Sunday, November 27, 2022

સર્જનયાત્રાનું મંથન-૮૨

        

        કોઈ આપણને પોતાની અંગત વાત કરે ત્યારે તે આપણાં પર વિશ્વાસ મૂકીને એ વાત કરતા હોય, આવી વાતને પોતાના સુધી જ રાખવી ખુબ જરૂરી છે. બીજાની ગરિમા સાચવવી એ આપણા પોતાના મૂલ્યોનું પ્રતિનિધિત્વ છે. જે લોકો પોતાના જીવન જેટલું જ બીજા ના જીવનને મહત્વ આપતા હોય તે હંમેશા બીજાની અંગત વાતો પોતા સુધીજ રાખતા હોય છે. 

        કેટલીકવાર, આપણે કોઈ વ્યક્તિ વિશે કંઈક જાણતા હોઈએ જે તેમણે બીજા કોઈ પાસે જાહેર કર્યું ના હોય. ખબર હોય કે આ વાત કોઈને કહેવાની નથી છતાં  જાણતા અજાણતા બીજા સુધી પહોંચાડી દેતા હોય છે. ઘણીવાર તો ફક્ત પોતાના રોમાંચ માટે કોઈની અંગત વાત  સમાચારની માફક બધે ફેરવી દેતા હોય. જયારે આવુ કોઇ કરે ત્યારે તેઓ એ ભૂલી જાય છે કે આ કરવાથી કોઈકનું આત્માસન્માન ઘવાય છે અને સાથે તેમનું જીવન પણ મુશ્કેલ બનાવી રહ્યા છે. કોઈ વ્યક્તિની અંગત વાત જયારે જાહેર થાય ત્યારે તેમની સંવેદનશીલતા પર ઘા લાગે છે. અને તેઓ ભાવનાત્મક રીતે ખુલ્લા પડી ગયા નો અનુભવ કરે છે જેનાથી તેમના સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે.

        દરેક વ્યક્તિની જીવનકથાનુ મૂલ્ય સાચવવુ જોઈએ.  બીજાના આત્મસન્માનને જયારે આપણે જાળવીએ છીએ ત્યારે આપણે આપણા મૂલ્યો માં ઉમેરો કરીએ છીએ.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

Sunday, November 20, 2022

સર્જનયાત્રાનું મંથન-૮૧

 

           ગઈકાલ માં એક વિધાન હતું. "મિત્રોને મિત્રતા માટે રાખવા, પણ કામ સ્કિલ્ડ અને સક્ષમ લોકો સાથે જ કરવું." એક મિત્ર પૂછે છે કે આવું કેમ? એમાં એવો ભાવ અભિપ્રેત છે કે, મિત્રતા અને કામ જયારે ભેગાં થાય ત્યારે નિષ્પક્ષતા જોખમમાં મુકાઈ જાય. કોઈપણ કામમાં સફળ થવા માટે, એ કામ બરાબર થઇ રહ્યું છે કે નહીં, આપણે કોઈ ભૂલ કરી રહ્યા છીએ કે નહીં, એ કામમાં સહયોગ આપી રહેલા લોકો તેને યોગ્ય રીતે પાર પાડી શકશે કે નહીં તેની સમય-સમય પર તટસ્થ સમીક્ષા કરતા પડે. મિત્રતા હોવાના કારણે એવી પ્રામાણિક સમીક્ષા મુશ્કેલ થઈ જાય છે. 

        કાં તો આપણે મિત્રતાની લાગણીમાં તણાઈને નીરક્ષીર વિવેક ગુમાવી દઈએ, અથવા, બે આંખની શરમના કારણે મિત્રની ભૂલ દેખાતી હોય તો પણ બતાવી ન શકીએ. બેઝિકલી, એમાં હિતોનો ટકરાવ ઉભો થાય; એક તરફ મિત્રતા છે અને બીજી તરફ કામ. કોનું રક્ષણ કરવું? સલીમ ખાન અને જાવેદ અખ્તર બંને કુશળ હતાં, પરંતુ 15 વર્ષ પછી કડવાહટ સાથે છૂટા પડ્યા તેમાં દોસ્તી આડી આવી હતી. મિત્રતા બાંધછોડ પર નિર્ભર હોય. કામમાં જે સૌથી શ્રેષ્ઠ હોય તેની જ પ્રાથમિકતા હોય. મિત્રતાનો આધાર લાગણીઓ હોય, કામ લક્ષ્ય આધારિત હોય. મિત્રતામાં "સારું" લાગે તેવું કરવાનું હોય,કામમાં "સાચું" હોય તે કરવાનું હોય છે.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

Sunday, November 13, 2022

સર્જનયાત્રાનું મંથન-૮૦

        સાચું ક્યારેક ક્યારેક એટલું કડવું હોય છે ને કે જો તમે ભૂલથી બોલી જાઓ તો કેટલાક સંબંધ તૂટી જાય છે અથવા બગડી જાય છે અને જો એ સાચું ના કહેવામાં આવે તો મન ઘૂંટાય છે..મન માં દબાયેલી વાતો ઝેર નું રૂપ ધારણ કરે છે અને સ્વયં ને મારવા આવે છે.. રોજ થોડું થોડું મરવું એના કરતા એ સંબંધ ને છોડી દેવો..કેટલીક વખત આપણને આવા સવાલો નો સામનો કરવો પડે છે.

        પણ જો સાચું બોલવા માત્ર થી જે આપડી જોડે સંબંધ તોડી નાખે તો હકીકત માં સંબંધ જ જુઠ્ઠો ને ખોટો હોય છે. જે સંબંધ માત્ર સાચું બોલવા થી તૂટી થઈ જાય તો એ જુઠ ની બુનિયાદ પર ટકેલો સંબંધ કેટલો અંશે વ્યાજબી ગણાય..

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)

Thursday, November 10, 2022

નાનાભાઈ ભટ્ટ વંદના

 

ૠષિતુલ્યકેળવણીકારનાનાભાઈભટ્ટની જન્મજયંતિ નિમિત્તે એમના ચરણોમાં શત શત વંદન...

            ગુજરાત અને સમગ્ર ભારત સહિત વિશ્વમાં બાળ-કેળવણી અને કૌશલ્ય વર્ધક કેળવણી જેવા ક્ષેત્રોમાં અમૂલ્ય પ્રદાન કરનાર આપણા ગરવા ગુજરાતી સ્વ શ્રી નૃસિંહપ્રસાદ ભટ્ટ કે જેઓ નાનાભાઈ ના નામથી ઓળખાય છે, આજે એમની જન્મજયંતિ નિમિત્તે આપણે એમના ચરણોમાં શત શત વંદન કરીએ. પોતાનું સમગ્ર જીવન જેમણે શિક્ષણ જેવા ક્ષેત્રમાં સમર્પિત કરીને વર્ષો પહેલા છાત્રાલય વાળી સંસ્થાઓ ઊભી કરી અને એ સંસ્થાઓને ઉમદા આદર્શ સાથે નિષ્ઠાપૂર્વક ચલાવી. ભાવનગર શહેરમાં આવેલી દક્ષિણામૂર્તિ વિધાર્થી વિધાભવન, ત્યારબાદ આંબલા ખાતે ગ્રામ-દક્ષિણામૂર્તિ અને છેલ્લે ઉંમરના સાતમા દાયકામાં જ્યારે સામાન્યપણે માણસો આરામ, વિશ્રામ અને ભક્તિભાવ તરફ નજર ફેરવે છે, એવા આ પડાવમાં નાનાભાઈ ભટ્ટ સણોસરાની પવિત્ર ધરતી પર લોકભારતી ગ્રામ વિધાપીઠની સ્થાપના કરે છે. મનુભાઈ પંચોળી જેવા સમર્થ કેળવણીકારને સાથે જોડીને નાનાભાઈ સણોસરા ખાતે ગાંધીજીની નઈ-તાલીમને સાક્ષાત સાકર કરી બતાવે છે. આ સંસ્થા આજે પણ ૭૫ વર્ષ પછી અડીખમ ઊભી છે, નાનાભાઈના સ્વપ્નોને સાકર કરતી. આવા પ્રયત્નોને વંદન અને પ્રયત્ન કરનારને શત શત નમન.

♀      નાનાભાઈ ભટ્ટના કેળવણી વિષયક વિચારો

♂      આપણાથી કોઇને પણ ભય રહે તો આપણે કેળવણીના ક્ષેત્રમાં રહેવાને લાયક નથી, આપણી ઉપાસના                   તો નિર્ભયતા પેદા કરવાની છે.
♂      પરિગ્રહ માણસને પાડતો નથી પણ પરિગ્રહમાં રહેલી આસક્તિ માણસને પાડે છે.

♂      જીવન એટલે જ કેળવણી અને કેળવણી એટલે જ જીવન.

♂      શિક્ષનો સાચો હેતુ તો ભણનારને સમાજ સાથે જોડવાનો છે.

♂      બાળકો તો રમશે, કૂદશે અને તોફાન પણ કરશે, પણ એટલા માત્રથી એમને મારવા યોગ્ય નથી.

♂      આપણા શિક્ષણશાસ્ત્રીઓએ એમના દર્શનને સ્વતંત્ર રીતે અને વૈજ્ઞાનિક પદ્ધતિની તટસ્થતા સાથે                            મૂલવવું જોઈએ.

♂      વિધાને શીલ અને ચારિત્ર્ય સાથે સંબંધ ન હોય તો વિધા વાંજણી રહે છે. શીલ વિના તો વિધા લેનાર                           માણસ બ્રહ્મરાક્ષસ બને છે.

