Friday, August 28, 2020

મેઘાણી વંદના

ગુજરાતી સાહિત્યમાં જેમનું અડાભીડ આભ જેવું અમર સ્થાન છે અને જેમણે આઝાદી સમયકાળ દરમિયાન ખૂબ જ ઉત્તમ કક્ષાના સાહિત્યનું સર્જન કર્યું અને અનેક નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ, સૌરાષ્ટ્રના જુદા-જુદા પંથકોમાં હરી ફરીને જેમણે સાહિત્યનું સર્જન કર્યું છે એવા આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને તેમના ૧૨૪મી જન્મજયંતિએભાવાંજલિ...

‘રાજ’ મેઘાણી છે મોભી સૌરાષ્ટ્રનો, એની ભૂજાયું કેટલી લંબાણી,

મહારાષ્ટ્રના મોભી શિવાની, તે આંયથી દોરિયું તાણી.

ગવાશે આ ગુર્જરી માતની વાણી ત્યાં શાયર મારો, આવશે યાદ એ મેઘાણી...

—કવિ રાજભા ગઢવી

મેઘાણી આ ધરતી પર ‘૫૦ વર્ષ, ૬ મહિના, ને ૧૨ દિવસ’ રહ્યાં.કામ સવાસો જેટલા પુસ્તકો.આજે એમનાં જન્મદિવસની યાદમાં એમનું ચપટીક સાહિત્ય...

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ જ્યારે માર્ચ ૧૯૩૧માં ‘ગોળમેજી(બીજી) પરિષદમાં’ જવું કે કેમ? જેવી પરિસ્થિતિ ત્યારે ગાંધીજીની મન: સ્થિતિ નું વર્ણન કરતું ગીત "છેલ્લો કટોરો આ ઝેરનો પી જજો બાપુ" લખ્યું....ને મેઘાણી ને “રાષ્ટ્રીય શાયર” નું બિરૂદ મળ્યું....

‘ધંધૂકાની જેલમાં’ એમણે એક ગીત ગાયું "હજારો વર્ષ જૂની અમારી વેદના" ખુદ ન્યાયધીશ ‘ઇસાણી’ કોર્ટમાં આંસુથી ભીંજાઈ ગયા બીજે દિવસે જજ સાહેબનું રાજીનામું....

ગાંધીજી ખુદ વાઈસરોય ને પત્ર લખે ‘અમારો કવિ નિર્દોષ છે, આ નાની વાત નથી’....

મેઘાણી નો કાવ્યસંગ્રહ ‘યુગ વંદના’ જેને માટે એમને “રણજિતરામ સુવર્ણચંદ્રક” મળેલો,

રવિશંકર મહારાજ’ વિશે લખેલ "માણસાઈનાં દીવા" ઉત્તમ પુસ્તક માટે “મહીડા પારિતોષિક”(૧૯૪૬) 

રાજકોટ માં ‘ગાંધીજી’ ના સત્યાગ્રહ વખતે દરબાર ‘ધર્મેન્દ્રસિંહજી’ માટે “પોઢો બાપુ! બાપલા રે નિરાંતે નાથ, ધીંગી ધરા નાં નાથ”...લખ્યું...

‘દાંડીકૂચ’ દરમિયાન "શી રીતે જાગિયો આ અજગર સરીખો દેશ"...લખ્યું....

મેઘાણી કહે છે, અભણને ઓળખો, ભણેલાં_અભણના ભેદની ભિંતું ને તોડો. અભણ સંતકવિ કે લોકસાહિત્યવિદ્ ઉપર આજે વિદ્વાનો P.HD. કરે છે એના પાયામાં મૂળ મેઘાણી છે...

પ્રથમ ગીત ૧૯૧૩ માં લખ્યું "ઝરુખે દીવો બળે"...

એમની ઉત્તમ નવલકથા "તુલસી ક્યારો"..

લોકગીતો માટે એમને ઘેલું લગાવડનાર હતા બરડાના બગવદરનાં નાં ‘ઢેલીબાઈ મેરાણી’ જેમના માનમાં "રઢિયાળી રાત" ભાગ:૪ એમને અર્પણ કરેલો.

