજની અસહિષ્ણુતાની અસલી સચ્ચાઈ તેનો ડર છે.


Sunday, July 24, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૫

        આપણે, બુદ્ધિની સરખામણીમાં, લાગણીઓને વધુ મહત્વ આપીએ છીએ. આપણે જન્મથી લાગણીશીલ છીએ, બુદ્ધિશીલ નહીં. બુદ્ધિ કેમ આવી? કારણ કે લાગણીઓ જીવનની જટિલતાને બોધગમ્ય બનાવવામાં નિષ્ફળ જવા લાગી હતી, અને બીજું, માણસમાં લાગણીઓને નિયંત્રિત રાખવાની જરૂરિયાત ઉભી થઇ હતી. 

        લાગણીઓ માનસિક વ્યાધિ બની જાય છે એવી સમજ માત્ર માણસમાં જ છે (પ્રાણીઓમાં નથી), અને તે બુદ્ધિનો પ્રતાપ છે. આત્મહત્યા કરનારા 90 પ્રતિશત લોકો ભાવનાત્મક વિકારથી પીડાતા હોય છે. તમે કોઈ તંદુરસ્ત વ્યક્તિને બગીચામાંથી બહાર નીકળીને બાજુમાં રેલવે ટ્રેક પર સુઈ જતી ક્યારેય નહીં જુવો. એની લાગણીઓમાં ગેરવ્યવસ્થા હોય તો જ એ શક્ય છે.  આપણે કરેલો પ્રત્યેક (સારો કે ખોટો) વિચાર તેને સમકક્ષ એક ઇમોશન સર્જે છે: હર્ષ અથવા હતાશા. હતાશામાં વધારો થવા લાગે તો તે ડિપ્રેશન લાવે છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ લાગણીઓની વિધ્વંસક પ્રકૃતિનું નિયંત્રણ કરવાને કહે છે.

Sunday, July 17, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૪

        

        તામિલનાડુના થૂથુકુડીમાં રહેતા ડો.અબ્દુલ કલામના ચાહક એવા પોન મરીઅપ્પાને ભણી ગણીને દેશ માટે કંઈક કરવાની ભાવના હતી પરંતુ નસીબે સાથ ન આપ્યો અને 8 ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પરિવારની આર્થિક પરિસ્થિતિને કારણે અભ્યાસ છૂટી ગયો.

        મરીઅપ્પા ભણવાનું છોડીને મજૂરીએ લાગી ગયા. 18 વર્ષ મજૂરી કરીને જે બચત ભેગી થઈ એમાંથી એક હેર કટિંગ સલૂન બનાવ્યું. સલૂનમાં વાળ કપાવવા માટે આવતા યુવાનો એનો વારો આવવાની રાહ જોતા હોય ત્યારે કાંતો પોતાના મોબાઈલમાં લાગેલા હોય અને કાંતો સલૂનમાં રાખેલ ટીવી જોતા હોય. મરીઅપ્પાને આ દ્રશ્યો જોઈને બહુ દુઃખ થતું. ભગવાને આ યુવાનોને આગળ વધવા માટેની તમામ અનુકૂળતાઓ કરી આપી છે છતાં મોબાઈલ કે ટીવીમાં સમય વેડફે છે.

        એકદિવસ મરીઅપ્પાએ એના સલૂનમાંથી ટીવી કાઢી નાખ્યું અને ટી.વી.ના સ્થાને થોડા મેગેઝીન અને વાંચવા ગમે એવા પુસ્તક રાખી દીધા. પોતાના વારાની રાહ જોતા ગ્રાહકો પૈકી અમુક ગ્રાહકો બેઠા બેઠા પુસ્તકોના પાના ફેરવતા અને વાંચતા આ જોઈને મરીઅપ્પાએ નક્કી કર્યુ કે સલૂનમાં જ એક નાની લાઈબ્રેરી બનાવું.

        શરૂઆતમાં થોડા પુસ્તકો લાવીને ગોઠવ્યા પછી દર મહિને કમાણીમાંથી થોડી રકમ બચાવીને નવા પુસ્તકો ખરીદે. અત્યારે 1000 જેટલા પુસ્તકો ભેગા કર્યા છે. મરીઅપ્પાએ એમના ગ્રાહકો માટે એક સ્કીમ બનાવી છે. જે ગ્રાહક પોતે રાહ જોતા હોય એ સમય દરમ્યાન એને પસંદ પડે એવા પુસ્તકના 10 પાના વાંચે અને જે વાંચ્યું હોય એનો થોડા વાક્યોમાં ટૂંકો સારાંશ ત્યાં રાખેલા ચોપડામાં લખે એ ગ્રાહકને ફીમાં 30% જેટલું ડિસ્કાઉન્ટ આપવાનું. મરીઅપ્પાના ચોપડામાં 300 કરતા વધુ ગ્રાહકોએ પુસ્તક વાંચીને સારાંશ પણ લખ્યો છે.

        હેર કટિંગ સલૂનમાં તમે ટી.વી.કે ટેપ, ફિલ્મી અભિનેતા કે ક્રિકેટરના પોસ્ટર, જાત-જાતની બ્યુટી પ્રોડક્ટના ડિસ્પ્લે વગેરે જોયું હશે પણ મરીઅપ્પાના સલૂનમાં જ્ઞાનના સમંદર જેવા અનેક પુસ્તકોના દર્શન કરીને આંખોને ટાઢક મળે.ડો.કલામના ચાહક મરીઅપ્પાની ડો.કલામને આનાથી મોટી શ્રદ્ધાંજલિ બીજી કઈ હોઈ શકે.!

Sunday, July 10, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૩

        રાજકારણમાં રાજકારણીઓનાં જ ડબલ સ્ટાન્ડર્ડ હોય છે એવું નથી. રાજકારણીઓના ભક્તો પણ બેવડાં કાટલાં વાપરતા હોય છે. લોકો તેમને ન ગમતા હોય એવા રાજકારણી પાસે તમામ પ્રકારની નૈતિકતાની અપેક્ષા રાખતા હોય છે, પણ ગમતા રાજકારણીની ગમે તેટલી અનૈતિકતાને ચલાવી લે છે. 

        જે રાજકારણી ગમતો ન હોય તે પ્રમાણિક કાર્યક્ષમ, બુદ્ધિશાળી હોવો જોઈએ, પવિત્ર હોવો જોઈએ, પણ આપણને ગમતો રાજકારણી ચોર હોય તો આપણે તેને વાલિયા લૂંટારા જેવો સેવાભાવી અને વિરોધીઓના ષડયંત્રનો પીડિત ગણાવીએ છીએ. ભારતમાં સરેરાશ લોકો ભકત માનસિકતાવાળા છે. તેમને રોટી, કપડાં અને મકાન સિવાય ફિકર નથી હોતી. એટલે તે કામના રાજકારણીની ત્રુટીઓને માફ કરી દે છે. આ કારણથી મોટાભાગના રાજકારણીઓ સત્તામાં આવીને ભ્રષ્ટ અને અનૌતિક થઈ જાય તો પણ જનતાને ફરક નથી પડતો કારણ કે જનતા વાલિયા લૂંટારાના પરિવાર જેવી છે: તેમને લૂંટના ભાગથી મતલબ છે, પાપથી નહીં.

        રાજકારણીઓના અનુયાયી બનવું એટલે સ્વેચ્છાએ  વૈચારિક જેલમાં જવા જેવું છે. તમે તેમની વાતમાં એકવાર વિશ્વાસ રાખતા થઈ જાવ, પછી તમને એ વાત અને એ વાત કરવાવાળી વ્યક્તિ બંને એવા ગમવા લાગે કે તમને તેની તમામ ત્રુટીઓ દેખાતી બંધ થઈ જાય. 

        તે વ્યક્તિ પછી ધારે તે રીતે તમારા વિશ્વાસમાં ઘાલમેલ કરી શકે. તે તમને કશું પણ મનાવી શકે. એમાં ટ્રેપ એ છે કે, ન તો તમે એવું સ્વીકારી શકો કે તમે બેવકૂફ બન્યા છો, કે ન તો તમે તમે મુકેલા વિશ્વાસની વિરુદ્ધ થઈ શકો છો, કારણ કે વિશ્વાસની વિરુદ્ધ થવાનો અર્થ ખુદની સામે થવાનો છે. એટલે તમારે એ વિશ્વાસ અને એ વ્યક્તિ સાથે રહેવું જ પડે. ભક્તિ સિંહની સવારી છે. સારું જ થશે, એવી આશામાં ઉપર બેસી રહેવું પડે. ઉતરો તો સિંહ ખાઈ જાય! મોટાભાગના રાજકીય અનુયાયીઓ સિંહ પર બેઠેલા ગધેડા જેવા લાગે છે, કારણ કે બેસતાં પહેલાં તેમને સિંહ ગધેડા જેવો લાગતો હતો.


Sunday, July 3, 2022

સર્જનયાત્રાનું મંથન-૬૨

વયસ્ક ઉંમરે નવા દોસ્તો બનાવવા કેમ અઘરા હોય છે? કારણ કે દોસ્ત બનાવવા જેવા ઉત્તમ લોકો દોસ્તીઓ કરવા સિવાયનાં બીજાં સાર્થક કામોમાં વ્યસ્ત હોય છે. એ ઉંમરે આપણા જીવનની દિશા ગોઠવાઇ ગઈ હોય છે. દોસ્તો બનાવવા માટે નાની ઉંમરે આપણી પાસે જેટલો સમય અને અવસર હોય છે, તેની મોટા થયા પછી અછત સર્જાય છે. બીજું, શરૂમાં કહ્યું તેમ, વયસ્ક વયે દોસ્તીની વ્યાખ્યા બદલાઈ જાય છે. એ ઉંમરે આપણને ચોકલેટ આપે કે સિનેમા જોવા સાથે આવે તેવા દોસ્તોની જરૂર નથી હોતી. ત્યારે આપણને એવા સંબંધોની આવશ્યકતા હોય છે, જેમાં સમજદારી, સન્માન અને બહેતર પ્રગતિની ભાવના હોય. 

આપણે નાના હોઈએ ત્યારે આપણી અંદર બીજા લોકોને અધીન રહેવાની જરૂરિયાત હોય છે. આપણે પરિપક્વ થઈએ પછી ખુદના જીવનને અધીન થઈ જઈએ છીએ. આપણી એ દિશાની બહાર જઈને દોસ્તી કરવી અઘરી હોય છે. એટલા, જે લોકો વયસ્ક વયે દોસ્તીઓની તલાશમાં હોય છે, તે ન તો સાર્થક સંબંધને નસીબ થાય છે કે ન સાર્થક જીવનને.