♂       શિક્ષકની ચાર સંપત્તિઓ છે : શીલ, સદવિધા, વિધાર્થી પર પ્રેમ અને ઉત્પાદક શ્રમ.


    ભારતમાં અધ્યયન અને અધ્યાપનનો સનાતન આદર્શને જીવતો રાખવાનો ભાર જેમના શિરે હતો અને જેઓ પ્રાચીન આદર્શ અને નવી આશાઓ એમ બંનેનો સમન્વય કરી જાણતા હતા તેવા સમર્થ શિક્ષણ-શાસ્ત્રીઓમાંના એક પ્રતિનિધિ નાનાભાઈ ભટ્ટ હતા.-કાકાસાહેબ કાલેલકર

(સંદર્ભ-કેળવણીની પગદંડી, લેખક-નાનાભાઈ ભટ્ટ માંથી સાભાર)

Sunday, November 6, 2022

સર્જનયાત્રાનું મંથન-૭૯

 

         "પ્રેમ કરવો ગુનો નથી, પરંતુ 12-15 વર્ષની ઉંમરે છોકરાં જીવવા, મરવા, ભાગવા સુધીનાં પગલાં લેતાં જોવા મળે છે, ત્યારે પ્રશ્ન થાય કે આટલી નાની ઉંમરે બાળકો કઈ રીતે યોગ્ય પાત્રની પસંદગી કરી શકે? માતાપિતાએ કેવી સમજણ આપવી જોઈએ જેથી  હાર્મોનલ ચેન્જીસ વખતે પણ બાળકો યોગ્ય નિણર્ય લઈ શકે?"

        આપણે સ્કૂલમાં ભાષા, સમાજીકતા, સ્વાસ્થ્ય, સ્વચ્છતા કે કવિતા ભણાવી શકતા હોઈએ, તો પ્રેમના પાઠ કેમ નહીં? આપણી પાસે એન્જીનિયરિંગ કે મેડિકલની આંટીઘૂંટીઓ ભણવાની વ્યવસ્થા હોય, તો પછી ક્યારે અને કોની સાથે લગ્ન કરવું તે જાણવા-સમજવાની કોઈ વ્યવસ્થા કેમ નથી? આપણે વયસ્ક થતા સંતાનને વ્યવસાય શું પસંદ કરવો કે ફાયનાન્સ કેવી રીતે સંભાળવું તે શીખવાડીએ તો પછી સંબંધો વિશે કેમ ના ભણાવી શકીએ? 

        જીવનનો આ સૌથી અગત્યનો નિર્ણય આપણે શરીરની બાયોલોજી પર છોડી દીધો છે. આપણો આ નિર્ણય ટ્રાયલ એન્ડ એરર આધારિત હોય છે. એના માટે તો ઔપચારિક ભણતરની પણ જરૂર નથી હોતી, પેરેન્ટ્સ પાસે તેનો અનુભવ હોય છે. બાળક મોટું થતું હોય ત્યારે તેઓ ડિઝાયર, હોર્મોન, ઇમોશન, ઇન્ટિમસીની જટિલતાઓ વિશે સમજ આપી શકે છે. આપણો આ નિર્ણય ટ્રાયલ એન્ડ એરર આધારિત હોય છે. એના માટે તો ઔપચારિક ભણતરની પણ જરૂર નથી હોતી, પેરેન્ટ્સ પાસે તેનો અનુભવ હોય છે. બાળક મોટું થતું હોય ત્યારે તેઓ ડિઝાયર, હોર્મોન, ઇમોશન, ઇન્ટિમસીની જટિલતાઓ વિશે સમજ આપી શકે છે. 

        મોટાભાગના પેરેન્ટ્સની સમસ્યા એ છે કે તેઓ પોતે જ કમ્ફર્ટેબલ નથી હોતાં, કારણ કે તેમનાં પેરેન્ટ્સ પણ નહોતાં. આ  સાઇકલ તોડવાની જરૂર છે. પૈસા કેમ કમાવા એ શીખવાડવાનું જેટલું અગત્યનું છે, તેટલું જ અગત્યનું પ્રેમ કરવાનું (રાધર, પ્રેમ કોને અને ક્યારે નહીં કરવાનું) શીખવાડવાનું છે. મોટાભાગનાં પેરેન્ટ્સ એ હકીકતથી પણ સભાન નથી કે બાળકો બહુ વહેલાં મેચ્યોર થાય છે. પેરેન્ટ્સ સંતાનોમાં આવતાં ડિઝાયરનાં પૂરને રોકી ન શકે, પણ એમાંથી કેવી રીતે સફળતાપૂર્વક જીવનનું નેવિગેશન કરવું તે ચોક્કસ શીખવી શકે, શરત એટલી જ કે તેમણે વાસ્તવિક, પ્રામાણિક અને વિશ્વસનીય અભિગમ રાખવો પડે.

(વોટ્સએપ ગ્રુપ-ફક્ત ગુજરાતી શાયરીઓમાંથી સાભાર)