Sunday, June 21, 2020

શિક્ષક - એક સર્જનકાર



" શિક્ષક ક્યારેય પણ સાધારણ હોતો જ નથી, નિર્માણ અને પ્રલય તેના જ થકી શક્ય છે. " -ચાણક્ય 

        એકવાર કોઈ વર્ગખંડમાં બેઠેલા 40 થી લઈને 60 સુધીની સંખ્યામાં વિસ્મયભરી આંખો વાળા ભૂલકાઓ વિસ્ફુરીત રીતે આજે કૈક નવું જાણવા મળશે તેવી અભીપ્સા સાથે શિક્ષકની રાહ જોતા હોય, શિક્ષક વર્ગખંડમાં જેવા પ્રવેશ કરે, અભિવાદન ની વિવિધ પદ્ધતિઓ સાથે સ્ટેન્ડિંગ ઓવેશન આપે! ગદગદિત થઈ જવાય. બેસવા માટેના ઓર્ડરની રાહ જુએ! શિક્ષકનો ઊંચો થયેલો હાથ ફક્ત બેસવાની સૂચના નથી આપતો, સાથે સાથે અંતરના ઊંડાણથી તથાસ્તુઃ પણ બોલે છે. બંને બાજુથી કાલી ઘેલી ભાષામાં વાત શરૂ થાય. શિક્ષક બાળક બને, બાળક સમજદાર! ક્યારેક કોઈ બાળકને આંખો કાઢીને ધમકાવતો શિક્ષક માતાની અધૂરી રહી ગયેલી બાળાગોળી ની અધૂરપ પુરી કરતા હોય છે! શિક્ષકને ખબર હોય છે કે વ્હાલ વરસાવવું જરૂરી છે સાથે સાથે ખબર પણ રાખવી પડે કે કોઈ બાળક વ્હાલપમાં બગડી ના જાય!

      કોઈ પણ ઉંમર ના વિદ્યાર્થી શિક્ષક સામે સન્માનપૂર્વક વર્તે તો અને તો જ શિક્ષા ગ્રહણ કરી શકે બાકી તે શિક્ષા ( ઠપકો) ના અધિકારી બને. શિક્ષકનું વર્ગખંડમાં હોવું એટલે ઈશ્વરનું મંદિરમાં હોવું. વન ઉપવન તો જ બને જો ત્યાં કલબલાટ હોય, માળી ની આવન જાવન હોય. શાળાનું બિલ્ડીંગ ત્યારે જ શાળા બને જ્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળામાં દાખલ થાય, ત્યાં સુધી મકાન ભાસે. આજે કેટલાય મકાનો શાળા બનવા તલસી રહ્યા છે!

      શિક્ષકનું યોગદાન સમાજે આંખો ખુલ્લી રાખીને, હૃદયના દ્વાર ખુલ્લા રાખીને સમજવું રહ્યું. જે સદીના શિક્ષકો નબળા પડશે, પછીની અનેક સદીઓ અગણિત નુકશાન ભોગવશે. જો સરહદો સાચવવા સૈનિકની જરૂર છે તો સરહદની અંદર વસતા માનવની રક્ષા, માણસાઈની રક્ષા કાજે શિક્ષકની જરૂર છે.

" શિક્ષક લાચાર બને તે નહીં ચાલે. શિક્ષક ધર્મ છોડે તે નહીં ચાલે "

     જેમ ખૂબ જ દુ:ખ-દર્દ વેઠીને પોતાના પિંડને જન્મ આપી માતા બાળકને ધરતી પર લાવે, તે બાળકને શિક્ષિત કરીને માણસ બનાવવનું ભગીરથ કાર્ય શિક્ષક કરે.સમાજ શિક્ષકની પડખે ઉભો રહે, હિંમત આપે તો અને તો જ સારા શિક્ષકો ટકી શકશે બાકી એક નબળો શિક્ષક કેટલી તારાજી લાવી શકે તે ક્લપના બહારનો વિચાર છે. મંદિરમાં અઢળક દાન આપતા પૂંજી પતિઓ આગળ આવે, શિક્ષણની જ્યોત જલતી રહે તે માટે આર્થિક સહયોગ કરે. સારા ડોક્ટરની જેટલી આજે જરૂર પડી છે તેનાથી અનેક ગણી જરૂરિયાત સારા શિક્ષકની હંમેશા રહેવાની, લખી રાખજો.
     
સર્જનવાણી :  જો પાકિસ્તાનમાં પણ સારા શિક્ષકો હોત તો આતંકવાદી ના પાકતે, સારા અને સાચા શિક્ષણની મોટી ખોટ દુનિયાને દઝાડી રહી છે. એક શિક્ષક તરીકે મારો અભિપ્રાય છે.


#આભાર સહ  #વોટ્સઅપ પરથી 

4 comments: