Sunday, March 13, 2022

સર્જનયાત્રાનું મંથન-૪૬

         આજ મારે વાત કરવી છે જીવનના ઘડતરની અને જીવનની માવજતની. આજનું બાળક કે યુવાન આપણા જુના પરંપરાગત રીતિ-રીવાજોને જો આધુનિકતાના સમન્વય સાથે અપનાવે તો તે જીવનમાં જોઇએ તે મુકામ હાંસલ કરી શકે છે. કારણ કે આપણા વડીલોએ ઘણા બધા રીવાજો માત્ર દેખાડો કરવા નહિં પણ જીવનના ઊંચા મૂલ્યોને સાર્થક કરવા માટે બનાવ્યા હતા, જે આજના વર્તમાન સમયમાં એટલા જ સત્ય પૂરવાર થયા છે.

         પહેલાના સમયમાં બાળકને છ કે સાત વર્ષનો થાય પછી જ શાળામાં અભ્યાસ માટે મોકલવામાં આવતો અને ઘણા સમય સુધી એ એક રિવાજની જેમ સ્થાપિત થઇ ગયેલો. આ છ કે સાત વર્ષનું બાળક પોતાનું બાળપણ ખુબ જ સારી રીતે માણી લીધા બાદ, માં-બાપ અને દાદા-દાદીનું વ્હાલ પણ મનભરીને માણી લીધા બાદ શાળામાં દાખલ થનારુ એ બાળક પણ એટલી જ જીજ્ઞાસાવૃતિ સાથે જીવનના પાઠ શીખતો હતો. રમત-ગમત અને ખેલકુદના શીખેલા દાવથી શરીર કસાયેલું રહેતું. બાળકને બીમારીની બહુ અસર પણ થતી નહોતી. આ બાળકોએ પણ આગળ વધીને પોતાની યુવાનીમાં સારામાં સારી મહેનત કે પરિશ્રમથી તેમના જીવનમાં ઊંચા મુકામ હાંસલ કર્યા છે. ગાંધીજી, સરદાર પટેલ, ધીરુભાઇ અંબાણી, વિનોબા ભાવે, સ્વામી વિવેકાનંદ જેવા અનેક મહાપુરુષોએ જીવન કેળવણીની તાલીમ લઇને આગળ આવ્યા છે.

         અંતમાં એટલું જ કહેવાનું કે સ્પર્ધાત્મક અને ઝડપી ટેકનોલોજીના આ સમયમાં બાળકને માત્ર ભણતર જ નહીં પણ ઘડતર અને ગણતરવાળું વાતાવરણ પણ આપીએ. આ સાથે જ જય જય ગરવી ગુજરાત..

No comments:

Post a Comment