              આવી તો અનેક કૃતિઓ મેઘાણીભાઈએ લખી અને એમાં સૌરાષ્ટ્રની રસધાર અને એના સંતો તેમજ બહારવટિયાઑ વિષે એમને ખૂબ જ સંશોધન કરીને ઉત્તમ વસ્તુઓ જગત સમક્ષ ઉઘાડી કરી અને જણાવ્યું કે તમે જેમને બહારવટિયાઓ સમજો છો તેમાં પણ ખાનદાની અને શૂરવીરતા ભરેલી છે અને એમણે આપણા પંથકમાં વસનારા સૌ કોઈ દિન-દુખીને મદદ કરવા માટે જ આવો ભેખ લીધો છે. એમની ચારણક્ન્યા નામની કવિતા ગુજરાતી ભાષાનું ઉત્તમ ઘરેણું છે. ગુજરાતનાં ગામડાઓ અને એમાં વસનારા લોકોની વાણી અને એમની જીવનકહાણીને મેઘાણીભાઈએ વાચા આપી હતી. આવા આપણા મેઘાણીભાઈને અંજલિ આપવા માટે જ એમના દીકરા મહેન્દ્રભાઇ મેઘાણી ભાવનગરમાં લોકમિલાપ નામથી એક ટ્રસ્ટ ઊભું કરીને એમના પિતાની અનેક કૃતિઓને પ્રકાશિત કરી. સાથે સાથે બીજા અનેક સાહિત્યકારોને પણ એમના પુસ્તકો પ્રકાશિત કરવા માટે મદદ કરતાં રહ્યા. થોડા સમય પહેલા જ એમની ઉંમર થઈ જતાં એમને જાતે જ એમની હયાતીમાં આ સંસ્થા સંકેલી લીધી છે. પિતા-પુત્ર બંનેએ મળીને ગુજરાતી ભાષા અને સાહિત્યને અન્ય ભાષાના સાહિત્યની હરોળમાં સ્થાન અપાવામા અમૂલ્ય ફાળો આપ્યો છે. વારંવાર વંદન છે મેઘાણી ભાઈને અને એમના પુત્ર મહેન્દ્રભાઈ મેઘાણીને.  

જનની જણે તો ભક્ત જણ, કાં દાતા કાં શૂર,

નહીં તો રહેજે વાંઝણી, 

મત ગુમાવીશ નૂર.


Tuesday, August 11, 2020

કૃષ્ણનું કૃષ્ણત્વ - કર્મ ભક્તિ અને જ્ઞાનનો સમન્વય

             

              શ્રી કૃષ્ણ એટલે અનન્વય અલંકાર જે પોતે જ એક ધર્મ છે. તેમનું જીવન એ જીવન જીવવાની રીત શીખવે છે. આ એવા ઈશ્વર છે  જે દરેક પરિસ્થિતિમાં અતૂટ અને અથાગ છે. કૃષ્ણ કોઈ પણ તકલીફમાંથી ઉગારી પણ શકે છે અને એ જ કૃષ્ણ આપણને ભવપાર પણ ઉતારી શકે છે. વિશ્વનો એકમાત્ર એવો પરમાત્મા જે નાચી શકે છે, ગાઇ શકે છે તેમજ  દરેક પરિસ્થિતિમાં  હસી પણ શકે છે. કૃષ્ણની કથા જાણવા કરતાં સભાનપણે કૃષ્ણની જીવનગાથા જાણે તો માનવ સહજ રીતે મૂળ સ્વરુપે કૃષ્ણને પામી શકે. આપણી આસપાસની સૃષ્ટિની દરેક પ્રકૃતિએ કૃષ્ણનો જ અંશ છે. કૃષ્ણની મહાનતા એની સરળતામાં છે. તે ચોરી કરીને માખણ ખાઈ શકે છે અને સ્વાર્થ રાખીને ચણા એકલા ન ખવાય એવો બોધ પણ આપી શકે છે. તે કયારે ચીર ખેંચવા અને કયારે ચીર પુરવા  બંનેનો ભેદ અને સમય પણ જાણે છે. આ એ જ કૃષ્ણ છે જે માણસની જેમ વાયદાઓ કરે છે અને પરિસ્થિતને આધીન આ વાયદાઓ તોડે પણ છે. આપણો કૃષ્ણ એવા તો મક્કમ મનનો છે, જે દરેક પરિસ્થિતિમાં અડીખમ ઉભો રહી શકે છે અને રણ છોડીને પણ જઈ શકે છે. 

              કૃષ્ણ મને કયારેક માણસ જેવો જ દેખાય છે. જે આપણને આ વસ્તીમાં કયારેય નહીં મળે, માત્ર મસ્તીમાં જ મળશે. આ કૃષ્ણને પામવા કરતાં એને મળીએ, એને જાણીએ, એના વિશે વાંચીએ, એની સાથે વાતો કરી, એની  સાથે સેલ્ફીઓ પડાવી, એની સાથે ગીતો ગાતા ગાતા સાથે  રાસ લઈને એને ખુલ્લા હદયે માણી લેવામાં જ મજા છે. આ કૃષ્ણ આપણી આસપાસ જ છે. કદાચ આપણો મિત્ર જ છે, કારણકે તે આણા જીવનના દરેક પરિબળોમાં આંશિકપણે ઉપલબ્ધ છે.આપણી મુશ્કેલીની સ્થિતિમાં આપણી પાસે આવી જ જાય છે. રસ્તો ચિંધવા એને કશી જ ફોર્માલિટી ની જરૂર નથી, એ સૌને કહીને ગયો છે. 

          " संम्भवामि युगे युगे....."

                આ એ જ શ્રી કૃષ્ણ છે, જેણે કર્મનો સિધ્ધાંત માત્ર આપ્યો જ નથી પરંતુ એ સિધ્ધાંતને જીવી જાણ્યો છે. તેના સમગ્ર કાળમાં એણે એકપણ દિવસનો આરામ કર્યો હોય એવો એવો એક પણ દાખલો આપણને નથી મળતો. એ અવિરત વહેતો પ્રકાશ છે, જે શૂન્યાવકાશને પણ ભેદી શકે છે. તે હથિયાર લીધા વગર પણ યુદ્ધનું પરિણામ નકકી કરી શકે છે, પરંતુ આ બધાની સાથે-સાથે આ દરેક પરિસ્થિતિમાં તે હસતો જ રહે છે. કૃષ્ણગાથાને અને એણે આપેલા શ્રીમદ ભગવદગીતાના સિધ્ધાંતોને જીવનમાં અમલમાં મૂકવા હોય તો આપણે પણ આપણા જીવનમાં નિષ્કામ  કર્મની સાથે નિષ્કામ હાસ્યનું પણ પાલન કરવુ જરુરી જોઈએ.

             કૃષ્ણ અને પ્રેમ એકબીજાના પર્યાય તો છે જ પણ કૃષ્ણ એ પ્રેમ નો ઉદ્દગાર છે. પ્રેમ શબ્દને ઉચ્ચારતી વખતે કૃષ્ણમાંથી પસાર થવું જ પડે છે. આખી કૃષ્ણકથામાં કૃષ્ણએ દરેક અવસ્થામાં પ્રેમને જ વહેંચ્યો છે, પણ એણે કયારેય એવો સંદેશો નથી આપ્યો કે પ્રેમમાં બધુ જ ચાલે પણ સાથે એ ચોક્કસપણે  બતાવ્યું છે કે પ્રેમ વિના કંઈ પણ ચાલતું નથી. એમણે બતાવેલ ભગવદગીતાના ૧૬માં અધ્યાયમાં કૃષ્ણ જે જીવ્યા છે તેને આધારે જ કહ્યું છે કે પ્રેમ એ બિનશરતી છે. આ એ જ કૃષ્ણ છે જે યુધ્ધ સમયે પણ પ્રેમની રજુઆત કરી શકે અને કર્ણ અને પાંડવોની વચ્ચે પણ પ્રેમભાવનો સેતુનિર્માણ કરી જાણે છે. યુદ્ધના સમયે કહેવાયેલી ગીતામાં પણ એ પ્રેમની રજૂઆત કરી શકે છે એટલે જ એ કૃષ્ણ છે.

              અંતમાં આપણી વર્તમાન યુવા-પેઢીએ કૃષ્ણમાંથી કેળવવા જેવો સૌથી અગત્યનો ગુણ હોય તો એ છે કે કૃષ્ણ એ દરેક કાર્ય ને પુર્ણતા આપવાનો પ્રયત્ન કર્યો છે, એણે એક પણ કાર્ય અધૂરું નથી છોડ્યું. આપણને ક્યારેક એવું લાગે કે એનો પ્રેમ અધૂરો રહી ગયો હતો, પણ એણે તો પ્રેમની બધી જ અવસ્થામાં જીવીને એને પરિપૂર્ણ કર્યો છે એટલે જ એને પૂર્ણ પુરુષોત્તમ કહેવાયા છે. આવો આ પૂર્ણ પુરુષોત્તમ ને વંદન કરી ને એમનાં જીવન ને ચંદન બનાવીએ.

               ખરેખર ! કૃષ્ણ એ તો કૃષ્ણ જ છે અને સદાય આપણી આસપાસ જ છે.

લેખક: પરાગ પાનસૂરિયા તરફથી  "કૃષ્ણમ્ -વંદે-જગતગુરૂ"

Monday, August 3, 2020

વોરેન બફેટ - વિશ્વનાં ધનિકોમાં જીવન સાર્થક કરનાર ધનકુબેર


          વોરન બફેટે ૩૧ બિલિયન ડોલરનું દાન કર્યું તે પછી સીએનબીસીએ લીધેલા તેમના ટેલિવિઝન ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કરેલાં કેટલાંક વિધાન વિશ્વભરના ધનપતિઓ માટે જ નહીં પરંતુ દુનિયાભરના તમામ લોકોએ તેમાંથી શીખવા જેવી વાત છે. કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો આ પ્રમાણે છે. 

(૧) મને મારી જિંદગીની કમાણીનો હિસ્સો પહેલી જ વાર ૧૧ વર્ષની વયે પ્રાપ્ત થયો હતો. એ વખતે મોંઘવારી નહોતી. તમે તમારાં બાળકોને ઇન્વેસ્ટ કરતાં શીખવો.

(૨) મેં ૧૪ વર્ષની વયે ન્યૂઝ પેપર્સનું વિતરણ કરીને જે બચત કરી હતી તેમાંથી મેં એક નાનકડું ફાર્મ ખરીદ્યું. તમે નાનકડી પણ બચત કરીને ઘણું મેળવી શકો છો. તમે તમારા સંતાનને કોઈ પણ ધંધો કરવા પ્રોત્સાહિત કરો. મેં ૧૧ વર્ષની વયે કમાણીની શરૂઆત કરી હતી, પરંતુ આજે મને લાગે છે કે મેં ઘણું મોડું શરૂ કર્યું. મારે તે કરતાંય વહેલાં કમાવાનું શરૂ કરવાની જરૂર હતી.

(૩) હું આજે પણ ત્રણ બેડરૂમના નાનકડા ઘરમાં રહું છું. આ ઘર મેં આજથી ૫૦ વર્ષ પહેલાં મિડટાઉન ઓમાહામાં ખરીદ્યું હતું. *મારા આ નાનકડા ઘરમાં કોઈ દીવાલો કે બહાર તારની વાડ નથી. મારા ઘરમાં મારે જેની જરૂર છે તેટલી ચીજવસ્તુઓ જ ઉપલબ્ધ છે. તમારે જરૂર છે તે કરતાં વધુ કોઈ પણ ચીજની ખરીદી ન કરો. તમારાં બાળકોને પણ એમ જ શીખવો કે જરૂરિયાત કરતાં વધારાની ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા ન બગાડે.

(૪) હું મારી મોટરકાર જાતે જ ચલાવું છું. ડ્રાઇવર રાખતો નથી. મારી આસપાસ સલામતી માટે પણ માણસો રાખતો નથી. તમે જે છો તે જ રહેવાના છો.

(૫) વિશ્વની મોટામાં મોટી પ્રાઇવેટ જેટ કંપનીનો માલિક હોવા છતાં હું મારા માટે પ્રાઇવેટ જેટ વિમાન રાખતો નથી. જીવનની દરેક બાબતમાં કરકસર કરો.

(૬) બર્કશાયર હાથવે નામની મારી પેઢી ૬૩ જેટલી કંપનીઓ ધરાવે છે. આ તમામ કંપનીઓના સીઇઓને વર્ષમાં હું એક જ પત્ર લખું છું. તેમને મારે જે જોઈએ છે તે લક્ષ્યાંક આપી દઉં છું. હું નિયમિત મિટિંગો બોલાવતો નથી. વર્ષમાં મારા લક્ષ્યાંકો આપવા એક જ મિટિંગ બોલાવી બાકી તે લક્ષ્યાંક હાસલ કરવાનું કામ હું તેમને સોંપી દઉં છું. લક્ષ્યાંક પૂરો કરવાની જવાબદારી મારી કંપનીઓના વડાઓની છે.

(૭) હું યોગ્ય વ્યક્તિને જ યોગ્ય કામ આપું છું. મતલબ કે ‘રાઇટ પિપલ’ ને ‘રાઇટ જોબ’ આપું છું.

(૮) હું મારા સીઇઓને એ નિયમો આપું છું, રુલ નંબર એક : શેર હોલ્ડરનાં નાણાં ડૂબવાં જોઈએ નહીં. રુલ નંબર બે : પહેલા નંબરના રુલનો કદી ભંગ થવો જોઈએ નહીં.

(૯) મોટા મેળાવડાઓ, પાર્ટી કે હાઈ સોસાયટીના જમેલાઓમાં જઈ હું સમય બગાડતો નથી. એમ કરવાને બદલે હું મારા ઘરે જઈ પોપકોર્ન ખાતાં ખાતાં ટેલિવિઝન જોવાનું પસંદ કરું છું.

(૧૦) તમે જે નથી તેનો દેખાડો કરવાનો પ્રયાસ કદી ન કરશો. હું જે છું તેવો જ સમાજમાં દેખાઉં તે જરૂરી છે. તમને જે ગમે છે તે પ્રમાણે જીવનનો આનંદ માણો.

(૧૧) મારી પાસે કોઈ સેલ ફોન નથી. હું મારા ટેબલ પર કમ્પ્યુટર પણ રાખતો નથી.

(૧૨) હું કોઇ ક્રેડિટ કાર્ડ રાખતો નથી. ક્રેડિટ કાર્ડ કદી રાખવું નહીં. હું બેન્કોમાંથી લોન લેતો નથી.

(૧૩) એક વાત યાદ રાખો કે પૈસો માનવીનું સર્જન કરતો નથી, પરંતુ માનવી જ પૈસાનું સર્જન કરે છે.

(૧૪) બની શકે તેટલી સાદગીથી જીવન જીવો.

(૧૫) બીજાઓ જે કરે છે તેમ ન કરો. બીજાઓ જે કહે છે સાંભળો અને તમને યોગ્ય લાગે તેમ જ કરો.

(૧૬) કોઇ પણ બ્રાન્ડનેમ પાછળ પાગલ ન બનો. બ્રાન્ડનેમ જોઈને ખરીદી ન કરો. તમને જેમાં સુવિધા લાગતી હોય તે જ વસ્ત્રો, ચશ્માં કે જૂતાં પહેરો.

(૧૭) બિનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી કરી પૈસા બરબાદ ન કરો. તમને જેની જરૂરિયાત છે તે જ વસ્તુઓ ખરીદો.

(૧૮) આખરે તમારું જીવન એ તમારું જ છે. બીજાઓ તમારા જીવન પર રાજ કરે તેવી તક બીજાઓને ન આપો. તમને જરૂર જ ન હોય છતાં કોઈ બ્રાન્ડનેમવાળી જ ઘડિયાળ તમે ખરીદો છો ત્યારે એ બ્રાન્ડ ધરાવતી કંપની આડકતરી રીતે તમારી પર રાજ કરે છે તે સત્ય સમજો.

(૧૯) વિશ્વના સુખી લોકો પાસે વિશ્વની શ્રેષ્ઠ બ્રાન્ડ ધરાવતી ચીજવસ્તુઓ હોતી જ નથી. તેમની પાસે જે ઉપલબ્ધ છે તેની જ તેઓ કદર કરે છે.


સર્જનવાણી: વિશ્વના બીજા નંબરના સહુથી ધનિક એવા વોરન બફેટને વિશ્વના સહુથી વધુ ધનવાન એવા બિલ ગેટ્સે એક વાર મળવાનું નક્કી કર્યું. બિલ ગેટ્સ માનતા હતા કે મારી અને વોરન બફેટ વચ્ચે કાંઈ જ ‘કોમન’ નથી. તેથી બિલ ગેટ્સે માન્યું કે વોરન બફેટ સાથે મારી અડધો કલાકની મિટિંગ પૂરતી છે, પરંતુ બિલ ગેટ્સ વોરન બફેટને મળવા ગયા અને વોરન બફેટ પાસેથી તેઓ પૂરા ૧૦ કલાક બાદ ઊભા થયા. તે દિવસ બાદ બિલ ગેટ્સ વોરન બફેટના ભક્ત અને પ્રશંસક બની ગયા.